Homeવિશેષડિટેક્ટિવ ડગલી અને મરેલી માછલીઓ

ડિટેક્ટિવ ડગલી અને મરેલી માછલીઓ

Team Chabuk-Creative Story Desk: સૂરજ અને મનોજ દોડીને ડગલીનાં ઘર પાસે પહોંચી ગયા.

‘ડગલી.’

ડગલી અમારા ગામનો ડિટેક્ટિવ છે. એને પોલીસમાં ભરતી થવાનો ખૂબ શોખ હતો પણ એની ઊંચાઈ નાની હોવાથી થઈ ન શક્યો. હું નાનો હતો ત્યારથી ડગલીને જોઉં છું. નજીકથી ઓળખું છું. એ રોજ વિશાલપુરને એક ચક્કર લગાવતો હતો. ચક્કર પૂરું થાય એટલે ગામે એકઠા કરેલા ફંડમાંથી બનાવેલ અખાડામાં કસરત કરવા માટે જતો. વધારે પડતી ઉઠક બેઠક કરતો હતો એમાં ડગલીની ઊંચાઈ વધવાની જગ્યાએ બ્લોક થઈ ગઈ.

એને નાની નાની વાતોમાં પણ શંકા કરવાનો કિડો ઘરી ગયેલો. નિશાળમાં કોઈની પેન્સિલ ખોવાઈ ગઈ હોય તો ડગલીને કહો એટલે ફટ કરતાકની શોધી આપે. કોઇની નાસ્તાપેટી ખાધા પછી ખોવાણી હોય કે આડી અવળી મૂકાઈ હોય તો પણ ડગલીને કહો એટલે સટાક કરતી શોધી આપે. મોટો થયો ત્યારે તો ડગલી ભારે ચબરાક થઈ ગયો. એણે ભીખાલાલભાઈની ખોવાયેલી ભેંસને શોધી આપી હતી. અલબત્ત એને જંગલમાં કોઈ જાનવર ઢસડીને મારણ કરી ગયું હતું. ડગલીને ખબર પડી ગયેલી કે મારણ કરનાર પણ સિંહ જ છે.

આસપાસના લોકોએ અચરજથી પૂછેલું, ‘ડગલી તને કેવી રીતે ખબર પડી?’

ડગલીએ નાક ઉપર હાથ ફેરવી થોડું ઊંચું ટેરવું ચડાવી કહેલું, ‘દીપડાના દાંતની સાઈઝ હોય છે પાંચ સેન્ટીમીટર અને પુખ્ત વયના સિંહના દાંતની સાઈઝ હોય છે દસ સેન્ટીમીટર. સાફ છે દીપડો હોય તો એનું આટલું મોટું મોઢું તો હોય જ નહીં એટલે આ ભેંસ સિંહનો જ શિકાર બની છે અને એમાંય સિંહણનો….

‘સિંહણનો જ? એ કઈ રીતે ડગલી’ ટોળામાંથી કોઈએ સવાલ ફેંક્યો.

ડગલીએ આ પડકાર ઝીલી લેતા કહ્યું, ‘ભેંસ મોટી હતી એટલે બચવા માટે ઉછળકૂદ તો કરેત જ. જો સિંહ હોત તો તેની કેસવાળી થોડી ખરી ગઈ હોત પણ આસપાસ મેં જોયું તો સિંહની કેસવાળી દેખાય નથી. ભેંસને ખાતા વખતે પણ સિંહ મોઢું અંદર નાખે અને બહાર કાઢે તો આંતરડામાં કે ગળાના ભાગે એકાદ બે વાળ તો ભરાય જ ગયો હોય. એવું પણ ક્યાંય દેખાતું નથી. અને તમને તો ખેડૂત લોકોને ખ્યાલ જ છે કે માદા શિકાર કરે અને સિંહ ભોજનનો ભરપેટ આનંદ ઉઠાવે.’

ડગલીની એક એક વાત ઉપર બધા ઓળઘોળ થઈ જતાં હતાં. આસપાસનાં ગામથી લઈ શહેરમાં બધે ડગલીનું મોટું નામ થઈ ગયું હતું. કોઈક વખત પોલીસ ખાતું કેસ સોલ્વ ન કરી શકે ત્યારે પણ ડગલીને જ આમંત્રણ આપે. પણ હા, ઊંચાઈનાં કારણે બીચારો ડગલી રહી ગયો. પોલીસ ખાતાને પણ આ વાતનો વસવસો તો ખરો જ. એમણે પણ આશાની પોટલી બાંધી રાખી હતી કે ડગલી આપણા ખાતામાં હોત તો આરામથી સમય પસાર થાત. જ્યારે જ્યારે કોઈ માથાભારે કેસ આવી જાય ત્યારે ત્યારે ખાતુ ડગલીને બોલાવતું હતું. ડગલી આવતો અને ક્ષણવારમાં કેસ સોલ્વ કરી ચાલ્યો જતો હતો. ભાગ્યે જ એવું બન્યું હશે કે ડગલીને કોઈ કેસનો કોયડો ઉકેલવામાં લાંબા લાંબા દિવસો કાઢવા પડે. એ કહે, ‘હું એક કામ પતાવીને આવું છું…’ એટલે બધાના ચહેરા પર આંખ કાન સુધી તણાઈ જાય એટલું સ્મિત લહેરાય જતું.

આ પૂર્વભૂમિકાની વાત મેં એટલા માટે કરી કે પાત્રનો થોડો પરિચય હોય તો તમને પણ લખોટીએ રમવાની મજા આવે. સમજી લો કે ડગલી વિશાલપુરનો શેરલોક હોમ્સ છે અને હું વોટ્સન છું! જોકે હું લેખક નથી.

સૂરજ અને મનોજ દોડીને ડગલીનાં ઘર પાસે પહોંચી ગયા. એમણે ધડધડ કરતો દરવાજો ખખડાવ્યો. ડગલી તો ચત્તો ઉંઘતો હતો. બે દિવસથી એ જયપાલ આહિરની રહસ્યકથાના પુસ્તકને વાંચતો હતો અને લેખક કેટલો નબળો છે તેની વારંવાર ભૂલ કાઢી મને સમજાવતો હતો. હત્યામાં ચાકુ ક્યાં સંતાડ્યું, ખૂનીને ક્યાં ભગાડવો, લાશ ક્યાં સંતાડવી, આવી નાની નાની વાતોની ભૂલ કાઢી બબડતો, ‘મને લખતાં આવડતું હોત તો હું કેટલુંય સારું લખેત. આ આજકાલના લેખકો. અભ્યાસ વિના જામી પડ્યા છે.’

સંજોગાવશાત અમારા બંનેમાંથી કોઈને લખતાં કારવતાં આવડતું ન હતું. હા, અભ્યાસ કર્યો હતો, પણ આવું સાહિત્યિક લખાણ લખવું જોઈએ એની અમને ખબર નહોતી. અમે તો અમારું પરીક્ષાનું પેપર પણ ઠીકથી નહોતા લખી શકતા. મેં કોલેજમાં કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ કાવ્યનું જ્યારે મેં પઠન કરેલું ત્યારે છોકરાઓ હસી હસીને બેવડ વડી ગયા હતાં અને છોકરીઓ દાંત કાઢતાં કાઢતાં કક્ષમાંથી ભાગી ગઈ હતી. સારું થયું કે મારી આ મહાન કવિતાનું શ્રવણ કર્યા બાદ કોઈ પરલોક ન સિદ્ધાવ્યું.

દરવાજે વધારે બે વખત ટકોરા પડ્યા એટલે ડગલીએ મને અવાજ કર્યો, ‘જયેન્દ્ર, એલા જયલા, આ કોઈ દરવાજો તોડી નાખે એ પહેલા ખોલી નાખ. નહીંતર રાતનાં સિંહ-દીપડો ન ઘરી જાય એની બીકે વગર તહેવારે જાગરણ કરવું પડશે.’

હું ઘરના ઉપરના માળ પર હતો. ડગલીની વિશાળ લાઈબ્રેરીમાંથી વિજયગુપ્ત મોર્યની શિકારકથા વાંચતો હતો. ધડધડ અવાજની મને ખબર હતી પણ જાય કોણ? મને એમ કે નીચે સૂતેલો ડગલી ઊભો થશે અને દરવાજો ખોલી નાખશે, પણ એ તો આળસૂનો પીર નીકળ્યો. હિપ્પોપોટેમસની જેમ પડ્યો જ રહ્યો.

નીચે ઉતરી મેં ઘરનો દરવાજો ખોલ્યો. બે છોકરાઓ મારી સામે હતા. બંનેની ઉંમર સોળ વર્ષની આસપાસ હતી. એકનું નામ સૂરજ અને બીજાનું નામ મનોજ. બંને જોડીયા ભાઈઓ, ‘શું થયું ? ધીમે ખખડાવો, તૂટી જશે તો કોણ કરાવી દેશે?’ હું એમને ઓળખતો એટલે આ રીતે વાત કરી શકતો.

‘માછલીઓ….’ મને દાળમાં કાંઈ કાળું લાગ્યું. એમનો શ્વાસ ઊંચો ચડતો અને ઉતરતો હતો. વધારે જાણવું તેના કરતાં એ જ્યાં લઈ જાય ત્યાં જવું મને યોગ્ય લાગ્યું. મેં ડગલીને ઉઠાડ્યો અને અમને મનોજ સૂરજ તેમના પપ્પા કાળુભાઈનાં ખેતર પર લઈ ગયા.

કાળુભાઈનું ખેતર વિશાલપુરની બુડકી નદીના કિનારે જ આવેલું છે. કોઈ કોઈ વખત એમના ખેતરમાં પણ પાણી ઘુસી જાય છે. અડધા પાકનો સોથ તો એમનેમ બોલાવી નાખે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કાળુભાઈ હાજર જ હતા. ડગલીએ માથા પર રાઉન્ડ ટોપી પહેરી હતી અને અમદાવાદના લાલ દરવાજેથી લીધેલો કાબરચીતરો ચડો. એ મોટાભાગે ચડામાં જ રખડતો રહેતો હતો. એક વખત તો સરપંચે મિટિંગ બોલાવી તેને ચડો પહેરવાની ના પાડી હતી પણ એ સુધર્યો નહોતો. આખરે સરપંચે તે એક આખા ગામમાં પહેરશે તો ચાલશે એવું ફરમાન જાહેર કરી દીધું હતું. સફેદ કલરનું ગંજી અને ચડો પહેરી અડધી ઊંઘમાં ડગલી મારી સાથે આવ્યો.

‘શું થયું?’

‘અહીં આવો.’ કાળુભાઈ પણ એટલા જ ગભરાયેલા હતા જેટલા મનોજ અને સૂરજ હતા. છોકરાઓએ તો આખા રસ્તામાં કાંઈ વાત નહોતી કરી. એ ડઘાઈ ગયા હતા. કાળુભાઈ અમને ખેતરની છેડે લઈ ગયા. જ્યાંથી બુડકી નદીનું પાણી ચોમાસામાં તેમના ખેતરમાં ભરાઈ જતું હતું. ચોમાસુ હમણાં જ ગયું હતું અને પાણી તો ત્યાં ભરાયેલું હશે જ તેની મને ખબર હતી. અમારા સૌની પાછળ પ્રકૃત્તિનો આનંદ માણતો ડગલી આવી રહ્યો હતો. રસ્તામાં ચાડીયો આવ્યો તો તેણે તેની ટોપી એના માથે પહેરાવી હીહીહીહી એમ હસી લીધું.

છોકરાઓ પણ તેની પ્રવૃત્તિ જોઈ બે ઘડી મોજમાં આવી ગયા. ખેતરના છેડે અમે પહોંચ્યા કે ત્યાં મરેલી માછલીઓનાં ઢગલાં હતાં. જ્યાં જ્યાં નજર પડે ત્યાં માછલીઓ જ માછલી દેખાતી હતી. ગંધાતી હતી. નાકમાં વાસ જતાં જ મેં તો મોઢું બંધ કરી દીધું. કાળુભાઈ અને છોકરાઓ તો પહેલાથી જ જાણતા હતા એટલે એમણે તો બંધ જ રાખેલું. ટોપીને નાક પાસે રાખી ડગલી આગળ આવ્યો. એની ઊંઘ ઉડી ગઈ હોય તેવું આંખ પરથી લાગતું હતું. એ નજીક આવ્યો અને માછલીને ધ્યાનથી જોઈ.

‘આ નદીની માછલી નથી.’ બધા ડગલી બાજુ ફર્યા એટલે તેણે વાત આગળ ચલાવી, ‘તમે પોલીસને જાણ ન કરી?’ ડગલીએ કાળુભાઈને સવાલ કર્યો.

‘શું કહેત? કે મરેલી માછલીઓ આવે છે. પોલીસ બિચારી આમાં શું કરેત? એમની પાસે આમેય ઘણા કેસ છે. જેમાંથી ઘણામાં તો તારી મદદ લેવી પડે છે.’

‘આ થયું ક્યારે?’ ડગલીએ એક માછલીની ખુલ્લી આંખ સામે આંખ મિલાવતા પૂછ્યું. એ ચડો પહેરી આવ્યો તે બરાબર હતું. એને પેન્ટ જેવું કાંઈ નહીં એટલે અમારી જેમ ઊંચું ચડાવવું નહોતું પડતું.

‘ગઈકાલ રાતથી. આમ તો હર વર્ષે મારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે, પણ કોઈ દિવસ આ રીતે મરેલી માછલીઓ આવતી નથી.’

‘આ માછલીને કાપીને અંદર જોયું?’

‘એ બાપા ડગલી, એવું કામ કોણ કરે?’ કાળુભાઈ બોલ્યા એટલી વારમાં તો ડગલી ખેતરને કાપતો કાપતો ક્યાંય સુધી પહોંચી ગયો. થોડીવારમાં તો એ અમારી નજરથી અદૃશ્ય થઈ ગયો. જ્યારે પાછો આવ્યો ત્યારે તેના શરીરમાંથી પણ મચ્છીની વાસ આવી રહી હતી. જાણે એ પોતે મચ્છી બજારમાં મચ્છી વેચવાનો ધંધો કરતો હોય. એ ખેતરની અંદરથી આવ્યો કે બધાએ જોરથી મોઢું દાબી દીધું. તેના હાથમાં પણ પાંચેક માછલીઓ હતી. તેણે માથાથી ઈશારો કર્યો અને અમે બધા કાળુભાઈના ખેતરમાં આવેલા નળિયાવાળા ઘરે પહોંચી ગયા.

એક લાંબો છરો લઈ ડગલી જામ્યો. એક બાદ એક એમ બધી માછલીઓને તેણે નિષ્ણાત સર્જનની અદાથી કાપી અને ઝીણવટપૂર્વક જોવા લાગ્યો. એક પણ માછલીમાંથી કાંઈ ન નીકળ્યું.

‘ખોટી મહેનત.’ હું બબડ્યો.

‘ખોટી મહેનત નથી. એક તો આ માછલી આપણી નદીની નથી, કારણ કે નદીની માછલી આવી હોતી નથી. બીજું કે આ માછલીઓ અહીં કોઈએ નાખી છે. જેણે નાખી છે તેણે આપણને ચકમો આપવા નાખી છે. કાં તો પછી પોતાનું કામ કઢાવવા માટે નાખી છે. નહીં ને કાળુભાઈ પોલીસ ફરિયાદ કરે તોપણ આ કારસ્તાન કરનારનું તો નામ આવે જ નહીં.’

‘કોણ હશે?’ કાળુભાઈએ ઢીલા સાદે ડગલીને પૂછ્યું.

‘આપણું ગામ આખું કેટલા વાગે ઘોંટાઈ જાય છે?’ ડગલીએ વિચારીને મને પૂછ્યું.

‘લગભગ દસેક વાગતા ઊંઘી જાય છે. ગામનાં બે ચાર ભાભલાઓ હમણાં નવી ખુલેલી પાનની દુકાને બીડીઓ પીતા હોય, એના સિવાય કોઈ જાગતું નથી.’

મેં વાત પૂરી કરી કે ડગલીએ એના ને એના હાથમાં જોરથી તાળી મારી. તેણે જીભ બહાર કાઢી અને હોઠને ચાટ્યાં. મને ખબર પડી ગઈ કે આનો અર્થ ‘હું આવું હમણાં’ જ હોવો જોઈએ, ‘જયેન્દ્ર આજે રાતના બરાબર બાર વાગ્યે નદીને પેલે કાંઠે આવી જજે અને હા, પોલીસ ઈન્સ્પેક્ટર વિજયરાયને પણ બોલાવી લેજે. એનાં કાફલા સાથે.’

‘તને આખો કેસ સમજાઈ ગયો?’ મેં મોં મચકોડતાં પૂછ્યું.

‘હા, પણ જો હું કહી દઉં અને ખોટો ઠરું તો તું ઠેકડી ઉડાવીશ એટલે હું કોઈને પહેલા કહેતો નથી. મને મારું કામ કરી આવવા દે.’

કાળુભાઈની સાથે હું અને ડગલી રાતનાં નદીના પેલા કાંઠે પહોંચી ગયા. અમારી સાથે ઈન્સ્પેક્ટર વિજયરાય પણ હતા. જાડુ એવું શરીર અને ફાંદ તો એટલી મોટી કે બે લોકોનાં હાથમાં પણ સમાય નહીં. તેમની સાથે બે કોન્સ્ટેબલ હતા. એમને વારેવારે મચ્છર કરડતાં હતાં.

હું અને ડગલી બેસેલા ત્યાં થોડીવારમાં એક બોટ નીકળી. તે ટેકનિકલી અપડેટ લાગતી હતી કારણ કે તેમાંથી જરા અમથો પણ અવાજ નહોતો આવી રહ્યો. બોટ કાળુભાઈના ખેતરની બાજુમાં ઊભી રહી અને તેમાંથી એક વ્યક્તિ કોથળો લઈ કાળુભાઈના ખેતર પર ફલાંગ મારતો ગયો. અંધારામાં અમે પણ અમારી હોડી છુપાવીને રાખી હતી. એમાં બેસી અમે તે બોટની નજીક ગયા અને શાંતિથી તેની ઉપર ચડી ગયા. જે વ્યક્તિ ખેતરમાં ગયો હતો એ દિશા તરફ એક વ્યક્તિ જોઈ રહ્યો હતો.

ઈન્સ્પેક્ટરે ઈશારો કરતાં બંને કોન્સ્ટેબલે તેને પકડી લીધો. ડગલી કૂદકો મારી ખેતરમાં ગયો અને હું પણ ડગલીનાં પગલે પગલે ચાલવા લાગ્યો. અમારી પાછળ ઈન્સ્પેક્ટર વિજયરાય અને કાળુભાઈ પણ હતા. ડગલીને ખબર પડી ગઈ કે પેલો ભાગી છૂટ્યો છે. એ અવાજની દિશા માપી રહ્યો હતો. અમને પાણીમાં જોરથી પડવાનો અવાજ આવ્યો અને હું પણ તેની સાથે એ જ તરફ દોડ્યો. જઈને જોયું તો અજાણ્યા શખ્સના હાથમાં રહેલો માછલીઓ ભરેલો કોથળો ઠલવાઈ ગયો હતો અને એ ખેતરના કિચડમાં પડ્યો ઊભો થવા મથતો હતો.

ડગલીએ એને પકડી પાડ્યો કે પાછળથી ઈન્સ્પેક્ટર વિજયરાય પણ આવી ગયા. એ રીતસરના હાંફતા હતાં. નજીક પહોંચતા ઘૂંટણ પર હાથ રાખી શ્વાસ ખાવા લાગ્યા, ‘આ…. આ…. છે…. કોણ?’

‘સુદર્શન આપણા ગામમાં પાનની દુકાન ચલાવે છે એ.’ ડગલીએ જેવો જવાબ આપ્યો વિજયરાયે તેના માથા ઉપર બેટરીનો પ્રકાશ પાડ્યો. એ તો સાચેક સુદર્શન નીકળ્યો. સુદર્શને તો એક મહિના પહેલા જ ગામમાં પાનની દુકાન નાખી હતી. એ બહાર ગામથી કોઈ કામ માટે આવ્યો હતો.

‘કેવી રીતે? અને શું કરતો આ?’ મેં ડગલીને પૂછ્યું.

‘મેં તને પૂછેલું જયેન્દ્ર કે રાતના કોણ કોણ જાગે છે. એમાં તે દસ વાગ્યા પહેલા તો બધા ઊંઘી જાય છે પણ પાનની દુકાનવાળો સુદર્શન ખુલ્લી રાખે છે, એ પણ કેટલાક ભાભાઓને મજા આવે એટલે. હું સુદર્શનને ત્યાં મીઠું પાન ખાવા ગયો હતો. એની દુકાન પર મેં ઉડતી નજર કરી અને એમાં એક કોથળો દેખાયો.’

‘કોથળો? કયો આ?’કાળુભાઈએ હાથથી ઈશારો કરતા માછલીથી ભરેલા કોથળા અંગે પૂછ્યું.

‘ના, આ નહીં. જ્યારે હું તમારા ખેતરની અંદર માછલીઓ લેવા ગયો હતો ત્યારે એક માછલી પર મેં કોથળાના દોરા ચોંટેલા જોયાં હતાં. ઉપરથી કાળુભાઈ તમે કહ્યું કે અત્યાર સુધી નથી થયું અને રાતમાં જ અચાનક આ માછલીઓ આવવા લાગી છે. એ પણ કારણ વિનાની….’

‘માછલીઓ કેવી રીતે? અને શા માટે? મને તો કાંઈ સમજાતું નથી.’

‘હવે સમજાશે. છેલ્લા કેટલાય સમયથી કાળુભાઈ જમીનનો આ ભાગ કાઢી નાખવા માગે છે. જોકે કોઈ મળતું નથી. છેલ્લે તો એમણે જ એ ભાગ ન કાઢવાનું નક્કી કરી લીધું કે ખાલી ચોમાસા પૂરતી જ વાત છે ને. સુદર્શનને આ જમીન જોઈતી હતી અને તેમાં તેને શિયાળા અને ઉનાળા પૂરતા ગાંજાની ખેતી કરવી હતી. એ ગાંજાની થોડી એવી સુવાસ મેં સુદર્શનની પાનની દુકાનની પાછળ પણ સુંઘેલી હતી. કાળુભાઈ એક મહિના પહેલા કોઈ જમીનનો ભાવ તાલ કરવા આવ્યું હતું…’

‘હા…. હા… જગજીવનદાસ કરીને કોઈ આવ્યું હતું. એ તો મોઢે માગ્યા રૂપિયા દેવા તૈયાર હતો.’

‘એ જગજીવનદાસ ક્યાંક આ તો નથી ને?’ ડગલીએ કહ્યું અને ઈન્સ્પેક્ટરે તેના ચહેરા પર ટોર્ચ મારી. ટોર્ચના અજવાળામાં કાળુભાઈને ઓળખતા વાર ન લાગી. એ હા… હા… હા આ… જ એમ ત્રણેક વખત થોથવાતા બોલી ગયા.

‘કાળુભાઈ તમે તો માન્યા નહીં અંતે એમણે ચોમાસુ પૂરું થયું અને ખેતરમાં પાણી ભરાયું કે માછલીઓ નાખવાની શરૂઆત કરી દીધી. જેથી માછલીની ગંધથી તમે પરેશાન થઈ જાવ અને ગમે તે ભોગે જમીનનો આ કટકો સસ્તા ભાવે સુદર્શન અને જગજીવનદાસને વેચી નાખો. ઉપરથી ઝડપથી કામ કરવું હતું એટલે નદીની માછલીઓની જગ્યાએ આ વ્હાઈટ પોમ્ફેટ મચ્છી બજારમાંથી ખરીદીને લાવતા હતા. એ પણ મને કાલ જ ખબર પડી જ્યારે ભૂરાભાઈ માછલીવાળાએ મને કહ્યું કે હમણાં ધંધો ધમધોકાર ચાલે છે. એ બધી માછલીઓ ખરીદવા જગજીવનદાસ જ આવતો હતો. આવતીકાલ તો કદાચ બીજી વખત જમીન વેચવાની કંકોત્રી તમને પાઠવવા આવવાના હતા!’

ડગલીની કંકોત્રીવાળી વાત સાંભળી અમે બધા ખડખડાટ હસી પડ્યા. વિજયરાયે બંને કોન્સ્ટેબલની સાથે અપરાધીઓને લઈ જવા પોલીસ સ્ટેશન તરફ પગ ઉપાડ્યા. ડગલીએ એક ઊંડુ બગાસુ ખાધુ અને નીચે પડેલી માછલીને ઉપાડી હવામાં ફંગોળી. 

(સર્વે હકો ટીમ ચાબુકનાં)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments