Homeવિશેષ‘હું કેમ માનું કે પગાર આવે ત્યારે આખા ક્લાસને બિસ્કીટ ખવડાવનારા સાહેબ...

‘હું કેમ માનું કે પગાર આવે ત્યારે આખા ક્લાસને બિસ્કીટ ખવડાવનારા સાહેબ નથી રહ્યા…’

ચિંતન પેઢડિયા: જેવા સમાચાર મળ્યા સીધો ધ્રાસકો પડ્યો, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આ લખી રહ્યો છું ત્યારે પણ આંખો ભીની છે. પ્રભુને ગમ્યું તે ખરું. ઘનશ્યામ ગોંડલિયા સાહેબ અમારા ખારવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક. હું તેમની પાસે ધોરણ એકથી પાંચ સુધી ભણ્યો. પાંચ વર્ષ ભણ્યા બાદ સાહેબ સાથે સંબંધો હજુ પણ અકબંધ હતા. જ્યારે ગામડે જવાનું થાય ત્યારે નિશાળમાં સાહેબને મળવા અચૂક જવાનું.  

ગત જાન્યુઆરી મહિનામાં સાહેબ સાથે છેલ્લી મુલાકાત થયેલી. આશરે અડધી કલાક સુધી સાહેબ સાથે ઊભા રહીને વાતો કરેલી. સાહેબે ત્યારે જ કહેલું કે, ‘બેટા હવે જૂન મહિનાની આસપાસ રિટાયર્ડ થઈ રહ્યો છું. બસ, હવે નોકરીના થોડા દિવસો જ બાકી છે. રિટાયર્ડ થાવ ત્યારે વિદાય સમારોહ ગોઠવવાની ઇચ્છા છે અને બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવવા છે.’ પરંતુ સાહેબ આમ સાવ ચાલ્યા જશો એવી તો કલ્પનાય ન હતી. હોય પણ કેમ? રિટાયર્ડ થવા આવ્યા છતાં શરીરની તંદુરસ્તી જુઓ તો લાગે કે ના ખરેખર સાહેબે શરીરને સાચવ્યું છે. એમની ઉંમરના અન્ય શિક્ષકો અને લોકો તો સાવ ઘરડા લાગે, પણ સાહેબને જુઓ તો જાણે ઉંમર વધતી ન હોય પણ ઘટતી હોય. જાણે એમનું શરીર નવો પોશાક પહેરતું હોય.

ક્રિકેટનો સાહેબને ખૂબ શોખ. ડોમેસ્ટીક કક્ષાએ પણ સાહેબ ક્રિકેટ રમેલા. સુરેન્દ્રનગર કે આસપાસમાં ક્યાંય ક્રિકેટ ટુર્નામેન્ટ હોય તો અમ્પાયરીંગ કરતાં કે રમતાં જોવા મળે. શાળામાં અમને પણ ભણતરની સાથે સાથે રમતમાં એટલું જ ધ્યાન અપાવ્યું. દરરોજ એક કલાક ક્લાસની બહાર મેદાનમાં ક્રિકેટ અને ખો-ખો જેવી રમતો રમવાની. સાહેબ સાથે અમે પણ ખૂબ ક્રિકેટ રમેલા. સિઝન બોલથી હું બોલિંગ નાખું અને સાહેબ બેટિંગ કરે. અમારાથી કોઈ દિવસ આઉટ ના થાય. પરંતુ જીવનની ઇનિંગમાં આમ અચાનક આઉટ થઈને ચાલ્યા જશે એનો ખ્યાલ ન હતો.

સાહેબનો એક નિયમ, દર મહિને પગાર આવે ત્યારે આખા ક્લાસને બિસ્કીટ વહેંચવાના. ઉત્તરાયણ આવે એટલે પતંગ અને દોરી વિદ્યાર્થીઓને આપવાની. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું ખૂબ ધ્યાન રાખતા. કોઈ વિદ્યાર્થીના માતા-પિતાની પરિસ્થિતિ સારી ન હોય તો તેને પોતાના ખર્ચે સ્ટેશનરી લાવી આપે. ઘણા વિદ્યાર્થીઓ નિશાળે ન આવતા હોય તો ઘરે લેવા આવતા, પણ મેં ઘનશ્યામ સાહેબને જોયા છે. શિક્ષક કરતાંય ઉપર ઉઠીને વિદ્યાર્થીઓની માતા-પિતાની જેમ સંભાળ રાખતા હતા.

જ્યારે સાહેબને મળવા જઈએ ત્યારે પીઠ થપથપાવે અને ગર્વભેર કહે કે, તમારા જેવા વિદ્યાર્થીઓ મળ્યા છે એટલે આ સરકારી શાળામાં નોકરી કરવાની મજા આવી છે. તેમની નીચેથી તૈયાર થઈને અનેક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, મારી જેમ પત્રકાર જેવા અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. સાહેબે અમારો પાયો મજબૂત બનાવ્યો ત્યારે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ.

સાહેબ હંમેશાં હસતા, ‘જીવનના ઘણા પાઠ સાહેબ પાસેથી શીખવા મળ્યા છે. અમારા ખારવા ગામની શાળામાં સૌથી વધુ સમય શિક્ષક તરીકેની નોકરી કરવાનો રેકોર્ડ ઘનશ્યામ સાહેબના નામે છે. છેલ્લે જ્યારે મળ્યો ત્યારે સાહેબે કહેલું કે, મને શાળા પણ સારી મળી, વિદ્યાર્થીઓ પણ સારા મળ્યા અને ગામ પણ સારું મળ્યું.’

એકધારી એક જ શાળામાં સાહેબે છેલ્લે સુધી સરકારી શિક્ષકની નોકરી કરી અને પ્રભુની લીલા તો જુઓ આ શાળામાં જ તેમણે જીવ છોડ્યો. મિત્ર કલ્પેશ અડાલજાનો મેસેજ આવ્યો કે ઘનશ્યામ સાહેબને આપણી શાળામાં જ હ્રદય રોગનો હુમલો આવી ગ્યો અને તેઓ હવે આ દુનિયામાં નથી.

સાહેબ તમારી ઓચિંતી વિદાયે મારી જેવા અનેક વિદ્યાર્થીઓને અંદરથી હચમચાવી મૂક્યા છે. એક હરતો ફરતો, હસતો હસાવતો માણસ આવી રીતે ક્ષણવારમાં ચાલ્યો જશે એ વાત માન્યામાં નથી આવતી.

દરેક વિદ્યાર્થીના ઘડતરમાં ઘણા બધા શિક્ષકોનું યોગદાન હોય છે. પરંતુ અમુક જ શિક્ષકો હોય છે જે વિદ્યાર્થીના દિલમાં જગ્યા બનાવી શકે છે. આપે મારા જેવા અનેક વિદ્યાર્થીના દિલમાં જગ્યા બનાવી છે. આપ ભલે આ દુનિયામાં નથી પરંતુ અમારા દિલમાં આપ હંમેશા જીવતા રહેશો. જ્યારે જ્યારે ગામની શાળા પાસેથી પસાર થઈશ ત્યારે ત્યારે તમારી યાદ આવશે. અંદર આવીને તમને મળવાનું મન થશે. આ શાળાને પણ તમારો ખાલીપો હંમેશાં લાગશે. અમારા ગામમાં રહીને છેલ્લા શ્વાસ સુધી તમે જે કામ કર્યું છે તે બદલ ગામ પણ તમારું ઋણી રહેશે. સાહેબ તમે અમને છોડીને ચાલ્યા ગયા છો એ વાત હજુ પણ માનવામાં નથી આવતી. પ્રભુ આપના આત્માને શાંતિ આપે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments