મયૂર ખાવડુ: બાવળના ઝાડની જ અસ્ખલિત વાતો તમને ક્યાં કરું. એ બાવળના ઝાડની થોડે આગળ જાવ તો સાખવાળું મેદાન. મેદાનની કાયામાં અસ્પૃશ્ય ઘાસ ઉગી નીકળેલું. ઘાસની વચ્ચે શહેનશાહની જેમ ઉભેલા ઊંચા ઊંચા તાડના ઝાડ. એમાં હોકા થાય. હું હોકા શોધું પણ મને મળે નહીં. નાનપણમાં નગર પંચાયત હાઈસ્કૂલ અને તાલાલાની નવરાત્રિના વખતે ખૂબ આરોગેલા. હોકાના પાછળના ભાગને દિવાલ પર જોરથી પછાડી તેને તોડવાના નિરર્થક પ્રયાસો કરતા. અમે તો નવરાત્રિની પ્રતીક્ષા જ હોકા માટે કરતા હતા.
આ તાળીયા ઝાડના વૃંદવિપિનમાંથી એક તો બળી ગયેલું. એનો દેહ સળગી ગયેલો માણસ હાથ ઉંચા કરી વેતસવૃતિ દર્શાવતો ઉભો હોય એવો લાગે. એની ચામડીમાં જ્યાં નજર કરો ત્યાં કોલસો જ કોલસો દેખાય. બઉં ઉંચું હોવું પણ સારું નહીં. વીજળીનો પ્રેમ વહેલો વહેલો મળે.
ઉનામાં તાળીના ઝાડ તો જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ત્યાં ને ઠેર ઠેર જોવા મળે. હું દૂધ લેવા જાઉં કે કરિયાણું લેવા, ચારેબાજુ તાળીઓના ઝાડથી જ ઘેરાયેલો હોઉં. જેમ અભિમન્યુ કોઠાયુદ્ધમાં કૌરવોથી. હિંમત છે પવનની કે તાળીના ઝાડનું પાન પણ હલબલાવી શકે. એ તો સ્થિતપ્રજ્ઞ જ ઊભું હોય. જાપાનીઓના પેલા પંખા જોયા હશે? ઉંચિવા! ઉંચિવા જેવા જ એના પાન. તલવાર જેવી ધાર. જાપાનની સિનેમાસૃષ્ટીએ તો પાત્રનો કાસળ કાઢવામાં પણ ઉંચિવાનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
ઉના વેરાવળના રોડની સાઈડમાં છોટુની દુકાન. છોટુ અને એનો નાનો ભાઈ કાનપૂરથી આવેલા. રોડની બાજુમાં માટલા વેચવાનો ધંધો કરે. ત્યાંથી જ ખાડો ખોદી માટી લઈ માટલા બનાવે અને એ માટી જ એના પેટનો ખાડો પૂરે. મારી અને મારા ભાઈની તેની સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે તે શાણો લાગ્યો હતો. મારો ભાઈ ભારે બોલકણો અને એ તો મારા ભાઈને પણ બોલ્યા વિના આંખોથી પાડી નાખે એવો. ઘરમાં પીવાનું ઠંડા પાણીનું માટલું નહીં એટલે છોટુને ત્યાં જવાનો ઠરાવ કરેલો. હિન્દી ભાષી હોવા છતાં છોટુ કડકડાટ ગુજરાતી બોલે. એની સાથે બે ઘડી સંવાદ કરો તો લાગે નહીં કે એ કાનપૂરની મોટી માયા છે. એણે કહેલું, ‘અહીં આવી ધંધો અને ભાષા શિખી ગયો.’ ખરેખર આ ભૂમિ વેપારીઓનું સર્જન કરે છે.
ચહેરાદાર છોટુમાં મને કોઈ જાતનું ષડયંત્ર ન દેખાયું. અહીં અમદાવાદમાં પરપ્રાંતિયો ગુજરાતી જાણતા હોવા છતાં આપણી સામે એની જ્ઞાનગોઠડીનું પ્રદર્શન નથી કરતા. બલ્કે એમને નથી આવડતું વિચારી, આપણે જ્યારે તેમની સમક્ષ ગુજરાતીમાં વાતો કરીએ છીએ, ત્યારે તે નદીમાં છૂપાયેલા મગરમચ્છની બહાર દેખાતી કાવતરાખોર આંખોની જેમ ઘણું બધું જાણી લે છે. અમદાવાદી પરપ્રાંતિયો કળાયલ છે, જ્યારે કાનપુરના છોટુની ઘૂના જેવી ઉંડી આંખોમાં ચાગલાપણું વર્તાતું નથી.
છોટુને ત્યાંથી માટલું લીધું અને ઘરે આવ્યા ત્યાં ચકલીઓ માટે કાંઈક વ્યવસ્થા કરવાની મોડે મોડે લાઈટ થઈ. ચકલીઓને એક જગ્યાએ સવાર-બપોર-સાંજનું ભાણું મળી જાય તો કેટલું સારું. ભૂરણા ને કૂતરાં પણ હેરાન ન કરે. નક્કી કર્યું કે બીજી વખત રોડ પર જવાનું થાય ત્યારે છોટુ પાસે જવું અને કુંડુ લઈ લેવું. એની પાસે પક્ષીઓ માટેના પાણી પીવાના પ્લાસ્ટિકના કુંડા લટકતા હતા, તેના પર મારી નજર ગયેલી. બાર-તેર દિવસ પછી એ પ્લાસ્ટિકનું કુંડુ પણ લઈ આવ્યો.
કુંડુ લઈ લટકાવવું ક્યાં તેની ઊઠવેઠમાં પડ્યો હતો. દિવાલ પાસે ઊભો રહી જોઉં ત્યાં મને બાવળનું ઝાડ દેખાયું. એની એક ડાળખી હલબલતી, ઈશારો કરતી, મને આકર્ષી રહી હતી. હું ચંપલ પહેરી બાવળના ઝાડની ઓથમાં ગયો. તેની એક ડાળખી મજબૂત લાગી. તેમાં કુંડુ લટકાવી દીધું. નાનાએ તેમાં ચોખા નાખી દીધા. હવે અમારે ખાલી રાહ જોવાની હતી કે ચકલીઓ ત્યાં આવે. અમે શબરીની જેમ અમારા રામની પ્રતીક્ષા કરવાં લાગ્યાં.
હવે ક્યાં મારે તમને બાવળના ઝાડથી વેગળા લઈ જવા. આ જુઓ બાવળના ઝાડની જ નજીક આસોપાલવ. આસોપાલ હોય એક પણ અડધે પહોંચતા આડો ફાટે. માણસની જેમ. પહેલા એને કેવો ધાર્યો હોય અને પછી કેવો આડો ફાટે! બાવળના ઝાડની સામે આવેલ આસોપાલવના ખખડધજ વૃક્ષની ડાબી બાજુનું પડ પ્રેમી અને જમણી બાજુનું પડ પ્રેમિકા લાગે છે. પવન આવે ત્યારે પ્રેમી પ્રેમિકા પર ચુંબન કરવા માટે નમતો હોય એવું દૃશ્ય સર્જાય છે. પ્રકૃતિ જગતના વિદ્વાનો ખોટું ન લગાવતા પણ પવન એ વૃક્ષોનો કામદેવ છે. સંસ્કૃત સાહિત્ય તો એવો હાશકારો પણ આપે છે કે, અશોક વૃક્ષ લાગણીશીલ હોય છે. કોઈ સુંદર સ્ત્રી તેને અડકે તો તેમાં ફૂલ આવે. સૃષ્ટીની તમામ જીવંત વસ્તુને સ્ત્રીની આસક્તિ છે.
આસોપાલવની બાજુમાં જ મકાન. ત્યાં એક ઘટાટોપ જામફળી. છોકરીઓ રોજ જામફળ પાડવા માટે તાર લઈ બેઠી હોય. પડે એટલે સાગમટે ખાય. આ એમનો નિત્યક્રમ. બપોરના બાર વાગ્યે જામફળના આખેટનું દૃશ્ય મારા મનોવિનોદની સિલકમાં વધારો કરે.
બપોર પછી હું બાવળના ઝાડ પાસે ગયો. ચકલીઓ ભૂખી ટળવળતી ચીચીચીચી કરતી હતી. બાપુજી અને બા જે હવે સાજી થઈ ગયેલી, બંનેએ એક જ સૂરમાં કહ્યું, ‘એને જડતું નથી.’ એ પ્લાસ્ટિકના કુંડા બાજુ નજર નહોતી નાખતી. એ ધૂળમાં ખાંખાખોળા કરે છે. ક્યારે મળશે ક્યારે મળશે તેની રાહમાં હું છું. બાવળના ઝાડમાં કુંડુ લટકાવ્યું અને તેમાં ચોખા નાખ્યાનાં એક અપરાધબોધને હ્રદયના ખૂણામાં સાચવી આમથી તેમ આટા મારું છું.
બાવળના ઝાડની આ બધી વાતો વચ્ચે મારે કરવા જેવી વાત તો રહી ગઈ. બાવળના ઝાડની બાજુમાં જ પણ થોડું છેટે એક બીજું બાવળનું ઝાડ. એ આ બાવળના ઝાડ કરતાં ઊંચું. એ કોઈ ખેડૂતના ઘરની સામે છે. ત્યાં ગાયોનું ધણ માખીઓનો ભારો પીઠ પર લઈ ઘાસ ખાવા ઊભું હોય. એક ચૌદેક વર્ષનો છોકરો ટ્રેક્ટર ચલાવી પોતાની કુશળતા દર્શાવતો હોય. સવારમાં મલયાનીલની વાર્તા ગોવાલણીની નાયિકા જેવી એક ગોવાલણીને મેં ત્યાં કામ કરતી જોઈ. એ ગોવાલણી એક ગાયને લઈ નીકળે. એ ગાયને જોઈ હું અભિભૂત થઈ જાઉં. વધેલા રોટલા હું ઊંચા કરું એટલે બાવળના ઝાડ પાસેથી ઠેકતી આવે. મારા હાથમાં રહેલા રોટલા ને રોટલીઓને સબડક કરતી ખાઈ જાય. હું તેને સ્પર્શ કરું. એની ચામડી ધ્રૂજી ઉઠે. ચાલી જાય. મારી અને તેની યારી થઈ ગઈ.
જમવા ટાણે અહીં એક સાપ આવતો હોવાની વાત પણ બાએ કરી. એક વખત બાવળના ઝાડે એ સાપ ચડી ગયો હતો. પક્ષીઓના માળામાંથી ઈંડા ખાવા માટે એ લાંબો થયેલો. એની પૂંછડી નીચે લબડે અને એ તો ક્યાંય બાવળનાં ટોડલે રખડે. કાંટા એનું કાંઈ બગાડી ન શકે. પાડોશીએ એ નાગનું રહસ્ય છતું કરતા કહેલું, ‘અહીં જ રખડે છે. ચારે બાજુ. એકવાર તો પાછળેય હતો. પૂંછડીથી જોયે તો મોઢું ક્યાં જાય છે ખબર જ નો પડે.’
આ બાવળનું ઝાડ કંઈ કેટલુંય સાચવીને બેઠું છે. ગાંડો બાવળ નકામો છે. તોપણ, આટલા બધા જાનવરોની વચ્ચે જીવે છે. આ પશુઓએ જ કદાચ તેના નાભિશ્વાસને ધબકતો રાખ્યો છે.
(ક્રમશ:)
(બાવળનું ઝાડ અને બીજી વાતો, લખ્યા તારીખ-25-4-2021)

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત