Homeવિશેષકોલેજ કથા - પૌરવી

કોલેજ કથા – પૌરવી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

પૌરવી. શહેરના પ્રતિષ્ઠિત એવા અવિનાશ બિલ્ડરના માલિકની દીકરી આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં આવી અને પોતાનું લાખ એકનું જોબનિયું જુવાનિયાઓની આંખો સામે ઠલવી દીધું. પ્રેમઘેલાઓના હ્રદય એની નીચે દબાય ગયા.

ધૂળ બની તેના સેન્ડલમાં ચોંટી જવાના અભરખાઓ સેવાવા લાગ્યા. એના હોઠમાંથી પોતાનું નામ નીકળી જાય તેની પ્રાર્થનાઓ થવા લાગી. એના સુદીર્ઘ વક્ષસ્થળોમાં બે ઘડી માથુ રાખી કુંભકર્ણ નિંદ્રા ખેંચી પોઢવા માટેની ઈચ્છાઓ પાંગરી ઉઠી. સમુદ્ર કરતાં એની પીંગરી આંખોમાં ડૂબી જવાની માનતા માનવાવાળા વધારે હતા. દસ હજારનાં ડ્રેસમાં ફરતી લાખેકની આ કાયા કોઈ લબરમૂછીયાના હાથમાં આવે એવી ન હતી. કેરમની આ કૂકરી સાથે કોણ રમશે તેની આંતરિક સ્પર્ધાઓ થવા લાગી હતી. રાણીને મેળવવા માટે વિવિધ ગ્રામ્ય પ્રદેશના અડવીતરા શહેજાદાઓ યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવા લાગ્યા હતા.

અને પૌરવી. પૌરવી નામનું આ બદન કોઈના હાથમાં આવે એવું ન હતું. લક્ષ્મણને તેણે થપ્પડ મારી તેની લક્ષ્મણ રેખામાં રહેવાનું કહી દીધું હતું, જીજ્ઞેશની જટાઓ પકડી તેને સમજદારીનું ભાન કરાવ્યું હતું, હિરેનીયાને બધા સામે હડધૂત કરી નાખેલો. આવા બે ચાર પ્રસંગોથી જ તો ચીર-પરિચિતો હરતાં ફરતાં રૂપનાં આ રિમાન્ડ રૂમ સમકક્ષ પોલીસ સ્ટેશનથી દૂર રહેવામાં જ સમજદારી માનતા હતા.

જ્યારથી પૌરવીએ કોલેજમાં પગ મૂક્યો હતો ત્યારથી તેને તેનો સિનિયર માનવ ગાંડાની જેમ નીરખતો રહેતો. લાયબ્રેરીમાં જાય તો ત્યાં સમાજશાસ્ત્રની જગ્યાએ પૌરવીનાં શરીરશાસ્ત્ર વિશે વિચારવા લાગતો. મનોવિજ્ઞાનની લેબમાં જાય તો ત્યાં તેના મગજમાં પોતાના માટે કંઈ લાગણી છે કે નહીં તેનો તાગ કાઢવા મથતો. તત્વજ્ઞાનના લેક્ચરમાં તેના માટે ફિલોસોફીઓ ઘડવા લાગતો.

તેણે પોતાના ઠાવકા મિત્ર જયંતીને કહ્યું, ‘જેન્તીડા, ફૂલનો આ ગુલદસ્તો હાથમાં આવે કે ન આવે પણ તેને જોવો મને ખૂબ ગમે છે. ગુલદસ્તો મોંઘી દુકાનનો છે. હાથ અડકવા માટે પણ લાયક થવું પડે.’ એ ખૂદને અંદરખાને દોષ દેવા લાગ્યો.

પહેલાં તો જયંતીને માનવની વાત માનવામાં ન આવી. પણ માનવની રોજબરોજની ક્રિયાઓ જોઈ તેને શંકા ઉપજવા લાગી. તેની આંખોમાં પૌરવી માટે અહર્નિર્ષ પ્રેમ વરસતો જોયો. બીજાઓ કલ્પનામાં પૌરવીને પથારીમાં પાડવા થનગનતા ત્યાં માનવ તેને ભાવી પરણેતર બનાવવા માગતો હતો.

‘આવું સંગેમરમર જેવું સૌંદર્ય તો ઘરમાં શોભે તેને ભૂલથીય કામ ન કરાવાય.’ માનવના પ્રેમની સાબિતી એ હતી કે એ કવિ થવા લાગ્યો હતો.

પણ ક્યાં મહેલમાં રહેતી આ શહેજાદી અને ક્યાં માનવ! ધરતી અને આકાશ જેટલી ભિન્નતા હતી. બે દોરા કેમેય કરીને ભેગા થાય તેવા કોઈ સંજોગો નહોતા. માનવ પાછો પૌરવીમાં હિંમત પણ નહોતો કરતો. એને તો બસ એને નીરખ્યા જ કરવી હતી.

એની રોજની દોડધામ વધી ગઈ. ફક્ત અને ફક્ત પૌરવી માટે. જયંતીને ફોન લગાવતો અને તે આવી હોય તો દોડીને તેની આજુબાજુ પહોંચી જતો. પેલી ભાવ ન આપતી અને આ પાછળ ને પાછળ પડ્યો રહેતો. આ મહારાણીને પામવા માટે કંઈક તો કરવું ને. આખરે જયંતીએ જ માર્ગ કાઢ્યો. માર્ગ થોડો કાંટાળો હતો પણ ગુલાબને પામવા દર્દ સહેવું પડે.

કોલેજની બહાર સીડીઓ પર બેઠા હતા ત્યારે જયંતીએ કહ્યું, ‘માનવ તેની સાથે ગૃહસ્થી માંડવી હોય તો એક જ ઉપાય છે, પણ એ લોઢાના ચણા ચાવવા જેવો છે.’

‘અરે જયંતી તું ખાલી બોલ… પ્રેમની આ પારસમણી માટે હું યમરાજ સામે બાથ ભીડવા માટે તૈયાર છું.’

જવાબમાં જયંતીએ જે કહ્યું એમાં યમરાજ સામે બાથ ભીડવી સહેલી હતી પણ આ કામ કરવું અઘરું હતું. પોલીસની ભરતી આવતી હતી અને ગુજરાતમાંથી લાખો યુવાનો ભાગ લેવાના હતા. એમાં જો દાળ ગળી જાય તો માનવને પૌરવીના હૈયામાં જવાની એક કેડી મળી જાય. તેના હાથમાં પોતાના નામની મહેંદી મૂકાઈ જાય.

જયંતિનો સુજાવ સાચો અને સારો હતો, પણ માનવ માટે આ કામ ભીંત જોઈને ભાર મૂકવા જેવું હતું. ઘરની જવાબદારી માનવના માથે હતી. આખો દાડો રેતીના ટ્રેક્ટર સાર્યા કરે એમાં વાંચવાનો કેટલો સમય મળે ? વાંચવાનું ટાણું લઈને બેસે ત્યાં થાકીને ઉંઘી જાય. સમય ટ્રેક્ટરની એ રેતીની માફક હાથમાંથી સરકતો જતો હતો.

જનરલ નોલેજના ચોપડા લઈ માનવ હરતો ફરતો સોક્રેટીસ બની ગયો. એ રેતીના ટ્રેક્ટરમાંથી રેતી કાઢ્યા રાખે અને સમય મળે ત્યારે બાજુમાં પડેલી ચોપડીમાં નજર નાખી દે. જયંતીનો ફોન આવે ત્યારે પૌરવીની એક ઝલક મેળવવા માટે કોલેજમાં દોડ્યો જાય.

‘બસ એને જોવી છે બીજું કંઈ નહીં.’ આવું મનમાં બોલી પણ લે.

કોલેજમાં એ પૌરવીનો સિનિયર હોવાના નાતે વહેલો છૂટી ગયો અને તોય તેને પૌરવીની સુંદરતા ફરી કોલેજ ઢસડી લાવી. એ વારંવાર કોલેજની ક્લિયોપેટ્રાને જોવા માટે ગામડેથી ધક્કો ખાતો આવતો.

માનવને એની મહેનત ફળી. ગ્રાઊન્ડ પાસ થયો અને પછી પરીક્ષા પણ પાસ કરી. હવે પૌરવી હાથ વેતમાં હતી. એણે સપના સજાવીને રાખ્યા હતા, ‘તેના બા-બાપુજીને મળીશ, હું કોણ છું તે કહીશ, માગુ નાખીશ, અને પૌરવીને મારા ઘરમાં લાવીશ. ના… ના…. આ ઘરમાં નહીં, કોઈ બીજા ઘરમાં. આ ઘર એને નહીં ગમે!’

લગ્ન સુધીના સપના તેણે સજાવીને રાખ્યા હતા. તેના કાનમાં શરણાઈના સૂર વાગતા. ઢોલ ઢબૂકતા. જાનૈયાઓ નાચતા હતા અને મિત્ર જયંતી એના ઘોડાની આગળ કૂદતો હતો. ને ત્યાં એના ગામનો મિત્ર દોડીને આવ્યો, ‘માનવ તું પરીક્ષામાં પાસ થઈ ગયો છે.’

‘હાથમાં ઓર્ડર ન આવે ત્યાં સુધી હું ન માનું.’ રેતીના ટ્રેક્ટરમાં પાવડો ખુપાવતા માનવે જવાબ આપ્યો.

ઘરની જવાબદારી વછૂટતી નહોતી. પૌરવીએ તેના મગજને ચારેબાજુથી ઘેરી રાખ્યું હતું. જયંતીને એ પૌરવી વિશે પૂછી લેતો હતો. જયંતી તેને પાક્કા ભાઈ બંધની જેમ બધું કહી દેતો.

બાકી હતો તે નોકરીનો ઓર્ડર પણ આવી ગયો.

આ બધામાં દોઢેક વર્ષ નીકળી ગયું. ટ્રેનિંગ પણ થઈ ગઈ. જે છાતીમાં પૌરવી ધબકતી હતી ત્યાં પોલીસનો ડ્રેસ અને તેનું નામ લાગી ગયું હતું. હવે તે પૌરવીના ખાનદાનની માપસર થોડો અમથો આવ્યો હતો. એડીચોટીનું જોર લગાવી ખુશ હતો. દોઢેક વર્ષની હેરાનગતિ અને પરસેવો વહાવ્યા પછી જયંતીને ફોન કરી પૌરવી અંગે પૂછતાછ કરાવવાનું કહ્યું.

જયંતીને પાક્કી ખબર હતી કે આ અંગે ક્યાં પૂછવું. પૌરવીનો એક દૂરનો ભાઈ હતો. માનવનો ફોન આવ્યા પછી જયંતી તેની પાસે હાંફતા હાંફતા ગયો. તેને ડર હતો. કાળજે હાથ ધરીને એ આગળ વધ્યો. કોલેજ તો તેની પણ પૂરી થઈ ગઈ હતી, પણ આટા મારવામાંથી નવરો નહોતો.

પૌરવીનો ભાઈ દુષ્યંત આવ્યો અને જયંતીએ વાતોના વડા કર્યા. સમય આવ્યે એણે બ્રહ્માસ્ત્ર છોડી દીધું, ‘પેલા આપણાં પૌરવી બહેન હતાં. એ આજકાલ ક્યાં છે?’

‘લે તમને નથી ખબર.‘ દુષ્યંતના ચહેરા પર ચમક આવી ગઈ, ‘એમને તો ખૂબ સારું છે. બામણસા લગ્ન થઈ ગયા છે.’

દુષ્યંતના મોઢામાંથી આ શબ્દો નીકળતા જયંતી માટે ખાધેલું ઓકવા જેવી નોબત આવી ઊભી. હવે માનવને કહેવું કઈ રીતે. આવતી કાલ તો એ શહેરમાં પાછો આવવાનો હતો.

બીજા દિવસે માનવ અને જયંતી કોલેજની એ સીડીઓ પાસે ભેગા થયા. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જયંતીએ માનવને આ વાત કહી દીધી. સીડીઓ પર માનવ ફસડાઈ પડ્યો. જયંતીએ એને ઝાલ્યો. કોલેજનો બેલ વાગ્યો. માનવ ઊભો થયો અને જયંતીને કહ્યું, ‘બામણસા કોઈ વખત હું જઈશ જરૂર. તું સરનામું મેળવજે.’

જયંતી માટે આ નવી સમસ્યા હતી. શું બોલવું શું ન બોલવું એમાં તેની જીભ થોથવાઈ ગઈ. માનવે આગળ ચલાવ્યું, ‘એને બસ મારે જોવી છે. એને જોવી મને ખૂબ ગમે છે. કોલેજમાં પણ હું એને જોતો જ હતો. બસ તેની પાછળ પાછળ ચાલીને તેને જોયા જ કરતો હતો. યાર જયંતી માનવું પડે, આ ખાખી મેં પહેરી છે ને ? એ કદાચ પૌરવી ન હોત તો મારા ડિલમાં ચોંટેલી પણ નહોત. આને હું એનો પ્રેમ ગણું છું. મારે બીજું એની પાસેથી કંઈ નથી જોતું.’

માનવ જયંતીને સીડી પર એકલો છોડીને ચાલ્યો ગયો. જયંતી તેની પીઠને નીરખતો રહ્યો અને બોલ્યો, ‘સારા છોકરાઓ પોતાની ગમતી છોકરી આગળ હ્રદયના પટારામાં સંઘરીને રાખેલી વાત નથી કહી શકતા. શું ખબર એ પણ આની જ રાહ જોતી હોય?’

[વાત પૂરી થાય છે અને જયંતી ચાબુકની ઓફિસેથી ઊભો થાય છે. કહે છે, ખૂબ સરસ કામ કરો છો. આ અગાઊ તમારી બે વાર્તા વાંચી એટલે થયું કે મિત્રની વાર્તા તો તમને રૂબરૂ મળીને જ કહેવી પડે. મારાથી પૂછાય જાય છે, ‘એણે પૌરવીને શોધવાની કોશિશ કરી?’ જયંતિ જવાબ આપે છે, ‘હા, એ કોઈ વાર બામણસા કારણ વિનાનો જાય છે ત્યારે મને ફોન કરી કહે છે કે આટલા મોટા ગામમાં મારે તો એને ક્યાં શોધવી ?’ જયંતી ચાબુકની ઓફિસેથી જવા ઊભો થાય છે. હું જોઈ શકું છું કે તેના ચહેરા પર મને એ જ ભાવ દેખાય છે જે તેણે માનવને છેલ્લી ક્ષણે જોતી વખતે અનુભવ્યો હશે. જાણે એ કોલેજની સીડીઓ પર એકલો ઊભો રહી ગયો હોય. સત્યકથા. પાત્રનું નામ અને ગામનું નામ બદલેલ છે.]

[શિર્ષક પંક્તિ- બરકત વીરાણી ‘બેફામ’]

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments