Homeતાપણુંતેઓ આવે છે સાચવજો...

તેઓ આવે છે સાચવજો…

Editors Gallery: હવે તેઓ પાછા આવ્યા છે. અત્યારથી તૈયારી શરૂ કરી દીધી એની તો તમને ભાળ મળી જ ગઈ હશે. ન મળી હોય તો તમારે તમારું ધ્યાન રાખવું. બેઠકોનો દોર થવા લાગ્યો છે. યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓ વચ્ચે દિલ્હી સુધી ઉઠક બેઠક ચાલી. પ્રધાનમંત્રી અને યોગી વચ્ચે યોગ્ય ન હોવાના સમાચાર પણ કેટલાક બહુમુખી વાર્તાલાપ પ્રતિભા ધરાવતા વિજાણુ માધ્યમોએ ચલાવ્યા. સમાચારમાં એ વાત રહી અને આટોપાય ત્યાં ગુજરાતમાં હવે દોડધામ શરૂ થઈ ચૂકી છે.

આજે કેજરીવાલ આવે છે. દિલ્હીના કામ દેખાડી એમને ગુજરાતની સત્તા લેવી છે. સાક્ષરો તેની સાથે જોડાઈ રહ્યા છે. જેથી ગુજરાતની જનતાને એક ફાયદો તો થશે જ કે સાવ અભણ નેતા જેમ પહેલાં હતાં અને ઘણાની તો ડિગ્રીઓનો હજુય અત્તોપત્ત નથી તેવા નહીં મળે. આ વચ્ચે કોંગ્રેસની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એક તો તેમના સારા કહી શકાય એવા ધારાસભ્યો જે 2022ની ચૂંટણીમાં કામ લાગવાના હતા એ હવે ભાજપ તાણી ગઈ છે. પુર આવે ત્યારે ભેગો ભેગો કચરોય લાવે. જંગલમાંથી લાકડા પણ લાવે. એવું જ દરિયાનું હોય છે. ભરતી આવે ત્યારે દરિયાની અંદર રહેલી ગંદકી પણ લાવે. એ ગંદકી પાછી તમે જ કરેલી હોય.

કોંગ્રેસ માટે વિમાસણ એ છે કે એમના કેટલાક નારાજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પણ કેટલાક કાર્યકર્તાઓ અત્યારથી જ ચોમાસુ આવતું હોવાની એંધાણ પારખી ગયા હોય કે શું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 2022માં કદાચિત્ આમ આદમી પાર્ટી સત્તામાં ન આવે તોપણ બીજા નંબરની પાર્ટી તો બનશે જ. એ મહેનત કરે છે. સામે સી.આર. પાટીલ ભાઈએ પણ 182માંથી 182 લેવાનું વચન પહેલા જ આપી દીધું છે. જેની પેટાચૂંટણી વખતે આપણે એક ઝલક જોઈ ચૂક્યાં હતાં અને એની કામગીરીને વખાણી ચૂક્યા હતા.

શું આ તંત્રી લેખ આ માટે લખ્યો છે? આવી વાતો તો કોઈ ન્યૂઝ પોર્ટલમાં સાંબેલાધાર વાંચવા મળી જશે. વાત મૂળ એ છે કે તેઓ આવે છે. તમે ધ્યાન રાખજો. તેઓ અગાઉ આવેલા ત્યારે પ્રથમ લહેર હતી. એટલા ભોગ નહોતા બન્યા. બીજી લહેરમાં આપણે શું શું જોયું એ કહેવાની આવશ્યકતા અહીં નથી. શક્ય છે વાંચનારે કોઈ સ્વજન ગુમાવ્યો હોય. પેટાચૂંટણીમાં પણ ભીડ ભેગી કરેલી. તમામ મીડિયા સમૂહોએ આકરી ટીકા કરી હતી પણ શું થયું ? બીજી લહેર પહેલા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી. જેમાં લાવ લશ્કર લઈ તમામ પાર્ટીનાં સાહેબો નીકળી પડ્યા હતા. જીત્યા ત્યારે ઉજાણી પણ વિશ્વકપ જીત્યા હોય એવી કરી હતી. એક તો સત્તાધારી પાર્ટીના નેતા લગ્ન કરાવવામાં 2000 ઉપરની ભીડ ભેગી કરેલી. જ્યારે તમારા લગ્નમાં 50થી 200 જ લોકો રાખેલા. એ યાદ છે તમને?

કોંગ્રેસને સીટ આવે કે ન આવે બંગાળમાં બુદ્ધિ આવી ગયેલી. કોરોના વાઈરસ ખતરનાક બનતાં એમણે પોતાની સભાઓ રદ્દ કરી નાખી. મમતા બેનર્જી પણ એમના પગલે ચાલ્યાં. જ્યારે ભાજપને જીતી જ લેવું હોય એમ 500ની મર્યાદા સાથે ભાષણ કરવામાં મંડી જ રહ્યું. તેઓ નહીં માને. એ નીકળશે. એમનું લશ્કર એમની સાથે હશે. બાઈક હશે. કોઈના હેલમેટનાં ઠેકાણા નહીં હોય, કોઈના માસ્કનાં ઠેકાણા નહીં હોય. ગીતો વાગતા હશે. ધજાને પતાકા ફરકતા હશે ને કોઈ તો વળી તમે રસ્તે ચાલ્યા જતા હશો તો તમને પકડીને એમ કહેશે કે, ‘એ તમારી સાસુના સમ, રમો તો ખરી…!’

ચૂંટણી આવે છે ત્યારે કોરોના ક્યાં ચાલ્યો જાય છે? ત્રીજી લહેર આવવાની છે. નીતિનભાઈ પટેલ બાધા રાખીને બેઠા છે. સરકાર તો કહે છે કે બધી તૈયારીઓ કરી નાખવામાં આવી છે. પરીક્ષાની તૈયારીઓ કેવી હોય એ તો પેપરનું પરિણામ આવે ત્યારે ખબર પડે. ત્રીજી લહેર બાકી છે અને તેનું પરિણામ કેવું હશે તેની આપણને સમયે ખબર પડશે.

નામદાર હાઈકોર્ટે એમની ટીકા કરી. એમને શું કરવું જોઈએ એ કહ્યું ત્યારે તેઓ જાગૃત થયા. મોટાભાગના નિર્ણયો તો કોર્ટે કહ્યું ત્યારે લેવાયા. કોર્ટનું અસ્તિત્વ છે એ આપણા માટે સુખદ વાત કહેવાય. હવે તમે એમ કહેશો કે ચૂંટણીને તો કેટલી વાર છે. અત્યારમાં ક્યાં આ લખ્યું? જરા પણ વાર નહીં લાગે. તારીખના પાના બદલતા વાર નથી લાગતી. સમય રેતી જેવો હોય છે. મુઠ્ઠીમાં ભરો ત્યાં સરકી જાય. આ વાંચશો ત્યાં એ સમય પણ પૂર્ણાહુતિને આરે આવી ગયો હશે. રેત ઘડિયાળની જેમ આ સમય પણ ચાલ્યો જશે. ચૂંટણી આવી જશે અને પ્રચાર ટાણે જ જો લહેર હશે તો તમે વિક્ષુબ્ધ થઈ જશો.

એક રાજ્યની ચૂંટણી જીતવા માટે કાંઈ ચૂંટણી પંચ તારીખ જાહેર કરે ત્યારે તૈયારી કરવા પક્ષો નથી બેસતા. એમને આખે આખું રાજ્ય ખૂંદવું પડે છે. એટલે તૈયારી તો એક વર્ષ પહેલાથી ચાલુ કરી દેવી પડે.

એ પછી કેસ વધતા હશે તો કેટલાક સોશિયલ મીડિયાનાં જ્ઞાનીજનો ગુજરાતની એ રાજ્યની સાથે તુલના કરશે જ્યાં ચૂંટણી નથી. જ્યાં તોપણ કોરોનાના કેસ વધારે છે. આવા જ્ઞાનીઓની વાતમાં ભરમાશો નહીં, કારણ કે એ લોકો મહારાષ્ટ્રની જ વાત કરશે. જ્યાં વસતિ ગીચતા મોટો પ્રશ્ન છે. આજ કાલથી નહીં વર્ષોથી. તેઓ તો આવે જ છે અને સોશિયલ મીડિયાની એક મોટી મંડળી પણ આવશે. એ એનાં જ્ઞાનનો ફેલાવો તમારી સામે કરશે. રૂડી રૂપાળી વાતો કરશે. હમણાં હમણાં તો પત્રકારોનેય આવી વાતો કરવાના ધખારા જાગ્યા છે. પાનાનાં પાના ‘જી સાહેબ જી સાહેબ’ કરીને ભરી મૂકી છે. તમારી ખૂદની કોઈ વિચારધારા નહીં હોય તો તમે એમની વિચારધારાનાં પંથે ચાલવા લાગશો. સોશિયલ મીડિયા આ જ રીતે કામ કરે છે.

ચૂંટણી અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. કોરોના હજુ ગયો નથી. ભારત જેવા આટલી મ્હોટી વસતિ ધરાવતા દેશમાંથી તો તેનું અસ્તિત્વ ક્યારે ભૂંસાશે તેની ઘણા ચર્ચા કરી રહ્યા છે. ફરી એક વખત કઉં છું કે તેઓ આવે છે. ચેતજો. સોશિયલ ડિસ્ટન્સ રાખજો. ઘરેથી થાય તો જ નીકળવાનું રાખજો. ઘરના વૃદ્ધને ઘરમાં જ રાખજો. વેક્સિન આવી ગઈ તેનો અર્થ એ નથી કે સાવચેતી ન રાખીએ. ફરી કઉં છું તેઓ આવે છે. સાચવજો. તમને ભૂલી જવાની ટેવ છે. માણસ માત્ર ‘ભૂલી’ જવાને પાત્ર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments