ઝાલાવાડી જલજીરા: બોલિવુડ એટલે કે હિન્દી સિનેમાની આબરુના ધજાગરા ઉડી ગયા છે. ધજાગરા ઉડાવનારા અભિનેતા ખૂદ હિન્દી સિનેમાનું મોટું નામ છે. ગજરાજ રાવ નામ છે. ખૂબ ઉમદા કામ કરે છે. તેમની અને ઋત્વિક રોશનની ઉંમર એક સરખી છે, પણ એ ઉંમરમાં તેમનાથી મોટા દેખાય છે. જોકે અભિનય પ્રતિભામાં ગજરાજ સુપરસ્ટાર છે. ખાન્સને પણ પછાડી જાણે છે.
આ અભિનેતાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને ઝાપટ મારી દીધી છે. ખરી-ખોટી સંભળાવી છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતાં હો તેનાં સારા કામની પ્રશંસા તો કરો જ પણ બીજાની તુલનાએ સારું ન લાગે તો તેની ટીકાનું ભાથું પણ અવશ્ય બાંધો અને આ ટીકાનું ભાથુ જ શ્રીમાન ગજરાજ રાવે બાંધ્યું છે.
એક મલયાલમ ફિલ્મ
આ વાતની શરૂઆત થાય છે એક મલયાલમ ફિલ્મથી. ફિલ્મનું નામ જોજી છે. ગદર મચાવીને રાખી છે. ફિલ્મના હીરોનું નામ સાંભળશો તો દંગ રહી જશો. ફહદ ફાઝિલ. મલયાલમ સિનેમાના હીરોને જોયા છે. એમની ફાંદ મોટી હોય છે. અડધા વાળ ખરી ગયા હોય છે. મૂછો અને કોઈવાર તો દાઢી જ રાખે છે. એક પણ એન્ગલથી હીરો મટીરીયલ લાગતા નથી. એક બે હીરોને છોડતા બધા દેખાવમાં સાઈઝ ઝિરો છે. ફહદ ફાઝિલ દેખાવમાં મધ્યમ કક્ષાનો લાગે છે પણ અભિનયમાં સાત પાતાળ ઊંડો છે. તેના અભિનયની પ્રશંસા કરતા વિવેચકો થાકતા નથી. તેની ફિલ્મો માટેની પસંદગી પણ એવી હોય છે કે દરેક હીરોને તેની પટકથા ગમી જાય અને હાથમાં મુક્કો પછાડતા બોલે કે આ પટકથા આપણી પાસે શા માટે ન આવી ?
ગજરાજનો ગુસ્સો
જોજી ફિલ્મ 9 એપ્રિલના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ચૂકી છે. મુખ્ય અભિનેતા અગાઉ વાત કરી એ ફહદ ફાઝિલ છે. ગજરાજ રાવે આ ફિલ્મ જોઈ લીધી. તેમને અનહદ ગમી. ગજરાજ રાવે આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યા પછી લખ્યું છે કે…
‘‘પ્રિય દિલીશ પોથન અને અન્ય મલયાલમ ફિલ્મ મેકર્સ. ખાસ તો ફહદ ફાઝિલ એન્ડ ફ્રેન્ડ્સ. મેં હાલમાં જ જોજી જોઈ અને એ કહેતા ખૂબ જ દુ:ખની લાગણી અનુભવુ છું કે હું તમારા કામથી ખૂબ જ ગુસ્સે છું. બસ, ખૂબ થઈ ગયું. એ યોગ્ય વાત નથી કે તમે સારી પટકથાઓ પર કામ કરતાં જાવ છો. એ પણ સંપૂર્ણ લગનથી. અને સારું સિનેમા બની રહ્યું છે. તમારે અન્ય રિજનલ સિનેમા પાસેથી કશુંક શીખવાની જરૂર છે. ખાસ કરીને હિન્દી સિનેમા પાસેથી. તમારે એવરેજ કામ કરવાની જરૂર છે.’’
હિન્દી સિનેમાના કેટલાક મહાન અભિનેતાઓને તો આ શબ્દો વાંચતા એવું લાગશે કે જૂઓ મલયાલમ સિનેમાની આલોચના કરી! મલયાલમ સિનેમા છેલ્લા કેટલાય સમયથી સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન આપી રહ્યું છે. હિન્દી સિવાય તમામ દક્ષિણ સિનેમા એકસાથે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. હિન્દીમાં ફિલ્મો રિલીઝ કરવાના ફાંફા છે જ્યારે દક્ષિણના લોકો પેનેડેમિક વચ્ચે પણ પૈસા કમાઈ લે છે. અભિનંદન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત