Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે શુક્રવારના રોજ રાજ્યપાલ બેબી રાની મોર્યની સાથે મુલાકાત કરી રાજીનામું આપી દીધું હતું. શનિવારનાં રોજ ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં વર્તમાન ધારાસભ્યમાંથી જ કોઈ એક નેતા તરીકે પસંદગી કરવામાં આવશે.
દિલ્હીથી લઈને દહેરાદૂન સુધી દિવસભર ચાલેલી મેરેથોન મુલાકાત અને બેઠકો બાદ રાવતે રાતના અગિયાર વાગ્યે પોતાના કેટલાક સહયોગી નેતાઓની સાથે મળીને રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, રાજીનામું આપવાનું મુખ્ય કારણ સંવૈધાનિક સંકટ હતું. જેમાં નિર્વાચન આયોગ માટે પસંદગી કરવી મુશ્કેલ હતી.
તેમણે કહ્યું કે, સંવૈધાનિક સંકટની પરિસ્થિતિઓને જોતા મેં મારું રાજીનામું આપવું યોગ્ય સમજ્યું. રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીયદળનાં નેતાઓનો આભાર માન્યો હતો કે તેમણે એમને ઊચ્ચ પદ પર સેવા આપવાની અનેરી તક આપી.
પૌડીથી લોકસભાના સભ્ય રાવતે આ વર્ષે 10 માર્ચના રોજ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો અને સંવિધાનના નિયમોના આધારે તેમને 10 સપ્ટેમ્બર સુધીમાં ધારાસભ્ય પદની સદસ્યતા મેળવી લેવાની હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 151-A પ્રમાણે નિર્વાચન આયોગ સંસંદના બંને ગૃહો અને રાજ્યોની ખાલી સીટો છ મહિનાની અંદર અંદર પેટા ચૂંટણી દ્વારા ભરાવી જોઈએ. જે અત્યાર સુધી થયું ન હતું.
આ કાયદાકીય અડચણ મુખ્યમંત્રીના વિધાનસભા દ્વારે પહોંચવામાં આડે આવી ગઈ. વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બચ્યો છે. કોવિડનાં કારણે પણ ચૂંટણીની પરિસ્થિતિઓ નથી બની રહી. એપ્રિલમાં જ્યારે પેટાચૂંટણી હતી ત્યારે તેઓ શા માટે મેદાનમાં ન ઉતર્યા? તેનો જવાબ મીડિયાને આપતા રાવતે કહ્યું હતું કે, તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
મુખ્યમંત્રી રાવતના હાલના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે, ચૂંટણી આયોગે જણાવ્યું છે કે પેટા ચૂંટણી નહીં કરાવી શકીશું. જેથી અમને લોકોને યોગ્ય એ લાગ્યું કે બંધારણીય સંકટ ઉત્પન્ન ન થાય. તેમણે કહ્યું કે કોઈ એક નેતાની પસંદગી કરવા માટે પાર્ટીની બેઠક આવતીકાલે બોલાવવામાં આવી છે.
આજે બપોરે ત્રણ વાગ્યે આ બેઠકની અધ્યક્ષતા પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક કરશે. કેન્દ્રીય પર્યવેક્ષકના રૂપમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ભાજપના મહાસચિવ અને ઉત્તરાખંડના પ્રભારી દુષ્યંત ગૌતમ હાજર રહેશે. પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોની આજે શનિવારના રોજ બેઠક થવાની છે.
ઉત્તરાખંડના રાજકારણમાં નવા જૂની થવાની હોવાના એંધાણ બુધવારથી આવવા લાગ્યા હતા. રાવતને કેન્દ્રીય નેતૃત્વએ દિલ્હી બોલાવ્યા હતા. તમામ નિર્ધારિત કાર્યક્રમોને કોરાણે મૂકી તેઓ બુધવારે દિલ્હી ચાલ્યા ગયા હતા. ત્રણ દિવસની રાજકીય મુલાકાતમાં રાવતે ગુરૂવારના રોજ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાની સાથે મંત્રણા કરી હતી. શુક્રવારના રોજ તેમણે એક મુલાકાતના ચોવીસ કલાકની અંદર અંદર બીજી વખત નડ્ડા સાથે મંત્રણા કરી હતી.
દહેરાદૂન પહોંચ્યા પછી પણ તીરથ સિંહ રાવતે રાજીનામાનો એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. તેમણે નીત નવીન ઘોષણાઓ કરી હતી. ત્યાં સુધી મીડિયાકર્મીઓને એવું લાગી રહ્યું હતું કે તેઓ રાજીનામું આપશે. એમણે 2000 કરોડની સહાયતા અને 6 મહિનામાં 20,000ની ભરતીનું ગાજર આગળ ધરી સમગ્ર વાત ઉપર પાણી ઢોળ કરી નાખ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત