Homeસાહિત્યચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથાના વિસ્ફોટક સંવાદો

ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથાના વિસ્ફોટક સંવાદો

1) રોજ બપોરે મારી બારીની નીચેથી એક મડદુ પસાર થાય છે. મારું ઘર સ્મશાનઘાટ જવાના રસ્તા પર છે અને…કોનું ઘર સ્મશાન જવાના રસ્તા પર નથી હોતું.

2) બહુ વિચારું છું ત્યારે કોઈ કોઈ વાર લાગે છે કે ખરેખર મજા દુ:ખી માણસને જ આવતી હશે.

3) સાપનું ઝેર એના દાંતમાં હોય છે, સ્ત્રીનું સાથળોમાં.

4) સ્ત્રીઓ પાસે શરીર અને પુરુષો પાસે બુદ્ધી દુનિયાનાં બજારોમાં આ જ વસ્તુઓ વેચાઈ છે અને વેચાયા કરવાની, ફક્ત સમય-અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરે છે.

5) માસિક રજસ્ત્રાવની જેમ દર મહિને એક સ્ત્રાવ આવી જાય છે, નિરાશાનો અને ત્રણ ચાર દિવસ ચાલે છે.

6) એક જ અર્થવાળા બે શબ્દો – ‘હ્રદય’ અને ‘દિલ’ વચ્ચે જેટલું અંતર છે; લગભગ એટલું જ અંતર છે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે.

7) ગુજરાતીઓને જિન્નાહ ગુજરાતી હોવા વિષે શા માટે ગર્વ નથી એ મને સમજાયું નથી.

8) સ્ત્રીઓમાં નર્સો અને વેશ્યાઓ સૌથી બુદ્ધિશાળી હોય એવું હું માનું છું.

9) સફળ માણસને જ ભય વધારે લાગે છે. નિષ્ફળતામાં ભયની બહુ અસર રહેતી નથી.

10) લાંબી સજા ભોગવી રહેલો એક જવાન મરાઠી છોકરો બહુ ઓછું બોલતો પણ સારું બોલતો. એક વાર એણે કહ્યું હતું કે હું જવાનીથી કંટાળી ગયો છું. એક ઈચ્છા છે, જલદી જલદી બુઢ્ઢા થઈ જવાની. બધું મળી રહે છે. – યશ, જિંદગીમાં બુઢાપો જલદી નથી મળતો. બહુ ટાઈમ લાગી જાય છે.

11) અને નિહાર કહેતો હતો કે શરીરની વેદના તો બહુ મામૂલી વસ્તુ છે અને ક્ષણજીવી છે. એનાથી એક ફાયદો હતો. માનસિક ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાતું ન હતું.

12) આપણી પાસે ન જીવી શકવાની સ્વતંત્રતા નથી, બધાંને એકલા એકલા પણ જીવી લેવું પડે છે.

13) મોતના દેવતાને સારા માણસો વધુ ગમતા હશે, સારા માણસોને મારવા સહેલા પડતા હશે. ખરાબ માણસો માટે જ દુનિયા છે, એમના આનંદ માટે દુનિયા છે. સારા માણસો એમને માટે શહીદ થઈ જાય છે.

14) વિચારો કરી શકનાર માણસ એકલો પડી શકતો નથી. એ સમયના એક એક છિદ્રને સાફ જોઈ શકે છે.

15) વ્યસન શબ્દ આપણે કોઈ ખરાબ ક્રિયા માટે વાપરીએ છીએ, પણ વસ્તુત: એ ક્રિયામાંથી આનંદ આવતો જાય છે. આનંદ આવતો હોય તો જ વ્યસન પડે ને ?

16) એક વાર રીમા તડકામાં એક ખાલી શીશી લઈને રમતી હતી. અને એણે પૂછ્યું હતું, ‘રીમા શું કરે છે?’

‘હું શીશીમાં તડકો ભરવાની રમત રમું છું.’

બધાની જ એ પ્રવૃતિ હતી. આખી દુનિયા ખાલી શીશીઓમાં તડકો ભરી લેવાની કોશિશ કરી રહી હતી અને વર્ષો ચાલ્યાં જતાં હતાં. તડકો ડૂબતો જતો હતો અને શીશી ખાલી રહી જતી હતી. બધાં જ રીમાની રમત રમી લેતાં હતાં, જિવાયે જતું હતું. દુનિયા બધાને જિવાડી નાખતી હતી….

17) ‘એક પુરુષ અને એક સ્ત્રી એકલાં દરિયાને કિનારે મળે અને લગ્નની વાતો કરે, એનાથી નકામું બીજું શું હોઈ શકે ?’

18) સરનાએ કહ્યું કે, ‘તું બહું સાચું ચીતરતો હતો.’

‘હા, બહું સારું.’

સરના હસી, ‘તો છોડી કેમ દીધું?’

‘સાધના ટકી શકે એટલું દુખ પડ્યું નહીં.’

19) હા, શેનો વિચાર હતો ? પરણવાનો. સરના જેવી છોકરી મળવી જોઈએ. સમજદારી છે એનામાં, ન પરણવાની! પરણ્યા વિના સાથે જીવી શકાય. પાપ. એક નાનો શબ્દ ખૂંચ્યો. પરણ્યા વિના જિવાય ખરું, પણ દુનિયા આ હોટલ જેવી લાગ્યા કરે.પણ આ બધા પરણવાના વિચારો રાત્રે જ શા માટે આવે છે ? અને એ પણ અંધારામાં. ડર અને પ્રેમને સંબંધ હશે અથવા કાળાશને અને પ્રેમને, પ્રેમનો રંગ કેવો કહી શકાય, કાળો કે ધોળો ? ડરનો રંગ ? જોકે ડરની એક ખાસ વાસ હંમેશાં આવ્યા કરે છે. થોડી થોડી પોતાના જ પસીનાની, ન ગમતી હોય એવી જ કંઈક.

20) ‘હર્ષ ?’ યશ બોલ્યો, ‘બહુ નવું નામ છે.’

‘હા, હજી તો ફક્ત બારસો જ વર્ષ થયાં છે.’

21) ના છેલ્લાં અગિયાર વર્ષથી પરણ્યો નથી. એ પહેલા હું પરણ્યો હતો, અગિયાર વર્ષથી હું એકલો છું.

22) મારું ઘર સ્ત્રી વિનાનું છે. સિમેન્ટ-પ્લાસ્ટરના ગર્ભાશય જેવું… અથવા જીવતા માણસના મકબરા જેવું…

23) ઘરનાં ભાત એ દુનિયાના સૌથી મોંઘા ભાત હોય છે.

24) સામાન્ય બુદ્ધી અસામાન્ય વસ્તુ છે અને ખાસ કરીને બે સ્ત્રીઓની દુનિયામાં એ વસ્તુનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે.

25) સુકાઈને ધૂળમાં ખરી ગયેલા ફૂલની શું કિંમત છે…?

26) લાંબી જિંદગી જીવવાની એક ખોટી જીદ લઈને આપણે બેસી ગયા છીએ, એ એક ખોટી જીદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments