Team Chabuk : મહારાજા વિક્રમાદિત્ય ગુણોના સાગર હતા. તેમના જેવો ન્યાયપ્રિય, સર્વશ્રેષ્ઠ દાની અને ત્યાગી કોઈ ન હતું. આ નૃપોચિત ગુણો સિવાય તેમનામાં વધુ એક ગુણ હતો. એ ખૂબ જ મોટા શિકારી હતા. કોઈ પણ હથિયારના ઉપયોગ વિના પણ તેઓ હિંસકમાં હિંસક જાનવરનો શિકાર કરી શકતા હતા.
તેમને ખબર પડી કે એક માનવભક્ષી હિંસક સિંહે રાજ્યમાં ભારે ઉત્પાત મચાવીને રાખ્યો છે અને અસંખ્ય લોકોનું ભક્ષણ કરી ચૂક્યો છે. મહારાજા વિક્રમાદિત્યએ પસંદગીના શ્રેષ્ઠ સૈનિકોની એક ટૂકડી સાથે સિંહના આખેટ પર જવાની યોજના બનાવી.
જંગલમાં જતાં જ કોઈનો શિકાર કરીને આરામથી ઉંઘતો સિંહ તેમને દેખાયો. વિક્રમાદિત્યએ સિંહનો પીછો કર્યો. સિંહ ઘોડાનાં ડાબલાનો અવાજ સાંભળતા જ ઝાડીઓમાં ઘુસી ગયો. રાજાએ ઘોડા પર સવાર થઈ ખૂબ શોધ્યો પણ મળ્યો નહિ એટલે તેમણે ઘોડા પરથી ઉતરી પગપાળા જ સિંહની શોધ કરવાની શરૂઆત કરી.
ઝાડીઓમાં છુપાયેલો સિંહ તેમને ક્યાંય નજરે નહોતો પડી રહ્યો. ને એકાએક ઝાડીઓ પાછળથી સિંહ તેમના પર કૂદી પડ્યો. રાજાએ ભારે ચાલાકીથી સિંહ પર તલવાર ઉગામી. તલવારનો વાર બરાબર નહોતો થયો. ઝાડીઓ આડી આવી જવાના કારણે તલવારનો વેગ ધીમો પડી ગયો હતો. તલવારના નજીવા સ્પર્શથી ઘાયલ થયેલા સિંહે ગર્જના કરી અને પાછળ હટી ગીચ જંગલમાં ચાલ્યો ગયો.
મહારાજા વિક્રમાદિત્ય એટલી સ્ફૂર્તિથી સિંહનો પીછો કરવા માટે ભાગ્યા કે તેમના વીર સૈનિકો પણ પાછળ રહી ગયા. સિંહ સામે આવ્યો. રાજાનો ઘોડો પણ દોડતા દોડતા તેમની સાથે જ આવી ગયેલો.
ઝાડીમાં સિંહની શોધ કરતા રાજા પર ફરી સિંહે હુમલો કર્યો. જોકે આ વખતે સિંહે શિકારનું મૂડ બદલી લીધું હતું. તેણે રાજાની જગ્યાએ રાજાના ઘોડા પર હુમલો કર્યો. ઘોડો ઘાયલ થયો. સિંહના નહોર તેના શરીરમાં ખૂંપી ગયા. લોહીનો ફૂંવારો છૂટ્યો. રાજા ચિંતિત થઈ ગયા.
રાજા ઘોડાને બચાવવા ઈચ્છતા હતા પણ લોહી તો જાણે નદીમાં આવેલું પુર હોય એમ નીકળી રહ્યું હતું. એ સિંહથી તેમની રક્ષા માટે કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવા માગતા હતા. જેથી ઘાયલ ઘોડાને લઈ તેઓ આગળ વધી ગયા. પીડાથી કણસતો ઘોડો મંથર ગતિએ ચાલી રહ્યો હતો.
એ ગીચ જંગલમાં રાજાને દિશાનું કોઈ ભાન નહોતું. ઉપરથી હુમલો કરી ભાગી ગયેલો સિંહ પણ નજીકમાં જ હતો. એ ચાલાક હતો અને ગમે ત્યારે ગડગડતી હડી કાઢી ઘોડો ને ઘોડો નહીં તો રાજા પર હુમલો કરવાની ફિરાકમાં બેઠો હતો.
વનમાં ચાલતા ચાલતા તેમણે એક નદી જોઈ. એ ઘોડાને પાણી પીવડાવવા માટે નદી સુધી લઈ આવ્યા પણ સિંહના મારકરણા હુમલાના કારણે રક્ત કંઈક વધારે જ વહી ગયું હતું. ઘોડાએ શ્વાસ તોડી દીધા.
ઘોડાને મૃત્યુ પામેલો જોઈ રાજા દુ:ખી થઈ ગયા. સંધ્યા ટાણું થવા આવ્યું હતું. તેમણે આગળ ન વધવું જ યોગ્ય સમજ્યું. એ એક વૃક્ષને ટેકે પીઠ રાખી આરામ કરવા લાગ્યા.
અચાનક રાજાને ખળખળ વહેતા પાણીમાં હલચલ દેખાઈ. તેમણે જોયું તો બે વ્યક્તિ હતા. તરતા મડદાને બંને બાજુથી પકડી ઝઘડી રહ્યા હતા. રાજા તો વિચારમાં પડી ગયો કે એક મરેલા માટે બે વ્યક્તિઓનો ઝઘડો ? રાજા જુએ છે કે લડતા લડતા એ બંને મૃતદેહને નદીના કિનારે લાવ્યા.
બંને વ્યક્તિઓનું રાજાએ અવલોકન કર્યું. એક વ્યક્તિએ માનવ ખોપડીઓની માળા બનાવી પહેરી હતી. ચહેરાથી તે અત્યંત બીભત્સ અને ભયજનક લાગી રહ્યો હતો. એ અઘોરી હતો. બીજો વેતાલ હતો. જેની પીઠનો ઉપરનો ભાગ નદીથી થોડે ઊંચો ઉડી રહ્યો હતો.
એ બંને મડદા પર પોત પોતાનો અધિકાર જમાવતા હતા. રાજાએ બંનેની દલીલો સાંભળી
અઘોરીએ ક્રોધમાં કહ્યું, ‘આ મડદું મારું છે. છોડી દે. તાંત્રિક સાધના માટે મારે આ મડદાની આવશ્યક્તા છે.’
વેતાલ તેને જવાબ આપતો હતો, ‘હું નહિ છોડીશ અઘોરી. હું કેટલાય સમયથી ભૂખ્યો છું. મારા પેટે લાંબી પ્રતીક્ષા કરી છે અને હવે મને આ મડદું મળ્યું છે. જે થવું હોય એ થાય. હું આને છોડીશ નહિ. આ મડદાને પેટમાં પધરાવીને જ રહીશ. હાહાહાહાહા….’
બંનેની દલીલ લાંબી ચાલી. બેઉંમાંથી એક પણ મડદા પરનો પોતાનો અધિકાર ત્યજવા નહોતાં માગતાં. મડદાને ખેંચતાં વેતાલ અને તાંત્રિકે ઝાડને ટેકે આરામ ફરમાવતા અને આ ઝઘડાને જોતા વિક્રમને જોયો.
અઘોરીએ વેતાલને કહ્યું, ‘આ ત્રીજા માણસ પાસે જ નિર્ણય લઈ લઈએ તો? દેખાવમાં પણ રાજા જેવો જ લાગે છે અને હું સાચું કઉં તો ન્યાય પણ કરી શકશે.’
‘તારી વાત યથાયોગ્ય છે. મને તો એમ કે તારે મગજ જ નથી.’ વેતાલ અઘોરી પર હસવા લાગ્યો.
એમણે મડદું કોનું ? આ ન્યાય કરવાનું વિક્રમને કહ્યું.
વિક્રમે કહ્યું, ‘મને મંજૂર છે. હું તમારા માટે ન્યાય કરીશ. પણ મારી બે શરત છે.’
‘શું?’ બંને એક સાથે બોલ્યા.
‘પ્રથમ શરત એ કે મારો નિર્ણય અંતિમ હશે અને તમારે તેને માનવો પડશે, બીજું એ કે હું ન્યાય કરીશ તો તમારે મને કંઈક આપવું પડશે.’
અઘોરીએ આગળ આવી રાજાને બટવો આપ્યો. જે ચમત્કારી હતો. એ બટવા પાસે જે માગો તે મળી જતું હતું. વેતાલે તેને મોહિની કાષ્ઠનો ટૂકડો આપ્યો. જેને શરીર પર ઘસવામાં આવે તો અદૃશ્ય થઈ શકાય.
વિક્રમે બંનેને કહ્યું, ‘વેતાલ તારે તો ભોજન જ કરવું છે ને ? કોઈનું પણ ? તો પછી મારા ઘોડાને જ ખાઈ જા. તારી ભૂખ મટી જશે અને મડદું અઘોરી લઈ જતા તેની તાંત્રિક સાધના પણ થઈ જશે.’
વિક્રમાદિત્યનો આવો ઊંચો ન્યાય સાંભળી બંને ખુશ થઈ ગયા. સંતોષ પામી ચાલ્યા ગયા.
રાત થવાની હતી. રાજાએ બટવા પાસેથી ભોજન માગતા ભાત ભાતના ભોજનો આંખ સામે આવી ગયા. રાતના જંગલી જાનવરોથી બચવા માટે રાજાએ વેતાલે આપેલા ટૂકડાને શરીર પર ઘસ્યો અને તે ગાયબ થઈ ગયો. એ રાત તો રાજા ઊંઘી ગયો. બીજી સવાર થતાં જ કાલી માતાએ આપેલા બંને વેતાલનું સ્મરણ કર્યું અને તેમને ઉજ્જૈનની સીમા પાસે પહોંચાડવાનું કહ્યું.
મહેલ તરફ જતા જ હતાં કે તેમને એક ભીખારી મળ્યો. એ ભીખારીને તેમણે અઘોરીએ આપેલો બટવો આપી દીધો. જેથી તેને ભોજન માગવાની કોઈ દિવસ જરૂર ન પડે.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત