જૂનાગઢથી ચિરાગ જાદવ : આજના સમાજમાં શિક્ષકનો મહિમા ખાસ છે. શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને અઢળક આશાઓ રહેલી હોય છે. અને શિક્ષકો આ આશા-અપેક્ષાઓ પર ખરાં ઉતરવાના ઘણાં પ્રયત્ન પણ કરતા હોય છે.
ચાણક્ય એ શિક્ષક માટે સરસ વાત કરી કે,‘શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ એના ખોળામાં રમે છે.’ તે ધારે એ વિદ્યાર્થીને જે બનાવવો હોય એ બનાવી શકે છે. ચોર પણ બનાવી શકે છે અને કલેકટર પણ બનાવી શકે છે. વિધાર્થી તેના ઘરે કદાચ એના મમ્મી પપ્પાની વાતથી સહમત નહીં થાય, પણ જો એમનાં શિક્ષકે કહ્યું છે, તો એ 100% સાચું જ હોય છે, એવું માની લેતા હોય છે.
આથી ક્લાસરૂમમાં જવું હોય ત્યારે શિક્ષકે પૂર્વ તૈયારી સાથે જ જવું પડતું હોય છે અને સતત અપડેટ પણ રેહવું પડતું હોય છે. વિદ્યાર્થીઓ એટલે પ્રશ્નોનો ખજાનો. આપણે ના વિચાર્યું હોય એવા પ્રશ્નો વિદ્યાર્થીઓનાં મનમાં ઉદ્દભવતા હોય છે અને નવું જાણવાની એમનામાં જિજ્ઞાસાવૃતિ હોય છે. શિક્ષકને કોઈ વિષય પર પૂરી માહિતી ના હોય તો એવું કહેવું પડે કે હું એના વિશે જાણીને કાલે કહીશ.
શિક્ષકને બધું આવડતું જ હોય એવું જરૂરી પણ નથી અને શિક્ષક ખોટી માહિતી પણ આપી ના શકે. એટલે સારું કે કોઈ વિષય પર પૂરતી જાણકારી મેળવીને જ વિદ્યાર્થી સુધી પહોંચાડે.
શિક્ષક માટે એવું કહેવાય છે કે, શિક્ષકનો વ્યવસાય પવિત્ર વ્યવસાય છે. તે આવનારી પેઢીને તૈયાર કરે છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
સરકાર દ્વારા RTE એક્ટ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે, છતાં વાલીઓ સરકારી શાળામાં ભણાવવાને બદલે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવવાનું પસંદ કરે છે અને મોંઘી ફી ભરતા હોય છે.
પોતે ફી ભરીને છૂટી જાય છે અને કહે કે છોકરો પ્રાઈવેટ સ્કૂલમાં ભણે છે એટલે હોશિયાર થઈ જ જશે. હકીકતમાં આવું નથી હોતું. બાળક શાળા કરતાં વધારે સમય પોતાના ઘરે વિતાવતો હોય છે. ઘરનાં સભ્યોની પણ એટલી જ જવાબદારી છે જેટલી શાળાની છે. ઘરનું વાતાવરણ પણ એવું હોવું જોઈએ કે જેમાં બાળકો તમારા વર્તન અને વ્યવહારથી કંઈક શીખે.
એક વખત મારી શાળામાં વાલી મિટિંગ હતી. ધોરણ 6 નો હું ક્લાસ ટીચર એટલે મારે ફરજિયાત હાજર રહેવાનું થયું. બધા વાલીઓ પોતાની મૂંઝવણ અમારી સમક્ષ રજૂ કરે. એમાંથી મોટાભાગના વાલીની ફરિયાદ હતી કે અમારો છોકરો મોબાઈલમાં વધુ ધ્યાન આપે છે. લેસન કરવાનું કહીએ તો એમાં પણ શરત મૂકે કે લેસન થઈ જાય એટલે મને ગેમ રમવા દેવાની, વીડિઓ જોવા દેવાનો. અમે હા કહી ત્યાર પછી જ હોમવર્ક કરવા બેસે. અધૂરામાં પૂરું મોબાઈલ ના આપીએ તો રડવા લાગે, જમે નહીં, કજીયો કરે અને આખું ઘર માથે લે આનું અમારે શું કરવું?
ત્યારે મેં વાલીઓને એટલું જ કહ્યું કે, જ્યારે બાળક ઘરે હોય ત્યારે તમારે પણ મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ. જ્યારે બાળક લેસન કરવા બેસે ત્યારે આપણે કાં તો ટીવી જોતા હોઈએ છીએ અથવા તો મોબાઈલ પર હાથ ફેરવતા હોઈએ છીએ. બીજાના સ્ટેટ્સ જોતા હોઈએ છીએ. આમ કરીને આપણાં બાળકનું સ્ટેટ્સ ખરાબ કરતાં હોઈએ છીએ. બાળકનો જીવ મોબાઈલમાં જ હોય છે. બાળકોનો જીવ ચંચળ હોય છે. ભણવાની ગંભીરતા એ નથી સમજી શકતા, પણ આપણે તો સમજી શકીએ છીએને.
અત્યારે બધા વાલીઓ પોતાના બાળકને નોકરી મળી જાય એટલે જ ભણાવે છે. પહેલાંના સમયમાં આવું નહોતું. પહેલા શિક્ષણ મેળવીને તેનો ઉપયોગ પોતાના જીવન વ્યવહારમાં કરતાં જેથી કરી કોઈ અભણ સમજીને છેતરી ના જાય.
વાલીઓ અત્યારે ગમે તેટલી ફી ભરવા તૈયાર છે, પણ સ્કૂલમાં મળેલું જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું એ શીખવી શકતા નથી. આ કામ વાલીઓએ જ કરવું પડશે. બાળકને થોડા પ્રેકટીકલ બનાવવા પડશે. બજારમાંથી વસ્તુઓ ખરીદતાં શીખવો, વસ્તુઓનું વેચાણ કરતાં શીખવો. નાનાં મોટાં સાથે વર્તન-વ્યવહાર કરતાં શીખવો. સામાજનાં સારા નરસા પ્રસંગોમાં તેમને સાથે લઈ જાવ. તેમનામાં નૈતિક મૂલ્યોનું ઘડતર કરાવો.
પહેલાં શિક્ષક સામે મળતાં તો વિદ્યાર્થીઓ સંતાઇ જતાં અને કહેતા કે સાહેબ જોઈ જશે તો કાલ આપણો વારો ચડી જશે અને અત્યારે વિદ્યાર્થીને કંઈ કેહવાતું જ નથી. કંઈ કહીએ એટલે વાલી સ્કૂલે આવીને ફરિયાદ કરે કે અમારા છોકરાને ખીજાવું નહીં, વધારે ગૃહકાર્ય આપવું નહીં. આમાં વિદ્યાર્થીનો વિકાસ કેમ થાય?
થોડીક શિક્ષકોને પણ છૂટ આપવી જોઈએ જેથી શિક્ષકોનો વિદ્યાર્થીઓમાં ડર રહે. શિક્ષક વિદ્યાર્થીઓને કંઈ કહેતા હોય છે તો એ વિદ્યાર્થીઓના હિત માટે જ કહેતા હોય છે. શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી હોતી, બસ તેનું ભવિષ્ય સુધારવા માટે જ તે બધું કહેતા હોય છે.
છેલ્લે બસ એટલું જ કહીશ કે બાળકોનું ભવિષ્ય બદલવા માટે બધાએ પ્રયત્નો કરવા પડશે. પછી તે શિક્ષક હોય, વિદ્યાર્થી હોય કે વાલી હોય. કોઈ એકથી પરિવર્તન નથી આવતું. પરિવર્તન કરવા માટે વાતાવરણ બદલવું પણ જરૂરી છે.