Homeગામનાં ચોરેકેનેડાની જે શાળામાંથી 215 વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા તે કેવી રીતે મરી ગયા...

કેનેડાની જે શાળામાંથી 215 વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા તે કેવી રીતે મરી ગયા હતા?

Team Chabuk-National Desk: કેનેડાની એક શાળામાં 215 બાળકોનાં મૃતદેહ દફન મળી આવ્યાની ખબર મળતા વિશ્વભરની આંખો પહોળી થઈ ગઈ છે. દફન કરવામાં આવેલા બાળકોમાંથી કેટલાક બાળકોની વય ત્રણ વર્ષની પણ છે. આ શાળાને કોઈ એક સમયે કેનેડાની સૌથી મોટી રેસિડેન્શિયલ એટલે કે બોર્ડિંગ સ્કૂલ માનવામાં આવતી હતી. જ્યાં દુનિયાભરમાંથી બાળકો અભ્યાસ કરતાં હતાં. જે શાળાના પટાંગણમાંથી બાળકોના મૃતદેહ હાથ લાગ્યાં છે તે કેમલૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ છે.

સ્કૂલના એક અધિકારી રોજૈન કેસિમીરે જણાવ્યું હતું કે, ગત્ત અઠવાડિયે ગ્રાઊન્ડ પેનેટ્રેટિંગ રડારની મદદથી જમીનની નીચે મૃતદેહો દફન હોવાની જાણકારી મળી હતી. તેમણે આશંકા જતાવી હતી કે હજુ પણ વધારે મૃતદેહો હાથ લાગી શકે છે કારણ કે હજુ પણ શોધખોળ ચાલુ છે.

તેમનું માનવું છે કે, આ એક એવું નુકસાન છે જેના વિષે કશું પણ વિચારી ન શકીએ. આ અંગે બોલી તો શકીએ છીએ પણ તેને ઈતિહાસમાં કોઈ દિવસ નોંધી નહીં શકીએ. રોજૈને આગળ કહ્યું કે, 19મી સદીની શરૂઆતથી લઈને 1970 સુધી ખ્રિસ્તી શાળામાં દેશભરમાંથી 1.50 લાખથી વધારે બાળકો લાવવામાં આવ્યાં હતાં. તેમના પર ઈસાઈ ધર્મમાં પરિવર્તિત થવાનું દબાણ લાદવામાં આવતું હતું અને તેમને તેમની માતૃભાષા બોલવા સુદ્ધાંની પરવાનગી આપવામાં આવતી નહોતી. ઘણાને ઢોર માર મારવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ હિંસામાં આશરે 6 હજાર બાળકો મૃત્યુ પામ્યાં. આને લઈ 2008ની સાલમાં કેનેડાની સરકારે સંસદમાં માફી પણ માગી હતી અને માન્યું હતું કે એ સમયે બાળકોનું ઈસાઈ શાળાઓમાં શારીરિક શોષણ પણ થતું હતું.

પાંચ વર્ષ પૂર્વે ટ્રૂથ એન્ડ રિકૉન્સિલેશન કમિશનની એક રિપોર્ટ સામે આવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દુર્વ્યવહાર અને લાપરવાહીના કારણે ઓછામાં ઓછા 3200 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે 1915થી 1963ની વચ્ચે કૈમ્પલૂપ્સ શાળામાં 51 બાળકોને મારી નાખવાની રિપોર્ટ ફાઈલ થઈ હતી.

કૈમલૂપ્સ શાળા 1890થી 1969 સુધી ચલાવવામાં આવી હતી. એ પછી સરકારે કેથોલિક ચર્ચ પાસેથી તેનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું.  આ શાળાને વર્ષ 1978માં બંધ કરી દેવામાં આવી હતી. આ શાળા કેનેડાના બ્રિટિશ કોલમ્બિયાં પ્રાંત ખાતે આવેલી છે. રોજૈન આ વિષે જણાવે છે કે, શાળાના વિસ્તારને જોઈ અનુમાન લગાવી શકાય છે કે તેમાં એક સાથે 500 વિદ્યાર્થીઓ રહેતા અને અભ્યાસ કરતા હશે.

આ ઘટના અંગે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડ્યૂએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર આ અંગે કહ્યું છે કે, ‘‘શાળામાં મૃતદેહ મળવાની ખબર દુ:ખદાયી છે. આ આપણા દેશના ઈતિહાસના કાળા અને શર્મશાર અધ્યાયની દર્દનાક સ્મૃતિ છે. હું એ તમામ લોકો વિશે વિચારી રહ્યો છું કે જે આ દુ:ખદ ખબરથી પ્રભાવિત થયા છે. અમે તમારા માટે અહીંયા છીએ.’’

હજુ પણ શાળાની જમીનનો રડાર મારફતે સર્વે કરવામાં આવી રહ્યો છે અને હજુ વધારે મૃતદેહો મળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ હવે એ પરિવારોની શોધખોળ પણ લગાવાવમાં આવી રહી છે જેમના બાળકો અહીં અભ્યાસ કરી રહ્યાં હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments