Homeવિશેષસિંહાસન બત્રીસી : સત્યવતીની રાજા વિક્રમાદિત્યની પાતાળલોકની વાર્તા

સિંહાસન બત્રીસી : સત્યવતીની રાજા વિક્રમાદિત્યની પાતાળલોકની વાર્તા

Team Chabuk : રાજા વિક્રમાદિત્યના શાસનકાળમાં તેમનો યશ અને કીર્તિ ચારેબાજુ ફેલાયેલી હતી. પ્રજા સુખી હતી અને સમૃદ્ધ હતી. એકથી એક ચડીયાતા વિદ્રાન તેમના દરબારની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. તેમની નવ જાણકારોની એક સમિતિ હતી. જે દરેક વિષય પર રાજાને પરામર્શ આપતી હતી. રાજા પણ પ્રજાની સુખાકારી માટે તેમની જ સાથે ચર્ચા કરતાં હતાં. તેમનો નિર્ણય રાજાને યોગ્ય લાગે તો અમલમાં મુકતા પણ તસુભાર પણ વાર ન લગાડતા હતા.

એક વખત દરબારીઓ બેઠા હતા. કામકાજ આટોપાઈ ગયું હતું અને એશ્વર્યની વાત છેડાઈ. એશ્વર્યની સાથે મૃત્યુલોકની વાત પણ સામે આવી. રાજાને દરબારીઓ વચ્ચે ચાલતી વાતચીતમાં જ ખબર પડી કે પાતાળલોકના રાજા શેષનાગનું એશ્વર્ય જોવા લાયક છે. તેમની પાસે તો હરેક પ્રકારની સુખ અને સુવિધા ઉપલબ્ધ છે.

એ તો ભગવાન વિષ્ણુના ખાસ સેવકોમાંથી એક હતા. જેથી તેમનું સ્થાન દેવતાઓની સમકક્ષ હતું. તેમના દર્શન માત્રથી મનુષ્યનું જીવન ધન્ય થઈ જતું હતું.

દરબારીઓ સાથેની મંત્રણા પૂર્ણ થતા જ રાજા વિચારમાં ગરકાવ થઈ ગયા કે શું દરબારીઓ કહે છે એ વાત સાચી હશે ? શેષનાગની દુનિયામાં આટલી સમૃદ્ધિ અને ઐશ્વર્ય હશે ? બીજાની વાત કેવી રીતે માની લેવાય ?

વિક્રમાદિત્યએ પાતાળલોકમાં જઈ તેમની સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું. તેમણે બંને વેતાલોનું સ્મરણ કર્યું. એ હાજર થતા જ રાજાએ કહ્યું, ‘વેતાલ મને પાતાળલોકમાં સશરીર લઈ જાવ.’

બંને વેતાલે વિક્રમાદિત્યની આજ્ઞાનું પાલન કર્યું. એ પાતાળલોકમાં ગયા તો એ તમામ માહિતી સત્ય હતી જે તેમને તેમના દરબારીઓએ કહી હતી. શેષનાગનું પાતાળ વિશ્વ સાફ અને સુનિયોજીત હતું. હીરા અને ઝવેરાતથી આખું પાતાળલોક ઝગમગી રહ્યું હતું. હોય ભલે પાતાળલોક પણ અંદર તો આખો અંજાઈ જાય એટલો પ્રકાશ હીરા મોતી દ્વારા ફેલાઈ રહ્યો હતો.  

શેષનાગને આ વાતની ખબર પડી ગઈ કે કોઈ મૃત્યુલોકથી સશરીર પાતાળલોકમાં આવ્યું છે.

શેષનાગ અને મહારાજા વિક્રમાદિત્યની મુલાકાત થઈ. રાજા વિક્રમાદિત્યએ સંપૂર્ણ આદર અને નમ્રતાથી તેમને અહીં આવવાનું પ્રયોજન જણાવ્યું અને પોતાનો પરિચય આપ્યો. તેમના સ્વભાવ અને પરિચયથી શેષનાગ એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમને ચાર ચમત્કારી રત્નો આપી દીધા.

પ્રથમ રત્ન થકી મોઢે માંગેલું ધન પ્રાપ્ત કરી શકાતું હતું. બીજા રત્ન થકી દરેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણો માગી શકાતા હતા. ત્રીજા રત્નથી દરેક પ્રકારના રથ, ઘોડા અને હાથીની અંબાડીઓ માગી શકાતી હતી. ચોથા રત્નથી ધર્મ-કાર્ય અને યશની પ્રાપ્તિ કરી શકાતી હતી.

ભેટનો સ્વીકાર કરી રાજા વિક્રમાદિત્યએ બંને વેતાલનું સ્મરણ કર્યું. એ બંને વેતાલ તેમને નગરની સીમા પર લઈ ગયા અને બાદમાં અદૃશ્ય થઈ ગયા. ચારે રત્ન લઈ તે નગરની સીમામાં પ્રવેશ્યા જ હતાં કે એક પરિચિત બ્રાહ્મણ તેમને મળી ગયો.

રાજાએ એ પરિચિત બ્રાહ્મણને પાતાળલોક વિશેની વાત કહેતા બ્રાહ્મણ બોલ્યો, ‘રાજાની દરેક ઉપલબ્ધિમાં તેમના પ્રજાની સહભાગિતા છે.’

રાજા વિક્રમમાદિત્યએ તેનો અભિપ્રાય સમજીને તેમને કહ્યું, ‘બ્રાહ્મણ આ ચારેમાંથી કોઈ એક રત્ન આપ લઈ લો. જેથી આપની વાતનું માન પણ રહી જાય અને જનતાની સહભાગિતા પણ થઈ જાય.’

બ્રાહ્મણ અસમંજસમાં પડી ગયો અને કહ્યું, ‘હું મારા પરિવારના દરેક સદસ્ય સાથે ચર્ચા વિમર્શ કરી કંઈક નિર્ણય લઈશ.’

એ ઘરે પહોંચ્યો અને પોતાના પરિવારને આ આખી વાત કહી સંભળાવી. પરિવારમાં તેની પત્ની, પુત્ર અને પુત્રી હતી. ત્રણેએ અલગ અલગ રત્નમાં રસ દાખવ્યો. બ્રાહ્મણ માટે તો આ કોયડો ઉકેલવો અઘરો હતો. એ રાજા પાસે પહોંચી ગયો અને પરિવારના લોકો અલગ અલગ રત્ન માગી રહ્યા હોવાની વાત કહી. સાથે એ પણ કહ્યું કે, ‘પરિવારના લોકોની સહમતી નથી એટલે આ રત્નો હવે આપ જ રાખો. મને ન આપતા.’

રાજાએ રાજીખુશી ચારે રત્ન બ્રાહ્મણને આપી દીધા.

(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments