Homeતાપણુંબિહાર વિધાનસભામાં એક એવું બિલ લાવવામાં આવ્યું જેના વિરોધમાં વિપક્ષે ‘ઢીંકા-પાટા’ ખાધા

બિહાર વિધાનસભામાં એક એવું બિલ લાવવામાં આવ્યું જેના વિરોધમાં વિપક્ષે ‘ઢીંકા-પાટા’ ખાધા

Team Chabuk-Political Desk: બિહાર વિધાનસભામાં બુધવારે જે થયું તેની આશા તો કોઈને નહીં હોય. બિહાર વિધાનસભાની ટોપીમાં એક કલંકિત પીછું ઉમેરાય ગયું છે. એક એવી ઘટના જે હવે ઈતિહાસ બની જશે. કાયમ યાદ રાખવામાં આવશે. યાદ કરી તેના પર વારંવાર લખવામાં આવશે. વિધાનસભામાંથી ધારાસભ્યોને ખેંચી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. ઢીંકા અને પાટે માર્યા. વિધાનસભામાં ઘમસાણ મચ્યાની ખબરો તો અવાર નવાર આવતી રહે છે અને વિધાનસભા શર્મશાર બનતી રહે છે, પણ આ તો પ્રથમ વખત છે કે વિધાનસભાની અંદર જ ધારાસભ્યોને મારવામાં આવ્યા હોય. જનપ્રતિનિધિઓની પીટાઈ કરવામાં આવી હોય.

આ સમગ્ર ઘટનાની પાછળ બિહાર સરકારનું નવું સશસ્ત્ર બિલ કારણભૂત છે. જેને પાસ કરાવવા માટે સરકાર ગમે તે કરવા તૈયાર છે. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું છે. તેને કાળો કાયદો કહી નકારી રહ્યું છે. જ્યારે સરકારે બુધવારના રોજ બિલને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો તો ધારાસભ્ય બેકાબૂ થઈ ગયા. પરિણામ એ આવ્યું કે સૌ પ્રથમ માર્શલ અને બાદમાં પોલીસે બેકાબૂ ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર કાઢ્યા.

રસ્તા પર તડાફડી

બિહારમાં વિપક્ષી પાર્ટી આરજેડી સતત નીતિશ કુમારને ઘેરતી રહે છે. મંગળવારે આરજેડીએ બેરોજગારી, કરપ્શન, લો એન્ડ ઓર્ડર જેવી સમસ્યાઓને લઈને ‘વિધાનસભાનો ઘેરાવ’ નામ આપીને કૂચ કરી હતી. નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ સહિતનાં કાર્યકર્તાઓનાં વિશાળ સમૂદાયની સાથે કૂચ કરવામાં આવી હતી. પટનામાં કાર્યકર્તા ડાક બંગલા ચોક સુધી પહોંચી ગયા. ત્યાં પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભીડ તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઓફિસરો અને પત્રકારો પણ આ ટકરાવથી ઘાયલ થઈ ગયા હતા. એ પછી પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો હતો. વિફરેલા આરજેડીના કાર્યકર્તાઓની ધોલાઈ કરવામાં આવી હતી. જેમાં કાર્યકર્તાઓની સાથે ધારાસભ્યોને પણ ઈજા પહોંચી હતી. બે કલાક ચાલેલી લાંબી માથાકૂટ બાદ પોલીસ ધારાસભ્યોને હટાવી રસ્તો સાફ કરાવી શકી હતી.

આરજેડી કાર્યકર્તાઓ દ્વારા મચાવવામાં આવેલી બઘડાટી બાદ પોલીસે તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને લઈ ગાંધી મેદાનમાં ગઈ હતી. જ્યાંથી થોડા સમયમાં જ તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં નોંધાયેલી FIRમાં ઓન ડ્યૂટી પોલીસ ઓફિસરો પર હુમલો કરવો, પરવાનગી વગર કૂચ કરવી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું જેવા આરોપો લાગેલા છે. FIRમાં તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ સિવાય RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ, RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ રજક, પૂર્વ મંત્રી અબ્દુલ બારી સિદ્દીકી, MLA રીતલાલ યાદવ, પૂર્વ મંત્રી રમઈ રામ, પૂર્વ MLA શક્તિ યાદવ, યુવા RJDના પ્રદેશ અધ્યક્ષ કારી સુહૈબ, પૂર્વ કેન્દ્રિય મંત્રી કાન્તિ સિંહ, અર્ચના યાદવ સહિતના આરજેડીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

રસ્તા બાદ વિધાનસભામાં તડાફડી

રસ્તા બાદ વારો આવ્યો બિહારની વિધાનસભાનો. અહીં પણ જબરદસ્ત હંગામો થયો. વિધાનસભામાં બિહાર વિશેષ સશસ્ત્ર પોલીસ વિધેયક 2021 બિલ લાવવામાં આવ્યું હતું. બિલની કોપી ફાડીને વિધાનસભા અધ્યક્ષ ઉપર ફેંકી દેવામાં આવી. હંગામો સ્થગિત ન થતા સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી રોકી કરી દેવામાં આવી. આરજેડીના ધારાસભ્યો અહીંથી ન રોકાયા. વિધાનસભા અધ્યક્ષને એમની જ ચેમ્બરમાં બંધક બનાવી દીધા. અધ્યક્ષ ચાર વાગ્યે શરૂ થનારી કાર્યવાહી માટે જવા માગતા હતા. જોકે આરજેડીના ધારાસભ્યો ચેમ્બરના દરવાજાની બહાર જ ખીલો ખોડીને બેસી ગયા હતા.

આરજેડીના ધારાસભ્યો જ્યારે લાખ પ્રયત્નો બાદ પણ ન માન્યા ત્યારે વિધાનસભાના ડીએમ અને એસપીને બોલાવવામાં આવ્યા. ડિએમ અને એસપીએ પણ ઉગ્ર વિધાયકોને સમજાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. ધારાસભ્યો પોતાની વાત પર અડગ હતા. બાદમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ધારાસભાની અંદર બોલાવવામાં આવ્યા. પોલીસે હંગામો કરી રહેલા ધારાસભ્યોને બહાર કાઢવાનું કામ કર્યું.

આરજેડીના ધારાસભ્યોએ જ્યારે અધ્યક્ષને બહાર ન આવવા દીધા ત્યારે માર્શલને બોલાવવામાં આવ્યા. માર્શલે વિપક્ષના ધારાસભ્યોને જબરદસ્તી હટાવ્યા. ઘણા ધારાસભ્યોને હાથ અને પગ પકડીને જબરદસ્તી કાઢી મૂકવામાં આવ્યા. ધારાસભ્યોનો આરોપ છે કે પોલીસે સદનની અંદર તેમની પીટાઈ કરી છે.

આરજેડી ધારાસભ્યોને બહાર કાઢ્યા બાદ સદનની કાર્યવાહી પુન: શરૂ થઈ. આ વખતે આરજેડીની મહિલા ધારાસભ્યોએ પોતાની જગ્યા પર ઊભા થઈને વિધાનસભાના અધ્યક્ષની કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો. મહિલા પોલીસકર્મીઓએ એમને પણ જબરદસ્તી કાઢ્યા.

બિલમાં શું છે ?

બિહારમાં વિશેષ સશસ્ત્ર પોલીસ બળને ખાસ અધિકાર આપવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. બિહારનું આ બિલ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળની માફક હશે. જે બિહારની મોટી ફેક્ટ્રીઓ, મેટ્રો, એરપોર્ટ જેવી જગ્યાઓની સુરક્ષા કરશે. બિલમાં CISFની માફક જ સુરક્ષા બળને તપાસ કરવાનું અને વોરન્ટ કાઢવાનો અધિકાર મળશે. જોકે વિપક્ષ આ બિલને કાળો કાયદો કહી રહ્યું છે. તેમના મતે આ કાયદાથી વિપક્ષી નેતાઓને હેરાન કરવામાં આવશે.

આ અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું કહેવું છે કે…

‘‘બિહાર મિલિટ્રી પોલીસનું નામ બદલીને બિહાર સશસ્ત્ર પોલીસ બળ કરી દેવામાં આવ્યું છે. મેં ત્રણ કલાક બેસીને જોયું છે કે આમાં ક્યાંય કોઈ પણ પ્રકારની હેરાનગતિ જેવું નથી. મેં ડીજીપી અને ગૃહ વિભાગના ઉપરી મુખ્ય સચિવને કહ્યું છે કે, આખરે આ પ્રકારે દુષ્પ્રચાર કોણ કરી રહ્યું છે ? ક્યાંક આ તમારી વચ્ચેનું જ તો કોઈ નથી. જેને આ સારું નથી લાગી રહ્યું ? હું એ સ્વિકાર કરું છું કે જ્યારે આ કાયદો બની રહ્યો હતો ત્યારે અધિકારીઓને મીડિયાની સામે સમગ્ર જાણકારી આપવી જોઈએ. જો આવું કરવામાં આવ્યું હોત તો આને લઈને વિડંબણા ઊભી ન થાત.’’

તાજેતાજો ઘાણવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments