Homeસાહિત્યહેમુ ગઢવીએ ભારત માતાના સપૂતો માટે કંઈક રચવા કહ્યું અને કવિ દાદે...

હેમુ ગઢવીએ ભારત માતાના સપૂતો માટે કંઈક રચવા કહ્યું અને કવિ દાદે રચ્યું આ ગીત

મયુર ધુલિયાઃ વર્ષ 1962નો સમય હતો. ભારત-ચીનનું યુદ્ધ તો પૂરું થઈ ગયું હતું પરંતુ લોકોના મનમાં યુદ્ધમાં મળેલી હાર અને ભારતીય સેનાના બહાદુર સૈનિકોના બલિદાનથી ગમગીન હતા. ત્યારે કવિ પ્રદીપે ‘એ મેરે વતન કે લોગો…’ ગીતની રચના કરી અને લતા મંગેશકરે ગીતને કંઠસ્થ કર્યું. આજે પણ દેશભક્તિ ભરેલું એ ગીત લોકોમાં દેશપ્રેમ અને ભારતીય સેના પ્રત્યેના આદરમાં વધારો કરી જાય છે. એ જ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના પ્રખ્યાત નાટ્યકાર હેમુ ગઢવીએ લોકસાહિત્યકાર કવિ દાદને ભારત માતાના સપૂતો માટે કંઈક રચવાની માંગણી કરી અને કવિ દાદે પોતાની કલમથી લખ્યું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું……’ એ રચના ગુજરાતી સાહિત્ય માટે કવિ દાદની અણમોલ ભેટ હતી.

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું,

ટોચમાં ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું,

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..

કવિની કલ્પના અને ગીતની મહાનતા તમને પહેલી જ પંક્તિમાં સમજાય જશે. કોઈ પણ શિલ્પકાર જ્યારે પથ્થરની કોતરણી કરે છે ત્યારે પથ્થરને ક્યાં ખબર હોય છે કે પોતાની મૂર્તિ બનાવની છે, ધોબીઘાટનો પથ્થર બનશે કે પછી પાળિયા તરીકે પૂજાશે? ત્યારે પથ્થર પોતાના ઘડવૈયાને કહે છે, હે ઘડવૈયા! મારે મંદિરમાં ભગવાન તરીકે નથી પૂજાવું પરંતુ યુદ્ધમાં શહીદ થયેલા કોઈ વીરના પાળિયા તરીકે ગામના સીમાડે મારી સ્થાપના થાય એવા પાળિયા તરીકે મારું ઘડતર કરજે….

એનાથી પણ વિશેષ આગળની પંક્તિમાં કવિ કહે છે ‘પથ્થરને મંદિરમાં સ્થાપિત થઈને પોતાની કોઈ પૂજા કરે, હવન કરે, સોનેરી વસ્ત્રોના શણગાર કરે એ બધા કરતા યુદ્ધમાં શહીદ થયેલા કોઈ યુવાનના નવજાત બાળકના કુમળા હાથે, પોતાના પિતાની વીરતા કાજે પાળિયો થઈને ગામના પાદરે તેના શૌર્યને લોકો યાદ કરે એમ એને રોપવું છે. કવિ દાદની સંપૂર્ણ રચના નીચે મુજબ છે.

મારે ઠાકોરજી નથી થાવું

મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું

ટોચના ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવું

બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું

કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીરગંગામાં નથી નાવું

નમતી સાંજે કોઈ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું

શૂરા શહીદોની સંગાથમાં મારે ખાંભીયું થઈને ખોડાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

કપટી જગતના કૂડાકૂડા રાગથી ફોગટ નથી રે ફુલાવું

મુડદાં બોલે એવા સિંધુડા રાગમાં શૂરાપૂરો સરજાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું

રંગ કસુંબીના ઘૂંટ્યા રુદામાં એને “દાદ’ ઝાઝું રંગાવું

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…

અમુક શબ્દોના અર્થ

મસાણ – સ્મશાન

ધીંગાણું – યુદ્ધ

પાળિયા – સૌરાષ્ટ્રમાં રજવાડાના સમયમાં જયારે યુદ્ધમાં કોઈ સૈનિક વીરગતિ પામતું ત્યારે તેમના શૌર્યની યાદમાં ગામના પાદરે તેમની ખામ્ભી રોપવામાં આવતી સાદી ભાષામાં તેને એક યુદ્ધ સ્મારક કહી શકાય. આજે પણ સૌરાષ્ટ્રના કોઈ ગામની મુલાકાત લેતા ગામના પાદરે પાળિયાના દર્શન અચૂક થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments