Homeગામનાં ચોરે2021 તો 2020 કરતાં પણ વધારે ભયાનક હશે

2021 તો 2020 કરતાં પણ વધારે ભયાનક હશે

ગોવાબાપા : ‘એલા બાપા ક્યાં ગ્યા તા ? કામેય ઘેરથી કરતા હતા. કોઈ કોઈ વાર તો તમારો લેખ પણ આવતો નહોતો. મને તો ફોનેય નહોતા કરતા. આ ચાબુકના માલિકે કીધું કે, તમને ઉંધેમાથ કોરોના થ્યો છે એટલે ખબર પડી. પણ તમને કોરોના થ્યો એની મને જરાય ચિંતા નહોતી હો.’

‘લે કાં ?’

‘મને ખબર હતી કે કોરોના તમને થાશે ત્યાં સુધી બરાબર છે. પણ તમે કોરોનાને થ્યા તો એ જીવતો નહીં રહે.’

‘આખરે ચાબુક મારી હારેય બેટા એ જ થ્યું જે આખા જગત હાઈરે થ્યું. મને કોરોના થઈ ગ્યો. અમદાવાદથી મહેમાન આવ્યા હતા. મને પગે લાગીને ગ્યા અને પથારી ફેરવતા ગ્યા. બુંધ બેસાડી દીધી હો બેટા. દહા બેસી ગઈ મારી તો.’

‘રિકવર કેમ થ્યા ? મને તો એમ કે હવે નોકરી મૂકી દેશો.’

‘સવારમાં ઉઠીને મીઠાના પાણીના કોગળા કરતો. પછી લીબું પાણી પીઉં. પછી નારંગી અને મોસંબીનો રસ પીઉં. નાળિયેરનો ત્રોપો પીઉં. પછી ચા પીઉં. પછી કાવો પીઉં.’

‘એલા બાપા આટલું બધું પીઉં તો પછી પી-પી જાતા‘તા કે નહીં?’

‘તું મને સરખો થાવા દે…. બરાબરનો આંટીએ ન લઉં ને ચાબુક તો મારું નામ ગોવા બાપા નહીં.’

‘હાલો હવે શરુ કરો.’

તો હાલો હવે સીધા આણંદ

હવે તને તો ખબર છે ચાબુક કે આખા શહેરમાં કોરોના કોરોના છે. કોઈ બચે છે કોઈ નથી બચતા. આણંદમાં પણ એવું જ થ્યું. ભુપેન્દ્ર પટેલ નામના ભાઈ છેલ્લા 14 દિવસથી કોરોનાની સારવારમાં હતા ને એમનું નિધન થઈ ગયું. હવે પરિવારજનો એમ કહી રહ્યા છે ચાબુક કે આ ભાઈ ડોક્ટરોની બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે ?

‘કેમ ? સારવાર નહોતા કરતા.’

વાત સારવારની નથી. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ઓક્સિજનનો પાઈપ નીકળી ગયો એમાં ભુપેન્દ્રભાઈને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને એમાં જ તેઓ મૃત્યુ પામ્યા.

ઔવેસી આવે છે!!

હમણાં છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું ચાબુક કે રાજકારણમાં ખેડૂતોના આંદોલન સિવાયના કોઈ નવા સમાચાર નથી. એમાં ગુજરાતમાં એક નવા સમાચાર આવી ગયા છે.

‘શું છે?’

સમાચાર એવા છે કે અસુદુદ્દીન ઔવેસીની પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થાશે. અને આ એન્ટ્રી જેના દ્વારા થવાની છે એ છે છોટુભાઈ વસાવા. છોટુભાઈ વસાવાએ એવો દાવો કર્યો છે ચાબુક કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઔવેસીની પાર્ટીને સાથે રાખીને લડીશું. ભાજપ અને કોંગ્રેસને એકસાથે હરાવવા માટે BTP-AIMIM ગઠબંધન કરશે. છોટુભાઈએ વધુમાં કહ્યું છે કે, ઈકો સેન્સિટીવ ઝોન સામે આદિવાસીઓને બચાવીશું અને સરકાર…

‘શું સરકાર?’

તો કે સરકાર તો ઉદ્યોગના હાથનું રમકડું છે એમ કહી દીધું છોટુભાઈએ.

તો હવે મારી જ નાખો ને

પહેલા સમાચારવાળા નાસ્ત્રેદમસભાઈના કારણે હેરાન કરતા હતા. એમની કોઈક ને કોઈક ભવિષ્યવાણી લઈ માથામાં છૂટ્ટી ફટકારે. જે શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે માણસોને મારી નાખે. અને  હવે તો બાબા વેંગા પણ ભવિષ્યવાણી કરી છે. એમની ભવિષ્યવાણી વર્ષના અંતમાં આવે અને આવનારું વર્ષ અત્યંત ભયંકર રહેવાનું છે એમ કહી મગજ ડોફરાવી નાખે.

‘ભવિષ્યવાણી શું કરી છે ?’

2020ની જેમ જ 2021નું વર્ષ પણ બઘડાટી બોલાવશે. આ વર્ષ પણ સમગ્ર માનવજાત માટે ખતરનાક સાબિત થશે. મોટી મોટી આફતો આવવાની વાત વચ્ચે સારી વાત એ કરી છે કે કેન્સર જેવી બીમારીમાંથી મુક્તિ પણ મળી શકે છે. જોકે હું તો કઉં ચાબુક કે ક્યાંક કેન્સર જેવી બીમારી પહેલા જ આપણા બધાનો ફટાકિયો થઈ ગયો તો તો થઈ રહ્યું.

‘તો પણ બાબા વેંગાની ભવિષ્યવાણી તો સાચી જ પડશે ને ગોવાબાપા. માણહ જ નહીં હોય તો કોને કેન્સર થશે? કેન્સર નાબૂદ.’

જોકે આ બાબા વેંગા તો 1996માં જ ગુજરી ગયા છે. ગુજરી ગયા પછી પણ એ પોતાની ભવિષ્યવાણીઓથી આખા ગામને હેરાન કરે છે. એમણે જે કેટલીક સચોટ ભવિષ્યવાણીઓ કરી એમાં 9/11 હુમલો, બ્રેક્ઝિટ સંકટ સૌથી મોટી હતી. અને એ સાચી પણ પડી હતી.

‘તમને કોઈ દિવસ ભવિષ્યવાણીઓ કરવાવાળા ભટકી ગયા ગોવા બાપા ?’

હા. મને તો ભટકી ગયા અને લૂંટી પણ ગયા. હું એકવીસ વર્ષનો હતો ત્યારે એક જ્યોતિષીએ મારો હાથ જોઈ ભવિષ્યવાણી કરેલી કે દસ વર્ષમાં તમે સફળ થશો. આજે એ દસ વર્ષની માથે બીજા પચાસ વર્ષ થયા હું સફળ નથી થયો.

‘અને પેલો જ્યોતીષી?’

એણે બસ અમને દસ દસ વર્ષનું કહીને મુંબઈમાં મકાન બનાવી લીધા. હમણાં એક ચેનલમાં પણ દેખાણો તો… મકર રાશિને ધન લાભ નહીં થાય એવું સોનાનો હાર પહેરીને કહેતો હતો. દર વર્ષે એ કહે છે કે મકર રાશિને ધન લાભ નહીં થાય. જોકે એનીય રાશિ તો મકર જ છે.

(કોરોના મુક્ત થયેલા પીઢ પત્રકાર ગોવાબાપા હવે રોજ સાંજે તમને ચાંદલો કરવા આવશે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments