Homeવિશેષવન્ય જીવ સપ્તાહઃ યાયાવર પક્ષીઓ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં જ શા માટે...

વન્ય જીવ સપ્તાહઃ યાયાવર પક્ષીઓ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં જ શા માટે આવે છે ?

Team Chabuk-Special-Desk: આજે 2જી ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતી. ગાંધી જયંતીથી વન્ય જીવ સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. આ પૃથ્વી પર સહુથી છેલ્લા ઉદભવેલા કાળા માથાના માનવી એ સાર્વત્રિક પ્રભુત્વ જમાવી દીધું છે અને પશુ, પક્ષી અને વનસ્પતિ જગત તેના ડરથી સંકોચાતા જાય છે. ઓ માનવી તું એકલો માલિક નથી, આ સહિયારી ધરતીના અનેક હિસ્સેદારો પૈકી તું એક છે એવી સમજણ આપવા હવે વિશ્વ વન્ય પ્રાણી દિવસ, વન્ય પ્રાણી સપ્તાહ, ધરતી દિવસ, વન દિવસ જેવી ઉજવણીઓ કરવી પડે છે.

આવી જ એક કડીના રૂપમાં દર વર્ષે તા.૨જી ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ ભારતભરમાં વન વિભાગ દ્વારા વિવિધ વન્ય પ્રાણીઓના જતન માટે કટિબદ્ધ સંસ્થાઓને સાથે રાખીને ઉજવવામાં આવે છે. આ વન્યજીવ સપ્તાહ દરમિયાન વનવિભાગ વન્ય જીવોની, તેમની અગત્યતા અને પર્યાવરણની જાળવણીમાં તેમની ઉપયોગિતા અને અનિવાર્યતાની જાણકારી તેમજ તેના સંરક્ષણ તેમજ સવંર્ધનની પ્રેરણા આપતાં કાર્યક્રમો યોજીને કરે છે. વન વિભાગ તો આમ તો કાયમ જ વન્યજીવ સૃષ્ટિના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત રહે છે. પણ આ સપ્તાહ દરમિયાન લોક સમુદાયોને આ કાર્યમાં જોડતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

પૃથ્વી પર અંદાજે ૧૭.૫ લાખ નોંધાયેલા જીવ જંતુ વનસ્પતિઓમાં સસ્તન પ્રાણીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. વિશ્વના મોટા ભાગના રક્ષિત વિસ્તારોમાં સસ્તન પ્રાણીઓનું સંરક્ષણ વન વ્યવસ્થાપનમાં કેન્દ્ર સ્થાને છે. હાલના જનીનિક પૃથક્કરણ પ્રમાણે મોટા ભાગના સસ્તન પ્રાણીઓની ઉત્પત્તિ ડાયનાસોરના વિનાશ બાદ થઈ છે.

એક અહેવાલને ટાંકતા વન્ય જીવ છબિકાર ડો.રાહુલ ભાગવત જણાવે છે કે, ભારતમાં સસ્તન પ્રાણીઓની ૪૧૦ જાતિઓ છે, જે વિશ્વના સસ્તન પ્રાણીઓની જાતિના ૮.૬% જેટલી છે. Iucn દ્વારા કરાયેલી નોંધ મુજબ સસ્તન પ્રાણીઓની ૧૨૪ જાતોનું અસ્તિત્વ જોખમમાં છે.

ગુજરાતમાં સસ્તન પ્રાણીઓની વિવિધતા વધુ છે. ૧૦૭ જેટલી જાતો ગુજરાતમાં નોંધાયેલી છે. નિવાસ્થાનોના નાશથી અને અન્ય કારણોસર કેટલીક જાતો જેવીકે હાથી, ગૌર, ચિત્તા, ભારતીય જંગલી કૂતરો, ડાંગની મોટી ખિસકોલી રાજ્યમાંથી વિલુપ્ત થઈ ચૂક્યા છે અને અસ્તિત્વ ધરાવતી ઘણી જાતો સંકટમાં જીવી રહી છે.

ભારતમાં જે મુખ્ય સસ્તન પ્રાણીઓ જોવા મળે છે તેમના બે અર્થાત્ એશિયાટિક સિંહ (Asiatic Lion)અને ભારતીય ઘુડખર (indian wild ass) વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળે છે. સંખ્યાની દૃષ્ટિએ જોતાં એશિયાઇ સિંહ, જંગલી ગધેડું, કાળિયાર અને નીલગાયની વસ્તી વધુમાં વધુ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગુજરાતમાં દરિયાઈ સસ્તન પ્રાણીઓની પણ અલગ અલગ જાતો જોવા મળે છે.

પક્ષીઓની બાબતમાં પણ ગુજરાત ઘણું સમૃદ્ધ છે. પક્ષીઓની ૫૦૦થી વધારે પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં જંગલો તેમજ વિવિધ પ્રકારના આવાસ જેમકે ઘાસના મેદાન, પાનખર જંગલો, રણ પ્રદેશ, વર્ષાવનો એમ ઘણા પ્રકારના ભૌગોલિક પરિસ્થિતિ વાળા વિસ્તાર હોવાથી ઘણા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતમાં લોકો જીવદયાની ભાવના વાળા છે અને મોટેભાગે પક્ષીઓના શિકારથી દૂર રહે છે તેથી યાયાવર પક્ષીઓ પણ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ગુજરાતમાં શિયાળાની ઋતુમાં આવે છે.

ગુજરાતમાં ૩ રામસર પક્ષી તીર્થ આવેલા છે. નળ સરોવર, વઢવાણા અને થોળ, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. વડોદરા જિલ્લા માટે ગૌરવની વાત છે કે, તાજેતરમાં તેના એકમાત્ર પક્ષી તીર્થ વઢવાણાનો રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડો.રાહુલ  ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની વિવિધતા અંગે ચર્ચા કરતાં જણાવે છે કે, અહીં  grey હિપોકોલિયસ , black francolin, greater flamingo ,lesser flamingo, bar headed goose, steppe eagle,  eatern imperial eagle, white rumped vulture, water cock જેવા પક્ષીઓ જોવા મળે છે. 

ગુજરાતમાં જોવા મળતું great indian Bustard એટલે કે ધોરાડ પક્ષી તેમજ ખડમોર પક્ષી lesser florican ને લુપ્ત થતું બચાવવા વન વિભાગ ખૂબ પ્રયત્નશીલ છે. ગુજરાતની ભૂગોળ અને વન્ય જીવ સૃષ્ટિ અદભૂત વિવિધતા ધરાવે છે. એમાં ગીરના વર્ષા વનોથી લઇને કચ્છના રણ પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર અને દાહોદના ઘાસના મેદાનોનો સમાવેશ થઈ શકે, આટલી વિવિધતાને કારણે તેમાં ઘણાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ અને અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે.

rps-baby-world-1

સિંહ, રીંછ, દીપડા જેવા જંગલી પ્રાણીઓથી લઇને નાના હંજ, મોટા હંજ, ખડમોર, અનેક પ્રકારના બતકો, જંગલમાં વસતા પંખીઓ, પાણીમાં વસતા પક્ષીઓ તેવીજ રીતે રણ પ્રદેશમાં વસતા પક્ષીઓ જોવા મળે છે. રણ પ્રદેશને લીધે મોટા ગરુડ જેવા કે મધીઓ બાઝ (Oriental honey buzzard), ટપકિલો ઝુંમસ (greater spotted eagle), નેપાળી ઝુંમસ (steppe eagle ) જેવા શિકારી પક્ષીઓ અહી કચ્છના રણમાં સારી સંખ્યામાં શિયાળામાં જોવા મળી જાય છે. નાના રણનુ ઘુડખર અભયારણ્ય શિયાળામાં આવા પક્ષીઓને જોવાનું ઉત્તમ સ્થાન છે.

ગુજરાતમાં ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૩ સંરક્ષિત વિસ્તારો આવ્યા છે. તેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષિત વન સૌથી વધારે કેન્દ્ર સ્થાને છે. પક્ષીઓ વિશે વાત કરીએ તો નળસરોવર ઘણું પ્રખ્યાત છે.

બીજી ઓક્ટોબર અહિંસાના પ્રખર હિમાયતી, કરુણામૂર્તિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પ્રાગટ્ય દિવસ છે. તેની સાથે આ સપ્તાહનું અનુસંધાન ખૂબ સાર્થક જણાય છે. વનો, વન્ય જીવો અને પક્ષીઓ તથા જીવ સૃષ્ટિ જગતને જીવવા જેવું બનાવે છે. આ મૂંગા, અબોલ જીવોની જાળવણીમાં યોગદાન આપવું એ આપણા સહુનું પવિત્ર કર્તવ્ય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments