Homeતાપણુંઉત્તરપ્રદેશમાં વિપક્ષની દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ જોતા અખિલેશે સાંસદ પદ પરથી...

ઉત્તરપ્રદેશમાં વિપક્ષની દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ જોતા અખિલેશે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું

Team Chabuk-Poplitical Desk: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને લોકસભાની સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. અખિલેશ મૈનપુરીની કરહલ સીટ પરથી તો આઝમ રામપુર સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મળેલી હાર બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે અખિલેશ સાંસદ પદ પર કાયમ રહેશે, જ્યારે મૈનપુરીની કરહલ વિધાનસભા સીટ છોડી દેશે. આ ક્યાસ જ આઝમને લઈને પણ લગાવવામાં આવી રહ્યો હતો. જોકે આ તમામ ગણિતો ઉંધેમાથ પછાડાયા છે. અખિલેશે પોતાના આ નિર્ણયથી રાજનીતિક પંડિતોને ચોંકાવી દીધા છે. અખિલેશના આ નિર્ણયથી અસંખ્ય સવાલો ઉઠી રહ્યા છે. કેમ અખિલેશ લોકસભાની સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું અને માત્ર ધારાસભ્ય બની રહેવા ઈચ્છે છે?  

સાંસદ તરીકે અખિલેશ યાદવ મોટાભાગનો સમય દિલ્હીમાં પસાર કરે છે. એવામાં તેમની સામે ઉત્તર પ્રદેશથી છેડો ફાડવાનો અસંખ્ય વખત આરોપ લાગી ચૂક્યો છે. આ વખતે મળેલા પરાજય બાદ અખિલેશે પોતાની રણનીતિમાં પરિવર્તન આણ્યું છે. હવે તેઓ દિલ્હીની રાજનીતિ કરવાની જગ્યાએ માત્ર અને માત્ર ઉત્તર પ્રદેશની રાજનીતિ કરવા ઈચ્છે છે.

2017માં ભાજપની સરકાર બન્યા બાદ સમાજવાદી પાર્ટીએ રામગોવિંદ ચૌધરીને નેતા પ્રતિપક્ષ બનાવ્યા હતા. હવે અખિલેશ યાદવ ખૂદ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષની ભૂમિકા ભજવી શકે છે. આ કારણે તેઓ આસાનીથી ભાજપની સરકારને ઘેરી શકે છે. એવામાં આઝમ જેવા નેતાની પણ જો વિધાનસભામાં હાજરી વર્તાય છે તો સદન અને સમાજવાદી પાર્ટીને તેમના અનુભવનો ફાયદો મળશે. બંને મળી ભારતીય જનતા પાર્ટીને ઘેરી શકે છે. આ બંનેની અનુપસ્થિતિમાં સમાજવાદી પાર્ટીના નેતા વધારે કંઈ ઉકાળી નથી શકતા.

અખિલેશ યાદવ અત્યાર સુધી આઝમગઢથી લોકસભાના સદસ્ય હતા. હવે તેમના રાજીનામા બાદ પેટા ચૂંટણી થશે. અખિલેશને વિશ્વાસ છે કે આ સીટ ફરી સમાજવાદી પાર્ટી જ જીતશે. તેમનો આ વિશ્વાસ હાલમાં જ વિધાનસભાની ચૂંટણીને લઈ બનેલો છે. સપાએ આઝમગઢની તમામ દસ સીટ પર ભવ્યાતિભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તો રામપુરમાં પણ પાંચમાંથી ત્રણ વિધાનસભાની સીટ પર સમાજવાદી પાર્ટીને જીત પ્રાપ્ત થઈ હતી. એવામાં પાર્ટીને અહીં પણ લોકસભાની પેટા ચૂંટણીમાં જીત મળે તેવી આશા છે.

લોકસભામાંથી રાજીનામું આપ્યા બાદ સ્પષ્ટ છે કે હવે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં અખિલેશ લાગી જશે. યુપીમાં સર્વાધિક લોકસભાની સીટ છે. અખિલેશ હવે કોઈ કસર છોડવા નથી માગતા. એ જ કારણ છે કે હવે તેમનું પૂરું ધ્યાન યુપીની રાજનીતિમાં જ રહેશે. 2017માં વિધાનસભા ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ અખિલેશ કેન્દ્રની રાજનીતિમાં કૂદી પડ્યા હતા. જે કારણે ઉત્તર પ્રદેશમાં વિપક્ષની સ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ ગઈ હતી. જેના પરિણામ સ્વરૂપ 2019 અને 2022માં પણ ભાજપ આગળ વિપક્ષ પસ્ત રહ્યું. હવે અખિલેશ એકની એક ભૂલ બીજી વાર કરવા નથી ઈચ્છતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments