Homeવિશેષપ્રકૃતિ: એ પ્રસન્ન રહે એ જરૂરી, નહીં તો પ્રલયકારી બની જાય-અશોક સરિયા

પ્રકૃતિ: એ પ્રસન્ન રહે એ જરૂરી, નહીં તો પ્રલયકારી બની જાય-અશોક સરિયા

અશોક સરિયા: આપણી સંસ્કૃતિ ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારમાં માનવાવાળી છે. આપણે ત્યાં અનેક દેવી દેવતાઓની શ્રદ્ધાભાવના રાખવામાં આવે છે. બધાની પૂજા અર્ચના અને ઉત્સવો ઉજવવામાં આવે છે. તેઓ પ્રસન્ન રહે એ વાતની નાની નાની બાબતોનું ધ્યાન ધરવામાં આવે છે. તેમના પુજા પાઠમાં કોઇ ત્રુટિ ન રહી જાય એ માટે પણ આપણે સાવચેતી રાખતા હોઇએ છીએ. જ્યારે કે એ આપણને પ્રત્યક્ષ દેખાતા નથી છતાં પણ તેમની આટલી આસ્થા રાખીએ છીએ.

અહીં કોઇ ધર્મ કે ધર્મની ભાવના કે દેવ દેવીની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની વાત નથી, પરંતુ આપણી સામે પ્રત્યક્ષ રીતે સાક્ષાત્ દેવતા સ્વરૂપ રહેલી પ્રકૃતિ કે જેને પણ આપણે દેવ તરીકે જ માનીએ છીએ તેમના માટે આપણને જાણે અજાણે કોઇ જ ચિંતા કે તેના મહત્વનું ધ્યાન રહેતું નથી. અન્ય દેવ દેવીઓના ગુણગાન અને તેમના પૂજાપાઠ, તેમની મૂર્તિઓની સ્થાપના અને ત્યારબાદ તેમનું વિસર્જન અને એ પણ કેવી વરવી રીતે કે થોડા દિવસો જેની ધામધૂમથી પૂજા અર્ચના કરી હોય એ જ મૂર્તિઓ છેલ્લા દિવસે આપણને કોઇ જળાશય કે નદીના તટ ઉપર ક્ષતવિક્ષત સ્થિતિમાં પડી જોવા મળે. દસ દિવસ તેની શ્રદ્ધા અને ઉત્સવ પૂરો થયે આપણો સ્વાર્થ સરી જતાં તેને પાણીમાં પધરાવી દેવી એ તો બરાબર છે પણ જેમ તેમ તેને રઝળતી મુકી દેવી એ ક્યાંની ભાવના ?

આ રીતે આપણા માનસ પ્રમાણે આપણે એક દેવની કરેલી ભક્તિને કોઇ જળાશયોમાં પધરાવીએ છીએ ત્યારે એક બીજી વાત વિસરાય જાય છે કે જળાશય એ પ્રકૃતિ છે અને એ પણ દેવ છે. જ્યારે આવી બધી પ્રવૃત્તિઓ થાય છે ત્યારે એ પ્રકૃતિને આપણે હાની પહોંચાડીએ છીએ અને જે દેવ આપણી સામે પ્રત્યક્ષ છે તેને આપણે પ્રસન્ન કરવાના પ્રયત્નો તો કદાચ જ ક્યારેક કરતા હોઇશું પરંતુ તેને હાની પહોંચાડવાના કામોનો કોઇ પાર નથી.

કોઇ દેવ-દેવીની શ્રદ્ધામાં ઉણપ રહી જાય તો એ કોપાયમાન થઇને આપણને સબક શીખવાડે એ વાત પછીની છે, પરંતુ પ્રકૃતિના પ્રકોપને આપણે આપણી નજરે જોઇએ છીએ. ત્યારે એક વાત પર વિચાર કરવો આવશ્યક છે કે પ્રકૃતિને આપણે દેવ માનતા હોઇએ તો તેને રીઝવવાના પ્રયત્નો આપણે કરવા જોઇએ જ્યારે કે આજે આપણે તેને ખીજવવાના પ્રયત્નોમાં કોઇ કચાશ રહેવા દીધી નથી.

પ્રકૃતિની પૂજા અર્ચના માટે કોઇ પૂજા પાઠ કે કોઇ દીવા અગરબત્તી કરવાની જરૂર નથી, પરંતુ તેનું જતન કરવા માત્રનો પુરુષાર્થ કરવાનો છે. એટલાથી જ તે પ્રસન્ન રહેશે અને સૌને સુખી રાખશે. પ્રકૃતિને કરેલી હાનીથી આપણે તેના પ્રકોપોનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર વાતાવરણમાં પરિવર્તન, દુકાળ, અતીવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ જીવાતોનો મારો, પૂરપ્રકોપ, ધરતીકંપ, વાવાઝોડા, સુનામી જેવા અનેક સુચીતાર્થો થકી આપણને તેની નારાજગી દર્શાવે છે છતાં પણ આપણું ધ્યાન તેના તરફ જતું નથી.

આપણે હવે આપણી ભાવનામાં થોડું પરિવર્તન કરી જે આપણને જીવવા માટે જરૂરી છે, એવી પ્રકૃતિને નુકસાન ન થાય એ પ્રકારની જીવનશૈલી કેળવીને પ્રકૃતિ કે જે પ્રત્યક્ષ દેવ છે તેને પ્રસન્ન કરવાની ભવના મનમાં લાવીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments