Homeગામનાં ચોરેએક સાથે 92 હજાર કાચબાઓનો જન્મ

એક સાથે 92 હજાર કાચબાઓનો જન્મ

પહેલાં આ વીડિયો જુઓ….

હવે વીડિયો જોઈ લીધો હોય તો વાત માંડીએ. બ્રાઝિલની પુરૂસ નદીના કિનારાનો આ વીડિયો છે. જ્યાં કાચબાની ત્સુનામી આવી! અહીં એક સાથે 92 હજાર કાચબાઓએ જન્મ લીધો. આ અદભુત વીડિયો બ્રાઝિલ વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટીએ જાહેર કર્યો છે. સોસાયટીએ કહ્યું કે, આ એક દુર્લભ ઘટના છે કેમ કે આવું દુનિયામાં બહુ ઓછી જગ્યાઓ પર જોવા મળે છે. વીડિયોમાં જે કાચબા દેખાય છે તે સાઉથ અમેરિકન રિવર ટર્ટલ્સ તરીકે ઓળખાય છે.

સાઉથ અમેરિકન રિવર ટર્ટલની સંખ્યા માંસ અને ઈંડાની તસ્કરીના કારણે ઘટી છે. બ્રાઝિલ વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટીએ કહ્યું કે, સંરક્ષિત વિસ્તારમાં મોટી સંખ્યમાં કાચબાનો જન્મ બહુ મોટી વાત છે. જે વિસ્તારમાં કાચબાનો જન્મ થયો છે તે સંરક્ષિત છે અને ત્યાં સામાન્ય લોકોને જવા પર પ્રતિબંધ છે. જો કોઈ ભૂલથી પણ આવું કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે.

વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્યો આ કાચબાઓની સાર સંભાળ રાખે છે. ખાસ કરીને માદા કાચબાની. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે સોસાયટી કામ કરી રહી છે. સાઉથ અમેરિકન રિવર ટર્ટલ્સને સમજવા માટે તેમના પર રિસર્ચ પણ ચાલી રહ્યું છે.

સોસાયટીનું માનીએ તો દર વર્ષે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાઉથ અમેરિક રિવર ટર્ટલ્સ પ્રજનન માટે આવે છે. આ જ વિસ્તારમાં તે ઈંડા પણ મુકે છે. ત્યારબાદ ઈંડામાંથી બચ્ચાંને બહાર આવતા મહિનાઓનો સમય લાગી જાય છે. ઈંડામાંથી બચ્ચાં બહાર આવ્યા બાદ તે નદી તરફ ગતિ કરે છે. આવું ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તમામ ઈંડામાંથી બચ્ચાં બહાર નથી આવી જતાં. રોજ હજ્જારો બચ્ચાં જન્મ લે છે. અને ઝુંડમાં જ નદીમાં જતાં રહે છે.

સોસાયટીની એક સભ્યએ કહ્યું કે, આ કાચબાઓનું ઈંડામાંથી નીકળી, રેતીમાંથી પસાર થઈને નદી સુધી પહોંચવું એક યાદગાર ક્ષણ છે. આ કાચબાઓની પ્રજાતિને બચાવવા માટે બહુ મહેનત કરવામાં આવી રહી છે.

કાચબા વિશે રોચક વાતો

દાવો કરાયો છે કે, કાચબાની પહેલી પ્રજાતિ 15 કરોડ વર્ષ પહેલાં ઉત્પન્ન થઈ હતી. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ કાચબાની કેટલીય પ્રજાતિઓ સામે આવી અને વિલુપ્ત થતી ગઈ. હાલના સમયમાં કાચબાની 320 જેટલી પ્રજાતિઓ હોવાનો દાવો છે. જેમાંથી કેટલીક પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે. જેમ કે, સાઉથ અમેરિકન રિવર ટર્ટલ્સ. કાચબી એક જ વારમાં 30 જેટલાં ઈંડા મુકી શકે છે. ઈંડામાંથી બચ્ચાંને બહાર નીકળવામાં બેથી ચાર મહિના જેટલો સમય લાગી જાય છે. કાચબાના મોઢામાં દાંત નથી હોતા તેના મોઢામાં બ્લેડ જેવુ ધારદાર હાડકુ હોય છે જેની મદદથી તેને ખોરાકને ચાવવામાં મદદ મળે છે.

એક માત્ર જીવિત કાચબાનું મ્યૂઝિયમ

સિંગાપુરમાં જીવિત કાચબાનું એક માત્ર સંગ્રહાલય આવેલું છે. અહીં વિશ્વના 700 કરતાં વધુ કાચબાઓ છે. કોની ટેન નામની મહિલા આ મ્યૂઝિયમની માલિક છે. મધરશીપ નામની યુટ્યૂબ ચેનલમાં તેનો એક વીડિયો છે. જેમાં તે કહી રહ્યા છે કે, તેઓ જ્યારે 6 વર્ષના હતા ત્યારે તેમણે એક કાચબો પાળ્યો હતો. ત્યારપછી બીજા કેટલાક કાચબા ખરીદ્યા અને તેને ઉછેર્યા. આમ તેમની કાચબા સાથે દોસ્તી એટલી ગાઢ બની ગઈ કે હાલ તેમના મ્યૂઝિયમમાં 700 જેટલા કાચબા છે. જીવિત કાચબા ઉપરાંત મ્યૂઝિયમમાં કાચબાઓની અનેક પ્રતિકૃતિ પણ છે. મ્યૂઝિયમની મુલાકાતે આવતા લોકોને કોની અલગ અલગ કાચબાઓ વિશે માહિતી આપે છે. બાળકોને આ મ્યૂઝિયમમાં ખુબ મજ્જા પડે છે. જો સિંગાપુર જાઓ તો આ મ્યૂઝિયમની મુલાકાત લઈ શકો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments