Homeસાહિત્યપ્રવીણ દરજીના નિબંધ નદીગાન વિશે: એ નથી હોતી ત્યારેય હોય છે જ

પ્રવીણ દરજીના નિબંધ નદીગાન વિશે: એ નથી હોતી ત્યારેય હોય છે જ

Team Chabuk-Literature Desk: આપણને અપેક્ષા હોય છે કે જે પુસ્તકનું નામ કૃતિની અંદર સમાયેલી રચના પરથી રાખવામાં આવ્યું હોય તે નક્કી આખા પુસ્તકની શ્રેષ્ઠ રચના હશે. આવું હોતું નથી. ચંદ્રકાંત બક્ષીના પશ્ચિમ વાર્તાસંગ્રહની અંદર ક્યાંય પણ પશ્ચિમ નામની વાર્તા જ નથી. બક્ષીએ કૃતિનું અને કૃતિના શીર્ષકનું મૂલ્ય અંદર રહેલી લેખકની એકાદ રચના પરથી તારવી શકાય એ તારણને જ તાપી નદીમાં ડુબાડી દીધું છે.

આ વખતે પ્રવીણભાઈ દરજીને નદીગાન નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો. અકાદમી આ વખતે એક, બે, ત્રણ પુરસ્કારો આપવામાં વિવાદોમાં રહી. કેટલાક પરામર્શકોનાં કારણે સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. ઉપરથી સોશિયલ મીડિયા પર અકાદમીની આ બધી પોલ છતી પણ થઈ હતી. જેમણે વિવેચનનું એક પણ પુસ્તક લખ્યું નથી એમને વિવેચનની આ ‘એક-બે-ત્રણ’ એમ કૃતિનો નિર્ણય લેવાનો અધિકાર કોણે આપી દીધો?

ચર્ચાઓનો અંત નથી. આવી ચર્ચાઓ અને ઉહાપોહ થતાં રહેશે. દરેક સમયે થયા પણ છે. પ્રવીણ દરજીની કૃતિ નદીગાનમાંથી આપણે આજે ‘નદીગાન’ નિબંધ વિશે વાત કરીશું. પ્રવીણ દરજી અઢળક પુસ્તકોનું લેખન કરી ચૂક્યા છે. જો કોઈ એક પ્રકાર પર તેમની હથોટી હોય તો તે લલિત નિબંધ છે. નદીગાન પુસ્તકમાં ફક્ત લલિત નિબંધ કે Personal Essay નથી. તેમાં હાસ્યનિબંધ પણ છે. લેખક ખૂદ ઘડી એક સુખની અને બટકબોલા બુધાલાલ જેવા હાસ્યના બે પુસ્તકો લખી ચૂક્યા છે. તેત્રીસમાંથી મોટાભાગના નિબંધો ખૂબ જ ગમ્યાં છે. પછી વચ્ચે એક નિબંધમાં પ્રવીણદાદા વોટ્સએપ લઈ આવે છે. તેના વીડિયોમાંથી પ્રેરણા મળે અને નિબંધ લખી નાખે તે વાત પસંદ નથી આવી.

આ આધુનિકતા છે જ નહીં અને ગણવી પણ નહીં. નહીં તો શબ્દોની સારી સમજ જાણનારા અને તેને વાપરી જાણનારાઓ ઘરે બેસી વીડિયો જોઈ લખી નાખશે અને ફેસબુક પર ચોંટાડી દેશે. વધારે લાઈક આવશે. કોમેન્ટ આવશે. વાહવાહી થશે. લખનાર પણ ખરેખર લેખક થયા ગયાનો આત્મવિશ્વાસરૂપી કાવો ગટગટાવી જશે. એ કાવામાં ખાલી શ્યામ રંગ ધરાવતું પાણી હશે, જેની સમીપ ન જાવું, કારણ કે મસાલાઓનો સ્વાદ નહીં હોય.

આપણે ત્યાં હમણાં હમણાં આવો ફાલ ફાટ્યો છે. વોટ્સએપ યુનિવર્સિટી જ જ્યારે આટલી મોટી ફેંકાફેંકી ચલાવતી હોય અને ખોટો ઈતિહાસ મગજમાં ઠસાવતી હોય, તે માધ્યમમાંથી લેખકને દરિયો દેખાય જાય છે અને તેઓ દરિયા પર લખે છે. વીસ નંબરના નિબંધ ‘દરિયો જોઈ લીધો’માં આવે છે. ‘હમણાં વોટ્સએપ પર એક ચારસવાચાર મિનિટની ફિલ્મ જોઈ.’

આવા કેટલાય દરિયા યુટ્યૂબ પર અવેલેબલ છે અને રખડવાના ખરા શોખીનો તેના વિશે જાતજાતની અને ભાતભાતની જાણકારી મહેનત કરી પોતાની યૂટ્યુબ ચેનલ પર ચડાવતા હોય છે. જો કોઈ ગુજરાતી પાસે શબ્દો રમાડવાની કરામત હોય, તો સારો એવો પ્રવાસ નિબંધ ખાટલા પર બેસી લખી શકે. એક સમયે કાકા સાહેબની માફક રખડવાની અને પ્રકૃતિને અનુભવવાની કેટલાક નવોદિતોને પ્રેરણા મળી હતી, તો બસ, આનાથી હાલનાં નવોદિતોને એ પ્રેરણા પણ મળે કે વોટ્સએપમાં વીડિયો જોઈને પણ નિબંધ લખી શકાય. પ્રવીણભાઈ જાણતા નથી કે નવા લેખકો કેટલા ઉસ્તાદ છે! સોશિયલ મીડિયાના કારણે તેમની દેહલતામાં પહેલાથી જ આળસ ઘરી ગઈ છે. આ નિબંધ વૃદ્ધિ કરી શકે?

લેખક પ્રવીણ દરજી હ્રદયની નજીક છે. એટલા માટે કે તેમણે પોતાના વિષયમાં ખેડાણ કરી તેને સમૃદ્ધ જ નથી બનાવ્યું, પણ તેમણે નિબંધ વિષેનું એક અભ્યાસલક્ષી પુસ્તક પણ તૈયાર કર્યું છે. આપણા મોટાભાગના સાહિત્યપ્રેમીઓ અને લખનારાઓ પ્રેરણામાં માને છે, અભ્યાસમાં નથી માનતા. જે લોકો નથી માનતા અને જો નિબંધ તેમનો પ્રિય વિષય હોય તો આ પુસ્તક વસાવવું જોઈએ. પ્રવીણ દરજીએ લખેલા આ પુસ્તકનું નામ છે નિબંધ અને નિબંધન. જેમાં તેઓ નિબંધના ઈતિહાસથી લઈને એક એક વાત માંડીને કરે છે.

હવે નદીગાન નિબંધ લઈએ. નદીગાન સૌથી છેલ્લો તેત્રીસમો નિબંધ છે. નદીગાન નિબંધની શરૂઆતમાં લેખક કઈ કઈ નદીઓ પાસે સ્થિતપ્રજ્ઞ બની નદીગાન સાંભળ્યું છે, તેની વાત આપણી સમક્ષ મૂકે છે. લેખક કહે છે કે, નદી તો એકસરખી જેવી જ લાગે છે પણ તેના નાદ અલગ અલગ છે. જેમ બે સારા ગાયકોના સૂર અલગ અલગ હોય, તેમ લેખક અહીં નાદ પણ અલગ અલગ હોવાનું પોતાના અનુભવથી કહે છે.

લેખકને નદીઓમાંથી ઓમકાર સંભળાય છે. લેખક નિષ્પ્રયોજની વ્યક્તિ છે. એમની બસ ઈચ્છા છે કે તેઓ નદીને એકધારા કાન દઈ સાંભળ્યા કરે અને કોઈ ખલેલ ન પહોંચાડે. નદીગાન નિબંધનું સૌથી ગમતું વાક્ય છે, ‘એ નથી હોતી ત્યારેય હોય છે જ.’

કેવી રીતે? નદી ઉનાળાનો તાપ ખમી ખમી કોરીપાટ થઈ જાય. એની ઉપર વિહંગો ઉડી ક્યારે એમાં જળ ભરાય તેની ‘ચાતકનકલે’ પ્રતીક્ષા કરતા હોય. માલધારી એની ભેંસને લઈ કિનારે વાટ જોઈ ઊભો હોય, કે હવે આ ક્યારે ભરાશે? ગામની બાયુંની આંખમાં વલોપાત હોય. એક બાજુ નદી આખી કોરી થઈ ગઈ હોય તો નદીમાંથી ગીધની જેમ રેતી કાઢનારાઓ તેને ધીમે ધીમે ખાતા હોય. એ નદી છે એટલે જ તો આવી ફિલીંગ આપણને આવે છે. એ સુક્કીભઠ્ઠ થઈ જાય ત્યારે એમાંથી ધૂળની ડમરી ઉડે તો એ પણ તેનું ગાન જ સમજવું! એ ઉડતી ધૂળ વૃક્ષ સાથે અથડાય અને એક નવો સૂર કાઢે.

લેખક તો નદીના ન હોવા પર પણ કહે છે કે એ ન હોય ત્યારે તેનો ઈતિહાસ હોય છે. એની દંતકથાઓ હોય છે.

નદીગાન નિબંધમાં લેખક માત્ર તેના નાદની વાત આપણી સામે કરવા નથી બેઠા. નાદ નહીં પણ ગાન કરવું છે, એ વાત તેઓ નિબંધના બીજા ફકરામાં જ કહી જાય છે. નદીને તો ખડખડ વહેતો એવો જ ધ્વની હશે. પણ જો તમે લેખકે શું કહ્યું તે પામી જાવ તો સમજી શકશો કે નદી ગાતી હોય આ માટે આસપાસની કેટલીય વસ્તુઓ સહભાગી બની જાય છે. આ વાંચો લેખકના જ શબ્દોમાં.

‘નવરસર્જન અને ઘસારાની તેમાં ઠીકઠાક કથાઓ હોય છે. તો એવા કાંઠે વસતા લોકની ચિત્રાવલિઓ પણ તેમાં ભળી હોય છે. તેમના અવાજો, તેમનાં સંવેદનો, તેમની રીતભાતો અને રહેણીકરણી, તેમનાં જેવાં છે તેવા જીવનનિશાન, તેમનું પોતાનું ગીત સંગીત વગેરે પણ નદીના ગાનનો એ પ્રબળ વિષય છે અને વળી એ કાંઠા ઉપરનાં વૃક્ષો પણ ઝૂકી ઝૂકીને તેની સાથે હસ્તધનૂન કરતાં હોય છે. ભાતભાતનાં વૃક્ષોની સુગંધ એમાં એમ ભળ્યા કરતી હોય છે. વૃક્ષને પણ તેની પોતાની કથાઓ ક્યાં ઓછી છે?’

લેખક રાત, ચંદ્ર, તારાઓની વાતો કરે છે. જે કુદરતી છે, પણ નદીગાન ફક્ત કુદરતી વસ્તુથી જ નથી બનતું. લેખક આવું સમજાવવા ઈચ્છતા હોય, ખૂદ તેમાં કિલ્લા અને કાંઠે વસતા લોકોનો પણ સમાવેશ કરે છે, કારણ કે નદી ગમે તેવી હોય, એ છે તો આપણા થકી જ ને? લેખકે નદીને આટલો ઉત્કંઠ પ્રેમ કર્યો તો તે શબ્દબદ્ધ થઈને. નિબંધમાં નદીગાનનો મહિમા ગાતા એલિયટ અને જર્મન કવિ ફર્નાન્દો પણ આવે છે. ત્રણ પાનાનો નિબંધ આ કાંઠેથી આ કાંઠે લઈ જાય છે. જો ડૂબકી મારી તરતા આવડે તો…! નિંબધ લખવા એ ક્યાં જેવી તેવી…

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments