Homeગામનાં ચોરે15 હજાર રૂપિયા જમા ન કરાવવાના કારણે કોરોના મૃતકના અઢી મહિના બાદ...

15 હજાર રૂપિયા જમા ન કરાવવાના કારણે કોરોના મૃતકના અઢી મહિના બાદ અંતિમ સંસ્કાર થયા

Team Chabuk-National Desk: ગઈકાલે એટલે કે 1લી જુલાઈના રોજ આપણે ડોક્ટર્સ ડે ઉજવ્યો. કોરોના કાળમાં જે રીતે ડોક્ટરોએ જીવની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી છે તે જોતાં લોકોની નજરમાં ડોક્ટરો પ્રત્યે માન વધી ગયું છે. પરંતુ હજુ પણ ઘણા એવા ડોક્ટરો અને હોસ્પિટલો છે જે આ માન-પાનને લાયક નથી. રૂપિયા માટે ડોક્ટરો અને હોસ્પિટલો ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે તેનો એક તાજો દાખલો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે.

ઘટના ઉત્તર પ્રદેશના જનપદ હાપુડની છે. જ્યાં હજુ પણ કોરોનાના કહેર ઓસર્યો નથી. તાજેતરમાં હાપુડ શહેરના કોટવાલી વિસ્તારમાં 15 હજાર રૂપિયા ન ભરી શકવાના કારણે કોરોના પોઝિટિવ વ્યક્તિના મૃતદેહનો આશરે અઢી મહિના બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મૃતક યુવકને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જેની સારવાર માટે યુવકને મેરઠ ખસેડવામાં આવ્યો હતો. મેરઠમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

યુવકના મૃત્યુ બાદ હોસ્પિટલના ડોક્ટરોએ મૃતકની પત્નીને કહ્યું હતું કે, જો મૃતદેહ જોઈતો હોય તો 15 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. 15 હજાર રૂપિયા આપશે પછી જ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મળશે, નહીંતર અમે જ અંતિમ સંસ્કાર કરી નાખીશું. હોસ્પિટલના ડોક્ટર તરફથી આ પ્રકારનો જવાબ મળતાં મૃતકની પત્ની પતિનો મૃતદેહ મેળવવા માટે 15 હજાર રૂપિયા એકઠાં કરવા માટે નીકળી પડી હતી. પત્નીએ ઘણી મહેનત કરી પરંતુ તેનાથી 15 હજાર રૂપિયાની વ્યવસ્થા ન થઈ શકી.

રૂપિયાની વ્યવસ્થા ન થવાથી પત્નીએ અંતે હાર માની લીધી અને વિચાર્યું કે હવે તો હોસ્પિટલ દ્વારા તેના પતિના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હશે. આવું વિચારીને પત્ની ત્યારબાદ મૃતદેહ લેવા ન ગઈ અને બન્ને બાળકોને લઈને પોતાના ગામ ચાલી ગઈ.

આ ઘટનાના અઢી મહિના બાદ હોસ્પિટલ તંત્રને આ મૃતદેહ અંગે જાણ થઈ. હોસ્પિટલે આ મૃતદેહને પરિવારજનો લેવા આવશે તેવી રાહ જોઈને મૂકી રાખ્યો હતો. પરંતુ અઢી મહિના બાદ પણ મૃતદેહને કોઈ લેવા ન આવતાં મેરઠ હોસ્પિટલ દ્વારા મૃતદેહને હાપુડ સ્વાસ્થ્ય વિભાગને સોંપી દેવામાં આવ્યો. હાપુડ સ્વાસ્થ્ય વિભાગે ત્રણ દિવસ પહેલા મૃતદેહને જીએસ મેડિકલ કોલેજમાં રખાવી દીધો. ત્યારબાદ તંત્રના સહકારથી મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી. ગુરુવારે પરિવારજનો અંગે જાણકારી મળતાં મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો. અંતે એનજીઓના માધ્યમથી મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આમ મૃત્યુ થયાના આશરે અઢી મહિના બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સમગ્ર ઘટનામાં હાપુડ સીએચસીના પ્રભારી ડોક્ટર દિનેશ ખત્રીનું કહેવું છે કે મૃતકના ભાઈને મેરઠ હોસ્પિટલ દ્વારા પોઝિટિવ રિપોર્ટની જાણ કરવામાં આવી હતી. પરંતુ મૃતકનો ભાઈ પોઝિટિવ રિપોર્ટની વાત સાંભળીને જ ભાગી ગયો હતો. ત્યારબાદ તેને ફોન પણ બંધ આવતો હતો. પરંતુ હવે મૃતકના મકાન માલિક અને તેની પત્નીને શોધીને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. મૃતદેહના અંતિમ સંસ્કાર પણ એક એનજીઓની મદદથી કરી દેવામાં આવ્યા છે.

મૃતકની પત્ની અને બાળકો જ્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાન આવ્યા તો તેમના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મહત્વનું છે કે હોસ્પિટલ કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહ વધુ દિવસ સુધી રાખતી નથી પરંતુ આ કિસ્સામાં વધુ એક વખત હોસ્પિટલ તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments