ઝાલાવાડી જલજીરા: સંદિપ મહેશ્વરીને કોઈ દિવસ સાંભળ્યા છે? સાંભળ્યા જ હશે. મીમ બનાવીને તેની મજાક ઉડાવતા પહેલાં કોઈવાર તેને શાંતિથી સાંભળો. એ જીવનનું સત્ય તમારી સામે ખૂબ નાની ઉંમરે અનુભવી, તેનું દોહન રજૂ કરે છે. એ જ વ્યક્તિએ હસતાં હસતાં એક વખત કહ્યું હતું, ‘તમને કોઈવાર મોટિવેશનની જરૂર પડે, તો તમે મારા વીડિયો સાંભળો છો. પણ મને જરૂર પડે તો હું શું કરૂ ?’ પછી હસવા લાગે છે.
હસતો માણસ ખુશ છે તેવું માનવું નહીં અને હસાવતો માણસ પણ ખુશ છે તેવું પણ માનવું નહીં. મોટાભાગનાં કિસ્સામાં હસતો-હસાવતો માણસ જ આ દુનિયાનો સૌથી દુ:ખી માણસ હોય છે. તમે કોઈ સુપરસ્ટાર પાસે કઈ આશા અપેક્ષાએ જાઓ છો. ફોટો પડાવવા અને ઓટોગ્રાફ માગવા માટે. તેના સિવાય આપણે કરી પણ શું શકીએ? આપણે તેના ખભા પર હાથ રાખીને પૂછી નથી શકતાં કે કંઈ કામ હોય તો કહેજે. તને કંઈ દુ:ખ પડ્યું હોય તો મારા કાનમાં કહી દે. આમ જો ફટાક કરતું સોલ્યુશન આવી જાય. આપણા માટે તેને સારા કપડાં પહેરવા પડે છે, જેથી આપણને લાગે કે માણસ ખુશ છે. એ વ્યક્તિ આપણા માટે ડાન્સ કરે, જેથી આપણે ગળું ફાડીને રાડો પાડી શકીએ અને તેને મજા કરાવી શકીએ. પણ શું આ જ સર્વસ્વ હોય છે?
કોઈવાર થાય છે કે હાસ્ય કલાકાર કે હાસ્ય લેખકમાં એવું તે શું છે કે એ આપણને હસાવી શકે છે, પણ પોતે નથી હસતો. નાનપણમાં સ્કૂલમાં જોક્સ કહેતા અને જોક્સનું રહસ્ય ખુલવાનું હોય તે ક્ષણે જ આપણે ખડખડાટ હસી પડતા. શિક્ષક આપણને સમજાવતા, ‘જો છોકરા જોક્સ કહેનારો કોઈ દિવસ હસતો નથી. જોકસ કહેવા માટેની આ પ્રાથમિકતા છે. તું ડાયરાના કલાકારોને નથી સાંભળતો. હવે પછી શિખીને આવજે.’ આ કહેતાં સમયે શિક્ષક આપણને એ તો કોઈ દિવસ નથી ભણાવતા કે જ્યારે તારું હ્રદય બોલવાનું બંધ કરી દેશે, તું કોઈની સાથે એક પણ વાત નહીં કહે. કહેવા જેવો જ નહીં રહે. ત્યારે જો તું જોક્સ કહીશ તો તારી વાણીથી સર્જાતા હાસ્ય થકી તમામ લોકો હસશે. એ દિવસે તને રમૂજ ઉત્પન્ન કરતા આવડશે. પણ એવું થાય તો તારે ચેતી જવું.
પણ શું? શિક્ષક કોઈ દિવસ હાસ્ય કલાકાર કે લેખકની મનોસૃષ્ટીમાંથી પસાર નથી થયો હોતો. અથવા તો જીવનલક્ષી ભણતર આપનારા આપણે ત્યાં ઓછા છે. જે જીવનમાં કામ આવે. દરેક શિક્ષક તો શાહબુદ્દીનભાઈ રાઠોડ નથી હોતો. આપણે ત્યાં હાસ્યનો બીજા અર્થમાં મનોરંજનનો સ્પર્શ હંમેશાં પુરૂષો શા માટે કરે છે? હાસ્ય લખી શકતી આપણી પાસે ગણી ગાઠી મહિલા લેખિકાઓ કેમ છે? છે પણ તો એ એ કક્ષાની નથી. પુરૂષ પોતાની છાતીમાં જેટલા રહસ્યો દબાવીને રાખે છે તેટલા કોઈ નથી રાખતું. એક વખત તેણે બાથરૂમમાં જઈ રડી લેવું જોઈએ. પોક મુકીને રડવું જોઈએ. જોકે એ વસ્તુ આપણે બાળપણમાં કરી ચૂક્યા છીએ. બાળપણનું કેવું કે, બાળપણના વાનરવેડા આપણે મોટા થતાં નથી કરી શકતાં. જો મોટા થઈ કરીએ તો જમાનો આપણને ગાંડામાં ખપાવે. પુરૂષોનાં જીન્સમાં રડવાની બાદબાકી કરેલી છે. એને રડવું આવે તો પણ એ ચોધાર આંસુએ રડી નથી શકતો. કોઈને ખબર ન પડે એ રીતે એ રડે છે. કેવી રીતે? સુશાંત સિંહ રાજપુત એમ.એસ.ધોની ફિલ્મમાં જ્યારે દુલીપ ટ્રોફીમાં સિલેક્શન નથી થતું અને કલકત્તાના એરપોર્ટ પર જઈ ખુણામાં પીલર પાસે ઉભો ઉભો રડે છે તેવી રીતે. ધ્યાનથી જુઓ. એ રડતો નથી. એ અંદર માત્ર ડુસકુ ભરે છે. કેવી રીતે? પોતાના મિત્રોથી વિખૂટો પડીને.
છિછોરેમાં પોતાનો દીકરો આત્મહત્યા કરે છે ત્યારે તેનો અવાજ છાતીમાં ધરબાય જાય છે. એ રડતો નથી. એ શું કરે છે? એ પોતાના ખુરાફાતી મિત્રોને બોલાવે છે. જે હસાવી શકે. છિછોરેના ક્લાઈમેક્સમાં જ્યારે બાસ્કેટ નથી થતું ત્યારે સુશાંત રડતો નથી. એ ફરી આંસુઓને પી જાય છે. પુરુષ હંમેશાં દુ:ખની પરિસ્થિતિમાં મનોરંજનનું શરણું લે છે. તમને નથી ખબર? ફિલ્મોનાં રિવ્યૂ તો યાર તમે ખૂબ સારા લખો છો. 3 ઈડિયટમાં જ્યારે શરમન જોશી નીચે પડી જાય છે તો તેના મિત્રો શું કરે છે. ટીખળ કરે છે. હોસ્પિટલને હાસ્યાલયમાં બદલી નાખે છે.
કોઈને હસાવી શકો તેનાથી મોટું દુનિયામાં કોઈ સુખ નથી. રસ્તે કોઈ ઓળખીતો મળે કે ન મળે તેની સામે એક સ્માઈલ પાસ કરતા જાઓ. ભલે દુશ્મન હોય. પેલી વોટ્સએપ પર ફરતી લઘુકથા જેવું ન થાય કે, એક યુવક આત્મહત્યા કરવા જતો હતો. તેણે નક્કી કર્યું કે મારી સામેથી જેટલા પણ પસાર થાય, તેમાંથી જો કોઈ એક વ્યક્તિ હસી લે તો હું આત્મહત્યા કરવાનો વિચાર તરછોડી દઈશ. જો તમે જ તેને સામે મળ્યા હોય તો? જો તમે જ તેની સામે ન હસ્યા તો. વોટ્સએપ જેવી અજ્ઞાની યુનિવર્સિટીમાં જ્ઞાનનો શંખનાદ કરીને ફરતી આ ટેણકીકથા માત્ર એટલું જ કહેવા માગે છે કે બોલતા રહો અને અજાણ્યા તો અજાણ્યા સામે હસતા રહો. પાછું એ ય નવાઈ પમાડે છે કે એ ટચૂકડી કથાનો નાયક પુરૂષ છે.
સ્ત્રીઓની મને ખૂબ ઈર્ષ્યા થાય છે. એ ગમે ત્યારે રડી શકે છે. એ કોઈ પણ વાત દિલ ખોલીને કહી શકે છે. પુરૂષો એ બધું કરી નથી શકતા. કેમ? ખબર નહીં. મનોવિજ્ઞાન ભણી લીધું હોત તો સારું હોત.
ચંદ્રકાંત બક્ષીની લવ અને મૃત્યુ પુસ્તકનું એક વિધાન યાદ આવે છે, ‘ગુજરાતી ભાષામાં મૃત્યુ પામ્યા કહેવાય છે. જીવન પામ્યા એમ કહેવાતું નથી. મૃત્યુ ઉપલબ્ધિ છે. પ્રાપ્તિ છે. સિદ્ધિ છે. અંગ્રેજી શબ્દો પાસ્ડ અવે મને વધારે ગમે છે. એ પસાર થઈ ગયા. ગુજરી ગયા.’
ગુજરાતી ભાષા પાસે કેટલો સરસ શબ્દ છે. એ પસાર થઈ ગયા. એ ચાલ્યા ગયા. પસાર કોણ થાય ? એ જ જેને આપણે ઓળખતા ન હોઈએ. એ આવ્યા અને ચાલ્યા ગયા. બસ વચ્ચેની ખાલી જગ્યા પુરીને. સાત વર્ષમાં જ સુશાંત કેટલો સફળ થયો.
ટાગોરે કહ્યું છે. ‘જેવી રીતે મેં જીવનને પ્રેમ કર્યો છે તેવી રીતે હું મૃત્યુને પણ પ્રેમ કરીશ.’
સુશાંતને એક વર્ષ થઈ ગયું. તેના અકાળે અવસાનથી એક વસ્તુ હવે આપણને વધારે ચિંતિત કરશે. જે માણસ મોટિવેશનલ ફિલ્મો કરતો હતો, તેણે જ આ રીતે વિદાય લીધી. પ્રેરણાત્મક કોલમ અને પુસ્તકો પર હવે આપણે વિશ્વાસ મુકીશું? ખરીદશું? શું કહીશું? આપણે આપણી આવનારી પેઢીને શું કહીશું? જેણે ભારતની સર્વશ્રેષ્ઠ મોટીવેશનલ ફિલ્મ છિછોરે કરી હતી તેણે જ આત્મહત્યા કરી લીધી.
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને કહ્યું છે, ‘હું જે છું તે દિનપ્રતિદિન ઘટતું જાય છે.’ શાહરૂખ કરતાં એ વાતની આપણને વધારે ખબર છે, કારણ કે છેલ્લે તેનાં પ્રોડક્શન હાઉસની જ બેતાલ ફ્લોપ ગઈ છે. ખૂદની ઝીરો પણ ફ્લોપ ગઈ છે. અને શાહરૂખ ખુદ કહે છે કે આવનારા સમયમાં હું વધારે નિષ્ફળ જવાનો છું. છતાં એ અડિખમ છે અડગ છે.
બક્ષીબાબુએ સરસ કહ્યું છે, ‘સ્ત્રીની અને પુરૂષની એકલતાઓનો સેપીઆ રંગ જુદો જુદો છે. એકલતામાં સ્ત્રી વ્યસ્ત રહી શકે છે, પુરૂષ ત્રસ્ત થઈ જાય છે. ફિલોસોફી અને મોત વિશે વિચારતો થઈ જાય છે.’ બક્ષી સાહેબના આ વિધાનથી એક વસ્તુ તો સમજી જ શકાય છે કે ભલે ગામના ખૂણે ઉભા રહી પુરૂષો કહેતા હોય સિંહના ટોળા ન હોય, પણ હકીકતે પુરૂષોએ ટોળા બનાવીને જ રહેવું. એકલા બિલકુલ નહીં. એકલતાના કિનારા કે કિનારાની એકલતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત