HomeસિનેમાવાદZack Snyder's Justice League Movie Review: પ્રાયશ્ચિત કર્યો છે જાણી જાણી

Zack Snyder’s Justice League Movie Review: પ્રાયશ્ચિત કર્યો છે જાણી જાણી

ઝાલાવાડી જલજીરા: બેટમેન વર્સિસ સુપરમેન ફિલ્મ જોઈ હશે. એ ફિલ્મની કડી નિંદા કરવામાં આવી હતી. બેટમેન, સુપરમેન અને વન્ડરવુમન જેવા DCના ત્રણ મહાન સુપરહીરો હોવા છતાં તેની માર્વેલના અવેન્જર્સના પૂછ્યા એ રીતે કોઈએ ભાવ નહોતા પૂછ્યા. બેટમેન વર્સિસ સુપરમેન ફિલ્મના મેકર્સને હતું કે અવેન્જર્સની જેમ અમે છવાઈ જશું જે નરી કલ્પના હતી. ઉપરથી ગલીના કૂતરાને ગમે તે અજાણ્યો પાટુ મારીને ચાલ્યો જાય, તેમ ગમે એ તેને ફટકારતું હતું. આ બેટમેન વર્સિસ સુપરમેનની વાત આગળ ઉપર.

2017માં DC કોમિક્સે માર્વેલની માફક જ સુપરહીરો એકઠા કર્યા અને ફિલ્મ બનાવી. ફિલ્મનું નામ જસ્ટીસ લીગ (Justice League) અને ફિલ્મ ખૂબ કાચી રહી ગઈ. એમાં ઘણી જગ્યાએ થીંગડા મારવાના રહી જતા હોય તેવું લાગતું હતું. વોચમેન અને મેન ઓફ ધ સ્ટીલ જેવી ફિલ્મ બનાવનારા સ્નિડર પાસે આવી કોઈને અપેક્ષા ન હોય.

થયું એવું કે જસ્ટીસ લીગનો (Justice League) ફરી ભાંગીને ભૂક્કો થઈ ગયો. એ પછી જસ્ટીસ લીગની કથાને આગળ લઈ જવાનું તેમની પાસે કોઈ હથિયાર જ નહોતું. 2017ની ફિલ્મમાં જ એમણે એવી કોઈ સિચ્યુએશન નહોતી છોડી. માર્વેલ જેને ક્રેડિટ સીનમાં મૂકી જંગ જીતી જાય છે.

2020ના લોકડાઉનમાં સ્નિડરે જસ્ટીસ લીગની 2017ની ફિલ્મને ફરી રિ-કટ કરવાનું નક્કી કર્યું અને આજે 4 કલાકની ફિલ્મ HBO પર ઉપલબ્ધ છે. 2017ની જ ફિલ્મનો પ્લોટ છે પણ તે પ્લોટ હવે ઘણો બદલી ગયો છે. એ પ્લોટમાં માર્વેલનાં થેનોસની જેમ દિગ્દર્શક પોતાના મેઈન વિલન ડાર્ક સાઈડને લઈ આવ્યા છે. ઓરિજનલ જે ફિલ્મ બે કલાકમાં પતતી હતી એ નવી ફિલ્મ ચાર કલાકની થઈ ચૂકી છે. જરા પણ કંટાળો નહીં આવે.

તુલના કરો તો માર્વેલની સાપેક્ષે એ નબળી જ છે. માર્વેલની જેમ જ હવે DC પોતાની કથાને આગળ લઈ જઈ રહી છે. એ ફિલ્મ જોશો તો ખ્યાલ આવી જશે. હવે એક્ઝેટ એ થઈ રહ્યું છે જે માર્વેલે પોતાની ભંગાર અવેન્જર ફિલ્મ એજ ઓફ અલ્ટ્રોનમાં કર્યું હતું. ઝાલાવાડી જલજીરાને તો અવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોન ખૂબ ગમે છે, પણ કેટલાક કડી નિંદા ધારકોને પસંદ નથી. એ કડી નિંદા કરનારા નિંદકોની હું સાથે છું અને હું પણ કડી નિંદા કરું છું!! કારણ કે એ લોકોને ખોટું ન લાગે!!

ફિલ્મને કેટલાક ચેપ્ટરમાં વિભાજીત કરી દીધી છે. શરૂઆતમાં જેક સ્નિડર દર્શકોનો આભાર માને છે. આભાર માનનારા સ્નિડરની કામગીરી અવેન્જર્સના દિગ્દર્શક જો રુસોએ પણ વખાણી છે. ઓનલાઇન જ્યાં માર્વેલ અને ડિસીના ફેન્સ સામસામા આવી જાય છે તેમણે આ ઘટનામાંથી બોધપાઠ લેવાની જરૂર છે.

બેટમેન વર્સિસ સુપરમેનમાં જ્યાં સુપરમેનને મારી નાખવામાં આવે છે ત્યાંથી આ ફિલ્મની શરૂઆત થાય છે. ક્રેડિટ સીન આવે છે. સુપરહીરો એક બાદ એક દેખાય છે અને ત્યારબાદ 2017માં જે ફિલ્મ આવી ત્યાંથી કથા શરૂ થાય છે. એ સીન પૂરો થતાં નવો સીન આવે છે. જે આપણે હજુ સુધી જોયો જ નથી. ઉપરથી મધરબોક્સની જે ઉપર ઉપરની વાત હતી તેને અહીં વિસ્તૃત ફલક પર લાવી દર્શાવવામાં આવી છે.

સ્નિડરની બુદ્ધિને દાદ દેવી પડે. એ ઈચ્છેત તો કોઈ વેબ સિરીઝની માફક 6-7 ભાગ પાડી શકેત, તેની જગ્યાએ તેણે કન્ટીન્યુટી બ્રેક ન થાય એટલે આખી આખી ચાર કલાકની ફિલ્મ જ મૂકી દીધી. ફિલ્મમાં એક નવો સુપરહીરો પણ ઈન્ટ્રોડ્યુસ કર્યો છે અને હવે ગ્રીન લેન્ટર્ન પણ આવશે.

2017માં જે સ્ટીફનવુલ્ફ નબળો લાગતો હતો એને અહીં સૂટ બૂટ પહેરાવી સબળો કરી દીધો છે. કેટલીક વિએફએક્સ હતી એમની એમ જ છે. એટલે કે નબળી જ છે. જોકે પાછળથી જે વિઝ્યુઅલ ઈફેક્ટ એડ કરવામાં આવી છે તે વખાણવા લાયક છે.

2017ની ફિલ્મ અધૂરી લાગતી હતી. એમાં ક્યાંક કાચુ કપાઈ ગયું હોય તેવું દેખાતું હતું. 2021ની સ્નિડર કટ આખી પૂર્ણ કરી નાખી છે. આપના આલોચક મસ્તિષ્કને એક બાજુમાં મૂકી એકધારું જોઈ શકો.

આ ફિલ્મમાં જોવા જેવી મજા તો અંતમાં છે. ના, ક્રેડિટ સીન નથી. ફિલ્મને કેટલી લાંબી કરવી યાર ? ફિલ્મનો વાજતે ગાજતે સુખદ અંત કર્યા બાદ એક સીન આવે છે. એ સીન તમારી આગામી ફિલ્મ જોવાની ઉત્સુકતાને બરકરાર રાખે છે. તેમાં એક સંવાદ છે- ‘એક્વામેનને મારી નાખ્યો.’ એ સાથે જ હીરો વિલન બને છે અને વિલન હીરો બને છે. વિચારો સૌથી મોટો સુપરહીરો કોણ છે ? જે વિલન બનવાનો છે. અને સૌથી મોટો વિલન કોણ છે ? જે હીરો બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments