ઝાલાવાડી જલજીરા: મઝરુહ સુલ્તાનપુરીને ગીતોના શહેનશાહ કહેવાય. એમણે લખેલા ગીતો આજે પણ રિમેક બને છે. એ વૃદ્ધ થયા પણ તેમની કલમ કોઈ દિવસ વૃદ્ધ નથી થઈ. તેમાં અસ્ખલિત વહેતું ઝરણું જોઈ શકો છો. જાણે કોઈ કોલેજના જુવાને લખ્યું હોય. એવો જુવાન જેનું દિલ હમણાં જ તૂટ્યું હોય. કોઈ સ્ત્રી તેને જનાર્દન જાખડમાંથી જોર્ડન બનાવી ગઈ હોય. સ્ત્રી હ્રદયને પામવા માટે પુરુષના હૈયામાં જે કાંઈ કાંઈ થાય અને પુરુષને મેળવવા માટે સ્ત્રીનાં હ્રદયમાં જે ઘમ્મર વલોણું રચાય તે ગૂઢ રહસ્યને તમારે નજીકથી જાણવું હોય તો સુલ્તાનપુરીને સાંભળો. સુલ્તાનપુરીના શબ્દોને સાંભળો.
સુલ્તાનપુરીમાં કોઈ એક એવું અકળ રહસ્ય છૂપાયેલું છે. એવું જ રહસ્ય જે ગુલઝારમાં છે. ફિલ્મોમાં જે કાવ્યનું સ્તર જળવાવું જોઈએ એ સુલ્તાનપુરી અને ગુલઝાર બંને છેલ્લે સુધી જાળવી શક્યા. આપણને એ ગીતો એટલા માટે પસંદ છે કારણ કે તેમાં કવિતાનું તત્વ પણ રહેલું છે. કોઈ અગડમ બગડમ વાતો નથી લખી નાખવામાં આવી, જે આજના જમાનામાં રેપર્સ લખી નાખે છે. કાશ, નવા ગાયકો પ્રમોશનમાં જેટલી મહેનત કરે છે તેટલી પોતાની રચનામાં કરતા હોત. ગુજરાતી લેખકોને પણ આ વાત લાગુ પડે છે.
લખનઉની બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા અનંત નાગે તેમની લવસ્ટોરી પર ગત વર્ષે પ્રકાશ પાડ્યો હતો. એમના આરંભના દિવસોમાં એ ડોક્ટર હતા. એમની પાસે લોકો શરીરના દુખાવાથી લઈ દિલના દુખાવાની દવા માટે પણ જતા હતા. એવામાં એમનું એક શેઠીયાની છોકરી પર દિલ આવી ગયું. શેઠને આ વાત મંજૂર નહોતી. પ્રેમની એ દાસ્તાન અધૂરી રહી ગઈ. કેટલીક પ્રેમ કહાનીઓ અધૂરી રહે એમાં ઘણાનું ભલું થાય છે. કોઈ વખત દેશનું પણ ભલું થઈ જાય છે. સુલ્તાનપુરીનું દિલ તૂટ્યું અને આપણું ભલું કરી નાખ્યું.
એક હડતાળમાં મઝરુહ સુલ્તાનપુરીએ કવિતા વાંચી. નહેરુ સરકારને મજા ન આવી. એ સમયે ગવર્નર મોરારજી દેસાઈ હતા. અભિનેતા બલરાજ સહાની અને સાથે જે કેટલાક લોકોને આર્થર રોડ જેલમાં નાખી દેવામાં આવ્યા તેમાં મઝરુહ સુલ્તાનપુરી પણ એક હતા. સરકાર તરફથી એક જ વાત કહેવામાં આવતી હતી. મઝરુહ પોતાની કવિતા માટે માફી માગી લે. જેના બદલામાં તેમને જેલમાંથી આઝાદ કરી દેવામાં આવશે. મઝરુહે કહેલું, ‘એ તો નહીં થાય.’ આઝાદ ભારતમાં બે વર્ષ સુધી એક કવિ જેલમાં રહ્યો હતો. એ કવિતા વાંચી લો.
मन में ज़हर डॉलर के बसा के,
फिरती है भारत की अहिंसा.
खादी की केंचुल को पहनकर,
ये केंचुल लहराने न पाए.
ये भी है हिटलर का चेला,
मार लो साथी जाने न पाए.
कॉमनवेल्थ का दास है नेहरू,
मार लो साथी जाने न पाए.
કેટલાય ગીતકારો આવ્યા અને આવતા રહેશે. કેટલાક એવા આવ્યા જે દાદાના સમયે પણ મશહૂર હતા, પિતાના સમયે પણ મશહૂર હતા અને આપણા સમયે પણ એટલા જ મશહૂર હતા. ગુલઝાર, આનંદ બક્ષી, મઝરુહ સુલ્તાનપુરી જેવા કેટલાક ગણતરીના કવિઓનો આ કેટેગરીમાં સમાવેશ થાય છે. સુલ્તાનપુરીએ ગીતો આપ્યા પણ એ વચ્ચે તેમનો 90નો દાયકો ખૂબ યાદ રહી ગયો.
અનંત નાગે તો તેમને તૂટેલા દિલના કારણે કવિ બન્યાનું લખ્યું છે, પણ સુલ્તાનપુરીએ કોઈ દિવસ પોતાના ગીતોમાં મહેબુબા માટે ખરાબ શબ્દો નથી વાપર્યા. એ પ્રિયતમાને ઉત્તમ ચિતરે છે. નાયક જે કડી ગાતો હોય તેમાં નાયિકાના વખાણ જોવા મળે છે. લતા મંગેશકર અને મુકેશનું મહેબુબ મેરે… મહેબુબ મેરે… તીન દેવિયામાં એ એની સુન્દરતાના વખાણ કરે છે ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત… 1972માં આવેલ મેરે જીવન સાથી ફિલ્મના ગીત ઓ મેરે દિલ કે ચૈનમાં પોતાને નાયિકા કરતા ઊંચો ચિતરે પણ તમે જો હશો તો છું એનાં કરતા પણ ઉપર જઈશની વાત કરે. ડાર્લિંગ ડાર્લિંગના ઐસે ના મૂઝે તુમ દેખોમાં પ્રિયતમાને ચોરી લેવાની વાત કરે. સુલ્તાનપુરીએ તેમના દર્દને કોઈ એક જ જગ્યાએ રેડી દીધું હોય તો એ ગીત હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે. સુલ્તાનપુરીનું પ્રેમિકા સાથે મિલન ન થવું એનો દર્દ આ એક ગીતમાં ભરપૂર છલકાય છે. બંને કાંઠે.
સર્જકમાં ઉતાર ચઢાવ આવ્યા રાખે. સારું લખાય સારું ન લખાય, પણ એ સુલ્તાનપુરી અને ગુલઝાર જેવા લોકોમાં જોવા નથી મળતું. ખબર નહીં કઈ માટીના બન્યા છે. નેવું આવતા આવતા તો રેડિયોમાં એમના ગીતો ધડાધડ વાગતા હતા. ફરમાઈશો પર ફરમાઈશ થતી હતી. અવાજ કોઈ પણ ગાયકનો હોઈ શકે ગીત મઝરુહ સુલ્તાનપુરીનું રહેતું હતું. 90માં જન્મેલા છોકરાઓને યાદ હશે. કોઈ છોકરી ગમી જાય તો જો જીતા વોહી સિકંદર ફિલ્મનું ‘પહેલા નશા’ ગીત બેકગ્રાઊન્ડમાં વાગવા લાગતું. 90ને સુવર્ણમય બનાવવાનું કામ સુલ્તાનપુરીએ કર્યું છે. બધાએ ભેગા મળીને કર્યું પણ સુલ્તાનપુરીનો મોટો હાથ રહ્યો.
ખામોશીનું આજ મૈં ઉપર આસમા નીચે, બાહોં કી દરમિયા, કભી હા કભી નાનું એ કાશ કે હમ હૌશ મૈં અબ આને ન પાયે, બાઝીનું ધીરે ધીરે આપ મેરે, કિતના પ્યાર તુમ્હે કરતે હૈ, ઘાતકનું નિગાહોને છેડા હૈ દિલ કા તરાના, અકેલે હમ અકેલે તુમનું રાજા કો રાની સે પ્યાર હો ગયા, અંદાજ અપના અપનાનું યે રાત ઔર યે દૂરી, યારા દિલદારા ફિલ્મનું બિન તેરે સનમ જેમાં પ્રેમી અને પ્રેમિકા પોતાના શત્રુઓને આંખમાં કાંટા ઉગાડનારા તરીકે લેખે છે. કેટલી મોટી કલ્પના કરી કે પ્રેમનાં દુશ્મનોની આંખમાં તેમણે કાંટા ઉગાડ્યા. ફિલ્મ ફ્લોપ થઈ જાય, હીરો હીરોઈન પણ ફ્લોપ થઈ જાય પણ સંગીત ફ્લોપ ન થતું. ખાસ તો મઝરુહના શબ્દો નિષ્ફળ ન નીવડતા.
સુલ્તાનપુરીએ સુપરહીટ ગીતો જ આપ્યા એવું નથી. એમણે પણ ફ્લોપ ગીતો આપ્યા જ છે. 90માં તેમના ફ્લોપ ગીતોની સંખ્યા વધી ગઈ હતી. જે તેમના હીટ ગીતોની વચ્ચે દબાઈ ગઈ. ઉત્તમ સર્જકને તેના ચાહકો એટલી તો સ્વતંત્રતા આપતા જ હોય છે કે ભલે એ પ્રયોગ કરે. પ્રયોગ કરશે તો કંઈક સારું મળશે. આ વાત જૂના સર્જકોને લાગું પડે છે નવા સર્જકોને નહીં. નવા સર્જકો ટ્રોલ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત