Homeદે ઘુમા કેWomen's Cricket World Cup: સ્નેહા રાણાની વિધ્વંસક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમની શરણાગતિ,...

Women’s Cricket World Cup: સ્નેહા રાણાની વિધ્વંસક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમની શરણાગતિ, પોંઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા સ્થાને

Team Chabuk-Sports Desk: ભારતે મહિલા વિશ્વકપના છઠ્ઠા મેચમાં પ્રતિદ્વંદ્વી બાંગ્લાદેશને 110 રનથી સજ્જડ પરાજય આપી વિશ્વકપના પોંઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંગળવારે 22 માર્ચના રોજ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 230નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 40.3 ઓવરમાં 119 રન કરી પવેલિયન ફરી હતી. મેચમાં ભારતની સ્નેહા રાણાએ વિધ્વંસક બોલિંગ કરી બાંગ્લાદેશની ટીમને ધરાશાયી કરી દીધી હતી. તેણે 10 કરકસરયુક્ત ઓવરમાં 30 રન આપી ચાર વિકેટ પ્રાપ્ત કરી હતી. ભારતીય ટીમ તરફથી બેટીંગમાં યાસ્તિકા ભાટીયાએ સર્વાધિક 50 રનની ઈનિંગ રમી હતી. યાસ્તિકાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી.

ટીમ ઈન્ડિયાએ આ જીતની સાથે પોંઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ટીમના છ મેચમાં છ અંક છે. ભારતીય ટીમની નેટ રનરેટ +0.768 છે. ટીમને ત્રણ મેચમાં જીત જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોંઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને 12 અંકની સાથે ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમ છે. જેણે એક પણ વખત હારનો સ્વાદ નથી ચાખ્યો. બીજા સ્થાન પર આઠ પોંઈન્ટની સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ છે. વિન્ડિઝની ટીમના પણ છ પોંઈન્ટ છે, જોકે નેટ રનરેટમાં તે ભારતની પાછળ છે. વિન્ડિઝની ટીમ છ પોંઈન્ટ સાથે પોંઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.

ભારતે સેમીફાઈનલમાં પહોંચવા માટે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે જીત પ્રાપ્ત કરવી પડશે. જો મેચમાં ભારતની ટીમને પરાજય વહોરવાનો વારો આવે છે તો અન્ય ટીમના પ્રદર્શન પર ભારતીય ટીમના સેમીફાઈનલના સ્વપ્નનો આધાર રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહી છે. તેને માત્ર એક મેચમાં હાર મળી છે. એવામાં બંને ટીમની વચ્ચે 27 માર્ચના રોજ કાંટે કી ટક્કર થશે.

બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની ઈનિંગની જો વાત કરવામાં આવે તો સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને મજબૂત શરુઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 15 ઓવરમાં 74 રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિને 51 બોલમાં 30 રન પર નાહિદા અખ્તરે આઉટ કરી હતી. આગામી ઓવરમાં રિતુ મોનીએ શેફાલી વર્મા અને મિતાલી રાજને સતત બે બોલમાં પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શેફાલીએ 42 બોલમાં 42 રન ફટકાર્યાં હતા. મિતાલી પ્રથમ બોલમાં જ શૂન્ય પર આઉટ થઈ હતી.

પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હરમનપ્રીત કૌર અને યાસ્તિકા ભાટિયાએ ટીમની લડખડાતી ઈનિંગને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી નોંધાવી હતી. હરમનપ્રીતના બેટમાંથી વધુ એક સારી ઈનિંગની આશા હતી, એવામાં 14 રન પર ફરઝાના હકે તેને રનઆઉટ કરી દીધી. અહીંથી યાસ્તિકાએ ઋચા ઘોષની સાથે પાંચમી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાવી. ઋચાએ 36 બોલમાં 36 રન બનાવ્યા હતા. યાસ્તિકાએ આ વચ્ચે પોતાની હાફ સેન્ચુરી પૂર્ણ કરી. 50ના સ્કોર પર તેને રિતુ મોનીએ નાહિદા અખ્તરના હાથે કેચ આઉટ કરાવી દીધી.

અંતિમ ઓવરમાં પૂજા વસ્ત્રાકર અને સ્નેહા રાણાએ ઉત્કૃષ્ટ બેટીંગ કરી. બંનેએ સાતમી વિકેટ માટે 48 રન જોડ્યા. પૂજા 33 બોલમાં બે ચોગ્ગાની મદદથી 30 રન બનાવી નોટ આઉટ રહી હતી. સ્નેહા રાણાએ 23 બોલમાં 27 રન બનાવ્યા હતા. જ્યારે ઝૂલન ગોસ્વામી બે રન બનાવી નોટ આઉટ રહી હતી. બાંગ્લાદેશ તરફથી રિતુ મોનીએ ત્રણ અને નાહિદા અખ્તરે બે વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની બેટીંગમાં માત્ર પાંચ બેટર ડબલના ફિગર સુધી પહોંચી શકી હતી. સલમાન ખાતુને સર્વાધિક 32 રન બનાવ્યા હતા. લતા મંડલે 24, મુર્શિદા ખાતુને 19, રિતુ મોનીએ 16 અને જહાંઆરા આલમે 11 નોટ આઉટ કર્યાં હતા. ભારત તરફથી સ્નેહા રાણાએ સર્વાધિક ચાર વિકેટ લીધી હતી. એ સિવાય પૂજા વસ્ત્રાકર અને ઝુલન ગોસ્વામીએ બે-બે વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડ અને પૂનમ યાદવને એક-એક વિકેટ મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments