Team Chabuk-National Desk: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. આશાવાદના આ વૃતાંતની વચ્ચે ઝીકા વાઈરસ જોર પકડી રહ્યું છે. કેરળમાં ઝીકા વાઈરસના 15 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ હડકંપમાં આવી ગયું છે. કેરળમાં કેસ વધતા દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને કર્ણાટકે કડક પગલાં ઉઠાવ્યા છે. તેમણે કેરળની બોર્ડર પર કડક તપાસ અને ઈ-પાસ અનિવાર્ય કરી દીધાં છે.
તમિલનાડુના સરકારી અધિકારીઓએ આ વિશે જણાવ્યું હતું કે વાલયાર અને મીનાક્ષીપુરમમાં 14 રણનીતિક બિંદુઓ અને તપાસ ચોકીઓ પર કડક સુરક્ષા રાખવામાં આવશે. કેરળથી તમિલનાડુમાં પ્રવેશ કરનારા લોકો માટે ઈ-પાસ ફરજીયાત છે. આ રીતે જ કર્ણાટક પણ કેરળથી આવનારા પર્યટકો પર ચાંપતી નજર રાખી બેઠું છે.
કેરળ સરકારે શું કહ્યું?
અત્યાર સુધીમાં કેરળમાં ઝીકા વાઈરસના 15 કેસ સામે આવ્યાની સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, તેમની સરકાર જિલ્લા અને રાજ્ય સ્તર પર વાઈરસને નિયંત્રણ કરનારા સંસાધનોને મજબૂત કરશે. કેરળ સરકારે ઝીકા વાઈરસના પ્રકોપને રોકવા માટે કાર્યપ્રણાલી તૈયાર કરી દીધી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ મુદ્દે કહ્યું કે, તમામ સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવી રહી છે.
કોણ કોણ સંક્રમિત?
કેરળમાં સૌ પ્રથમ એક ગર્ભવતી મહિલા સંક્રમિત થઈ હતી. મહિલાએ બે દિવસ પૂર્વે જ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. 24 વર્ષીય આ મહિલાને તાવની સાથે શરીરમાં ચાઠા પડી ગયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાતા અને રિપોર્ટ કરવામાં આવતા ઝીકા વાઈરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ હતી. આશ્ચર્યની વાત એ હતી કે મહિલાની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. સ્વાસ્થ્ય વિભાગને એ સમજતા વાર ન લાગી કે ચેપ કોઈ અન્ય દ્વારા લાગ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 14 અતિરિક્ત થઈને ટોટલ 15 ઝીકા વાઈરસના કેસ કેરળમાં નોંધાઈ ચૂક્યા છે.
કેન્દ્રની કેરળને મદદ
કેરળમાં વધી રહેલા ઝીકા વાઈરસને નાથવા માટે કેન્દ્ર સરકારે વિશેષજ્ઞોની એક ટીમ રાજ્યમાં મોકલી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ટીમમાં છ લોકોનો સમાવેશ થાય છે. જેમાં એમ્સ અને વાઈરસ જનિત રોગના વિશેષજ્ઞ પણ છે.
વાઈરસનો સૂક્ષ્મ ઈતિહાસ
ઝીકા વાઈરસ એડિસ મચ્છરોનાં કરડવાથી ફેલાય છે. જે દિવસ અને સાંજના સમયે સક્રિય થાય છે. 1947માં પ્રથમ વખત યુગાન્ડાનાં વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1952માં યુગાન્ડા અને ટાન્ઝિનિયામાં વસતા મનુષ્યોમાં જોવા મળ્યો હતો. ઝીકા વાઈરસની હાજરી એશિયા, આફ્રિકા, અમેરિકા, પેસેફિક આઈલેન્ડ સહિતના વિસ્તારોમાં છે.
2017માં ભારત પ્રવેશ
2015માં ઝીકા વાઈરસ બ્રાઝીલમાં મોટાપાયે ફેલાઈ ગયો. આ કારણે 1600થી વધારે બાળકો વિકૃતિ સાથે જન્મ્યા હતા. વાઈરસને ગંભીરતાથી લેવાની શરૂઆત અહીંથી થઈ હતી. નેશનલ ઈન્સિટીટ્યૂટ ઓફ વાઈરોલોજીએ પ્રથમ વખત નવેમ્બર 2018માં ઝીકા વાઈરસને અલગ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ભારતમાં પ્રથમ વખત જાન્યુઆરી 2017માં ઝીકા વાઈરસનો કેસ મળ્યો હતો. જુલાઈ 2017માં તમિલનાડુમાં કેસ મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત