Homeસિનેમાવાદજાણીતા યુટ્યુબરનું કોરોનાથી મોતઃ ગઈકાલે જ ફેસબુક પર લખ્યું હતું કે, 'સારી...

જાણીતા યુટ્યુબરનું કોરોનાથી મોતઃ ગઈકાલે જ ફેસબુક પર લખ્યું હતું કે, ‘સારી સારવાર મળી હોત તો હું બચી જાત’

Team Chabuk-National Desk: કોરોનાના કારણે અનેક જાણીતા ચહેરાઓ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. જાણીતા યુટ્યુબર અને એક્ટર રાહુલ વોહરાનું કોરોનાના કારણે નિધન થયું છે. ગઈકાલે 8મેના રોજ રાહુલ વોહરાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારની પુષ્ટિ રાહુલના મિત્ર અને ડાયરેક્ટર અરવિંદ ગૌડે કરી છે.

અરવિંદ ગૌડે પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, ‘રાહુલ વોહરા ચાલ્યો ગયો, મારો હોનહાર એક્ટર હવે નથી રહ્યો. કાલે જ રાહુલે કહ્યું હતું કે, મને સારી સારવાર મળી હોત તો હું પણ બચી જાત. ગઈકાલે સાંજે તેને રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી આયુષ્માન, દ્વારકા શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલ અમે બધા તને બચાવી ન શક્યા. માફ કરી દેજે, અમે તારા અપરાધી છીએ. અંતિમ નમન…’

મહત્વનું છે કે, ગઈકાલે સાંજે રાહુલ વોહરાનું નિધન થયું તે પહેલાં બપોરે 12-38 મિનિટે તેણે ફેસબુક પર અંતિમ પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં રાહુલ વોહરાએ લખ્યું હતું કે,

‘મને પણ સારી સારવાર મળી હોત તો હું બચી જાત, તમારો રાહુલ વોહરા

નામ-રાહુલ વોહરા

ઉંમર-35

હોસ્પિટલનું નામ- રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, તાહિરપુર, દિલ્હી

બેડ ક્રમાંક- 6554

માળ- 6, બી વિંગ, HDU’

રાહુલ વોહરાએ પોતાની આ અંતિમ ફેસબુક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટેગ કર્યા હતા. પોસ્ટમાં રાહુલ વોહરાએ એમ પણ લખ્યું હતું કે, ‘ઝડપથી જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ચુક્યો છું.’

રાહુલ વોહરાની અંતિમ ફેસબુક પોસ્ટ

આમ રાહુલ વોહરાને મોત અંગેનો અંદેશો અગાઉથી જ આવી ગયો હતો. સાંજે તેનું મૃત્યુ થયું તે પહેલાં જ બપોરે તેણે ફેસબુક પર આ પ્રકારની પોસ્ટ મૂકીને મોત નજીક હોવા અંગેની માહિતી આપી દીધી હતી અને બન્યુ પણ એવું જ, આ હ્રદયદ્રાવક પોસ્ટ મૂક્યાના થોડા કલાકમાં જ રાહુલ વોહરાનું સારવાર દરમિયાન નિધન થઈ ગયું.

મહત્વનું છે કે રાહુલ વોહરાએ ગત 4 મેના રોજ ફેસબુક પર એક પોસ્ટ લખીને મદદ માગી હતી. રાહુલ વોહરાએ 4 મેના રોજ ફેસબુક પર લખ્યું હતું કે, ‘હું કોવિડ પોઝિટિવ છું. દાખલ છું. લગભગ ચાર દિવસથી કોઈ રિકવરી નથી થઈ રહી. શું કોઈ એવી હોસ્પિટલ છે, જ્યાં ઓક્સિજન બેડ મળી જાય ? કેમકે અહીંયા મારું ઓક્સિજન લેવર સતત નીચે જઈ રહ્યું છે. અને દિલ્હીમાં કોઈ સંભાળ લેવાવાળું નથી. હું ખૂબ મજબૂર થઈને આ પોસ્ટ કરી રહ્યો છું. કેમકે ઘરવાળા સભાળી શકવાની સ્થિતમાં નથી.’

ત્યારબાદ રાહુલ વોહરાએ ગઈકાલે શનિવારે બપોરના સમયે અંતિમ પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે કહ્યું કે, મને સારી સારવાર નથી મળી. રાહુલ વોહરાની આ ફેસબુક પોસ્ટ વાઇરલ થતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેયે પણ નોંધ લીધી. તેમણે હોસ્પિટલમાં ફોન કરીને સારી સારવાર માટે વાત કરી. જેમાં તેઓને રાહુલ વોહરા BiPAP પર ગંભીર હોવાની જાણકારી મળી. ડોક્ટર તરફથી તમામ સંભવ સારવાર માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ રાહુલને બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ તે કોરોના સામેનો જંગ હારી ગયો.

રાહુલ વોહરાના નિધનના સમાચાર સાંભળીને તેના પરિવારજનો અને સગા-સંબંધીઓને ભારે આંચકો લાગ્યો છે. રાહુલ વોહરા ફેસબુક અને યુટ્યૂબ પર ભારે ફેન ફોલોઇંગ ધરાવે છે. રાહુલ વોહરાના નિધનના સમાચાર સાંભળીને તેના ફોલોઅર્સને પણ ધ્રાસકો પડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments