ઝાલાવાડી જલજીરા: હું રાજસ્થાનના પ્રવાસે ગયેલો. ઉદયપુર આવ્યું અને તેની ભૂમિ અને એક એક વસ્તુને ખરીદવા અને ફોટો પાડવા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા. ભોમિયોનું તો કોઈ સાંભળે નહીં, કોઈ માને નહીં. એ બિચારો એકલો અટૂલો પોપટની જેમ બોલતો હતો અને બોલતા બોલતા તેણે દૂરની એક જગ્યા તરફ આંગળી ચીંધતા કહ્યું, ‘ત્યાં… ત્યાં સરફરોશ ફિલ્મનું શૂટિંગ ઉતર્યું હતું. મિર્ચી શેઠ એ જગ્યા પર બેસી જ્યોતિષીને પોતાનો હાથ બતાવે છે.’ જગ્યા જોઈ લીધી પણ નજીકથી ન જોઈ, ક્યાં મિર્ચી શેઠ (અખિલેન્દ્ર મિશ્રા) ત્યાં આપણી પ્રતીક્ષા કરતા ઊભા હોવાના?
જે કોલેજમાં હમણાં જ કંકુ પગલાં મૂકવાનો હોય, તેના મગજમાં ‘હોશ વાલો કો ખબર ક્યાં બેખૂદી ક્યાં ચીજ હૈ.’ ગીત અષાઢના પ્રથમ દિવસના વાદળોની જેમ ઘનઘોર બની છવાઈ જાય છે. ગીત, ગીતના શબ્દો, ગાયક જગજીતસિંહનો મધુર મધુર અવાજ અને જેના હ્રદયમાં પ્રેમના આંબાની મંજરીઓ ફૂટવાની અણી ઉપર છે એવો ફૂટડો જુવાન. ફિલ્મમાં સોનાલી બેન્દ્રે જે રીતે આમિર ખાનને અવગણી રહી છે, પણ એકાંતમાં તેને ચાહી રહી છે, તે જોઈ યુવાઓનાં હ્રદયમાં મોરનો એક એવો ટહુકો ફૂટી નીકળે કે આપણી પ્રિયતમા પણ આમ જ કરતી હશે? આવું જ વિચારતી હશે? એકાંતમાં!
આજે બસ આમ જ સરફરોશ ફિલ્મ યાદ આવી ગઈ. સારી વસ્તુઓ યાદ કરવા માટે ખાસ ઉપક્રમની જરૂર ક્યાં હોય છે. કથા ભિન્ન ભિન્ન કેડીઓ પર ચાલતી અને અંતે એક જગ્યાએ ભેગી થતી. એક પોલીસ ઓફિસર જેના પ્રતિશોધના બીજ તેની યુવાઅવસ્થામાં ધરબાયેલા પડ્યા છે. જ્યારે તેના પિતાને સત્ય બોલવા માટે આજીવન અપંગ બનાવીને રાખી દીધા અને મોટાભાઈની હત્યા કરી દેવામાં આવી. એ ઈચ્છેત તો કલેક્ટર બનીને આરામથી જીવન વિતાવી શકેત, પણ ના… જે તેના પિતા અને ભાઈ સાથે થયું, એ તો ન જાણે કેટલાય સાથે થયું હશે. એ બધાના દુ:ખમાં સહભાગી બની ચાલે છે. તેના તો પોસ્ટર ઉપર જ લખેલું હતું, ‘A Reason To Live.’ ખાલી ફિલ્મ દેશદ્રોહીઓને પકડવા અને સજા આપવા પર નથી. તેમાં રોમાન્સ છે. હ્રદયમાં પ્રેમના આવેગોના પતંગિયા ઉડાડવા માટે જેની જરૂર હોય એવા ગીતો છે.
એક ખૂબ ખ્યાતનામ એડવર્ટાઈઝમેન્ટ મેકર હતા. જ્હોન મેથ્યૂ મત્થન. એડ ફિલ્મો બનાવી બનાવી થાક્યા તો તેમને ફિલ્મ બનાવવાના ઓરતા જાગ્યા. એમને કયા વિષય પર ફિલ્મ બનાવવી છે, તે વિચારતા બે વર્ષનો સમય પસાર થઈ ગયો. પાંચ વર્ષ સુધી તેમણે એ વિષયને પકડી રાખી સંશોધન કર્યું અને પટકથા લખી. 1997માં ફિલ્મનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો. જ્હોનના મગજમાં હીરો ફાઈનલ હતો. આમિર ખાન. પ્રહલાદ કક્કડે આ બંનેની મુલાકાત કરાવી હતી અને આમિર ખાન તેમને સ્વભાવથી પણ ખૂબ જ સારા લાગ્યા હતા.
મહિનાઓનાં મહિનાઓ પસાર થઈ ગયા પછી, જ્હોનને આમિર ખાન સમક્ષ નરેશન સંભળાવવા માટે એક કલાક મળી. જે ઓછી હતી. જ્હોને કહ્યું, ‘હું ત્રણ કલાકથી ઓછો સમય તો નહીં જ લઉં.’ બેઠક કેન્સલ થઈ પણ વાત કેન્સલ ન થઈ. જ્હોનને થોડા મહિનાઓ બાદ આમિર સામે ત્રણ કલાકનાં નરેશનનો વખત મળી ગયો. આમિર ખાન ફિલ્મની પટકથા સાંભળી કામ કરવા માટે તૈયાર થઈ ગયા. આ બાજુ દિગ્દર્શક જ્હોન પાસે પ્રોડ્યુસર નહોતો અને એ આખી વાર્તા આમિર ખાન સામે ફાઈનલ કરી ચૂક્યા હતા.
મનમોહન શેટ્ટી સાથે આમિર ખાનની મુલાકાત થઈ ગઈ. સાથે જ્હોન પણ હતા. મનમોહન શેટ્ટીએ આ બંનેને એ વાતનું આશ્વાસન આપ્યું કે, ‘તમારી ફિલ્મ જે સરફરોશના નામે બને છે તે કોઈ દિવસ અટકશે નહીં.’ ત્યાં સુધીમાં આમિર ખાનની મન અને મેલા બોક્સઓફિસ પર પછડાઈ ચૂકી હતી. અર્થ વિવેચકોને પસંદ આવી પણ કમાણી થોડી કરાવી શકે. સરફરોશથી આમિર ખાનને જ્ઞાન લાદ્યુ કે ગુણવત્તા સાથે કોઈ દિવસ બાંધછોડ ન કરાય. એક સમયે એક જ ફિલ્મ કરાઈ અને એવી છપ્પરફાડ ફિલ્મ કરાય કે લોકો જુએ તો જોતા જ રહી જાય.
એક દિવસની વાત છે. સરફરોશ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું અને ઈન્ટેરોગેશનનો સીન ફિલ્માવા લાગ્યો. જેમાં આતંકીઓનો રોલ પ્લે કરવા માટે જૂનિયર આર્ટિસ્ટ બોલાવવામાં આવ્યા હતા. થયું એવું કે શૂટિંગના દિવસે જ એક જૂનિયર આર્ટિસ્ટ ગુલ્લી મારી ગયો. સરફરોશ ફિલ્મના સેટની આસપાસ કામ કરવા માટે એક યુવાન રખડતો હતો. તેને ગુલ્લી મારનારની જગ્યાએ રોલ મળી ગયો. 139 સેકન્ડનો આતંકીનો રોલ કરનારા એ અભિનેતા એટલે આપણા નવાઝુદ્દીન સિદ્દીકી. નવાઝે બાદમાં આમિરની પીપલી લાઈવમાં કામ કર્યું. આમિરને નહોતી ખબર એ વ્યક્તિ કોણ છે. આમિર ખાન અને કરિના કપૂર સાથેની તલાશમાં સેકન્ડ લીડ રોલ પ્લે કર્યો. આમિરને ત્યારે પણ નહોતી ખબર કે આ કોણ છે?
નવાઝે તેમને સામેથી કહ્યું હતું, ‘સર, આપણે ત્રીજી વખત સાથે કામ કરીએ છીએ.’
આમિરે કહ્યું, ‘ત્રીજી વખત કેમ?’
‘સરફરોશમાં હું હતો. ઈન્ટેરોગેશન સીનમાં…’
આમિરની પોલીસ તરીકેની જ એક બાઝી નામની બકવાસ ફિલ્મ છે. જેના દિગ્દર્શક આશુતોષ ગોવારિકર છે. આ ફિલ્મમાં અભિનેતા મુકેશ ઋષિ કામ કરી રહ્યા હતા. જે નેગેટિવ રોલ માટે ખૂબ લોકપ્રિય હતા. ખાસ તો બુલ્લા સંવાદથી. આશુતોષ ગોવારિકરે જ તેમને સલાહ આપી હતી કે, મુકેશને કાસ્ટ કરો. 40 ફિલ્મો કરી ચૂકેલા મુકેશે કોઈ દિવસ ઓડિશન નહોતું આપ્યું. પહેલી વખત સરફરોશમાં તેમણે ઓડિશન આપ્યું. દિગ્દર્શક ઈચ્છતા હતા કે શરીરનો બાંધો મજબૂત છે તો વિલનનો રોલ આપીએ. સાત દિવસ પછી તે પહેલી વખત સકારાત્મક રોલમાં હતા. આમિર ખાનની સાથે.
હિન્દી સિનેમામાં જે કેટલાક બેસ્ટ સેકન્ડ લીડ રોલ અલગ તારવીએ અને તે ખૂબ જ ગમી જાય, તેમાં મુકેશ ઋષિના સલીમના પાત્રનો સમાવેશ થાય છે. સલીમનું પાત્ર એટલું ઉપડ્યું કે કેટલાક ફિલ્મ વિવેચકો તેને નસીર અને આમિરના અનુક્રમે ગુલફામ હસન અને અજય સિંહ રાઠોર કરતાં પણ સારું અને મોટું ગણાવતા હતા.
આ ફિલ્મમાં જેમના ટૂંકા રોલ હતા તેમને આખી પટકથા આપવામાં જ નહોતી આવી. જેથી કેટલાક કલાકારોને ખ્યાલ જ નહોતો કે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ વિલનનો રોલ કરે છે. સોનાલી બેન્દ્રેને ઈચ્છા એ જાણવાની હતી કે નસીર સાહેબ કયો રોલ કરે છે? પૂછતા જ્હોને જવાબ આપ્યો, ‘એ ગઝલ ગાયક છે.’ અંત સુધી સોનાલીને ખબર ન પડી કે નસીરુદ્દીન શાહ ફિલ્મના મુખ્ય ખલનાયક છે. હિન્દી સિનેમાના કેટલાક મહાન અભિનેતાઓમાંથી એક નસીરુદ્દીન શાહ ખૂદ કહે છે કે, ‘આમિર હોશિયાર છે. ખૂબ સારું કામ કરે છે. વિચારીને કામ કરે છે, પણ મને તેની સાથે કામ કરવું નથી ગમતું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત