હું જ મને લખવાને બ્હાને,
વેરાયો છું પાને-પાને.
ટેવ તને ધાર્યું કરવાની
મારું સૂચન માંગ્યું શાને?
સ્મિત તમારું ચોરસ ચોરસ,
પૂરાયો છું ખાને-ખાને
વાત ખરેખર સારી છે હોં,
નાખી જો ભીંતોનાં કાને.
જોઈ તમારું હસવું લાગ્યું,
વન ઊગ્યું જાણે વેરાને.
જેવો છું એવો છું હું તો,
અફવા-બફવા એની માને.
-કવિ અનિલ વાળા
માનવજીવનના ઊંડાણને સાવ સરળ શબ્દોમાં બયાન કરતી અનિલ વાળાની આ સુંદર ગઝલ છે. ગઝલની વાત નથી માંડવાની. વાત માંડવાની છે શોખની. શોખ કેવા હોય ?
સામાન્ય માણસો હરવા, ફરવા, રમવા કે કોઈ ખાસ વસ્તુનું કલેક્શન કરવા સુધીના શોખ ધરાવતા હોય. કોઈનો શોખ મ્યૂઝિક, ચિત્રકળા કે વાંચન હોય. કોઈને કાર, બાઈક લેવાનો શોખ હોય. પણ દુનિયામાં ઘણા એવા લોકો છે જેનો શોખ આપણે આશ્ચર્યમાં મુકી દે. ટેટૂ. શરીર પર થોડા ટેટૂ ઠીક છે. જેમ કે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી.
પણ આખે આખા શરીર પર ટેટૂ જ ટેટૂ!! વાત તો થોડી નવાઈ પમાડે તેવી છે. બીજું કે મોટા ભાગના લોકોને સુંદર દેખાવાનો પ્રયાસ કરતા હોય છે, પણ હું એમ કહું કે એક ભાઈને ભૂત જેવા દેખાવાનો શોખ છે તો તમે માનશો ?

હું એમ કહું કે એક ભાઈ છે જેણે ભયાનક દેખાવા માટે કાન, નાક, જીભ કપાવી નાખ્યા છે તો તમે માનશો ? છે ને નવાઈની વાત. ચાલો આજે આપણે આવા જ કેટલાક લોકોને મળીએ. સાથે સાથે વિરાટ કોહલીના શરીર પરના ટેટૂનું રહસ્ય પણ જાણીએ.
- બ્રાઝિલ.
- નામઃ માટો ગ્રોસો દો સુલ ઉર્ફે ઓર્ક
- ઉંમરઃ 41 વર્ષ
- કામઃ ટેટૂ આર્ટિસ્ટ
- શોખઃ ઓર્ક (orc)જેવા દેખાવું અને શરીર પર ટેટૂ કરાવવા
બ્રાઝિલમાં રહેતા ટેટૂ આર્ટિસ્ટ માટો ગ્રોસો દો સુલને ભયાનક દેખાવાની લગની લાગી ગઈ. આ ભાઈને હોલિવૂડ મૂવીના ઓર્ક થવું હતું. ઓર્ક. જેના દાંત બહાર છે. મોઢું અસ્તવ્યસ્ત છે. કાન કપાયેલા છે. જીભના બે ભાગ છે. નાક છે પણ કે નથી, તેની ખબર પડતી નથી. લોર્ડ ઓફ ધ રિંગ્સમાં આવતા ભયાનક દૈત્યો હોય છે એવું દેખાવું હતું. જેની એક ઝલક તમે ઉપરની તસવીરમાં જોઈ ચૂક્યા છો.
અંધારામાં જુઓ તો નબળા મનના માનવીના શરીરનું તાપમાન વધી જાય એવો ઓર્ક. જીવ ગુમાવવાની શક્યતાને પણ નકારી ન શકાય. માટોને ટેટૂ ઉપરાંત બોડી મોડીફિકેશનનો આશ્ચર્યજનક શોખ પણ છે. એટલે એણે નક્કી કર્યું કે આપણે જાદુઈ ઓર્ક થઈ જવું છે. ઓર્ક જેવા થવા કામ શરૂ કર્યું.

માટોએ પોતાના નીચલા જડબામાં બે મોટા દાંત નખાવી દીધા. આખા શરીરમાં ટેટૂ કરાવી લીધા. જીભને બે ભાગમાં કાપી નાખી. ત્યાં સુધી કે ઓર્ક જેવા દેખાવા માટે તેણે પોતાનું નાક પણ કપાવી લીધું અને કાનની પણ સર્જરી કરાવી લીધી. શરીરમાં આટ-આટલું કપાવીને ભાઈ પોતાને હવે ઓર્ક તરીકે જ ઓળખાવા લાગ્યો છે.
પોતાને ઓર્ક કહેતા આ ભાઈએ પહેલું ટેટૂ 15 વર્ષની ઉંમરે બનાવ્યું હતુ. ત્યારબાદથી માટોને ટેટૂ અને બોડિમોડિફિકેશનની ધૂન લાગી ગઈ. ઓર્ક જેવા દેખાવા માટે તેણે કેટલીય સર્જરી કરાવી. ત્યાં સુધી કે આંખને પણ ન છોડી. આંખમાં પણ તેણે બે ટેટૂ ચિતરાવી લીધા. આમ, માટોના 80 ટકા શરીર પર હવે ટેટૂ જ ટેટૂ છે. જોકે, આવા ભયાકન લૂકને પસંદ કરવાવાળા બહુ ઓછા છે. છે ને ગજબનો શોખ. તમે શું કહેશો આ ભાઈ વિશે ?
- જર્મની
- નામઃ રોલ્ફ બુચોલજ
- ઉંમરઃ 60 વર્ષ
- કામઃ ટેલિકોમ કંપનીમાં
- શોખઃ શરીર સાથે છેડછાડ!
જર્મનીમાં એક ટેલિકોમ કંપની સાથે જોડાયેલો રોલ્ફ બુચોલજનો શોખ પણ કંઈક અલગ છે. આ ભાઈને શરીરમાં બદલાવ કરવાનો બહુ શોખ છે. રોલ્ફ અત્યાર સુધીમાં 516 વખત પોતાના શરીરમાં ફેરફાર કરી ચૂક્યો છે. જેના માટે તેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ લીધી છે. રોલ્ફ જ્યારે 40 વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર ટેટૂ બનાવ્યું હતું. 40 વર્ષે તેણે પોતાના મો પર કાણું પડાવી રિંગ ફીટ કરાવી હતી. ત્યારબાદ રોલ્ફને આ વાતનું એટલું ઘેલુ લાગ્યું કે મોઢું વિંધી નાખ્યું.

છેલ્લા 20 વર્ષમાં તેણે મોઢા, નાક અને જીભ પર સેંકડો કાણા પડાવી રિંગ પહેરી લીધી છે. એટલું જ નહીં ચોંકાવનારી વાત એ છે કે, રોલ્ફે પોતાના કપાળ પર બે શીંગડા બનાવ્યા છે. જેના કારણે તેનો ચહેરો બદલી ગયો છે. રોલ્ફ કહે છે કે, મારું શરીર સારું નથી થયું. આ તો માત્ર બહારથી બદલ્યું છે. હું એ જ છુ જે પહેલાં હતો.
કેટલાક લોકો જનૂની હોય છે. તેઓ રેકોર્ડ બનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો ટેટૂ બનાવે છે તેની પાછળ કોઈ કારણ અથવા યાદો રહેલી હોય છે. જેમ કે, આપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જ લઈ લો.
કોહલીના ટેટૂ પાછળનું રહસ્ય
કોહલીના શરીર પર કુલ 9 ટેટૂ છે. તેના દરેક ટેટૂની પાછળ કોઈ ખાસ કારણ છે. વિરાટે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર એક ડોક્યુમેન્ટ્રીમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. કોહલીનો ડાબો હાથ તો પુરો ટેટૂથી ભરેલો છે. ડાબા હાથની હથેળીની બરાબર ઉપર મોનેસ્ટ્રીનું ટેટૂ છે. જે શાંતિ અને શક્તિનું પ્રતીક છે.
કોહલીના ડાબા હાથના બાવડા પર ત્રણ ટેટૂ છે. જેમાં પહેલું ટેટૂ જાપાની સામુરાઈ યોદ્ધાનું છે. વિરાટ કોહલી આ ટેટૂને પોતાનું ગુડલક ટેટૂ માને છે. બીજું ટેટૂ તેણે પોતાના માતા-પિતાના નામનું બનાવ્યું છે. વિરાટે માતા-પિતાનું નામ હિન્દીમાં લખાવ્યું છે. આ ઉપરાંત ત્રીજા ટેટૂ તરીકે પોતાની કેપનો નંબર છે. 2008માં કોહલીએ વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ટીમનો 175મો ખેલાડી બન્યો હતો. એટલે જ તેની વન ડે કેપનો નંબર 175 છે. 2011માં તેણે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું. ટેસ્ટમાં તે 269મો ખેલાડી બન્યો હતો. તેણે આ તમામ યાદોને શરીરમાં કંડારી દીધી છે.

કોહલી શિવભક્ત છે. એટલે જ તેણે કૈલાશ પર્વત પર ધ્યાનમાં લીન શિવનું ચિત્ર બનાવડાવ્યું છે. ભોલેનાથની પાછળ જ કૈલાસ પર્વત અને માનસરોવર પણ છે. તેણે ઓમનું ટેટૂ પણ બનાવડાવ્યું છે. ઓમની ધ્વનીને કોહલી જીવનનો સાર માને છે. કોહલીના ડાબા હાથના ખભા પર ‘ગોડ્સ આઈ’નું ટેટૂ છે. જે દૃષ્ટીની શક્તિનું પ્રતીક છે. આમ કોહલીના દરેક ટેટૂની પાછળ એક રહસ્ય છુપાયેલું છે.