Team Chabuk : ઘણા વર્ષો પહેલા ભારતના પૂર્વોત્તરમાં મિસમા નામનું એક ગામડું હતું. જ્યાં તારાઓન નામનો અનાથ માછીમાર રહેતો હતો. એક દિવસ તે માછલી પકડવા માટે ગયો. એ દિવસે માછલીની જગ્યાએ એક નાગ તેની જાળમાં ફસાઈ ગયો. એ નાગ નાગલોકનો રાજા હતો. પોતાના પિતાને જાળમાં ફસાયેલા જોઈને નાગકન્યા ચિંતિત થઈ ગઈ. તેણે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તારાઓનની પાસે જઈ બોલી, ‘તું જો મારા પિતાને છોડી દે તો હું તારી સાથે લગ્ન કરીશ.’
આટલી સુંદર સ્ત્રીને જોઈ તારાઓનને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા. તેણે આટલી સુંદર કન્યા કોઈ દિવસ નહોતી જોઈ. જાણે દેવલોકમાંથી ઉતરી આવેલી અપ્સરા હોય. તે સુંદર સ્ત્રીની વાત માની ગયો અને નાગને મુક્ત કરી દીધો. નાગકન્યાએ પણ આપેલું વચન પાળી બતાવ્યું અને તેની સાથે વિવાહ કરી લીધા.
તારાઓન અને નાગકન્યાના લગ્ન ગામનાં લોકોને પસંદ ન આવ્યા. આ પ્રકારના વિવાહ થયા છે તેની ખબર તેમણે રાજાને આપી દીધી. રાજાએ તારાઓનને બોલાવીને કહ્યું, ‘તે અમારી પરંપરાને તોડી છે. તું શિક્ષાને પાત્ર છો. કાલ સવારે તારા અને મારા મુરઘા વચ્ચે યુદ્ધ થશે. જે હારશે તેને ગામ છોડીને જવું પડશે.’
તારાઓન તો ડરી ગયો. તેણે ઘરે આવીને રાજા સાથે યોજાનારી સ્પર્ધા વિશે પત્નીને વાકેફ કરી. નાગકન્યા પતિની મૂંઝવણ સાંભળ્યા પછી બોલી, ‘એમાં આટલા ભયભીત થવાની શું જરૂર છે? હું હમણાં જ નાગલોકમાંથી એક શક્તિશાળી મુરઘાને લાવું છું.’ આટલું કહીને તે નાગલોકમાં ચાલી ગઈ અને વળતા બળશાળી મુરઘાને લાવી.
બીજા દિવસે રાજા અને યુવકના મુરઘા વચ્ચે યુદ્ધ થયું. નાગલોકનો મુરઘો અવની પરના મુરઘા કરતા કંઈક વધારે જ શક્તિશાળી હતો. રાજાનો મુરઘો ઘડીના છઠ્ઠા ભાગમાં પરાજીત થઈ ગયો. રાજા છતાં ન માન્યો અને બોલ્યો, ‘તારાઓન. કોણે ગામડું છોડવું તેનો નિર્ણય હજુ સુધી થયો નથી. એટલે હવે કાલ સવારે જે લોહિત નદીમાં ટોપલીને ઉલટી દિશામાં વહાવી દેશે તેનો જ વિજય થયો ગણાશે. અને તે જ અહીં વસવાટ કરી શકશે.’
તારાઓન માટે વધુ એક સમસ્યા હતી. લોહિત નદીના વહેણને ઉલટી દિશામાં વહાવવું આકરું હતું. નાગકન્યાને જઈ તેણે આ વાત કહી. તેણે પતિના ખભા પર હાથ રાખ્યો અને તેમને સાંત્વના આપતા બોલી, ‘ડરો નહીં. મારા પિતા તમારી મદદ કરશે.’
નાગકન્યા નાગલોકમાં તેના પિતા પાસે ગઈ. પિતાને તેણે પતિની સમસ્યા જણાવી. નાગરાજાએ એક સુંદર ટોપલી કાઢી પોતાની પુત્રીના હાથમાં મૂકી અને કહ્યું, ‘ટોપલીને નદીમાં નાખતા જ તેની ધારા ઉલટી દિશામાં વહેવા લાગશે.’ નાગકન્યા પોતાના ઘરે પહોંચી. પતિ તારાઓનના હાથમાં ટોપલી આપી અને તમામ વાત કહી દીધી.
બીજા દિવસે સ્પર્ધામાં તારાઓને ટોપલી નદીમાં રાખી દીધી. નદીનું વહેણ પલટાણું અને રાજાના મહેલ સુધી પહોંચી ગયું. ટોપલી પાણીના વહેણની ઉંધી દિશામાં વહી રહી હતી. તારાઓન ખુશીથી ઠેકડા મારવા લાગ્યો. એ રાજા પાસે ગયો અને બોલ્યો, ‘હું જીતી ગયો. હવે શરત પ્રમાણે તમારે આ ગામનો ત્યાગ કરવો પડશે.’
રાજા તો ક્યાં હાર માનવાનો હતો. તેણે તારાઓનની સામે જોઈ કહ્યું, ‘આ નિર્ણયને પણ અંતિમ નહીં માનવામાં આવે. હવે આપણે યુદ્ધ કરીશું. આ યુદ્ધથી જ અંતિમ નિર્ણય આવશે.’
તારાઓનના જીવનમાં નાગકન્યા સાથે વિવાહ કર્યા પછી એક પછી એક સમસ્યાઓ આવી રહી હતી. ત્રીજી માથાકૂટ માથે પડતા વેત તે દોડીને પત્ની નાગકન્યા પાસે ગયો અને હવે શું થવાનું છે તે વાત સામે રાખી દીધી. રાજાની પાસે ખૂબ મોટું સૈન્ય હતું પણ તારાઓન તો બિચારો એકલો હતો. નાગકન્યા તેની સમસ્યા સાંભળીને પુન:નાગલોકમાં પહોંચી ગઈ. ત્યાંથી એ સોનાનો ઢોલ અને ઢોલને વગાડવા માટે દાંડી લઈ આવી.
મળસ્કે રાજા પોતાના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે આવી પહોંચ્યો. તારાઓન તો પહેલાથી જ તૈયાર હતો. રાજા અને સૈન્યને નજીક આવતા જોઈ તારાઓન ઢોલ વગાડવા લાગ્યો. ઢોલનો ઢમ-ઢમ અવાજ થતા જ વૃક્ષ, જાનવર, ઘાસ, પાંદડા નાચવા લાગ્યા.
રાજા અને સૈનિકો પણ હથિયાર નીચે ફેંકી નૃત્ય કરવા લાગ્યા.
રાજાએ હાર સ્વીકારી લીધી. નાગકન્યા અને તારાઓન રાજા અને રાણી બની ગયા. આજે પણ અરુણાચલ પ્રદેશના વંશજો તારાઓન જનજાતિના નામથી ઓળખાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત