Homeગામનાં ચોરેઈઝરાયલના દૂતાવાસ બહાર વિસ્ફોટમાં આ દેશ પર શંકાની સોય તણાઈ

ઈઝરાયલના દૂતાવાસ બહાર વિસ્ફોટમાં આ દેશ પર શંકાની સોય તણાઈ

Team Chabuk-National Desk : દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ બહાર વિસ્ફોટ બાદ ભારતીય તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. દિલ્હી પોલીસ, NIA અને ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પણ બ્લાસ્ટ પાછળ કોણ જવાબદાર છે તેનું પગેરું શોધી રહી છે. ભલે આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લઈ લીધી છે પરંતુ અટકળો એવી છે કે, ભારત અને ઈઝરાયલના સંબંધો મજબૂત બન્યા છે જેને લઈને ઈરાનના પેટમાં તેલ રેડાયું છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું પરંતુ ઈરાન પર શંકાની સોય લટકી રહી છે.

ઈરાની નાગરિકોની તપાસ

દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ઇઝરાઇલી દૂતાવાસની બહાર બોમ્બ વિસ્ફોટમાં ઈરાન કનેક્શનની તપાસ કરી રહી છે. સ્પેશિયલ સેલે FRRO પાસેથી ઇરાની નાગરિકો વિશે માહિતી માંગી છે. છેલ્લા એક મહિના દરમિયાન ભારત આવનારા અને ઈરાનની મુલાકાતે આવેલા લોકોની માહિતી પણ મંગાવવામાં આવી છે. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, વીઝાની મુદત પુરી થયા બાદ કોઈ ઈરાની નાગરિક ભારતમાં રોકાયો છે કે કેમ. શનિવારે પોલીસ લાજપત નગર અને ભોગલ વિસ્તારમાં ગઈ હતી અને કેટલાક લોકોની પૂછપરછ કરી હતી.

કેબમાં કોણ-કોણ આવ્યું ?

પોલીસ સૂત્રોનું માનીએ તો, કેબ સેવાઓ આપતી કંપનીઓ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે. તેમને પૂછવામાં આવી રહ્યું છે કે, બ્લાસ્ટના દિવસે ડો.અબ્દુલ કલામ રોડ પર બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોણે-કોણે અને ક્યાંથી સર્વિસ માગી હતી.

ઈરાની નાગરિકોની સંડોવણી ?

સૂત્રોનું માનીએ તો દૂતાવાસ બહારથી મળેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો બે ઇરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે હતો. તેના આધારે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, વિસ્ફોટમાં ઈરાની નાગરિકોની સંડોવણી છે. જો કે, અન્ય દિશામાં પણ તપાસ ચાલુ છે.

અલ કાયદાએ આપી હતી ધમકી !

ઇઝરાયલી દૂતાવાસની બહાર IED બ્લાસ્ટ માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન અલ કાયદાને શંકાના દાયરામાં રાખ્યું છે. કારણ કે, 23 જાન્યુઆરીએ અલ કાયદાએ ઇ-મેઇલ કરીને હુમલો કરવાની ધમકી આપી હતી. IBએ ત્યારબાદ અલર્ટ પણ જાહેર કર્યું હતું. ઈઝરાયલને ધમકી આપતા અલ કાયદાએ કહ્યું કે, યેરુસલેમ ક્યારેય યહૂદીઓનું ન હોઈ શકે. તેના પર મુસ્લિમોનો હક છે. અલ કાયદાએ ઇઝરાયલ સહિત વિશ્વના ઘણા દેશો પર હુમલો કરવાની ધમકી આપી હતી. એટલે જ દિલ્હી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.

આસપાસના CCTV કેમ બંધ હતા ?

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, જે સમયે વિસ્ફોટ થયો તે સમયે  આસપાસના મોટભાગના CCTV કેમેરા બંધ હતા. એક કે બે કેમેરાનાં ફૂટેજ મળ્યાં છે. જેના આધારે પોલીસને જાણ થઈ છે કે, બ્લાસ્ટના થોડા સમય પહેલા જ બે શંકાસ્પદ લોકો કેબમાં પહોંચ્યા હતા. આ શંકાસ્પદ વ્યક્તિઓએ જ દૂતાવાસ નજીક કોઈ શંકાસ્પદ વસ્તુ રાખી હતી અને જતા રહ્યા હતા. પોલીસે શનિવારે એક બંગલાની DVR પણ કબજે લીધી છે. તેને તપાસ માટે મોકલવામાં આવી છે.

દુપટ્ટાનું રહસ્ય શું છે ?

દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં પોલીસને એક બોલ બેરિંગ, બળી ગયેલી પોલિથીન, બેટરીના ભાગો અને અડધા બળી ગયેલા ગુલાબી સ્કાર્ફ મળ્યા છે. આ ગુલાબી દુપટ્ટાના રહસ્યનો ભેદ ઉકેલવા તરફ પણ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. આશંકા એવી છે કે, આરોપીઓએ આ દુપટ્ટામાં જ ઢાંકીને બોમ્બ લાવ્યા હતા. પોલીસે દુપટ્ટાને કબજે લઈ FSLમાં તપાસ માટે મોકલી દીધો છે. દુપટ્ટાનું કાપડ ભારતનું છે કે વિદેશનું તે જાણવાનો પ્રયાસસ પણ શરૂ કરાયો છે.

આમ, હાલ દિલ્હી પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને મોસાદ બ્લાસ્ટના રહસ્યને ઉકેલવા માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. આગામી સમયમાં બ્લાસ્ટ અંગે ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments