Team Chabuk-Cinema Desk: ચેતન સશિતલ જેને અવાજની દુનિયામાં BIG-Cના નામે ઓળખવામાં આવે છે. બાળપણમાં માટુંગામાં રહેતા ત્યારે ચેતન ડાળી પર બેસેલા કાગડાને જોઈ, તેના અવાજની નકલ કરતાં અને માત્ર ચાર વર્ષની ઉંમરે તેમણે કાગડાનો રિયલ અવાજ કાઢ્યો. બન્યું એવુ કે ત્યારે તેમના તમામ મિત્રો કાગડાનો અવાજ કાઢે. જે કા…. કા…. હોય, પણ હકીકતે માણસ જ્યારે તેને ધ્યાનથી સાંભળે ત્યારે આ…આ હોય… જેથી આજુબાજુની તમામ વ્યક્તિઓને તે કાગડાઓનો અવાજ લાગે.

આ કારનામા બાદ તેમણે કબૂતરનો અવાજ કાઢ્યો. આ તેમનું પહેલુ વોઈસ ઓવર હતું. ચેતનનું માનવુ છે કે આ દુનિયામાં બધા લોકો પાસે અવાજ છે. આ સૃષ્ટિમાં જેટલા લોકોનો જન્મ થયો છે, તે તમામ લોકો અવાજ કાઢી શકે છે, પણ તેઓ બીજાના અવાજને ધ્યાનથી સાંભળતા નથી. ચેતન સશિતલને તમે મળો એટલે તે માણસ પાંચ મિનિટમાં તમારા અવાજની નકલ કરતા હોય અને તમે તમારો અવાજ સ્પીકર પર હોય તેમ સાંભળતા હો.
બાળપણથી જ અવાજમાં એવી પારંગતતા કે જો તમે તેને પહેલીવાર મળો, તો તેમનો રિયલ અવાજ કયો ? તે તમે પારખવામાં થાપ ખાઈ જાવ. અને આ જ તેમની સોથી મોટી યુ.એસ.પી છે. તેમણે એન્જિનિયરિંગ કરેલુ છે, પણ નામનું ! એકવાર કોલેજના ક્લાસરૂમમાં ચેતન એકલા બેઠા હતા. પ્રોફેસર આવ્યા અને બોલ્યા, ‘ચેતન સાંભળ્યુ છે કે, તુ બધાના અવાજની નકલ કરે છે ?’

ચેતન ફુલ ટુ શોક થઈ ગયા. પ્રોફેસરે તેમને કહ્યું કે, ‘ચેતન જો તું મારા અવાજમાં નકલ કરી બતાવ, તો હું વાત માનું.’ ચેતને પ્રોફેસરને ખુરશી પર બેસાડ્યા અને કહ્યું કે, ‘હમણાં જુઓ.’ ચેતન બહાર ગયા અને જોરથી બુમ પાડી. તે પણ પ્રોફેસરના અવાજમાં. બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવી ગયા. પ્રોફેસરે કહ્યું, ‘માન ગયે ઉસ્તાદ.’
આ પહેલીવાર નથી કે ચેતને લોકોને ઉલ્લુ બનાવ્યા હોય. એકવાર એન્જિનિયરિંગના એક પ્રોફેસર ધીમે ધીમે બોલતા હતા. ચેતન પોતાની આદત પ્રમાણે છેલ્લી પાટલીએ બેઠા હતા. અને અચાનક શું થયું તે ઉભા થઈ ગયા, તદન તે પ્રોફેસરના અવાજની નકલ કરવા લાગ્યા. આખો ક્લાસ હસવા લાગ્યો. પ્રોફેસરને આવ્યો ગુસ્સો. તેમણે ચેતનને સીધા કોલેજના ડિન પાસે લઈ જવાનું નક્કી કર્યુ. નક્કી શું કર્યું લઈ ગયા.
ડિનની ઓફિસમાં પેલા પ્રોફેસરે ફરિયાદ કરી, ‘સર યે મેરી નકલ કરતા હૈ ?’ ચેતને આરામથી પોતાના અવાજમાં કહ્યું, ‘ના સર, હું તો એમ કહેવા માગું છું કે તમે વધારે જોરથી બોલો છેલ્લી બેન્ચ સુધી તમારો અવાજ સંભળાતો નથી.’ પેલા ડિન ચેતનના કોઈ દૂરના અંકલ થતા હતા. તેમણે તુરંત જ પ્રોફેસરને બહાર જવાનું કહ્યું અને ચેતનને સમજાવ્યો. ત્યારે ચેતને કંઈક આવો જવાબ આપ્યો હતો કે, ‘જે માણસનો અવાજ ક્લાસરૂમની છેલ્લી બેન્ચ સુધી ન પહોંચતો હોય, તેમણે આ ફિલ્ડમાં આવવું જ ન જોઈએ.’ અવાજની કિંમતની કદાચ તેમને ખબર ન હતી.
તો ચેતન સશિતલ ઓળખ્યા? જેમણે મોગલીમાં બલુનો અવાજ આપ્યો, અલાદ્દીનમાં જીનીનો અવાજ આપ્યો, સલમાન ખાન અને સન્ની દેઓલની ફિલ્મોમાં તેમનો જ વોઈસ ઓવર કરી બતાવ્યો. ડોનાલ્ડ ડક, મિકી માઉસ અને આવા 200 જેટલા કેરેક્ટરના તેઓ વોઈસ કાઢી શકે છે.
મધ્યમવર્ગમાં 1968માં જન્મેલા સશિતલના પપ્પા સામાન્ય એલ.આઈ.સીના કર્મચારી. ચેતને કર્યું એન્જિનિયરિંગ, જેની ડિગ્રી અને તે જમાનામાં એન્જિનિયરિંગ એક ઊંચી પાયરીનો હોદ્દો ગણાતો, જોકે હવે નથી…!! સ્ટેટસમાં થોડી નમણાશ આવી છે.
કોલેજ કરતા હતા, ત્યારે તેમને તેમને પહેલો અસાઈમેન્ટ મળ્યો. તે પણ તેમના મિત્રોના પ્રેશરના કારણે. તેમના મિત્રોએ તેમને કહ્યું કે યાર આટલી સારી મીમિક્રી કરે છે, તો શું કામે વોઈસ ઓવરમાં એક ટ્રાઈ નથી મારતો. ચેતનને પણ લાગ્યુ, ‘કહે છે તો સારૂ… આપણામાં આ વાત તો છે.’ અને પહોંચી ગયા ફિલ્મ ડિવીઝનમાં. ત્યારનું ડબીંગ એક બીબાઢાળ રીતે ચાલતું. જેમ કે રમેશભાઈ જે પ્રમાણે બોલતા હોય તે પ્રમાણે જ સુરેશભાઈએ બોલવાનું. આકાશવાણીમાં આ વર્ષો સુધી ચાલ્યું. અમીન સાઈની રેડિયો સિલોનમાંથી ઓન એર થયા અને થોડો બદલાવ આવ્યો, જો કે હજુ પણ અમિનની કોપી કરનારાઓનો કોઈ તુટો જડતો નથી.

એટલે આવી એક સંસ્થાની મુલાકાતે ગયા કે, કામ મળી જાય એટલે ચેતને પોતાના કદમ આગળ વધાર્યા. ત્યાં જઈ ચેતને કહ્યું, ‘સર હું વોઈસ ઓવર કરવા માગું છું, તો પ્લીઝ કોઈ કામ હોય તો.. ’ ત્યાંના સાહેબે તેને એક કાગળ આપ્યો અને વાચવાનું કહ્યું. ચેતને વાંચ્યુ કે તેને તુરંત કહી દીધું નહિ આમ ન હોય, ચેતનને થયું તો કેમ હોય, પણ તેનો જવાબ કોઈ પાસે ન હતો, તેનું કારણ 1988ના સમયે કોઈ એક્ટિંગ વોઈસ ઓવર ન હતું કરતું. ચેતને તેને પોતાની ટેલેન્ટ બતાવી પણ એ ટેલેન્ટનું ત્યારની કમર્શીયલમાં કંઈ કામ ન હતું. જેથી તેમને પછી બોલાવશું, આવો હુકમ આપવામાં આવ્યો.
ચેતન નિરાશ થઈને ચાલ્યા ગયા અને એકદિવસ તેમને ફોન આવ્યો, ‘અરે યાર મશીનનો અવાજ તું કાઢી શકે ? ચેતન તુરંત જ હા પાડી દીધી. તેમને ખબર ન હતી, કે કઈ મશીનનો અવાજ કાઢવાનો છે. ત્યાં પહોંચ્યા અને કહેવામાં આવ્યું, ‘મોપેડનો અવાજ.’ પાંચ મિનિટમાં તેમણે મોપેડના અવાજમાં રેકોર્ડ કરી કમ્પલીટ કર્યો. અને તે એડવર્ટાઈઝમેન્ટે ત્યારે પાંચે એર્વોડ જીતી લીધા. આ કોમર્શિયલના ડિરેક્ટર ગોપી ગોકડે હતા. તેમણે ચેતનને કર્ટન રેઝરના વોઈસ ઓવરની ઓફર કરી. આ કર્ટન રેઝર માટે તેમણે 18 વોઈસ કાઢ્યા અને તે પણ અલગ અલગ અંદાજમાં.
એ સમયે ઝી ટીવીનો દબદબો હતો. તેણે કાર્ટુન સિરિયલ હિન્દીમાં લાવવાનું પ્રણ લીધેલું. ચેતન માટે આ એક નવો એક્સપિરિયન્સ થવાનો હતો. ત્યારે ફલાઈંગ ફોક્સ ઓફ સ્નો માઉન્ટન નામની એનિમેશન શ્રેણી આવેલી. જે ઓરિજનલી ઈંગ્લીશમાં ડબ થઈ હતી. જેમાં ચેતનને 20 જેટલા મેલ કેરેક્ટરના વોઈસ ઓવર કરવાના હતા. ચેતને આ બધા કરેક્ટરને એકલે હાથે પોતાના વોઈસથી રમાડી પોતાની તાકાતનો પરચો આપ્યો. અને હવે આવી ડિઝની. જેના કારણે સશિતલને એક નવી ઓળખ મળી. મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગુફી, અને આવા ઘણા કાર્ટૂન કેરેક્ટર પ્લે કર્યા. વોલ્ટ ડિઝનીએ મિકી માઉસનો અવાજ ખુદ આપેલો. અને તે હેવી સિગાર સ્મોકર હતા. એક સ્મોકરનો વોઈસ કાઢવો ખૂબજ આકરો હોય છે. કારણ કે સ્મોકર પાસે ડિપ અથવા તીણો અવાજ હોય છે. સીધો પેટ એટલે કે ડાયફાગ્રામમાંથી બહાર આવે. વોલ્ટ ડિઝની મિકી માઉસના પ્રેમમાં એટલા પાગલ હતા, કે તેમણે ખુદ જ તેમનો વોઈસ આપ્યો હતો અને આવા ધુરંધરના અવાજની નકલ સશિતલે કરવાની હતી. જે ચેતને કરી બતાવ્યું. ચેતન સશિતલ માટે સૌથી મોટી ચેલેન્જ કોઈ હોય, તો એ હતી, અલાદ્દીનમાં જીનીનો વોઈસ આપવાની.

રોબિન વિલયમ્સ આ પહેલા જીનીનો અંગ્રેજી ભાષામાં વોઈસ આપી પ્રતિષ્ઠા મેળવી ચુક્યા હતા. રોબિન જ્યારે એક્ટર ન હતા, ત્યારે સ્ટેજ આર્ટીસ્ટ હતા. જેથી તેમના માટે એ આસાન વાત હતી, પરંતુ તે અવાજની હિન્દીમાં નકલ કરવી અત્યંત મુસીબત સભર. પિયુષ પાંડેએ અલાદ્દીનની સ્ક્રિપ્ટ તૈયાર કરેલી અને તે સીધા ચેતન પાસે પહોંચી ગયા. ચેતને ગમે તેમ કરી, રાત ઉજાગરા કરી જીનીના વોઈસની તૈયારી કરી. અને સોની પર આવતી એ સિરીઝમાં જીનીનો અવાજ ફેમસ થઈ ગયો. આજે પણ જ્યારે મનમાં જીનીનો વિચાર આવે ત્યારે એ અવાજનો પડઘો પણ કાનમાં પડતો હોય છે.
ચેતન સશિતલનો એક કિસ્સો જાણવા જેવો છે. સેકન્ડ યેર એન્જિનિયરિંગમાં હતા, ત્યારે તેમના એક મિત્ર ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરતા હતા. ત્યારે વિલનના રોલ પ્લે કરતા પીંચુ કુમારનું મૃત્યુ થઈ ગયું. શૂટિંગ કમ્પલીટ ડબિંગ ક્યાં ? આખરે ડિરેક્ટરે નક્કી કર્યુ કે, મુંબઈના વોઈસ ઓવર આર્ટીસ્ટને બોલાવવામાં આવે. બધા નિષ્ફળ ગયા. જેના પછી ચેતન સશિતલ આવ્યા. ત્યાં જઈ તેમણે કહ્યું કે, ‘ મારા મિત્રએ મને પીંચુ કપૂરની ડબિંગ માટે બોલાવ્યો છે.’ બધા હસવા કાઢવા માંડ્યા. એટલે ગુસ્સે થયેલા 18 વર્ષના ચેતન સશિતલે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરતા, તેમના પટ્ટાવાળાએ તાત્કાલિક ડિરેક્ટર સાથે તેમની મુલાકાત કરાવી. ડિરેકટરને પણ વિશ્વાસ નહતો કે આ માણસ કરી શકશે કે નહિ, પણ ચેતને કહ્યું કે, ‘એક ચાન્સ મને આપવામાં આવે. આ બધાની જેમ ફેલ જઈશ તો ચાલ્યો જઈશ, પણ હું ઓડિશન આપ્યા વિના નહિ જઉં’ કારણ કે લેક્ચર બંક કરીને આવેલા.
અંતે ડિરેકટર માની ગયા. સ્ટુડિયોમાં ગયા તો ત્યાં પૂછ્યું, ‘આ પહેલા કોઈ જગ્યાએ રેકોર્ડ કરેલુ છે ?’ પણ ચેતનનો આ પહેલો અનુભવ હતો. વોઈસમાં કોઈ પ્રકારનો બેઈઝ ન હતો. નકલ સિવાય કંઈ આવડતુ ન હતું. રેકોર્ડિગ શરૂ થયું અને અવાજ મેચ થઈ ગયો. રેકોર્ડિંગ કરનાર દોડીને બહાર આવ્યો, ‘સર આવાજ મેચ હો ગઈ…’ ડિરેકટર પાગલ જેવા થઈ ગયા પૂછ્યું ‘કોણે કરી…?’ તો જવાબ હતો ‘ચેતન સશિતલે.’
એક ઓછો ચર્ચાયેલો કિસ્સો એ છે કે અમરીશ પુરીએ અવાજની દુનિયાના ભોમિયાને બોલાવ્યો ત્યારે તેણે મજાકમાં સાવ પાતળો અવાજ કાઢ્યો. અમરીશ મેકર્સ પર ગુસ્સે ભરાયા અને આ મારો અવાજ કાઢશે? તેવું કટાક્ષ સ્વરમાં બોલ્યા. જેનો પ્રત્યુતર ચેતને અમરીશનો જ અદ્દલ અવાજ કાઢી આપતા અમરીશ સાહેબ દંગ રહી ગયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત