ઝાલાવાડી જલજીરા: મેલા ફિલ્મમાં આમિર ખાન પર એક ગીત ફિલ્માવવામાં આવ્યું છે. દેખો 2000 જમાના આ ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચેનું કારગિલ યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું. ભારતે જીત મેળવી લીધી હતી. જનરલ નોલેજની લાલ કલરની અને ઉપર ‘2000’ લખેલી બુક્સ ટપોટપ વેચાવા માંડી હતી. વિશ્વકપની તૈયારીઓ ચાલી રહી હતી અને ભારત જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું, કેટલાક આ વાત ત્યારે પણ નહોતા માનતા. 90નો દાયકો હજુ તેનો સુવર્ણ સમય ખેંચવાનો હતો. મોબાઈલ અને લેપટોપ વિનાનો સમય. ફક્ત ટીવી અને શેરીની રમતો રમવાની. સ્કૂલ ચલે હમ ગીત આવવાનું હતું. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર હજુ ખાનનો કબ્જો હતો. બચ્ચનની તેજસ્વીતા ઓસરી ગઈ હતી. જે કૌન બનેગા કરોડપતિથી પુન:સ્થાપિત થવાની હતી. 2000માં કેટલાક નવા હીરો ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. એ વખતે ગુજરાત કે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં નેપોટિઝમ અર્થાત્ આને મામકાવાદ કહેવાય તેવો શબ્દ દૂર દૂર સુધી ચર્ચામાં નહોતો. તારણ કાઢી શકીએ કે અંગ્રેજીનું પ્રભૂત્વ નહોતું.
2003ની સાલમાં મલ્લીકા શેરાવતની એન્ટ્રી થઈ. જે રિમા લાંબામાંથી મલ્લીકા શેરાવત બની હતી. તેણે તેની ફિલ્મ ખ્વાહિશમાં ત્રીસ કરતાં વધારે ચુંબનો આપ્યા હતા. ટીવી પર ન જોઈ શકાય. એ વખતનું એડલ્ટ ગણો કે બ્લુ ફિલ્મ ગણો આ જ હતું. એ મલ્લીકા શેરાવતના ધોધમાર ચુંબનોની વરસા તો એ વખતના ટીનએજર્સ મમ્મી-પપ્પાના ભયથી ન જોઈ શક્યા, પણ આજે યુટ્યુબ પર એ જ ઉંમરના જોઈ શકે છે. જનરેશન ગેપ! ખ્વાહિશને ટીવી પર દેખાડવામાં ન આવી.
2004ના વર્ષમાં મર્ડર ફિલ્મ આવી. એમાં મલ્લીકા કરતાં મલ્લીકાને બાહોપાશમાં જકડી તસતસતુ ચુંબન કરનારો છોકરો ફેમસ થઈ ગયો. એનું નામ ઈમરાન હાશ્મી. અગાઉ તેણે ફૂટપાથ જેવી ફિલ્મ કરી હતી પણ તેમાં લીડ હીરો આફતાબ શિવદાસાનીનો હતો. અહીં ઈમરાને સ્ક્રિન પર ચુંબનોની વર્ષા કરી દીધી. એ છોકરીઓ પર હેલીની માફક વરસતો હતો. કેટલીક વખત સાંબેલાધાર બનીને તૂટી પડતો હતો.
ઈમરાન લોકપ્રિય થયો. મર્ડરનું એ દૃશ્ય તો એડલ્ટ હતું પણ તેની પાછળનું ગીત ક્લાસિક હતું. એટલે ન ઈચ્છો તો પણ ચલાવવું તો પડે જ. ઉપરથી ટીઆરપી પણ કંઈ ચીજ છે યાર. કૃણાલ ગાંજાવાલાનો ગીતમાં અવાજ હતો. ફિલ્મના બે ગીત ઈમરાન પર ફિલ્માવાયા અને બંને હીટ થયા. બંનેમાં ઈમરાન હોઠથી અભિનય કરતો હતો. કહો ના કહો અને ભીગે હોઠ તેરે. ભીગે હોઠ તેરે આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફિલ્મના આગામી બંને પાર્ટમાં પણ તેનો બેકગ્રાઊન્ડ સંગીત તરીકે ઉપયોગ કરવામાં આવ્યો.
ઈમરાનની કરિયર એટલી ઝગારા મારતી નથી રહી. શરૂઆતમાં તે ચાલ્યો. તેની ઈમેજ કિસ કરવાની બનીને રહી ગઈ. નવી હીરોઈન સાથે એન્ટ્રી મારતો અને ચુંબન કરતો હતો. તેની ફિલ્મો માત્ર એડલ્ટ માટે જ હોય છે તેવો ફિલ્મ જોયા વિના અભિપ્રાય બંધાવા લાગેલો. એમાંથી છૂટકારો મેળવતા પણ ઈમરાનને દાયકો નીકળી ગયો. એની ઈમેજ એ પછી ફરી બંધાઈ. એ ડોન બને છે. એ લૂંટેરો બને છે. એ ચોર બને છે.
છતાં ઈમરાન પાસે એવી કેટલીક ફિલ્મો છે જેના કારણે તે બીજા બધા સ્ટાર્સ કરતાં અલગ તરી આવે છે. ઈમરાન પાસે વન્સ અપોન અ ટાઇમ ઈન મુંબઈ છે. જેમાં તે ડોન દાઉદ ઈબ્રાહીમ બન્યો હતો. અને દાઉદનો પરફેક્ટ રોલ પ્લે કર્યો હતો. તેણે જન્નતમાં બુકી બની છગ્ગા ફટકાર્યા છે. તેની અને હિમેશની જોડીએ જે કરી બતાવ્યું એ અગાઉ કિશોર અને રાજેશ ખન્નાએ કરી બતાવ્યું હતું. 2000ના વર્ષમાં ભાગ્યે જ કોઈ એવી દુકાન હશે જ્યાં હિમેશ અને ઈમરાન કોમ્બિનેશનના ગીતો ન ચાલતાં હોય.
ઈમરાન એક એવો અભિનેતા છે. જેના અભિનય કરતા તેના ગીતના વધારે વખાણ થતા. તેની ફિલ્મો ગીત ઉપર જ તો ચાલતી હતી, પણ ગીતનાં કારણે અફવા પણ ફેલાયેલી કે ઝલક દિખલા જા ગીત વગાડવાથી ભૂત આવે છે. આજ તકે ખૂબ ચલાવેલું. ખૂબ ટીઆરપી મેળવેલી અને ઘરડી ડોશીઓ બસ, આ જ જોયા કરતી હતી. ઝલક દિખલા જા વગાડવાથી ભૂત આવે છે એવી વાતો ઓટલે બેસેલી મહિલાઓનાં મોઢે ખૂબ સાંભળી છે.
એક રીતે ઈમરાન તેની હીરોઈનો માટે અપશુકનિયાળ સાબિત થયો છે. તનુશ્રી દત્તાથી લઈને છેલ્લી જે પણ હોય ગૂગલ સર્ચ કરીને જોઈ લો. શરીર અને ચહેરા બંનેથી સુંદર હોવા છતાં ચાલી ન શકી. ઈમરાનની નવી હીરોઈનો સાથેની કિસ પોપ્યુલર થઈ એટલી હીરોઈનો પોપ્યુલર ન થઈ શકી.
ઈમરાનને જ્યારે કિસગાથા વિષે પૂછવામાં આવે છે ત્યારે તેનો જવાબ હોય છે, કે હવે હું નિવૃતિ લઈ ચૂક્યો છું. નિવૃત કિસર બની ચૂક્યો છું. તેની સૌથી સારી કિસ જેક્લિન ફર્નાન્ડિઝ સાથેની મર્ડર-2માં લાગેલી અને સૌથી ખરાબ કિસ મર્ડરમાં જ મલ્લિકા શેરાવત સાથેની. કિસ કરવા માટે ઈમરાનની ટીપ્સ હોય છે કે બસ મારી ફિલ્મો જુઓ.
એક એવો સમય પણ હતો જ્યારે ઈમરાન હાશ્મી બની જવાની યુવાઓમાં હામ હતી. એક તો જુવાન ખૂન હોય. ધગધગતું હોય. કોઈ છોકરીને જોઈ હ્રદયનું મીટર ઊંચુ નીચું થતું હોય. એમાં ઈમરાનની ફિલ્મના ગીત હોય. જીવન જીવવા માટે અને પ્રેમ કરવા માટે બાકી શું રહ્યું ? ઈમરાનના યુગમાં છોકરાઓ સૌથી વધારે પ્રેમમાં પડ્યા હોવા જોઈએ. ખોટો હોઉં તો કરો સર્વે!
તુમસા નહીં દેખામાં પોતાની નાયિકાને જોતા વેત કિસ કરવા દોડી જતો નાયક. ને પછી ગીત આવે છે મૂઝે તુમસે મહોબ્બત હૈ દિવાનગી કિ હદ તક. આ કોલેજના જમાનાનું ગીત છે. જ્યારે પહેલી વખત કોઈ સુંદરીને જોઈએ અને તેના પર આપણું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાનું મન થાય.
ગુડ બોડ બેડ બોયમાં તો તેના ગીતોએ આગ લગાવી દીધેલી. આવારાપન જે અ બિટરસ્વિટ લાઈફ નામની કોરિયન ફિલ્મની રિમેક છે તેના ગીતોએ છોકરાઓને લાંબા વાળ રાખવા માટે મજબૂર કરી દીધાં હતાં. આશિક બનાયા આપનેમાં તનુશ્રી દત્તાને આપેલું ચુંબન કોઈ નહિં ભૂલી શકે. અને તેની પાછળનું ગીત પણ. આશિક બનાયા આપનેનું એક પણ ગીત જેણે સાંભળ્યું ન હોય, તેણે આ દુનિયામાં જન્મ લીધો છે એમ કહેવાય જ નહીં.
મર્ડર-2 પછી આજે જે ઈમરાન હાશ્મી જોતો છે એ નથી મળતો. સમય કેટલો ઝડપથી ચાલ્યો ગયો. ઈમરાનના સારા દિવસો જે આપણે ઈચ્છતા હતાં કે ત્યાં જ થંભી જાય એ ઝડપથી ચાલ્યા ગયા. સારા દિવસોનું આયુષ્ય ક્ષણિક હોય છે. કોઈ ઝાલાવાડી જલજીરાને પૂછે કે તને ટાઈમ મશીન આપીએ તો કયા યુગમાં જવાનું પસંદ કરીશ ? બસ, ઈમરાનના 2000 યુગમાં. જ્યાંથી ઈમરાનનો ઉદય થયો હતો. જેણે એક પણ ફિલ્મમાં સંગીત નથી આપ્યું છતાં તેના ગીતો હીટ જાય છે એવો અદૃશ્ય મ્યુઝિક ડાયરેક્ટર. જો 2000ની સાલના ઈતિહાસમાંથી ઈમરાન હાશ્મીના ગીત કાઢી નાખો તો સાવ નવરા થઈ જઈએ. કંઈ કરવાનું રહે જ નહીં. કોઈને યાદ કરવા માટે પણ એક સારું ગીત જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત