મયૂર ખાવડુ: થોડા સમય પહેલા મારે એક સજ્જનના મૃત્યુ પ્રસંગે જવાનું થયેલું. તેઓ ગુજરી ગયા ત્યારે મને ખબર પડી કે તેઓ પણ એક જમાનામાં હાસ્ય લેખક હતા. કોઈના સારા પ્રસંગમાં હાજરી ન પૂરાવીએ તો ચાલે પણ દુશ્મન મૃત્યુ પામ્યો હોય તોપણ ત્યાં હાજરી પૂરાવવી જોઈએ. એવું મારું ગંભીરપણે માનવું છે, કારણ કે સારા પ્રસંગોમાં દુશ્મન હાજર હોય તો આપણા માર ખાવાની ટકાવારી વધી જાય છે. દુશ્મન મૃત્યુ પામ્યો હોય તો ત્યાં જવામાં કોઈ વાંધો નથી. ત્યાં આપણા માર ખાવાની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ઉપરથી આબરુ પણ સચવાવાની જોગવાઈ તો ખરી.
હું પણ આ હાસ્યલેખકનાં ગુજરી જવા ટાણે ગયો. સફેદ કલરના વસ્ત્રોમાં સજ્જ પુરુષો નળ સરોવરના બગલાની જેમ ટાપીને બેઠા હતાં. મારી જેમ નવા ડાઘુઓ આવતા તે ફોટાને પ્રણામ કરતાં અને પછી પ્રાથમિક શાળામાં જેમ ફરજિયાત કસરત કરવાની કતારમાં બેસવાનું હોય એ રીતે બેસી જતાં. કોઈ પણ પ્રકારનું મોટું નામ કર્યા વિના ગુજરી ગયેલા એ હાસ્યલેખકની છબીને મેં શત્ શત્ પ્રણામ કર્યા અને કતારમાં બેસી ગયો. તેમનો દેહ આગળ પડ્યો હતો જ્યાં આસપાસ અંગત કુંટુંબીજનો બેઠા હતા અને કલ્પાત કરતા હતા.
હાસ્યલેખકની તાત્કાલિક બનાવેલી એ છબીને ક્યારના તાકતા મારી બાજુમાં બેસેલા ભાઈએ કહ્યું, ‘બિચારા નાની ઉંમરે ગુજરી ગયા. ફોટો તો જુઓ.’
એમની બાજુમાં બેસેલા ભાઈએ કહ્યું, ‘એ નાની ઉંમરે નથી ગુજરી ગયા, પણ તેમની જુવાનીનો આ એકમાત્ર ફોટો હતો. એમને તો દીકરાના દીકરા છે.’
‘ઓહો ભારે કરી તો તો…’
આ તો હવે માધ્યમોનો જમાનો આવ્યો, નહીં તો લેખકનું મૃત્યુ થાય ત્યારે તેની પાસે એક માત્ર ફોટો તેની કૃતિ પાઠ્યપુસ્તકમાં છપાઈ હોય એનો જ હોય. એમાંથી ઝાંખો ફોટો કાઢી લેખકના મૃત્યુ પ્રસંગે રાખવાનો. મને હવે ખબર પડી કે શા માટે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં લેખકોના ફોટા છાપવાના શરૂ કરી દીધા છે. બાળક પણ મોટું થઈ એ લેખકને શાકભાજી ખરીદતા જોઈ જાય તો ચંપલ કાઢી જૂડી નાખે એવી આ ફોટાની સવલત છે!
હું હજુ મૌન હતો. આમ તો કોઈ ગુજરી ગયા હોય ત્યાં વધારે બોલાય નહીં. કોઈને ખોટું તુરંત લાગી જાય અને શાકમાં જેમ મીઠું વધારે પડી જાય તો પતિ ગુસ્સે થઈ જાય અને બાદમાં પત્નીના રોષનો સામનો કરે, તેમ બેસણામાં થોડું વધારે પ્રમાણમાં બોલી જવાય તો શક્ય છે, કે આપણું શરીર પણ શબ બની પેલા ભાઈના શબની બાજુમાં પડ્યું હોય!
આસપાસ નજર કરી તો અમને એક કૂતરો દેખાયો. એ કૂતરો ક્યારનો ઊંચો નીચો થતો હતો. તેનો ચહેરો ભોળો હતો. વિનમ્રતા તેની આંખોમાં છલકાતી હતી. મારાથી રહેવાયું નહીં એટલે મેં નજીક બેસેલા ભાઈને પૂછ્યું, ‘આ કૂતરો ?’
એમણે માંડીને વાત કરી, ‘હાસ્યલેખનમાં મોટું નામ ન થતાં વચ્ચે આ લેખકે કવિતા પર હાથ અજમાવ્યો હતો. એ એમની જિંદગીના છેલ્લા દિવસો હતા. એમના પરિવારના લોકો અને પાડોશીઓએ તો ખમી લીધું પણ કૂતરો ન ખમી શક્યો. એણે બે વખત હાઉં હાઉંના હલકારા પલકારા મારી લેખકને ‘જોખમ છે’ ની ચેતવણી આપેલી. તોપણ લેખક કવિતાઓની રચના કર્યા રાખ્યા અને જોર જોરથી બોલ્યાં રાખ્યાં. કવિતામાં ગળાડૂબ થયેલા લેખક પગપાળા ક્યારે કૂતરાની નજીક આવી ગયા અને ક્યારે કૂતરાએ તેમને બટકું ભરી લીધું ખબર જ ન રહી. ચૌદ ઈન્જેક્શન આવેલા. પૂરા ચૌદ…’ એમણે હાથની ચાર આંગળીઓ મને બતાવી તેમનું ગણિત કેટલું નબળું છે તે દર્શાવ્યું.
‘ઓહોહોહો.’ મેં ટાપસી પૂરી.
‘ઓહોહોહો નહિ, તમને તો કવિતા કરવાનો શોખ નથી ને?’
‘ના ભાઈ ના. હું તો શાળાકાળમાં મારું ખૂદનું ગુજરાતીનું પ્રશ્નપત્ર પણ અધૂરું છોડીને આવી જતો હતો ત્યારે લખવાનું તો ક્યાંથી હોય?’
એ પછી રડવાનો ધ્વનિ સંભળાતો રહ્યો. એક બાદ એક દૂરના કુટુંબીજનો આવતા રહ્યા. કેટલાક તો દોડીને આવતા અને જોરથી મૃત્યુ પામેલા હાસ્યલેખકની છાતી પર કંઈક એવી તીવ્રતાથી પડતાં હતાં કે કેટલાક બોલી પણ ઉઠતાં, ‘એ લે… આ તો જીવતા થયાં…’
પછી નજીક બેઠેલા બુદ્ધિજીવીઓ કહેતા, ‘એ જીવતા નથી થયા પણ રડનારે કંઈક જોરથી માથું પછાડ્યું છે.’
મારી સામે બેસેલા ભાઈએ શાંત પાણીમાં પથ્થર નાખ્યો, ‘એમને બીજી કોઈ કુટેવ હતી ખરી ?’
‘લખવા સિવાય એમને કોઈ કુટેવ હતી જ નહીં! પાન-મસાલા કંઈ ખાતા નહીં. પરિવારનું પણ ધ્યાન રાખતા હતા. સવાર-સાંજે વોકિંગ કરતા હતા. સમયસર નોકરી પર પહોંચી જતા હતા. એક દુ:ખ હતું કે એમનું લખેલું છપાતું નહીં અને છપાતું તો કોઈ પૈસા આપતું નહીં. આખી જિંદગી આ વાતનો જ વસવસો રહ્યો. મને તો લાગે છે એ વસવસામાં જ ગુજરી ગયા. કોઈ લેખક હોય તો વખાણ તો કરાયને?’
‘તો આ હાસ્યલેખક બનવાની કુટેવ ક્યાંથી લાગી?’ એ જ સજ્જને ફરી પૂછતા હવે તો મારી પણ જાણવાની જિજ્ઞાસા વધી ગઈ. મેં કાન કૂતરાની જેમ સરવા કર્યા.
‘કોઈ દવેજીના લગ્ન પ્રસંગમાં જવાનું હતું. એ જ્યાં ગયા ત્યાં બે હોલ હતા. એકમાં દવેજીનો લગ્નપ્રસંગનો કાર્યક્રમ ચાલતો હતો. એકમાં દવેજીનો હાસ્ય પ્રોગ્રામ ચાલતો હતો. અનાયાસે બંનેએ બોર્ડમાં લખાવ્યું હતું પધારો ‘દવે’ના દેશમાં. આ ભૂલથી લગ્નની જગ્યાએ હાસ્યના કાર્યક્રમમાં ચાલ્યા ગયા. થોડીવાર બેઠા તો મજા આવી. પછી કેટલાક લોકોએ હાસ્યલેખક કેવી રીતે બનવું તે અંગેના પ્રશ્નો પૂછ્યા. આ વાત તો આપણા આ ગુજરી ગયેલા હાસ્યલેખકને પણ ગમી ગઈ. તે તેઓ જમ્યા વિનાના પાછા આવ્યા અને હાસ્યલેખક બનવાનો સામેથી ચાંદલો લખાવતા આવ્યા.’
મને એમની વાતમાં રસ પડ્યો હતો એવામાં વચ્ચેથી કોઈએ મમરો મૂક્યો, ‘એ હાલો, હવે વધારે રખાય નહિ, જલ્દી કાઢો કરો.’
જલ્દી કાઢી જાવ ના બુલંદ અવાજની સાથે મને વિચાર આવી ગયો કે, બિચારા હાસ્યલેખકોની સ્થિતિ બંને જગ્યાએ સરખી છે. એ ગુજરી જાય પછી એમનું પુસ્તક બહાર પડે તો પ્રસ્તાવના પણ કાં તો હાસ્યલેખક લખતા હોય છે. એ પણ જો હોય તો! અથવા તો એવા લેખકો લખતા હોય છે જેમને બીજા કોઈ ઓળખતા નથી હોતા.
મારા એક વાર્તાકાર મિત્ર હાસ્ય સાહિત્યની ખૂબ જ ટીકા કર્યા રાખે છે. જ્યારથી હું એમનો મિત્ર બન્યો છું કદાચ ત્યારથી જ. એમના જૂના મિત્રોએ કહ્યું કે, હું લલિત નિબંધ લખતો તો એની પણ ટીકા કરતા હતા, કોઈએ કહ્યું કે, હું કવિતા લખતો તો એની પણ ટીકા કરતા હતા. એકે તો એમ પણ કહ્યું કે, હું ન લખતો એની પણ ટીકા કરતા હતા! એટલે મને તો રાહત થઈ કે ચાલો માર્કેટમાં આપણે એકલા નથી. જોકે આશ્ચર્ય એ વાતનું છે કે હાસ્ય સાહિત્યની ટીકા કરનારા એ વાર્તાકારે ત્રણ યુવા સર્જકોના હાસ્ય સાહિત્યના પુસ્તકની પ્રસ્તાવના લખી છે!
હું ઘરમાંથી બહાર નીકળ્યો. હાસ્યલેખકને પણ બહાર કાઢ્યા. તેમનો દેહ સાવ પાતળો હતો. ઠાઠડીમાં બાંધવાની ક્રિયા પતાવવામાં આવી અને તેમને ઉઠાવતા એક ભાઈ બોલી ઉઠ્યા, ‘જીવતા હતા ત્યારે તો કેટલા પાતળા હતા, મરી ગયાં પછી કાંઈક વજનવાળા થઈ ગયા.’
એની આગળ ખભો દઈ ઊભેલા ભાઈએ કહ્યું, ‘માણસનું કદ મરી ગયા પછી જ વધી જાય.’
એ માણસ મને કંઈક બુદ્ધીશાળી લાગ્યો. ઘણી મોટી વાત કરતો ગયો. જીવતા લેખકની કૃતિમાંથી અને તેના ચરિત્રમાંથી આપણે કેટ કેટલીય ભૂલો કાઢીએ છીએ. એમનો નખ આડો હોય તો એની પણ અને જોડણી સાચી ન હોય તો તેની પણ કાઢીએ. એ ગુજરી જાય ત્યારે તેના માનમાં મોટા મોટા પ્રસંગો રાખીએ. ખૂબ વાતો કરીએ. શક્ય હોય તો એમને જન્મદિવસ પર સ્મરી લઈએ.
મારા એક વિવેચક મિત્ર બુધવારની પૂર્તિમાં છપાતા એક હાસ્યલેખકના લેખને રોજ ટપારતાં હતાં. રોજ ટપારતાં હતાં. મારી હાજરીમાં તેમના એક એક હાસ્યલેખને છિન્નભિન્ન કરી નાખ્યાં. એ ગુજરી ગયાની ખબર મળતા કેટલાક લોકો એટલા માટે ખુશ થયા હતા, કે ચાલો હવે છાપામાં કોલમ લખવા માટે જગ્યા થઈ. હું સાબરમતી આશ્રમે મારા એ વિવેચક મિત્ર સાથે બેઠો હતો ત્યારે તેમણે નજીક આવી કહ્યું, ‘લખતા તો ખૂબ સરસ હો.’ એવે ટાણે મને તરતા નહોતું આવડતું, નહીં તો હું સાબરમતીમાં કૂદકો મારી જાત.
અમે રામ બોલો ભાઈ રામ કરતાં એ હાસ્યલેખકને સ્મશાને લઈ ગયા. બધાએ અંતિમ દર્શન કર્યા. ઘીથી તેમના દેહને નવડાવ્યો. એમને સળગાવવાની તૈયારીઓ થતાં એક ભાઈ આગળ આવ્યા અને તેમની છાતી ઉપર તેમણે લખેલું અને પ્રકાશિત થયેલું હાસ્યનું એક માત્ર પુસ્તક રાખી દીધું. પવનની થપાટથી એ પુસ્તક ઉઘડી ગયું અને જાણે હાસ્ય લેખકની છાતી ઊંચી નીચી થતી હોય તેવું દેખાવા લાગ્યું.
એ મશીનમાં તેમની એકમાત્ર કૃતિ સાથે સળગી ગયા એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, ‘તમે કેમ પુસ્તક છાતી પર રાખ્યું?’
એ ભાઈએ મારા ખભે હાથ રાખીને કહ્યું, ‘એમની અંતિમ ઈચ્છા હતી કે મારી છાતી પર મારું ન વેચાયેલું હાસ્યનું પુસ્તક મૂકવું. જો મારી મરણસભામાં કોઈ હાસ્યલેખક હોય, તો તેને જ્ઞાન મળે કે બીજું બધું થજો હાસ્યલેખક ન થતાં…’
હું વિચારતો હતો અને તેમણે વાતનો કાંકરો મારી તરફ ઘા કર્યો, ‘તમે તો હાસ્યલેખક નથી ને?’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત