Team Chabuk-National Desk: ઓરિસ્સાના એક 54 વર્ષીય ઢગાએ એક નહીં પરંતુ 14-14 મહિલાઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. ઓરિસ્સાના કેન્દ્રપાડાના રહેવાસી રમેશચંદ્ર સ્વૈન ઉર્ફે બીધુ પ્રકાશ સ્વૈન ઉર્ફે રમાની રંજન સ્વૈન નામના વ્યક્તિએ ખોટી ઓળખ ઉભી કરી 14 વાર લગ્ન કર્યાની વાત સાંભળી સૌ કોઈ અચંબિત છે.
ડેપ્યુટી ડાયરેક્ટર બની કર્યા લગ્ન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલની પોસ્ટ ઉપર પોતે અધિકારી છે એવી ખોટી ઓળખ આપી વર્ષ 2018 દિલ્હીમાં શિક્ષિકા સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી મહિલાને જાણ થઈ કે આરોપીએ તેની સાથે છેતરપિંડી કરી છે. આથી તેમણે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલની ખોટી ઓળખ ઊભી કરીને એક નહીં પરંતુ 14-14 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે.
એજ્યુકેટેડ મહિલાને બનાવી શિકાર
આરોપી રમેશચંદ્ર સ્વૈન ઉર્ફે બીધુ પ્રકાશ સ્વૈન મેટ્રોમોનીઅલ વેબસાઈટ દ્વારા મહિલા સાથે સંપર્ક કરતો હતો. રમેશચંદ્ર મોટા ભાગે જીવનસાથીની શોધમાં રહેલી આધેડ વયની અપરણિત મહિલાઓને શિકાર બનાવતો. રમેશચંદ્રએ અત્યાર સુધીમાં વકીલ, શિક્ષક, ડોક્ટર, ઉપરાંત ઘણી હાઇ એજ્યુકેટેડ મહિલાઓને શિકાર બનાવી છે. જેમાંથી મોટાભાગની ઓરિસ્સા બહારની છે. આ લગ્ન કરવા પાછળનો એક માત્ર ઈરાદો મહિલાઓની સંપત્તિ મેળવવાનો હતો.
1982માં પ્રથમ લગ્ન કર્યા
રમેશચંદ્ર પાંચ બાળકોનો પિતા છે. જેના પહેલા લગ્ન 1982માં અને બીજા લગ્ન વર્ષ 2002માં કર્યા હતા. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે રમેશચંદ્ર પંજાબમાં સીએપીએફ સેન્ટ્રલ અર્મ પોલીસ ફોર્સની મહિલા અધિકારી સાથે લગ્ન કરી રૂ. દસ લાખ પડાવી લીધા હતા.
રમેશચંદ્રનો ગુનાહિત ઇતિહાસ
આ પહેલા રમેશચંદ્રને કેરળ પોલીસે વર્ષ 2006માં 13 બેંકોમાં એક કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં એડમિશનના બહાને અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાના કેસમાં હૈદરાબાદ પોલીસે પણ ધરપકડ કરી હતી. રમેશચંદ્રએ હૈદરાબાદના એક નર્સિંગ હોમના માલિક સહિત વિદ્યાર્થીઓ પાસેથી લગભગ બે કરોડ રૂપિયા વસૂલ્યા હતા. પોલીસ રમેશચંદ્રની છેતરપીંડીનો ભોગ બનેલી 14 મહિલમાંથી 9 મહિલાનો સંપર્ક કરી ચૂકી છે. પોલીસને શંકા છે કે હજુ ઘણી મહિલાઓ પણ રમેશચંદ્રનો શિકાર બની હશે. જેઓ આબરુ જવાની બીકે પોલીસ ફરિયાદ કરતી નહોતી, જેથી આરોપીને મોકળું મેદાન મળી ગયું હતું. પોલીસ તપાસમાં રમેશચંદ્રના ઘરમાંથી 11 એટીએમ કાર્ડ, અલગ અલગ ઓળખ વાળા 4 આધાર કાર્ડ તેમજ અલગ ઓળખનું એક બિહાર સ્કૂલનું સર્ટીફીકેટ પોલીસે કબ્જે કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત