Homeસિનેમાવાદપુષ્પક: જેનો વિચાર દિગ્દર્શકને બાથરૂમમાં સ્નાન કરતાં કરતાં આવ્યો હતો

પુષ્પક: જેનો વિચાર દિગ્દર્શકને બાથરૂમમાં સ્નાન કરતાં કરતાં આવ્યો હતો

ઝાલાવાડી જલજીરા: સિનેમા માધ્યમોમાં પિતાતુલ્ય સ્થાન ભોગવે છે. તેના આ સ્થાનને છીનવનારું દૂર દૂર સુધી કોઈ પેદા થયું હોય એવું દેખાતું નથી. હા, માધ્યમને રજૂ કરવાના પ્લેટફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા થીએટર હતા અને હવે OTT પ્લેટફોર્મ છે. થીએટર છે પણ તેનો જાદૂ 2020ની સાલ પછી ઓસર્યો છે. જેથી સિનેમાને એક નવો વળાંક દાયકાઓ બાદ મળ્યો છે. સદી પણ ગણી શકો.

ફિલ્મ જોવાની એક ટેકનિક છે. અઠંગ સિનેમાપ્રેમીઓને ખ્યાલ હશે. પહેલા આખી ફિલ્મ જુઓ. એ પછી આંખો બંધ કરી માત્ર સંવાદો સાંભળો અને પછી સાઈલેન્ટ કરી ફક્ત દૃશ્ય જુઓ. આજે આ ત્રીજા પ્રકારની વાત કરવાની છે. ફિલ્મને કોઈ દિવસ સંવાદના ન હોવાનો અવરોધ નડ્યો જ નથી. નડવાનું પણ નથી. તેના ચિત્રોને જુઓ તો પણ આખી ફિલ્મ સમજી જ શકો છો. બાકી પહેલા ક્યાં બોલતી ફિલ્મો હતી?

1) 1987ના વર્ષમાં સંગીતમ શ્રીનિવાસ રાવને એક ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. જેમાં એક પણ સંવાદ ન હોય. એવા સમયે જ્યારે જનતા ડાઈલોગથી ટેવાય ગયેલી હતી. એક ફિલ્મમાં તેઓ સહાયક નિર્દેશકની ભૂમિકા ભજવી રહ્યા હતા. જેમાં મુખ્ય કલાકારને સંવાદ વિના માત્ર હાવભાવથી કામ લેવાનું હતું. બસ, આ એ વસ્તુ હતી જ્યાં સંગીતમ શ્રીનિવાસનના ભેજામાં આખી ફિલ્મનો આઈડિયા ક્લિક થઈ ગયો. એ દિવસ રાત પોતાના ફળદ્રૂપ ભેજામાં એ વિચારને વિસ્તૃત કરતા રહ્યા કે કેવી રીતે આ આઈડિયાને બહુફલક પર લઈ આવવો. જેમાં સંવાદ જ ન હોય માત્ર હાવભાવથી જ કામ લેવાનું હોય. કહેવાય છે કે સારા વિચારો બાથરૂમમાં આવે છે. સંગીતમ શ્રીનિવાસનને આ વિચાર પણ બાથરૂમમાં ન્હાતા ન્હાતા આવ્યો. તેમણે માત્ર બે અઠવાડિયામાં ફિલ્મની પટકથા લખી નાખી. તમિલમાં ‘પુષ્પક વિમાન’ના નામે રિલીઝ થઈ જ્યારે હિન્દીમાં ‘પુષ્પક’ના નામે રિલીઝ થઈ.

2) 10 ડિસેમ્બર 1987 સિવાય ફિલ્મ પુષ્પકની રિલીઝ ડેટ 27 નવેમ્બર 1987 પણ હતી. બીજી રિલીઝ ડેટ આપણે ત્યાં હિન્દી માટે ફાઈનલ કરવામાં આવી હતી. બાથરૂમમાં વાર્તાનો વિચાર આવ્યા બાદ તેઓ કમલ હસન પાસે ગયા અને તેમની સામે ફટાફટ પ્રસ્તાવ રાખી દીધો. કમલ તો પ્રતિભાશાળી અભિનેતા. એ તો તૈયાર થઈ ગયા. આ પહેલા કમલ હસન સાઉથના તમામ અભિનેતાઓની માફક મૂછો રાખતાં હતાં. કમલની ઘણી ફિલ્મોમાંથી એક આ ફિલ્મ પણ છે જેમાં તેમની મૂછો નહીં દેખાય. દિગ્દર્શકનું એવું સ્પષ્ટ રીતે માનવું હતું કે મૂછો રાખવાના પ્રતાપે હાવભાવ નહીં આવે.

3) કમલ હસન ફિલ્મ કરવા તો તૈયાર થઈ ગયા પણ મોટી સમસ્યા એ આવી કે આ પટકથામાં પૈસા કોણ રોકશે? કારણ કે બોલતી ફિલ્મોના સમયે મૂંગી ફિલ્મ બનાવવી સંકટીયું કાર્ય કહેવાય. ફિલ્મ બનાવવાનો ખર્ચ તો 35 લાખ રૂપિયા આવ્યો હતો પણ કોઈએ તેમાં પૈસા નહોતા લગાડ્યા. આ પટકથા પર કોઈને વિશ્વાસ નહોતો એટલે આખરે દિગ્દર્શક સંગીતમ શ્રીનિવાસન રાવે પોતે જ પૈસા લગાવી દીધા. આ વાતની જ્યારે કન્નડ અભિનેતા શ્રૃંગાર નાગરાજને ખબર પડી તો તેમણે રાવના નિર્ણયને વધાવી લીધો અને ફિલ્મમાં તેઓ ભાગીદારીમાં પૈસા લગાવવા માટે તૈયાર થઈ ગયા.

4) મૂંગી ફિલ્મ હોવાથી રાવની પાસે ભારતના કોઈ પણ ક્ષેત્રમાંથી અભિનેતા લેવાની પૂરતી છૂટ હતી. તમિલ, તેલુગ, મલયાલમ જેવી અઘરી ભાષા તો બોલવાની જ નહોતી. રાવની ખૂબ જ ઈચ્છા હતી કે ફિલ્મમાં ભાડેના ગુંડાનો રોલ મશહૂર અભિનેતા અને ખલનાયક અમરીશ પુરી કરે. પુરી એ વખતે એટલા વ્યસ્ત હતા કે એક તારીખ પણ આપી શકે તેમ નહોતા. અમરીશ ન મળતા આખરે કમલ હસનની સાથે ને સાથે રહેનારી સારીકાએ ટીનૂ આનંદની એન્ટ્રી કરાવી દીધી. ખૂદ ટીનું એવું માનતા હતા કે આ ફિલ્મ તેમને સારિકાના કારણે જ મળી છે. ટીનુ આનંદે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, ‘‘હું તો આજે પણ આ ફિલ્મની રિમેક બને તો કરવા માટે તૈયાર છું. માત્ર મને દિગ્દર્શક શ્રીનિવાસન રાવે જે રીતે આપી હતી તેવી સ્વતંત્રતા જોઈએ.’’

5) ફિલ્મ બેરોજગારોની ચાડી ખાઈ છે. કમલ હસન ફિલ્મમાં બેરોજગારનું પાત્ર ભજવે છે. જેની પાસે એક રૂપિયાની નોટ છે. સામે ભીખારી છે જેની પાસે સારા કપડાં પહેરેલા બેરોજગાર કરતાં પણ વધારે રૂપિયા છે. તત્કાલિન દેશની સ્થિતિ આ ફિલ્મે બતાવી છે કે બેરોજગાર હોવ તો ભીખારી બની જાવ કારણ કે તેમાં વધારે પૈસા છે.

6) ફિલ્મની હીરોઈન માટે સંગીતમ શ્રીનિવાસન રાવની પ્રથમ પસંદ અમલા નહીં પણ નીલમ હતી. નીલમનું કામ તેમની સંબંધી શાહનાઝ જોતી હતી અને એ વાતનું ધ્યાન રાખતી હતી કે નીલમને જોરોશોરોથી રજૂ કરવામાં આવે. જેની સામે સંગીતમ શ્રીનિવાસ ફિલ્મને સાદગીપૂર્વક દર્શાવવા માગતા હતા. દિગ્દર્શકે તો નીલમ અને શાહનવાઝને ફીના બદલામાં દિલ્હીના વિતરણ અધિકાર દેવાની વાત પણ સ્વીકારી લીધી હતી. જોકે આમાનું કંઈ થયું નહીં.

7) અમલાના પિતાના રોલમાં મશહૂર જાદુગર પી.સી.સરકારને લેવાની વાત ચાલતી હતી. ત્યાં ટેલિવિઝન પર બેંગ્લોરના જાદુગર કે.એસ.રમેશનો શો જોયા પછી સંગીતમ શ્રીનિવાસને તેમને ફિલ્મમાં સાઈન કરી લીધા. છેલ્લી વાત. ફિલ્મનું પોસ્ટર જુઓ. એમાં કમલ હસન શાહરૂખ ખાનની માફક બે હાથ ખોલીને ઊભો છે. શાહરૂખના ડેબ્યુ પહેલા કમલ હસને આ સીન ક્રિએટ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments