Team Chabuk : ખળખળ વહેતી યમુના નદીના કિનારે ધર્મસ્થાન નામનું એક નગર હતું. એ નગરમાં ગણાધિપ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ જ નગરમાં કેશવ નામનો એક બ્રાહ્મણ પણ રહેતો હતો. બ્રાહ્મણ યમુના નદીના કિનારે બેસીને જપ તપ કર્યા કરતો. તેની એક પુત્રી હતી. પુત્રીનું નામ માલતી. ખૂબ જ સુંદર અને સુશીલ.
યમુનાના પાણીને આંખ સામેથી પસાર થતા અને છોકરીની ઉંમર વધતા વાર નથી લાગતી. માલતી લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ. માતા, પિતા અને ભાઈને પણ માલતીના લગ્નની ચિંતા સતાવવા લાગી.
એક દિવસની વાત છે. બ્રાહ્મણ કેશવ પોતાના સંબંધીના લગ્નમાં હાજરી પૂરાવવા ગયો હતો અને તેનો પુત્ર શિક્ષા પ્રાપ્ત કરવા. ઘરે માલતી અને તેની માતા એકલી હતી. એ દિવસે જ એક ફૂટડો બ્રાહ્મણ આ બ્રાહ્મણના ઘરે પધાર્યો. છોકરીની માતાએ છોકરાને જોયો. ખૂબ જ દેખાવડો હતો. ઊંચો હતો. માલતીના વર બનવાને લાયક હતો. આવું માલતીની માતાને લાગ્યું અને તેણે પેલા છોકરાને પૂછ્યું, ‘હું મારી માલતીના વિવાહ તારી સાથે કરાવવા માગું છું.’
માલતી જેવી સુંદર કન્યા સાથે લગ્ન કરવાની કોણ ના પાડે ? યુવાન પણ માલતીના સૌંદર્યને જોઈ અભિભૂત થઈ ગયો અને હા પાડી દીધી. માલતીની માતા ખુશ થઈ ગઈ અને પતિ-પુત્રની આવવાની રાહ જોવા લાગી.
બીજી બાજુ લગ્નમાં બ્રાહ્મણને પણ એક ભાવી વરરાજા મળી ગયો. માલતીના પિતાએ પણ તેને વચન આપ્યું કે, હું મારી છોકરીના લગ્ન તારી સાથે જ કરાવીશ.
માત-પિતા પછી માલતીનો ભાઈ જ્યાં શિક્ષા પ્રાપ્ત કરવા ગયો હતો ત્યાં તેને એક છોકરો ભટકાઈ ગયો. ભાઈએ બહેનના વિવાહનો પ્રસ્તાવ આ બ્રાહ્મણ યુવકની સમક્ષ રાખ્યો અને પેલા બ્રાહ્મણ યુવકે પણ વચન આપ્યું કે, હું તારી બહેન સાથે જ વિવાહ કરીશ.
વિડંબણા ઊભી થઈ. પિતા અને પુત્રે જ્યારે પોતે પસંદ કરેલા કુમાર સાથે ઘરમાં પ્રવેશ્યા તો ત્યાં હજુ એક યુવાન ઉપસ્થિત હતો. ત્રણે એકબીજાની સામે જોયું અને જીભ ચલાવ્યા વિના આંખ માત્રથી જ ખબર પડી ગઈ કે માલતી માટે એક જોતા તો ત્રણ ત્રણ કુંવરો મળી ગયા છે.
બ્રાહ્મણી જમીન પર નજરો ઢાળી જોવા લાગી. બ્રાહ્મણ પિતાએ તેના પુત્ર અને ઘરમાં જે યુવક હતો તેની સામે ટગર ટગર જોવા લાગ્યા અને પછી પોતે લાવેલા છોકરા સામે વિસ્મયની મુદ્રામાં ઊભા રહી ગયા. બ્રાહ્મણનો છોકરો પણ પોતાના મિત્રની આંખોમાં એકીટશે તાકવા લાગ્યો અને હવે શું કરવું તેની દ્રિધામાં પડી ગયો.
ભગવાનને તો કંઈક નવું જ દૃશ્ય સર્જવું હતું. ઘરમાં એક સાપ પ્રવેશ્યો. બધાની નજર એકબીજા પર હતી ત્યારે તેણે માલતીના પગે કરડી લીધું. માલતીનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું. માલતીને સાપ કરડતા જ ઘરમાં નાસભાગ મચી ગઈ. સાપ તો ચાલ્યો ગયો પણ પરિવારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ત્રણે કુંવરો દોડવા લાગ્યા. માલતીની માતા રડવા લાગી. બ્રાહ્મણ પુત્ર દોડીને ઝેર ઉતારનારને બોલાવી લાવ્યો. ત્યાં સુધીમાં બ્રાહ્મણે પ્રભુને પ્રાર્થના કરી. ઝેર ઉતારનારો ઘરમાં પ્રવેશ્યો અને ખૂબ પ્રયાસ કર્યો પણ ઝેર ન ઉતર્યું. માલતીને મૃત ઘોષિત કરવામાં આવી.
આટલી સુંદર યુવતી માલતી પોતાની પત્ની બનતા પહેલા જ મૃત્યુ પામી આ વિચારે ત્રણે બ્રાહ્મણ યુવકોએ સંસાર ત્યાગ કરવાનું વિચારી લીધું. મૃત માલતીને સ્મશાને લઈ જવામાં આવી અને તેની અંતિમક્રિયા કરવામાં આવી. પરિવારના તમામ લોકો ચાલ્યા ગયા પણ ત્રણે યુવાનો ન ગયા. તેમના મનમાં માલતી વસી ગઈ હતી. રડતા રડતા એક માલતીના બળીને રાખ થયેલા શરીરની પાસે આવ્યો અને તેના કેટલાક હાડકા ભેગા કરી ત્યાંથી નીકળી ગયો. બીજાએ પોટલીમાં રાખ ભેગી કરી ત્યાં જ ઝૂંપડી બનાવી સ્થાયી થવાનું નક્કી કર્યું. અને ત્રીજો યોગી બનીને દેશ-પરદેશ ઘુમવા લાગ્યો.
વાત કંઈક એવી બની કે ત્રીજો યુવક જે દેશ-પરદેશ ઘુમતો હતો તે એક બ્રાહ્મણના ઘરે પહોંચી ગયો. એ ભોજન ગ્રહણ કરતો હતો. એ બ્રાહ્મણનો દીકરો રાજાને ત્યાં સૈનિક તરીકેની ચાકરી કરતો હતો. યુવાન ભોજન પતાવવાનો જ હતો ત્યાં કેટલાક સૈનિકો બ્રાહ્મણ પુત્રનો મૃતદેહ લઈને આવ્યા. અત્યાર સુધી શાંત અને સ્થિતપ્રજ્ઞ ઘરમાં કલબલાટ મચી ગયો. રડવાના અવાજ આવવા લાગ્યા. સૈનિક પુત્ર કેવી રીતે મૃત્યુ પામ્યો તેની આખી વાત બ્રાહ્મણની સામે રાખી દીધી. ભોજન કરતો યુવક ઊભો થઈ ગયો. બ્રાહ્મણીને રડતી જોઈ બ્રાહ્મણ ઘરની અંદર આવેલા એક ઓરડામાં ગયો અને સંજીવની વિદ્યાની પોથી લઈ આવ્યો. બ્રાહ્મણે મંત્ર વાંચ્યો અને મૃત છોકરો પુન:જીવિત થયો.
પોતાની સગ્ગી આંખે જોઈ રહેલા યુવાનને પહેલા તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. બ્રાહ્મણ પુત્રને જીવિત થતા જોઈ તેને મનમાં થયું કે આ પોથી તેને મળી જાય તો માલતીને જીવિત કરી શકાય. બ્રાહ્મણનો પુત્ર જીવિત થયો તે ખુશી આસપાસના તમામ લોકોમાં હતી. યુવકે થાળીમાં રહેલું ભોજન પતાવ્યું અને એ રાત ત્યાં જ રોકાવાનો નિર્ણય કરી લીધો.
રાતે જ્યારે બ્રાહ્મણનો પરિવાર ઘોડા વેચીને ઊંઘી ગયો ત્યારે ચૂપચાપ ઓરડામાંથી પોથી ઉઠાવી યુવક ભાગી ગયો. ભાગીને એ જગ્યાએ પહોંચ્યો જ્યાં માલતીની અંતિમવિધિ કરવામાં આવી હતી. એટલે કે સ્મશાનમાં. જઈને જુએ છે તો પેલા બંને યુવક પણ ત્યાં જ હાજર હતા. એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા.
તેમની ચર્ચામાં વિક્ષેપ નાખતા યુવકે તેમને પોથી બતાવી તમામ હકીકતથી અવગત કર્યા. વાર શેની ? એકે હાડક કાઢ્યા અને બીજાએ રાખ કાઢી. પોથી લઈ આવનારા યુવકે જેવો મંત્ર વાંચ્યો કે યુવતી જીવિત થઈ ગઈ.
ત્રણેની છએ આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. એકબીજાને ભેટી પણ પડ્યા. આ ક્રિયા થોડી વાર ચાલી કે એકબીજાના મનમાં સવાલ ઉદ્દભવ્યો કે હવે માલતી કોની ? તેનો પતિ કોણ ? પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ હતો. માલતીને જીવિત કર્યા પછી આ સવાલ ઉત્પન્ન થવાનો જ હતો. યુદ્ધ શરૂ થયું. બોલાચાલી અને વિવાદ થયો. ઝઘડવા લાગ્યા.
પોથીવાળો યુવક કહે, ‘હું પોથી લાવ્યો એટલે માલતીને જીવનદાન મળ્યું છે. માલતી મારા સિવાય કોઈની પણ નહીં.’
હાડકા સાચવી રાખનારો બ્રાહ્મણ યુવક બોલ્યા, ‘હાડ-માંસ વિના માલતી કંઈ પણ નથી. મેં હાડકા ન સાચવ્યા હોત તો માલતી કોઈ દિવસ સજીવન ન થાત.’
એટલામાં રાખવાળો બ્રાહ્મણ યુવક બોલ્યો કે, ‘ખરી કરામત તો રાખની છે. રાખ જ નહોતો તો ?’
ત્રણે માલતીને જીવંત કરવામાં પોત પોતાના યોગદાનને મોટું ગણવા લાગ્યા. બીજી બાજુ માલતી પણ પરિણામની પ્રતીક્ષા કરવા લાગી.
વેતાલે વાર્તા પૂર્ણ કરી અને વિક્રમના ખભા પર પોતાની દાઢી હળવેથી પછાડતા પછાડતા બોલ્યો, ‘હે રાજન્ તું તો ખૂબ બુદ્ધિશાળી. વીર વિક્રમ. તારો ન્યાય તો ઉચિત્ત જ હોય. તો પછી બતાવ. કહે જોઈએ કે માલતીનો પતિ કોણ હશે?’
રાજાએ કહ્યું, ‘તો સાંભળ વેતાલ. જે ત્યાં રાખ સાચવીને ઝૂંપડી બનાવીને રહેતો હતો માલતી તેની જ થઈ કહેવાય.’
‘લે રાજન્ એ કેમ ? પોથી ન હોત તો માલતીને જીવનદાન જ ન મળેત અને હાડકા?? એ યુવકનું શું ?’
‘સાંભળ વેતાલ. જેણે હાડકા રાખ્યા એ તો તેના દીકરા સમાન થયો કહેવાય. જે પોથી લાવ્યો અને જીવનદાનનો મૂળ અધિકારી છે તે તો તેનો પિતા થયો કહેવાય. જે રાખ લઈ એક ધૂની પ્રેમીની જેમ તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો તે જ તેનો પતિ છે.’
અત્યાર સુધી રાજા વિક્રમના ખભ્ભા પર પોતાની દાઢી ભટકાવી રહેલા વેતાલે સ્મિત કર્યું અને ઉચ્ચાર્યું, ‘વાહ વિક્રમ વાહ. ન્યાય અને ગણિતમાં તો જગતમાં કોઈ તારી તોલે ન આવે. અતિ ઉત્તમ… પણ…?’
‘પણ શું ?’ વિક્રમે પૂછ્યું.
‘વિક્રમ તું ભૂલ્યો. તું ભૂલી ગયો કે તારે બોલવાનું નથી. તું બોલ્યો અને હું ઉડ્યો.’
વેતાલ આકાશમાં ઉડવા લાગ્યો. સ્મશાન વચ્ચે દોડીને રાજા વિક્રમ તેને પકડવા પાછળ દોડ્યો. વેતાલ સિદ્ધવડ પર ફરી ઊંધો લટકી ગયો. રાજા ઉપર ચડ્યો અને મહામુસીબતે વેતાલને નીચે ઉતાર્યો. ખભા પર નાખ્યો અને ચાલવા લાગ્યો. વેતાલે કહ્યું, ‘નહીં માને વિક્રમ. તું નહીં માને. ચાલ તને હજુ એક વાર્તા સંભળાવું. પણ હા શરત યાદ છે ને? બોલતો નહીં… હાહાહાહાહાહા…’
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર