ઝવેરચંદ મેઘાણી: વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી:
આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડ્યે, ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું. ચોરે બેઠેલા ચૂંવાળિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતા જોયા.
હું બહાર નીકળ્યો. મેં પગ ઉપાડ્યા. મંડ્યો ઝટ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યા : “ઊભો રે! ઊભો રે’ !”
ભાઈ, મેં પછવાડે જોયું. ચૂંવાળિયાને દેખ્યા. મારા પ્રાણ ઊડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઊડતો આવે, શ્વાસનો ગોટો વળતો આવે, પાઘડીના આંટા ગળામાં પડતા આવે, અને બે હાથે કાછડી ઝાલીને હું ભાગતો આવું છું; વાંસેથી “ઊભો રે’! એલા, ઊભો રે’! ઊભો !” એવા દેકારા થાતા આવે. દેકારા સાંભળતાં જ મારા ગૂડા ભાંગી પડ્યા.
સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢૂંકડું એક વેલડું છૂટેલું. કોઈક આદમી હશે ! હું દોડ્યો. પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહિ! એક રજપૂતાણી, ભરપૂર જુવાની, એકલી કૂંપામાંથી ધુપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે.
ભફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો. મારા કોઠામાં શ્વાસ સમાતો નહોતો.
“એલા પણ છે શું ?” બાઈએ પૂછ્યું.
“માવળી, માવડી, મને ચૂંવાળિયા લૂંટે છે, તમનેય હમણે…”
મારો સાદ ફાટી ગયો. બાઈને ડિલ માથે સુંડલો એક સોનું: વેલડામાં લુગડાં-લત્તાંની પેટી. આજુબાજુ ઉજ્જડ વગડો. કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય. આમાં બાઈની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઊઠ્યો.
“કોણ? બાપડા ચૂંવાળિયા લૂંટે છે?” મોં મલકાવીને બાઈએ પૂછ્યું.
“માતાજી ! આ હાલ્યા આવે !” ચૂંવાળિયા દેખાણા. પંદર લાકડિયાળા જુવાન.
આપાઓ ! નજરોનજર નીરખ્યું છે. અંબોડો વાળીને રજપૂતાણી ઊભી થઈ વેલડાના હેઠલા ઝાંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી. હાથમાં તલવાર લઈને ઊભી રહી. અને ચૂંવાળિયા ઢૂકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારી, “હાલ્યા આવો, જેની જણનારીએ સવા શેર સૂંઠ્ય ખાધી હોય ઈ હાલ્યા આવે.”
ચૂંવાળિયા થંભી ગયા. સહુ વીલે મોઢે એકમેકની સામે જોવા મંડ્યા. લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો, “પણ અમારે તો આ નદીએ પાણી પીવું છે. વાણિયો તો અમથો અમથો ભેમાં ભાગે છે.”
“પી લ્યો પાણી!” રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી.
ચૂંવાળિયા પાણી પીને ચાલ્યા ગયા. પાછું વાળીને મીટ માંડવાનીયે કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાના ઝાંતરમાં મેલી દીધી.
“બહેન !” મેં કહ્યું, “મારી સાથે રાણપુર હાલો. એક રાત રહીને મારું ઘર પાવન કરો.”
“ના. બાપ, મેંથી અવાય નહિ. હું મારે સાસરે જાઉં છું.”
ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો: “બહેન, આ ગરીબ ભાઈનું કાપડું !”
“મારે ખપે નહિ !”
એણે ગાડાખેડુને જગાડ્યો. વેલડું જોડ્યું. વેલડામાં બેસીને એ ચાલી નીકળી.
કચ્છની એ દીકરી, અડવાળ ગામ પરણાવેલી : એટલું જ મને યાદ રહ્યું છે. નામઠામ ભુલાણાં છે. પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે.
(ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર ભાગ-ચારમાંથી સભાર)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત