Homeસાહિત્યસરકારના દોષ બતાવતા તમે ડરી જતા હો તો તે ન લખશો: સ્વૈરવિહારી

સરકારના દોષ બતાવતા તમે ડરી જતા હો તો તે ન લખશો: સ્વૈરવિહારી

Team Chabuk-Literature Desk: જેમ નિબંધકારો અને નિબંધના અભ્યાસુઓ કહે છે તે રીતે લલિત નિબંધનો રણકો હોવો જોઈએ તો તે સ્વૈરવિહારીમાં તમને ઠેકઠેકાણે નહીં જોવા મળે. લિરિક હોવું જોઈએ તો તેના પણ દર્શન નહીં થાય. પ્રથમ ભાગમાં તો સાંપડશે જ નહીં. રામનારાયણ ક્યાંક પત્રકારત્વ કરી જાણે છે. એમણે પત્રકારત્વ કર્યું કે નહીં તે સાહિત્ય અને ઈતિહાસના પ્રખર અભ્યાસુઓ જ જણાવી શકે. એમના લખાણ પરથી તો લાગે છે કે સ્વૈરવિહારીને વૃતાંતપત્રો વાંચવાનો ભારે શોખ છે. અખબારમાંથી કોઈ એક ઘટનાને લઈ સ્વૈરવિહારી કરવત જેમ લાકડાને કાપવા મચી પડે તે રીતે સમાજમાં વ્યાપી ગયેલા દૂષણોને તેઓ બરાબરનો પાઠ ભણાવે છે. સ્વૈરવિહારીના પ્રથમ ભાગમાં આપણને ક્યાંક ક્યાંક દેખાય જાય છે કે તેઓએ સમાજમાં ફેલાયેલા કુ-રિવાજો અને ધર્મના નામે ચાલતા આડંબરોને બરાબરનો મેથી પાક ચખાડ્યો છે. કટાક્ષ કરી જાણવામાં માહેર એવા સ્વૈરવિહારી પ્રત્યંચામાંથી તીર ચલાવે છે. આપણે તેને પકડી લઈએ છીએ. આપણને લાગે છે કે આપણે વિજેતા જાહેર થઈ ગયા. ને ત્યાં તો સ્વૈરવિહારીએ આપણા હાથની આરપાર તીર કાઢી નાખ્યું હોવાનું પ્રતિત થાય છે.

આ એવો ચાલાક નિબંધકાર છે કે તેને એકના વિનાનો બે વખત વાંચવો પડે છે. ફરજીયાત વાંચવો પડે. પહેલા તો આપણને લાગે છે કે અખિલ બુદ્ધિનો ભંડાર આપણા ભેજામાં ભરેલો પડ્યો છે ને આપણે સમજી જઈશું, પણ વાંચ્યા પછી થાય છે કે આ લખી શું ગયો? બીજી વખત વાંચતા આપણે સ્વને જ પૂછીએ છીએ કે એલા આ આવું બધું કહી ગયો.

છાપાઓની પૂર્તિઓમાં આવતું લખાણ વાંચીને આંખોમાં ખુન્નસ ઉમટી આવે છે અને બે ઘડી એવું થઈ જાય છે કે આના કરતા તો હું સારું લખી શકું અને તે પછી તુરંત વિચાર આવે છે કે, ‘હું તો લેખક જ નથી.’ મજાકને બાજુ પર મુકીએ તો, શ્રી સ્વૈરવિહારીના નિબંધો વાંચતી વખતે હાલ છાપાઓમાં છપાય અને તમને ગમે એ પ્રકારની કટારો તમારે વાંચવી હોય, તો તે આનંદની પૂર્તિ આ સ્વૈરવિહારી પુસ્તક કરી શકે છે.

જ્યોતીન્દ્ર સ્વૈરવિહારી વિશે સાચું જ કહે છે,  ‘એમનું હાસ્ય તર્કબદ્ધ છે અને બુદ્ધિનિષ્ઠ છે.’

સ્વૈરવિહારીએ પોતાના નિબંધોમાં ઈતિહાસને સાચવીને રાખ્યો છે. કેટલીક એવી વાતોનો સંચય છે જે આજે પણ બદલ્યો નથી. સહેલું તે અઘરું અને અઘરું તે સહેલું નિબંધનો એક મુદ્દો વાંચો. સ્વૈરવિહારી સીધો ચાબખો મારે છે કે, ‘અત્યાર સુધી હિંદુ સમાજને એટલી સીધી વાત નથી સમજાતી કે દલિત પણ માણસ છે, હિંદુ છે, એને અડી શકાય, વિધવા પણ સૌની પેઠે પરણી શકે, એક નાતનો માણસ બીજી નાતની સ્ત્રીને પરણી શકે. એમ કહીએ એટલે તુરંત સામું પૂછે: પણ એમ એક નાતનો માણસ બીજી નાતની સ્ત્રીને પરણી જ કેવી રીતે શકે? તમે એને પરણી બતાવશો તોપણ તે માનવાનો નથી.’

સ્વૈરવિહારી એમના કેટલાય નિબંધોમાં કુહાડી લઈ જૂના વિચારોનાં થડને કાપવા બેબાકળા બન્યા છે. જો એ વ્યક્તિ આવું નથી કરતો તો તે સાહિત્યકાર કહેવાય નહીં. આ વાત કાચી વયે હું નથી કહેતો પણ પોતાના જ એક નિબંધ ગુજરાતી ભાઈઓમાં સ્વૈરવિહારી સાક્ષરોને ટોન્ટ મારતા વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યથી કહે છે, ‘ગુજરાતી લેખક ભાઈઓ! તમારે બળવાન સાહિત્ય લખવું છે? બળવાન એટલે બીજા દેશોમાં જેમ નવું જોમ આવે છે, પ્રજાના શત્રુઓ થથરી ઉઠે છે, સિંહાસનો કંપી ઉઠે છે, શત્રુવર્ગમાં ખળભળાટ થાય છે, શહેનશાહતો ઉથલી પડે છે, એક રાતમાં પ્રજા સ્વતંત્ર થાય તેવું સાહિત્ય નહિ; તેવું તો ગુજરાતમાં કોણ જાણે ક્યારે લખાશે! પણ આ બળવાન સાહિત્ય લખવાનો સહેલો રસ્તો. શત્રુને ન થથરાવી શકો તો તમે થથરાવી શકો તેવો વર્ગ આપણામાંથી શોધી કાઢો. તેઓ અનીતિથી ધ્રૂજતા હોય તો અનીતિ લખીને ધ્રૂજાવો, તેઓ કોઈ પોતાના પૂજ્ય વ્યક્તિના અપમાનથી ધ્રૂજતા હોય તો તેનું અપમાન કરીને તેને ધ્રૂજાવો. તેઓ ધર્મનિંદાથી ધ્રૂજતા હોય તો તેમના ધર્મની નિંદા કરીને તેમનામાં ખળભળાટ કરો. વૈષ્ણવોના કૃષ્ણની નિંદા કરો, જૈનોના સૂરીઓની નિંદા કરો, અનીતિ ભીરુઓની નીતિની નિંદા કરો, પછી તેઓ જેમ વધારે ગાળો ભાંડે, જેમ જેમ તેમનામાં ખળભળાટ થાય, જેમ તેઓ તમારા તરફ વધારે કુપિત થાય, તેમ તમારું બળ વધારે. સરકારના દોષ બતાવતા તમે ડરી જતા હો તો તે ન લખશો…’

બેથી ત્રણ નિબંધોમાં તેઓ ખૂદ હું તો માત્ર સ્વૈરવિહાર કરવા માટે લખું છું તેવું વાચકને જણાવે છે. અને તે સાચા પણ છે. ગમે એ મુદ્દામાં સ્વૈરવિહારી ભાઈ કલમ લઈ ઘુસી પડે છે. ગાંધીજીમાં પણ હું તો સ્વૈરવિહાર માટે લખું છું કહી બેટીંગ કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલમાં પણ હું તો સ્વૈરવિહાર કરવા લખું છું જણાવે છે. 

સ્વૈરવિહારીમાંથી આપણને તેમની તત્કાલ હાસ્ય નિપજાવવાની કળાનો પરિચય થાય છે. એમને કોઈ નવોદિત કવિનો ભેટો થઈ ગયેલો. આઠ દસ જેટલા કાવ્યો તેણે લખી નાખ્યા હતા. સ્વૈરવિહારીને તેમણે આ કાવ્યો બતાવ્યા અને કાવ્યો વાંચી સ્વૈરવિહારી વિવેચક બની ગયા અને જવાબ આપ્યો, ‘તમને પણ કવિ નાનાલાલની જેમ વસંતફાલ આવે છે.’ પેલા યુવકનું મોઢું પહેલા લાલ હતું, સ્વૈરવિહારીની વાત સાંભળ્યા પછી તે ઘટ્ટ લાલ થયું. આ ઘટનાથી આપણને સ્વૈરવિહારી નવોદિતમાં અને ખાસ તો એમના જમાનામાં કોણ કોની પ્રેરણામાં માનતું હતું અને સર્જન કરતું હતું તેનો સુપેરે પરિચય થઈ જાય છે.

આપણે ત્યાં ગુજરાતીમાં એચ.જી.વેલ્સની વિજ્ઞાનકથાઓ વિશે જેટલી ચર્ચા થાય છે તેટલી તેમણે કહેલી ફિલોસોફીઓ અને મજાની વાતોની નથી થતી. આપણી પ્રવૃત્તિઓ નામના નિબંધમાં સ્વૈરવિહારી વેલ્સનું આધુનિક પ્રગતિ પરનું એક સરસ નિવેદન ટાંકે છે, ‘ધારો કે હવા અનુકૂળ ન હોય અને તમે ફરવા જઈ શકતા ન હો, તો તમારા ઘરની બારી ખુલ્લી મૂકી ત્યાં બાઈસિકલની ઘોડી ગોઠવી દેવી. તેમાં સાઈકલના પૈડાં જમીનથી અદ્ધર રહે છે. પછી ઉપર બેસવું, બારી આગળથી ભાત ભાતના દેખાવો પસાર થાય તે જોવા અને સાઈકલ ખૂબ જોરથી મારી મૂકવી. તમે મુસાફરી કરતા હો તેની માફક પગ કામ કરશે, બારી આગળ હશો એટલે બહારનું દૃશ્ય બદલાતું જશે અને કલાક પછી નીચે ઉતરીને વીસ માઈલની ગતિએ સાઈકલ પર ચાલ્યો તેમ મીટરમાં વાંચીને સંતોષથી કહી શકશો. આપણી ઘણી ખરી પ્રવૃતિઓ આવી નથી?’

હિંદુઓના ખાસ સાયન્સ નામના નિબંધમાં સ્વૈરવિહારી ગજબનો કટાક્ષ કરે છે, ‘એ નવીન તત્વ તે આભડછેટ! દુનિયા પર કોઈ બીજી પ્રજાએ તેની શોધ કરી નથી. એ તત્વ વીજળીથી પણ વિલક્ષણ છે.’ તો વાર્તાલેખનના નિબંધમાં તેઓ ગુજરાત અંગે કહે છે, ‘ગુજરાત ખોટી વાતો પર મુગ્ધ થવા માંડ્યું છે. ગુજરાત ગાંડી તે માટે જ કહેવાતી હશે.’

વાર્તા કે કવિતાઓમાં તો નહીં પણ નિબંધોમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક સમય કરતા આગળ ચાલ્યા જ છે. તેમણે સ્વૈરવિહારીના પ્રથમ ભાગમાં જેટલી પણ વાતો કહી અને લખી તે આજે પણ બદલી નથી. સ્વૈરવિહારીએ જે નિબંધો તેના સમયમાં લખ્યા છે તે આજે લખ્યા હોત, તો?

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments