ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ભારતે ગુમાવી દીધી છે. કાંગારુંએ 8 વિકેટે ભારતીય ટીમને મ્હાત આપી છે. 90 રનનો પીછો કરતી કાંગારું ટીમે 21 ઓવરમાં 2 વિકેટની મદદથી જીત મેળવી લીધી હતી. જેમાં બર્ન્સે 51 અને મેથ્યુ વડે 33 રનનું યોગદાન આપ્યું. આમ, ઓસ્ટ્રેલિયાએ હવે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
શુક્રવાર સુધી એવું લાગી રહ્યું હતું કે, ભારતીય ટીમની સ્થિતિ મજબૂત છે. જો કે, આજે મેદાન પર જે થયું તેનાથી ભારતીય ક્રિકટ રસિકો ખુબ નિરાશ થયા. ભારતીય ટીમ માત્ર 36 રનમાં પવેલિયન ભેગી થઈ જતાં હવે ટીમને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે તેમાં કઈ પણ થઈ શકે છે.
જીતનો ચાન્સ હતો
નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટીમે આજનો દિવસ પસાર કરી લીધો હોત તો ટીમને સારી લીડ મળી ગઈ હોત અને જીતવાની આશા પણ વધી ગઈ હતી. કેમ કે પહેલી ઈનિંગમાં ભારતે 244 રન બનાવ્યા હતા જેની સામે ઓસ્ટ્રેલિયા 191 રન જ નોંધાવી શકી હતી. ભારત પાસે કુલ 53 રનની લીડ હતી. ભારતે બીજી ઈનિંગમાં 36 રન જ નોંધાવી શકી જેના કારણે ઓસ્ટ્રેલિયાને 90 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે કાંગારુંએ આસાનીથી મેળવી લીધો.ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 5 અને પેટ કમિંસે ચાર વિકેટ ઝડપી હતી. કાંગારૂને ડે-નાઈટ ક્રિકેટમાં હજુ સુધી કોઈ ટીમ હરાવી નથી શકી. છેલ્લી 8 ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટમાં તે અજેય છે.
બેડલક 4 !
ભારત તરફથી સૌથી વધુ મયંક અગ્રવાલે 9 રન બનાવ્યા જ્યારે વિહારીએ 8 રન નોંધાવ્યા. કેપ્ટન કોહલી માત્ર 4 રનમાં પવેલિયન પહોંચ્યો. ભારતીય ટીમના 4 ખેલાડીઓ ચાર રને આઉટ થયા હતા. કોહલી ઉપરાંત પૃથ્વી શૉ, શાહા અને ઉમેશ યાદવે પણ 4 રન જ બનાવ્યા.
એક કલાકમાં સ્થિતિ બદલીઃ વિરાટ
મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, ‘અત્યારે હું કેવું અનુભવું છું તે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. અમે આજે ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે અમારી પાસે 60 રનની લીડ હતી. તે પછી અમારી ઈનિંગ જલદી સમાપ્ત થઈ ગઈ. બે દિવસ સારું ક્રિકેટ પ્રદર્શન કર્યું, વિનિંગ પોઝિશનમાં આવ્યા પછી અચાનક એક કલાકમાં સ્થિતિ બદલી જાય છે, જીત અસંભવ બની જાય છે.આ હાર બહુ ખૂંચે છે.’
કોહલીએ બેટ્સમેન પર કાઢ્યો ગુસ્સો
કોહલીએ બેટ્સમેન પર પણ ગુસ્સો કાઢ્યો. કોહલીએ કહ્યું કે, ‘મને લાગે છે કે આજે અમારે થોડો જુસ્સો દેખાડવાનો હતો. પોતાનો ઈરાદો જતાવવો જોઈતો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં પણ આવી જ રીતે બોલિંગ કરી હતી પરંતુ ત્યારે અમારી માનસિકતા રન બનાવવાની હતી.’
કોહલીએ કહ્યું, ‘કે મારું માનવું છે કે, એ માનસિકતા હતી એ સ્પષ્ટ હતુ. એવું લાગી રહ્યું હતું કે રન બનાવવા બહું મુશ્કેલ છે જેથી બોલર્સનો આત્મવિશ્વાસ વધી ગયો. આ જુસ્સાની કમી અને ઓસ્ટ્રેલિયાઈ બોલર્સનું સાચી જગ્યાએ બોલિંગ કરવું એક સંયોગ હતો.’
જીતનો શ્રેય અમારા બોલર્સનેઃ પેન
ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન પેનને મેન ઓફ ધી મેચનો ખિતાબ અપાયો હતો.પેને કહ્યું કે, ‘અમને વિશ્વાસ ન હતો કે ભારતીય ટીમ આવી રીતે આઉટ થઈ જશે. પેને કહ્યું કે, જીતનો શ્રેય અમારા બોલર્સને જાય છે. તેમણે જે પ્રકારે બોલિંગ કરી તે શાનદાર છે. જો કે, અમારી બેટિંગ અમારી આશા પ્રમાણે રહી ન હતી.
હવે રહાણે સંભાળશે સુકાન
કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસની આ અંતિમ મેચ હતી. હવે કોહલી સ્વદેશ પરત ફરશે. અન્ય ત્રણ ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે ટીમની સુકાન સંભાળશે. કોહલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ખેલાડીઓ બોક્સિંગ ડે ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે. બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબર્નમાં રમાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત