Homeદે ઘુમા કેMaster Review: તો શું આ બોલિવુડનો અસ્ત છે ?

Master Review: તો શું આ બોલિવુડનો અસ્ત છે ?

ઝાલાવાડી જલજીરા : 2010ની સાલમાં જલજીરાના એક જ્ઞાની મિત્રએ તેને કહેલું કે હવે બોલિવુડ થોડાં વર્ષો જ ચાલશે, સુપરસ્ટારની આ છેલ્લી બેન્ચ છે. ભારે પવનના કારણે દીવો કંઈક વધારે જ પ્રકાશમાન થઈ રહ્યો છે. તેના ઠરવાનો વખત આવી ગયો છે.

એ વખતે જલજીરાએ તેને હસી કાઢેલો પણ આજે દસેક વર્ષ પછી ઝાલાવાડી જલજીરાને તેનો એ જૂનો મિત્ર યાદ આવે છે. એ થોડા અંશે તો સાચું જ કહેતો હતો. હિન્દી સિનેમાના અસ્તિત્વ સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. 2019માં ટ્રેલર બતાવીને તૈયાર કરી દીધેલી તેની ફિલ્મોની રિલીઝ ડેટના નેઠા નથી અને અહીંયા KGFની રિલીઝ ડેટ સામે આવી જતા ગામ આખું હિલોળે ચડ્યું છે. જાણે રમેશ પારેખની કવિતામાં પેલી છોકરીના હાથમાંથી રૂમાલ પડી ગયો હોય અને ગામ આખું લેવા ટોળે વળતું હોય.

સાઉથ એક અલગ જ સિનેમા છે. તેની ભંગાર ફિલ્મ પણ જોવાય છે અને એ જોયા પછી બીજા લોકો કહે પણ છે કે આ ફિલ્મ સારી હતી. એટલે કે હિન્દી સિનેમાની તુલનાએ દક્ષિણની ખરાબ ફિલ્મો પણ ખૂબ સારા વિષયને લઈ સામે આવે છે. બોલિવુડ હજુ એકઢબની ફિલ્મો બનાવે છે. તેને તેમાંથી બહાર આવવું પડશે. દક્ષિણની રિમેકો હવે નહિ બનાવી શકે, કારણ કે ગુજરાતમાં તમિલ કે તેલુગુમાં દક્ષિણની ફિલ્મ લાગે તો તે પણ જોવા માટે જનારા લોકોની એક નિશ્ચિત સંખ્યા છે.

રવિશ કુમાર બિહારમાં રિપોર્ટિંગ કરતા હતા. એક સીડી પાર્લરની દુકાને જઈ ચડ્યા. સીડી જેવું કંઈ યાદ છે કે નહિ ? એ દુકાનમાં મોટાભાગની દક્ષિણની ફિલ્મોની સીડી ને ડીવીડી હતી. રવિશભાઈ તો ચોંકી ગયા. દુકાનદારે તેમને જવાબ આપ્યો કે અહીં બધા આ જ જુએ છે. બધાને બધા હીરોની ખબર છે. રવીશજી એ જાણી દંગ રહી ગયા કે દક્ષિણની ફિલ્મોએ બિહારમાં પગદંડો જમાવી દીધો છે. દેશના એક એક પ્રાંતમાં દક્ષિણની ફિલ્મો પગપેસારો કરી ચૂકી છે.

વાત કરીએ માસ્ટરની. માસ્ટરને ગુજરાતીમાં આપણે માસ્તર કહીએ. જે ભણાવતો હોય. આ એક એવા પ્રકારની ફિલ્મ છે જે વિજયની જ જૂની ફિલ્મોનો પડછાયો છે. જોકે તે જોવા પાછળનું બીજું મોટું કારણ અભિનેતા વિજય સેતુપતિ છે. જેણે 96, વિક્રમ વેધા અને ડિલક્ષ જેવી ભેજું ઘુમાવી નાખતી ફિલ્મો આપી છે.

વિજય સેતુપતિ આ ફિલ્મમાં વિલન બન્યો છે. પરિણામ એ આવે છે કે ઈલયાથલપથી વિજયના ફેન્સ તો જોવાના જ જોવાના પણ વિજય સેતુપતિના ફેન્સ પણ જોવાના. હીરોઈનનું આ ફિલ્મમાં ઈમોશનલવેડા કરવા સિવાય કંઈ કામ નથી. છતાં તેની હાજરી જોઈએ જ નહિતર વિજયના ફેન્સને ન ગમે.

એક નવો વિષય છે. સુધારગૃહનો. જ્યાં વિલન વિજય સેતુપતિ છોકરાઓના ક્રાઈમમાં વૃદ્ધિ કરાવે છે. એ ખૂદ એ જગ્યાએથી મોટો થયો છે. તેણે તમામ યાતનાઓ સહી છે. હવે એ બીજાઓને એ યાતના આપે છે. પોતે છાંટો પાણી કરતો નથી પણ છોકરાઓને કરાવે છે. તેને એક નેતા બનવાની ઈચ્છા છે. આપણો હીરો વિજય ઈલયાથલપથી મનોવિજ્ઞાનનો પ્રોફેસર છે. એ ખૂબ દારૂ ઢીંચે છે. તેને ત્રણ મહિના માટે સુધારગૃહમાં બાળકો સુધારવાના કાર્યસર મોકલવામાં આવે છે. જે તેને ગમતું નથી. ને પછી શું થાય છે ? પછી બસ મજા જ મજા આવ્યા રાખશે.

સીન વનથી શરૂ કરીએ. મને શરૂઆતની દસ મિનિટ અમિતાભ બચ્ચનની અગ્નિપથની યાદ અપાવી ગઈ. તેમાં ત્રણ ગુંડાઓ એક છોકરાનું પાલન પોષણ કરી તેને મોટો કરે છે અને બાદમાં એ જ છોકરો મોટો થઈ માલિકોની હત્યા કરી નાખે છે. અહીં પણ એ જ વસ્તુ દેખાય છે.

કોલેજનો જે સીન છે એ નાગાર્જુનની શિવાની યાદ અપાવે છે. વિદ્યાર્થી ઈલેક્શનનું ટાણું. સતત એક કલાક દિગ્દર્શક લોકેશ કનાગરાજને હીરો વિજય અને વિલન વિજયને એસ્ટાબ્લિશ કરવામાં લીધી છે. છતાં જુઓ, એક પણ વખત એવું ન લાગે કે યાર મજા નથી આવતી. એક એક સીન પર તમે સીટી મારી શકો અને મનોરંજન મેળવી શકો.

વિજયના બસ પાછળ ભાગતા એન્ટ્રી સીનથી જ તમારે સમજી જવાનું છે કે આ ફિલ્મ પૂરતા મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. તમારે આ ફિલ્મમાં ખોડખાંપણ કાઢવાની કોઈ જરૂર નથી. મને એક એક્શન સીનમાં અને એક મોબાઈલને ઘા કરતી વખતે ખોડખાંપણ નજરે ચડી. તમને નજરે ચડે છે કે નહિ એ તમે ખૂદ તપાસજો.

દિગ્દર્શક પર સમરકંદ બુખારા ઓવારી જાઉં જો મારી પાસે હોય તો! ખૂબ ઓછી ક્ષણ માટે કેટલાક પાત્રો આવે છે, પણ એકેય પાત્ર પોતાની છાપ છોડ્યા વિના જતું નથી. નાનામાં નાનું કેરેક્ટર ત્યાં સુધી કે કોઈનો તો ફક્ત પાંચ મિનિટનો જ રોલ છે તો એ પણ સ્ક્રિન પર બઘડાટી બોલાવી નાખે છે. કારણ ? કારણ તેની પાસે મજબૂત પટકથામાં બોલવા માટે કેટલાક સારા સંવાદો છે. ભજવવા માટે બેસ્ટ સીન છે. કબડ્ડીના સીનમાં વિજયનું ઉધાર કડું લઈ બહાદુરી બતાવવા આવતો છોકરો હુરિયો પડાવી દે એમ કેમેરાની સામે એક્સપ્રેશન આપે છે. આ ફિલ્મે સાઉથને ઘણી નવી અને સારી ટેલેન્ટ આપી છે. બાળ કલાકારોની સાથે વિલનો પણ આપ્યા છે. સાઉથ પાસે તો ખૂંટીયા જેવા વિલનો ખૂંટતા જ નથી!

માસ્ટર સુધી તો સાઉથે સંગીત અને તેમાંય અવ્વલ દરજ્જાનું BGM આપવાનું નથી છોડ્યું. શરીર પરના રૂંવાડા ઊભા થઈ જાય બોસ. એ સંગીત સાંભળો અને તમારો કોઈ દુશ્મન તમારી સામે આવી જાય તો તેને પણ તમે પાટું મારી ભોંય ભેગો કરી દો! મને ખબર છે મેં વાત થોડી વધારીને કહી દીધી, પણ ફુલ ટુ સિનેમાપ્રેમી થઈએ તો બેકગ્રાઊન્ડમાં દમ તો છે. તેની રિંગટોન તો સાઉથના મોબાઈલે મોબાઈલે સેટ થવા લાગી છે. સંગીત બાબતે સાઉથ પાસે ઉણપ નથી. ઈલિયારાજા, રહેમાન અને હવે અનિરૂદ્ધ. અનિરૂદ્ધે તો સુધારગૃહમાં વપરાતી ભોજનની થાળીનોય સંગીતમાં ઉપયોગ કરી લીધો.

ઈન્ટરવલ પડવાનો છે એ સીનમાં વિજય સેતુપતિ જે ‘આઈએમ વેઈટિંગ’ સંવાદ બોલે છે. તે ડાઈલોગ વિજયની જ 2014માં આવેલી ફિલ્મ કત્થીમાંથી લેવામાં આવ્યો છે.

વિલન વિજય સેતુપતિએ પોતાના અભિનયને ઈમ્પ્રુવ કર્યો છે. એ ઓછું હસે છે. સંવાદમાં ડર પણ પેદા કરી શકે છે અને મજાક પણ લાવી શકે છે. તેના ખૂદના માણસો તેની નજીક જાય તો પણ આપણને ડર ફિલ થાય કે ક્યાંક આનું ગળું ન દબાવી દે. એ રાક્ષસ છે. એ સાબિત કરવા સ્નાન કરતાં સીનમાં તો વાળને રાક્ષસની માથે શિંગડા ઊગ્યા હોય તેમ ઊંચા કરી નાખે છે. આ વખતે અભિનયમાં તેણે એક સ્ટાઈલ વિકસિત કરી છે. એ વિરોધીને મારે છે. માર્યા પછી હાથને પોતાના જ શર્ટમાં અને છાતીની અંદર લૂંછે છે. વિજય સેતુપતિએ વિલન તરીકે કદાવર શરીરનો ડરાવવામાં ભરપૂર ઉપયોગ કર્યો છે.  

વિલનનો અંત જે રીતે કરવામાં આવ્યો છે એ તમિલની જ કાખાકાખાની યાદ અપાવે છે. જ્હોન અને વિદ્યુતની ફોર્સ ફિલ્મ. જોકે તેને તો માત્ર એક સંયોગ જ કહી શકાશે. સાઉથ લવસ્ટોરી પણ અદભુત બનાવે છે. એ સાયન્સ ફિક્શન અને હોરરમાં પણ મજા લાવી દે છે. એક્શન વિશે તો કંઈ કહેવાય જ નહીં. કોરોના પછી બોલિવુડની એક પણ ફિલ્મ થીએટરમાં ન ચાલી. ત્યાં સુધી કે કોઈ મોટો સ્ટાર પણ થીએટરમાં રિલીઝ કરતાં ડરે છે. રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર સૂર્યવંશમ્ તૈયાર છે. અજય અને રણવીર તેમાં મફતમાં છે. છતાં રિલીઝ ડેટ ફાઈનલ નથી કરી રહ્યા. તેની જગ્યાએ માસ્ટર કોરોના પછી રિલીઝ થઈ. 200 કરોડ ઉપર કમાણી કરી ગઈ.

OTT અને સાઉથના કારણે બોલિવુડ ધીમે ધીમે હાસ્યામાં ધકેલાય રહ્યું છે. બોલિવુડને શું હવે સાઉથનો ડર લાગે છે? તેની પાસે પટકથાઓ નથી રહી ? માસ્ટરની હવે હિન્દીમાં રિમેક બનવાની છે. વિક્રમ વેધામાં ઋત્વિક અને સૈફ ફાઈનલ થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments