Homeદે ઘુમા કેજેની પાસેથી ટેસ્ટમાં પણ વનડેની જેમ રનની વણઝાર સ્થાપી દેવાની અપેક્ષા હતી...

જેની પાસેથી ટેસ્ટમાં પણ વનડેની જેમ રનની વણઝાર સ્થાપી દેવાની અપેક્ષા હતી તેનો ખરાબ સમય કઈ રીતે આવ્યો?

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકાની વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો આરંભ ચોથી માર્ચથી મોહાલી ખાતે થવાનો છે. અહીં વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. વિરાટ 100મી ટેસ્ટ મેચ રમનારો બારમો ભારતીય ખેલાડી બનવાનો છે. અત્યાર સુધી વિરાટ કોહલીની કારકિર્દી ભારે ઉતાર-ચઢાવ વાળી રહી છે. ભારતીય ધરતી પર કમાલ કરનારા વિરાટ કોહલીને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં તેણે રન બનાવ્યા હતા. ટેકનિક બદલી ઈંગ્લેન્ડની ધરતી પર પણ તેણે કમાલ કરી બતાવ્યો હતો. હવે વિરાટ ફરી એક વખત રન બનાવવા મામલે સંઘર્ષ કરી રહ્યો છે. તેની છેલ્લી સેન્ચુરી 2019માં લાગી હતી. એ પછી વિરાટ માટે સદીમાં દુકાળની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. નવેમ્બર 2019થી વિરાટે એક પણ સેન્ચુરી ફટકારી નથી. આમ છતાં તેની એવરેજ 40ની નજીક છે. જે ન તો ખરાબના ચોગઠામાં આવે છે ન તો સારાના. વિરાટની કારકિર્દીનો આ સૌથી ખરાબ સમય રહ્યો છે. વિરાટની ટેસ્ટ કારકિર્દીને કુલ ચાર ભાગમાં વિભાજીત કરી શકાય. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકતા જ વિરાટ કોહલીએ દસ વર્ષ સુધી બેટ્સમેન તરીકે તમામ ફોર્મેટમાં રન મામલે એકચક્રિય શાસન ભોગવ્યું હતું. હવે કિંગ કોહલીને પણ સેન્ચુરી ફટકારવા માટે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે.

શરૂઆતની 25 ટેસ્ટ સામાન્ય રહી

વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનારા વિરાટ કોહલીનો શરૂઆતમાં રેકોર્ડ સારો નહોતો રહ્યો. આરંભના 25 મેચમાં વિરાટે એવું કોઈ મોટું કામ નહોતું કર્યું કે તેને દાયકાનો શ્રેષ્ઠ ક્રિકેટર કહી શકાય. વિરાટે પોતાની શરૂઆતની 25 ટેસ્ટ મેચમાં 43 ઈનિંગ રમી હતી, જેમાં 43.35ની એવરેજથી 1730 રન બનાવ્યા હતા. જેમાં છ સેન્ચુરી અને નવ હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આ સમય કંઈક એવો હતો કે વિરાટ કોહલીનો વનડેમાં પરચમ કાયમ હતો. ક્રિકેટ વિશ્લેષકોને લાગી રહ્યું હતું કે વિરાટ માટે ટેસ્ટમાં પણ ધડાધડ રન બનાવવા સામાન્ય વાત રહેશે, પરંતુ એવું કશું થયું નહોતું.

ટેસ્ટના સુવર્ણકાળની શરૂઆત

વિરાટે પોતાની કારકિર્દીના બીજા 25 મેચ અર્થાત્ 26-50માં એ સાબિત કરી દીધું કે તેની અંદર શીખવાની ધૂન છે અને તે ટેસ્ટ મેચમાં પણ લાંબી રેસનો ઘોડો છે. 26થી 50 મેચમાં વિરાટ કોહલીએ કુલ 43 ઈનિંગમાં 51.45ની એવરેજથી 2161 રન બનાવ્યા હતા. ટેસ્ટની આ ઈનિંગમાં તેણે આઠ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી ફટકારી હતી. આ એ સમય હતો જ્યારે ટેસ્ટમાં પણ તેનું એક નામ બની ચૂક્યું હતું અને ટેસ્ટનું સુકાનીપદ પણ તેના હાથમાં આવી ગયું હતું. અહીંથી વિરાટ કોહલી અને ભારતીય ટેસ્ટ ટીમનો સુવર્ણકાળ શરૂ થયો.

સુકાની અને ખેલાડી તરીકે અવ્વલ

પોતાની ટેસ્ટ કારકિર્દીના ત્રીજા ચરણમાં એટલે કે 51-75 મેચમાં વિરાટે એક ખેલાડી તરીકે ક્રિકેટ વિશ્વમાં એકલપંડે શાસન કર્યું. ભારતીય ટીમના સુકાની તરીકે તેણે વિદેશમાં જઈ મેચ જીત્યા. ભારતનો ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત થયો. આ સમયે તેણે 42 ટેસ્ટ મેચમાં 67.10ની એવરેજ સાથે 2617 રન બનાવ્યા હતા. જેમાં તેણે 11 સેન્ચુરી અને છ હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સમયે તેણે 64 ટકા હાફ સેન્ચુરીને સેન્ચુરીમાં તબ્દિલ કરી દીધી હતી.

2019થી સંઘર્ષનો સમય

અંતિમ 24 મેચની જો વાત કરવામાં આવે તો વિશ્વ ક્રિકેટમાં અવ્વલ ખેલાડી તરીકે શાસન ભોગવ્યા બાદ તેના સંઘર્ષનો કાર્યકાળ હાલ ચાલી રહ્યો છે. નવેમ્બર 2019 બાદ વિરાટ કોહલી એક પણ સેન્ચુરી ફટકારી નથી શક્યો. તેની એવરેજમાં પણ ઘટાડો નોંધાયો છે. ત્રણે ફોર્મેટમાંથી તેનું સુકાનીપદ પણ છીનવી લેવામાં આવ્યું છે. મોટાભાગે તે ઓફ સ્ટમ્પની બહારની બોલમાં આઉટ થયો છે. પોતાની કારકિર્દીના અંતિમ 24 એટલે કે 76-99 મેચમાં વિરાટે 40 ઈનિંગ રમી, જેમાં 38.26ની એવરેજથી તેણે 1454 રન બનાવ્યા હતા. તેણે ફક્ત બે સેન્ચુરી ફટકારી હતી, તો નવ વખત હાફ સેન્ચુરી ફટકારી. હવે એક એવી આશા પણ સેવવામાં આવી રહી છે કે સુકાનીપદના દબાણ હેઠળ વિરાટનું પ્રદર્શન સતત કથળતું જઈ રહ્યું હતું. હવે તેની પાસે કોઈ પણ ફોર્મેટનું સુકાનીપદ નથી. મોહાલીના મેદાનમાં કોહલી પ્રથમ વખત રોહિત શર્માના નેતૃત્વમાં માત્ર એક ખેલાડી તરીકે ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. હવે કોહલી 71મી આંતરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments