ઝાલાવાડી જલજીરા: શેરની ફિલ્મનું શીર્ષક દ્રિઅર્થી છે. એ મુખ્ય અભિનેતાને પણ ચરિતાર્થ કરે છે અને જંગલની વાઘણને પણ પોતાની અંદર સમાવી લે છે. અમિત માસુરકરે ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જેણે સુલેમાની કિડા અને ન્યૂટન જેવી અફલાતુન અને સત્યનો કેડો કંડારતી ફિલ્મો બનાવી છે. ફિલ્મની વાર્તાની વાત નહીં કરીએ પણ ફિલ્મ જે મુદ્દાઓ આપણી સામે લાવી છે તે વાસ્તવ જગતને સ્પર્શતા મુદ્દાઓનો અહીં ઉલ્લેખ કરીશું. માનવ દ્વારા કરાતું જંગલનું ખનન એ પ્રાણીઓનાં હનન બરાબર છે. અહીં અધિકારીઓની કાર્યકુશળતા પર આંગળી ચીંધવામાં આવી છે. બહારથી દેખાતા લોકો અંદરથી તો કોરાકટ છે. અધિકારીઓ વિલન બની બેઠા છે.
1) ખૂબ ઓછા એવા લોકો હોય છે જે સરકારી નોકરી મળ્યા બાદ રસપૂર્વક કામગીરી કરી શકે છે. વિદ્યા બાલન અને તેના સિવાયના બે ત્રણ લોકોને છોડતા કોઈનું કામ પર ધ્યાન જ નથી. અધિકારીની ભલમનશાઈ કરવામાં લોકો લાગ્યા છે. જ્યારે તમારા વર્તુળમાં એક વ્યક્તિ સારું કામ કરતો હોય અને તેના બધા ટાંટીયા ખેંચે ત્યારે એ વ્યક્તિ પણ કાં તો સમયાંતરે તમારી ટોળીમાં ભળી જશે અથવા તો રાજીનામું આપી દેશે. જો આ બંનેમાંથી કંઈ નથી થતું તો તેની બદલી કરી દેવામાં આવશે. સારા અધિકારીઓની બદલીની પ્રક્રિયા વારંવાર થાય છે. એમને ટકવા દેવામાં નથી આવતા, કારણ કે તે સાચા હોય છે અને ખોટાઓ માટે ખતરારૂપ હોય છે.
2) દેશનું રાજકારણ કેવી રીતે અધિકારીઓને ખાઈ રહ્યું છે એ મુદ્દો પણ ફિલ્મમાં છે. સરકારી નોકરીયાત બે બુલડોઝરોની વચ્ચે દબાઈ રહ્યો છે. સત્તાધારી અને વિપક્ષ. આ બંનેની વચ્ચે એને જે કામ કરવું છે એ તો થતું જ નથી. જો એ કામ કરવાનો પ્રયાસ પણ કરે છે તો એ કામ લાંબું ચાલતું નથી. તમને એવું લાગે છે કે હું અહીં મારા વિચારો પ્રદર્શિત કરી રહ્યો છું? નહીં. હું અહીં શેરની ફિલ્મમાં આવતી એક એક વાતને તમારી સામે રાખી રહ્યો છું. અહીં તમે જે જે વાંચી રહ્યો છો એ વાસ્તવિકતા શેરની ફિલ્મમાં દેખાડવામાં આવી છે.
3) કોઈ જંગલમાં જજો. એનો એક વિસ્તાર કોઈએ હાથ મારી કાઢી લીધો હોય એવો લાગશે. એ વિસ્તાર તમને ગમશે નહીં. એને જોઈ તમને લાગશે કે કોઈએ આંખ ફોડી નાખી છે. એ વિસ્તાર ખનન છે. જાનવરોને રહેવા માટેનો જે વિસ્તાર છે, એમાંના મોટાભાગના વિસ્તારમાં માનવ પગપેસારો કરી ચૂક્યો છે. જે વાઘણ T-12ને પોતાના બે બચ્ચાની સાથે જંગલમાંથી પસાર થઈ નેશનલ પાર્કમાં જવું છે એ જઈ નહીં શકે, કારણ કે વચ્ચેથી મોટો વિસ્તાર તો ખનન કરી નાખવામાં આવ્યો છે.
4) જંગલમાં લોકોની ગેરકાયદેસર પેશકદમી. જંગલ ખાતાની આસપાસના લોકોને એક સાથે રાખવાની કામગીરી. તેમને આપવામાં આવતું પ્રશિક્ષણ, આ બધું દરેક જંગલ ખાતા દ્વારા કરવામાં આવતું હોય છે. જે અહીં પણ દેખાશે.
5) પ્રકૃતિ દેખાડી છે. જેટલી હોવી જોઈએ એટલી જ બતાવી છે. જો પ્રકૃતિનો અતિરેક ફિલ્મમાં દર્શાવવામાં આવેત તો નક્કી છે કે દર્શક બગાસા ખાવા માંડેત. તેની જગ્યાએ રિઅલ લોકેશનને કેમેરામાં કંડારવામાં આવ્યું છે. ક્યાંક કાંચીડો દેખાય, મચ્છર દેખાય, હરણ દેખાય… આવા એકલ દોકલ જાનવરો દેખાશે. વધારે જાનવરો જોવાની અને એક્શનની અપેક્ષા ન રાખતા. આ એક સંદેશાત્મક ચિત્રપટ છે. જેનું કાર્ય જાનવરો પ્રત્યે જાગૃતિ લાવવાનું છે.
6) ફિલ્મમાં એક બિલાડીનું બચ્ચુ છે. વિદ્યા બાલન જે વિદ્યાનો જ રોલ પ્લે કરે છે તેને તે પસંદ નથી. શરૂઆતમાં બિલાડીનું એ બચ્ચુ તેને ગમતું નથી હોતું, બાદમાં તેને ગમવા લાગે છે. આ પુરા સીનને એટલા માટે દિગ્દર્શકે રાખ્યો છે કે તમે એક વખત પ્રાણીને પ્રેમ કરીને જુઓ. નથી ગમતું એમને પણ ગમવા માંડશે. દિગ્દર્શકે અહીં વાર્તામાં મૂળ પ્રોટોગોનિસ્ટનો સહારો લઈ આ સંદેશ આપણા સુધી પહોંચાડ્યો છે. જેને વાઘ ગમે છે પણ બ્રિડાલ કુળનું પ્રથમ પ્રાણી બિલાડી નથી ગમતી. બાદમાં એ પણ ગમવા લાગે છે.
7) વિદ્યા બાલન જે પ્રાણીઓના સંગ્રહાલયમાં છે ત્યાં પણ તે પોતાની કામગીરી પોતાની શિદ્દતથી કરે છે. એ જાનવરોનાં પૂતળાઓનાં શરીર પર ડાઘા પડેલા જોઈ તેને ઠીક કરવાનું કહે છે. નામની નહીં કામની આશા રાખો. 230 અધિકારીઓનાં નામ છે પણ વિજય રાજનું નામ નથી આવતું ત્યારે તે આ સંવાદ બોલે છે. કેટલાક કામો નામ ન થવાની આશાએ પણ કરવા જોઈએ. એવા કામમાં કોઈનું હિત છૂપાયેલું હોય છે. આપણી વચ્ચે આવા અસંખ્ય લોકો છે જેના નામની આપણને ખબર નથી પણ તેનું કામ જન્નાટેદાર છે.
8) ફિલ્મનું બેસ્ટ પ્રતીક એટલે વિલનને દર્શાવવા માટે ઉપયોગમાં લીધેલ હરણનાં શિંગડા. જેની આગળ અભિનેતા બ્રિજેન્દ્ર કાલા ઊભા રહી જાય છે અને તેમનો દાનવ ચહેરો દર્શકને દેખાડવામાં આવે છે. ચહેરાથી ભોળા દેખાતા માણસો હકીકતમાં ભોળા નથી હોતા. દરેક વ્યક્તિને એક હોશિયાર મિત્રની જરૂર હોય છે. અહીં એ મિત્ર હસન નુરાની ઉર્ફ વિજય રાજ બને છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર.
9) લોકો કેટલા મુર્ખ છે. એ રાજકારણીઓની કોઈ પણ વાતમાં આવી જાય છે. રિંછે મારેલા પંજાને વાઘના પંજા માનવા લાગે છે. શું તમારો નેતા કહે એ બધું સાચું જ હોય? ખૂદ તો અભ્યાસ કરો. તમારી પોતાની વિચારધારા વિકસાવો. ક્યાં સુધી અન્યના ખોળામાં પડ્યા રહેશો. ફિલ્મ આવું પણ એક જગ્યાએ બોલે છે.
10) વિદ્યા બાલન એક દૃશ્યમાં પતિના હાથમાં પોતાના ઘરેણા મૂકી કામ પર દોડીને ચાલી જાય છે. આ દૃશ્યના વિવિધ મતમતાંતરો નીકળે છે. તમે જુઓ તો તમારી રીતે પણ અલગથી કાઢી શકશો. આ દૃશ્યનાં બેકગ્રાઊન્ડમાં પણ શું રંધાયુ છે તેની સુગંધ તમારે ફિલ્મ જોઈ લેવી પડશે.
11) પરીક્ષા પાસ કરી લીધાના થોડા વર્ષ પછી અધિકારીઓ કેવા સુસ્ત અને અભણ બની જાય છે તેનો શેરની ફિલ્મ ઉત્તમ નમૂનો આપણી સામે રાખે છે. ફિલ્મમાં એક જગ્યાએ કેટલાક લોકોને વાઘ છે કે વાઘણ, નીલમ છે કે T-12 આની ખબર જ નથી. અંધશ્રદ્ધા અને વિજ્ઞાનનો સામનો છે. સમસ્યાને હડસેલવા ઓફિસમાં વાઘપૂજન કરવું. વાઘની આંખ જોઈ આદમખોર છે કે નહીં એ કહી દેવું. ભણેલા ફોરેસ્ટ ઓફિસરને અભણીયાઓ શીખવાડે છે.
12) તાકતવર અભિનેતાઓની પૂરી ફોજ છે. તમને નિરાશ નહીં કરે. એડિટીંગમાં કચાશ નથી. સિનેમેટોગ્રાફી અતિ ઉત્તમ છે. અસલી ફોરેસ્ટ ઓફિસરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક સંવાદો ચોપડીમાં નોંધી લો કે યાદ રાખી લો એવા બળકટ બનાવ્યા છે. જીવનભર કામ આવશે. આજે રવિવાર છે. શેરની જુઓ. એમાં સિનેમા પણ છે અને સંદેશ પણ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત