Homeસિનેમાવાદગદરનાં 20 વર્ષ: જે વ્યક્તિના જીવન પરથી ફિલ્મ બનેલી તેણે આત્મહત્યા કરી...

ગદરનાં 20 વર્ષ: જે વ્યક્તિના જીવન પરથી ફિલ્મ બનેલી તેણે આત્મહત્યા કરી લીધી હતી

ઝાલાવાડી જલજીરા: 2001ની સાલમાં ગદર એક પ્રેમકથા ફિલ્મ આવી હતી. સન્ની દેઓલની એ છેલ્લી સુપરહીટ ફિલ્મ ગણી શકાય જેણે બોક્સઓફિસ પર ઝંડા ખોડીને રાખી દીધાં હતાં. સામે આમિર ખાનની લગાન હતી. બીજી વખત આમિર અને સન્ની દેઓલની ટક્કર થઈ રહી હતી. પહેલી વખત ઘાયલની સામે દિલ હતી. ત્યારે કમાણીમાં દિલ આગળ નીકળી ગયેલી. બીજી વખત પણ બંને હીટ નીવડ્યા હતા. જોકે બોક્સઓફિસ પર જે કમાલ સન્નીએ કર્યો એ આમિરની ક્લાસિક લગાન ન કરી શકી. ભલે આજે તેની ભરપૂર પ્રશંસા કરવામાં આવતી હોય.

ગદર ખાસ તેના ગીતોના કારણે ઉપડી ગયેલી ફિલ્મ. તેનું સંગીત કેસેટમાં બહાર પડ્યું હતું અને કેસેટો ધૂમ વેચાઈ હતી. મેમરી કાર્ડનો જમાનો ન હતો. ઈન્ટરનેટનો યુગ પ્રવેશ્યો નહોતો. સીડી વેચાતી હતી પણ દરેક ઘર પાસે સીડી કે ડીવીડી પ્લેયર નહોતું. કોઈ પાનની દુકાન પર ગદર ફિલ્મનું ગીત વાગતું હોય તો લોકો ઊભા રહી જતાં હતાં. બાળકોની જીભે ‘મે નિકલા ઓ ગડી લે કે’ ગીત તો ગણિતના પ્રમેય કરતા પણ વધારે પાક્કું થઈ ગયું હતું. નવરાત્રીના સમયે પણ પાનના ગલ્લાઓ અને ફાસ્ટ ફૂડની રેકડીઓમાં બસ ગદરના ગીતો વાગતાં હતાં. ગ્રાહકો આવતા (આકર્ષાતા) એટલે ગીત વાગતા હતા. કોઈ ફિલ્મનાં કારણે ગરીબ માણસનું પેટ ભરાય તો એ ફિલ્મ અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થીઓને ભણવામાં આવવી જોઈએ.  

જોકે ગદરમાં સન્ની દેઓલનાં ડાઈલોગ પર જે સીટીઓ વાગી. તેમની પ્રેમ કહાની પર લોકો ઓળઘોળ થઈ ગયા. અમરિશ પુરી પર ખુન્નસ ચડ્યું. ભાગલાની વેદનાએ આપણા હ્રદયને ચૂરચૂર કરી નાખ્યું અને છેલ્લે હેપ્પી એન્ડીંગ થયું. ઓરિજનલ સ્ટોરીમાં હેપ્પી એન્ડિંગ નથી. ઓરિજનલ સ્ટોરી તો મૂળ સ્ટોરી કરતા પણ ભયાનક છે. ખતરનાક છે.

15મી ઓગસ્ટ 1947ની સાલમાં ભારત આઝાદ થયું. પાકિસ્તાન નામનો નવો દેશ બન્યો. પાકિસ્તાનથી હિંદુઓને ભગાડવામાં આવતાં હતાં અને હિન્દુસ્તાનથી મુસ્લિમોને. ટ્રેનોમાં લાશ ભરાઈને આવતી હતી. લોહીનાં રેગડા ઉતરતા આવતા હતા. એવે સમયે બર્મામાં માઉન્ટબેટનની ફોજ તરફથી યુદ્ધ કરી ચૂકેલો બુટા સિંહ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તેને પાછળથી એક યુવતીનો અવાજ સંભળાયો. એ બચવા માટે હવાતિયાં મારતી હતી. કેટલાક જુવાનિયાં તેનો પીછો કરી રહ્યાં હતાં. દોડતી દોડતી છોકરી બુટા સિંહના પગ પાસે પડી ગઈ.

જુવાનિયાઓ એ છોકરીનાં શરીરનાં કટકા કરવા તૈયાર થયેલા. બુટા સિંહ મધ્યસ્થી થઈ તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે પણ માનતા નથી. આખરે પૈસા ઉપર વાત આવીને ઊભી રહે છે. બુટા સિંહ 1500 રૂપિયા આપી એ છોકરીને બચાવી લે છે. વર્ષ 2021નાં હિસાબે એ રકમ 46,500 રૂપિયા થઈ.  

જે છોકરીને બુટા સિંહે ખરીદી હતી તે 17 વર્ષની હતી. બુટા સિંહ કરતા 38 વર્ષ નાની આ છોકરીનું નામ જૈનબ હતું. રાજસ્થાનનાં ખેડૂત પરિવારની દીકરી હતી. ભાગલા પડ્યા તો પરિવારનાં લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા અને એ બિચારી અહીં રહી ગઈ. જૈનબે આટલો પ્રેમ ભૂતકાળમાં ક્યારેય નહોતો જોયો. બુટા સિંહે તેના માટે જે કર્યું તે જોઈ એ તેના પ્રેમમાં પડી ગઈ અને 1948ની એક શરદ ઋતુએ બેઉંએ લગ્ન કરી લીધાં.

લગ્નનાં થોડાં સમય પછી જૈનબે એક પુત્રીને જન્મ આપ્યો. એ છોકરીનું નામ તનવીર રાખવામાં આવ્યું. બુટા સિંહના ભત્રીજાઓને આ વાત ગળે ન ઉતરી કે એક ભાગલા પાડનાર આવી જાય. ભત્રીજાઓએ આ ખબર પાકિસ્તાનનાં કેમ્પમાં આપી દીધી. કેમ્પમાં કામગીરી એવી થતી હતી કે જેમનો પરિવાર પાકિસ્તાનમાં હોય અને કોઈ ભારતમાં રહી ગયું હોય તો તેમને લઈ જાય. એ પછી તેમના પરિવારના લોકો વિશે યોગ્ય ભાળ મેળવી, આ વ્યક્તિને સોંપી દેવામાં આવતી હતી. જૈનબની માહિતી પણ લાગી જતાં અધિકારીઓ બુટા સિંહને ત્યાં આવી પહોંચ્યા. બુટા સિંહે તેમને મનાવવાની ખૂબ કોશિશ કરી પણ અધિકારીઓ ન માન્યા.

જૈનબ 6 મહિના સુધી રેફ્યુઝી કેમ્પમાં રહી. બુટા રોજ તેને મળવા માટે આવતો હતો. એ વચ્ચે જૈનબના પરિવારના લોકોની ખબર મળી જતાં જૈનબને પાકિસ્તાન મોકલી દેવામાં આવી. બંને ગળે મળીને રડ્યા. રડતાં રડતાં જૈનબે બુટા સિંહને વચન આપ્યું હતું કે, એ પોતાની સંતાનને અને તેના પતિને મળવા માટે આવશે. પાકિસ્તાન જવા માટે બુટા સિંહ દિલ્હીમાં ચક્કર લગાવતો રહ્યો પણ કંઈ કામ બની નહોતું રહ્યું.

આખરે કંટાળીને તેણે ધર્મ પરિવર્તન કરી લીધું. વાળ કપાવી નાખ્યાં. જમીલ નામ ધારણ કરી લીધું. આમ છતાં દિલ્હીમાં આવેલ પાકિસ્તાન હાઈ કમિશને બુટા સિંહને પાકિસ્તાન જવાની પરવાનગી ન આપી. બુટા સિંહ ક્રોધે ભરાયો. તેણે નક્કી કર્યું કે હવે સરહદ પાર કરવી પડશે. તેણે 5 વર્ષની દીકરી તનવીર જેનું નામ બદલીને ‘સુલતા’ના કરી દેવામાં આવ્યું હતું તેને લઈ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. એ પણ ગેરકાયદેસર રીતે. બુટા સિંહ ત્યાં પહોંચી તો ગયો પણ ન પહોંચ્યો હોત તો સારું હતું, કારણ કે તેની જૈનબનાં લગ્ન કોઈ અન્યની સાથે કરાવી દેવામાં આવ્યા હતા. જેની સાથે લગ્ન થયા તે સંબંધીમાં તેનો ભાઈ લાગતો હતો. બુટા સિંહ રડ્યો પણ કંઈ થયું નહીં. તે જૈનબ માટે ભીખ માગતો રહ્યો અને જવાનું નામ નહોતો લેતો. તેને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો.

બુટા સિંહને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે જજ સાહેબની સામે કહ્યું, ‘જજ સાહેબ, એક વખત જૈનબ મને ના પાડી દે, તો હું મારી પુત્રીને લઈ પાછો ભારત ચાલ્યો જઈશ.’ જજ સાહેબને દયા આવી ગઈ. તેમણે જૈનબને હાજર કરવા માટે ફરમાન પેશ કર્યું. જૈનબ હાજર થઈ.

જજે પૂછ્યું, ‘જૈનબ તું આ વ્યક્તિને જાણે છો?’

જૈનબે કહ્યું, ‘એ મારો પ્રથમ પતિ છે અને આ મારી દીકરી છે.’

જજે બીજો સવાલ કર્યો, ‘તું ભારત જવા ઈચ્છે છે.’

જૈનબે કહ્યું, ‘નહીં.’

આ ‘નહીં’ સાંભળતાની સાથે જ બુટા સિંહનાં પગ તળેથી જમીન ખસી ગઈ અને તે પોતાની દીકરીને લઈ કોર્ટરૂમની બહાર ચાલ્યો ગયો. 19 ફેબ્રુઆરી 1957નાં રોજ પૂરી રીતે તૂટી ચૂકેલો બુટા સિંહ લાહોરમાં આવેલ ગંગબખ્શની મજાર પર રડતો રહ્યો. એ પછી દીકરી માટે જોડા અને કપડાં લીધા અને લાહોરનાં શાહદરા રેલવે સ્ટેશન પહોંચી ગયો. તેણે પોતાની પુત્રીને ગળગળા સાદે સમજાવ્યું કે તે તેની માતાને કોઈ દિવસ મળી શકશે નહીં. ટ્રેન આવી પહોંચી હતી. બુટા સિંહે પોતાની દીકરીને ખોળામાં લીધી અને વીજળી વેગે આવતી ટ્રેનમાં કૂદી પડ્યો. થયું એવું કે બુટા સિંહના ચીંથડા ઉડી ગયા પણ તેની પુત્રીને કશું ન થયું.

બુટા સિંહે આત્મહત્યા પહેલા એક પત્ર પણ લખ્યો હતો. એ પત્રમાં લખેલું છે કે, ‘‘મારી પ્યારી જૈનબ, તે ભીડનો અવાજ સાંભળ્યો પણ તે અવાજ કોઈ દિવસ સાચો નથી હોતો. છતાં મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે હું તારી પાસે રહું. મારી લાશ તારા ગામમાં જ દફન કરાવી દેજે અને જ્યારે સમય મળે મારી કબર પર આવી ફૂલ ચડાવી જજે.’’

22 ફેબ્રુઆરી 1957નાં રોજ કેટલાક યુવાનો બુટા સિંહના કટકા થયેલા દેહને એકઠો કરી જૈનબના ગામ નૂરપૂરમાં પહોંચ્યા પણ ત્યાં જૈનબના પતિએ તેમને ધક્કા મારી બહાર ખદેડી દીધાં. બુટા સિંહની અંતિમ ઈચ્છા પૂર્ણ ન થઈ. છેલ્લે તેમની લાશને મીયાં સાહેબ કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવી. આ વાતની ખબર જ્યારે જૈનબના પતિને લાગી ત્યારે તેણે કબરને અસ્તવ્યસ્ત કરી નાખી. ફરી યુવકોએ એ કબરને તેનું મૂળ સ્વરૂપ આપ્યું.

બુટા સિંહની છેલ્લી ઓળખ તેની દીકરી સુલતાના હતી. સુલતાનાને બેરિસ્ટર રાબિયાએ દતક લઈ લીધી. તેનાં લગ્ન લીબીયાનાં એન્જિનિયરની સાથે કરી દીધાં. તેમની પણ ત્રણ સંતાન થઈ. થોડી સિનેમેટિક લિબર્ટી સાથે બુટા સિંહના જીવનને જીવંત કરવામાં આવ્યું. એ ફિલ્મ ગદર હતી. આજથી 20 વર્ષ પહેલા આવી હતી. બુટા સિંહ જે રિયલ લાઈફમાં ન કરી શક્યો તે અનિલ શર્માની કલ્પના પરથી સન્ની દેઓલે કરી નાખ્યું. હશરત રહમાનીએ ‘મોહબ્બત’ નામે બુટા સિંહ અને જૈનબના જીવન પર નવલકથા પણ લખી હતી. બસ, પ્રેમમાં આવું હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments