Team Chabuk-Political Desk: મર્યાદા પુરુષોત્તમ રામની વાત કરી મત એકત્રિત કરતું ભાજપ ભાન ભૂલ્યું છે. વાત છે મમતા બેનર્જીની. જેમને પગમાં ઈજા થઈ હતી અને બાદમાં ઈજાની રાજનીતિ શરૂ થઈ હતી. એવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષે ન બોલવાનું બોલી દીધું છે. કહે છે, પ્લાસ્ટર કપાઈ ગયું છે. ક્રેપ બેન્ડેજ બંધાઈ ગયું છે. સાડી પહેરેલી છે. એક પગ ખુલ્લો અને એક પગ ઢંકાયેલો છે. આ પ્રકારે સાડી પહેરીને તો કોઈને નથી જોયા. જ્યારે પગ ખુલ્લો જ રાખવો છે તો સાડી શા માટે બરમૂડો પહેરો. સાફ દેખાઈ દેશે.
પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની જીભ કાતરની જેમ ચાલી રહી છે. ધડાધડ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. કોઈ પણ શરમ વગર. નેતાજીઓની જીભ આઉટ ઓફ કન્ટ્રોલ છે. હવે બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા બેનર્જી પર શરમજનક ટીપ્પણી કરી છે. દિલીપ ઘોષે મમતા બેનર્જીને થયેલી ઈજા પર કહ્યું છે કે સાડીની જગ્યાએ બરમૂડો પહેરો. જેથી પગ બરાબર દેખાય.
દિલીપ ઘોષ કહે છે કે, પ્લાસ્ટર કપાઈ ગયું છે. ક્રેપ બેન્ડેજ બંધાઈ ચૂક્યું છે અને પગ ઉપાડી ઉપાડીને બધાને દેખાડવામાં આવી રહ્યો છે. સાડી પહેરેલી છે. એક પગ ખુલ્લો અને એક પગ ઢંકાયેલો. આ પ્રકારે સાડી પહેરેલ જોયું છે કોઈને ? જ્યારે પગ ખુલ્લો જ રાખવો છે તો સાડીની જગ્યાએ બરમૂડો પહેરો.
અહીંથી દિલીપ ઘોષ અટકતા નથી. બોલ્યા છે – મમતા દીદીએ સાડી શું કામે પહેરી છે, તેમને પોતાના પગ સારી રીતે દર્શાવવા માટે બરમૂડા શોટ્સ પહેરવા જોઈએ.
હવે દિલીપ ઘોષના આ નિવેદન પર બઘડાટી બોલવાની એ તો નક્કી માનવામાં આવી રહ્યું છે. ટીએમસી બરમૂડાના નિવેદન પર આગ બબૂલા થઈ ચૂકી છે. ટીએમસીની સાંસદ મહુઆ મોઈત્રાએ તુરંત દિલીપ ઘોષ પર પલટવાર કરતાં ટ્વીટ કર્યું છે કે, ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષે સાર્વજનિક સભામાં મમતા દીદીને સાડી શા માટે પહેરી છે, તેમને પોતાના પગ વધારે દેખાડવા માટે બરમૂડા શોટ્સ પહેરવા જોઈએ… અને આ વાંદરાઓને લાગે છે કે એ બંગાળ જીતવા જઈ રહ્યા છે ?
આ પ્રથમ વખત નથી જ્યારે રાજનીતિ મમતાના ઈજાગ્રસ્ત પગ સુધી આવીને અટકી ગઈ હોય. આ પહેલા પણ ઈજાને લઈ શાબ્દિક પ્રહારો થતા રહ્યા છે. ઈજાગ્રસ્ત પગ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મમતાએ પોતાની રિપોર્ટ સાર્વજનિક કરવી જોઈએ. ગૃહમંત્રી જ નહીં પણ રક્ષા મંત્રીએ પણ મમતા બેનર્જીના પગમાં થયેલી ઈજાને સહાનુભૂતિ દર્શાવીને વોટ એકત્રિત કરવાની રાજનીતિ સાથે સરખાવી હતી. જોકે મમતા બેનર્જીના ઈજા પામેલા પગ પર હવે બંગાળ ભાજપના અધ્યક્ષની જીભ થોડી વધારે જ આગળ નીકળી ગઈ છે.
મંગળવારના રોજ પુરુલિયામાં એક જનસભા દરમિયાન ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીને કહ્યું હતું કે, હું આજે અહીં શા માટે આવી છું, ખબર છે તમને ? મને ખૂબ જ મારવામાં આવી છે. મારા માથામાં ઈજા પહોંચી છે. કમરમાં મારવામાં આવ્યું છે. હાથ પર મારવામાં આવ્યું છે. પેટમાં મારવામાં આવ્યું છે. આંખમાં મારવામાં આવ્યું છે. પગ બાકી હતો તો એ પણ ઈજાગ્રસ્ત કરી દીધો છે.
મમતાએ વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, મારાથી ડરી રહ્યા હતા. વિચારી રહ્યા હતા ભાજપવાળા કે હું વધારે ઘુમીશ તો બીજેપી ખરાબ રીતે હારશે. જેથી મમતાનો પગ જપ્ત કરી લીધો. જોકે એમને ખબર નથી કે મમતા બેનર્જી તૂટી શકે છે નમી નથી શકતી. મારો એક પગ ઈજાગ્રસ્ત હોવા છતાં હું મારી મા બહેનોનાં પગેથી ઘુમી રહી છું. માતાઓ અને બહેનોનાં સન્માનની રક્ષા કરી રહી છું.
મમતા બેનર્જીએ 10 માર્ચના રોજ નંદીગ્રામ સીટથી ઉમેદવારી નોંધવી હતી. એ પછી સાંજના છ વાગ્યે તેઓ મંદિરે ગયા હતાં. મંદિરમાંથી નીકળ્યા બાદ તેઓ ગાડીમાં બેઠા. એ સમયે જ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટી પર આ સમગ્ર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત