Homeસાહિત્યઅમુક વાંદરાઓના કુલા લાલ કેમ હોય છે ? : ખુશવંત સિંહ

અમુક વાંદરાઓના કુલા લાલ કેમ હોય છે ? : ખુશવંત સિંહ

Team Chabuk-Literature Desk : એ જમાનાના યુવા ખુશવંતસિંહની-પત્રકાર ખુશવંતસિંહની સરખામણી હાલના અર્નવ સાથે થોડી અમથી તો કરી શકીએ. ખુશવંતસિંહ ખૂદ સ્વીકારે છે કે મને લોકોની નાની નાની વાતોમાં પણ ચાંચ ડુબાડવી ગમતી હતી. કોઈની પણ વાત હોય એ પોતાનું મોઢું ઘુસેડી દેતા. એમાંથી પછી સ્ટોરી લાવતા.

યોજના નામના છાપામાં જોડાયેલા તો એમાં લખ્યા રાખતા. આના કારણે લોકોને ગરમ ગરમ વાંચવાની આદત પડી ગયેલી. ગોસીપ ધરાવતું, સ્કેન્ડલિયું. તેમના કુથલીવેળા વિશે ઘણા પત્રકારો ચાની કિટલીએ  ખુશવંત ટીકાકરણ કેમ્પનું આયોજન કરતાં. એમને ઉતારી પાડવામાં આવતા.. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તંત્રીએ તેમને મોઢા પર કહેલું, ‘સાવ નાખી દીધા જેવી વસ્તુને તમે કલાનું સ્વરૂપ આપવા બેઠા છો.’ ખુશવંતસિંહ મરક મરક કરતાં જોવા મળે.

લખવાની શરૂઆત થઈ. શીખો વિશે ખૂબ ઓછું લખાયું હતું. શીખો સવારમાં પ્રાર્થના કરે તો તેને ‘જપજી’ તરીકે ઓળખવામાં આવે. જપજીને અંગ્રેજીમાં ઉતારનારા ખુશવંત સિંહ. કડીએ કડીનો અનુવાદ કર્યો. લંડનના આર્થર પ્રોબેસ્થેઈન નામના પ્રકાશને તેને પ્રકાશિત કર્યો. ખુશવંતને જુસ્સો આવ્યો અને એમણે અ હિસ્ટ્રીઝ ઓફ ધ શીખ્સ નામનું પુસ્તક પણ લખી નાખ્યું. ખુશવંતસિંહના બંને પુસ્તકો શીખ લોકોએ ખરીદી લીધા અને તેમની અંગ્રેજીમાં લખવાની ગાડી દોડવા માંડી.

એમણે લખતા લખતા પોતાના સમકાલીન લેખકો વિશે ટીપ્પણી કરતાં કહેલું કે, સલમાન રશ્દિ છોકરીઓ પટાવવામાં ઉસ્તાદ છે. એક પછી એક સ્ત્રીઓ સાથે સંબંધો બાંધતો જતો હોય છે. વિક્રમ શેઠ ખુલ્લેઆમ સ્વીકારે છે કે હું ગે છું. પુરૂષ-પુરૂષ સાથે મજા આવે. નાયપોલની જીવનકથા તેની બીજી બાજુના આપણને દર્શન કરાવે છે. જે કુરૂપ છે. એ વેશ્યાઓ પાસે જતા અને ખુશવંતસિંહે લખેલું છે કે, તેઓ પોતાની જીવનકથામાં કોઈ દિવસ આ વાત નહીં લખી શકે, કારણ કે મેં તેમની સાથે ઘણી વખત ભોજન લીધું છે અને તેઓ શરમાળ, ક્રોધી માણસ છે.

પોતાનાથી મોટા અને જેમને તેઓ ટક્કર આપી શકે છે તેવા લેખકો વિશે મોઢું ફાડીને વખાણ કરતાં ખુશવંત સિંહ કહે છે,‘લેખક તરીકે મેં કોઈ દિવસ મારી જાતને વધારે માર્ક આપ્યા નથી. હું સારા અને બહુ સારા નહીં તેવા લખાણની વચ્ચેનો ભેદ આપને બતાવી શકું છું. હું ઓળખું છું કે ભારતીય લેખકો કે ભારતીય મૂળના લેખકો જેવા કે નીરદ ચૌધરી, વી.એસ.નાયપોલ, સલમાન રશ્દિ અને અમિતાવ ઘોષ મારા કરતાં સારું લખે છે, મારા કરતાં સારી અંગ્રેજી વાપરી જાણે છે. અને હું એ વાતથી પણ અવગત છું કે, આર.કે.નારાયણ, મુલ્ક રાજ આનંદ, રૂથ જાબવાલા, નયનતારા સહેગલ, અનિતા દેસાઈ જેટલું જ સારું લખાણ લખી શકું છું. જો તમે ફિક્શન અને નોન ફિક્શન આ બંને પ્રકારના લખાણો સરળતાથી અને સહજતાથી લખી શકો તો તમારી જાતને ખૂબ જ નસીબદાર માનજો.’

ગુજરાતી પ્રકાશનમાં તો કોઈ દિવસ એજન્ટ નથી હોતો. ગુજરાતી સાહિત્યનો એજન્ટ જે તે લેખક હોય છે. જે પ્રકાશકને કહે કે, ફલાણો નવો લેખક સારું લખે છે. તેની ચોપડી છાપો. તો પ્રકાશક તેની ચોપડી છાપશે. પ્રકાશક અને પેલા લેખકની મુલાકાત થાય છે. પ્રકાશક લેખકને નથી ઓળખતો હોતો, પણ લેખક પ્રકાશકને ઓળખતો હોય છે, કારણ કે તે જે ચોપડી આપવા આવ્યો હોય છે એ જ છાપવાની પ્રકાશકે સાત મહિના પહેલા ના પાડી દીધેલી. શું કામે ? એ સમયે આ સારું લખે તેવું કહેનારો અનુભવી ‘લેખક એજન્ટ’ નહોતો.

કર્ટીસ બ્રાઉન નામના એક એજન્ટ હતા. મુલ્ક રાજ આનંદ, આર.કે.નારાયણ, રાજા રાવ જેવા અંગ્રેજીના ખા લેખકોના સમયે. એ વખતે તેઓ ખાટુ લેખક નહોતા. એજન્ટ પ્રકાશકને તેમની કૃતિ મોકલતો. પુસ્તક છપાતું અને એ પુસ્તકમાંથી મળતી અડધી રોયલ્ટી બ્રાઉનને આપવાની રહેતી. હવે આવા બ્રાઉનો ચાલ્યા ગયા છે. અથવા તો બ્રાઉનો જ હવે લેખક બની ગયા છે.

સારા લેખક બનવાની ખુશવંત ટીપ્સ એવી છે કે, ‘જેટલું વધારે વાંચી શકાય એટલું વાંચવું જોઈએ. ક્લાસિક નોવલેથી લઈને કચરો કવિતાઓ પણ વાંચો. જે તમને સારા અને ખરાબ લખાણને સમજવામાં સમર્થ બનાવે. ડોળ કે ઢોંગ ક્યારે પણ ન કરવો જોઈએ. મુશ્કેલ અને ભારેખમ શબ્દો વાપરીને પોતે એમ ન બતાવવું કે હું કંઈક છું.’

એમને રોજ પત્રો મળતા હતા. ટીકાઓના પત્રો. જેમાં અઢળક ગાળો લખવામાં આવેલી હોય. સાથે એ મિર્ચ-મસાલો પણ હોય કે તમે મુસ્લિમોની ફેવરમાં અને હિન્દુઓની વિરૂદ્ધમાં ખૂબ લખો છો. આ ધંધિના બંધ કરી દો. ખુશવંતે ભીંડાનવાલેની વિરૂદ્ધમાં લખેલું તો તેમને ખાલીસ્તાનીઓ દ્રારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

એમને લખવાની પ્રેરણા બે લેખકો પાસેથી મળેલી. એલ્ડસ હક્સલે અને સમરસેટ મોમ. ભારતના લેખકોમાં અરુંધીતી રોય, સલમાન રશ્દિ અને અમિતાવ ઘોષ પણ તેમને ખૂબ ગમતાં હતા.

1969ની સાલમાં ઈલસ્ટ્રેટેડ વીકલીમાં તેમણે પત્રકાર તરીકેની નોકરીની શરૂઆત કરી. કોલમ પણ શરૂ થઈ. જેમાં તેઓ ચિત્ર-વિચિત્ર વિષયોને ધ્યાનમાં રાખીને લખતા હતા. હેડિંગ એવા હોય કે ઘણા હસે, ઘણાને ચીતરી ચડે, ઘણાને અંદર વાંચવાનું મન થાય. પણ આવા વિષયોથી તેઓ ચર્ચામાં રહેતા હતા. વાંચકો એમની રાહ જોતા અને આખા છાપામાં કોલમ કોઈ પણ જગ્યાએ હોય આંખે ચડ્યા વિના ન રહેતી. લેખકનું નામ ન હોય તો પણ હેડિંગથી જ ખ્યાલ આવી જાય કે ખુશવંતે કરી હશે.

આવા જ કેટલાક હેડિંગ જે તેમના પુસ્તક બિન્દાસ ખુશવંતમાં પણ છે. તેના પર નજર કરીએ.

  • કુલ્લે ચીમટો ભરી લેવાની સંસ્કારી રીત
  • અમુક વાંદરાઓના કુલા લાલ કેમ હોય છે ?
  • પકડાયા વગર કઈ રીતે દુકાનમાંથી ઉઠાંતરી કરવી
  • શરાબ પીવાની મજા

એમની કોલમમાં એક લોગો હતો. મારિયો મિરાન્ડોએ બનાવ્યો હતો. વીજળીના બલ્બમાં પુસ્તકોના ઢગલા અને વ્હિસ્કીની બોટલની વચ્ચે ખુશવંતજી. છેલ્લે સુધી ખુશવંતની સાથે એ લોગો રહ્યો અને એ લોગો સાથે ખુશવંત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments