HomeસિનેમાવાદMoney Heist Season 5 VOL-2: અભિનેતાઓની ખરી કારકિર્દી હવે શરૂ થાય છે

Money Heist Season 5 VOL-2: અભિનેતાઓની ખરી કારકિર્દી હવે શરૂ થાય છે

ઝાલાવાડી જલજીરા: ફણીધર સાપને સરકતો જોવાની મજા છે. એ જાય ત્યારે કેટલો લાંબો અને રૂપાળો હોય છે તેના પર સર્પજીવીઓની મીટ મંડાયેલી હોય છે, પરંતુ જ્યારે એ આંખ આગળથી ઓઝલ થઈ જાય છે ત્યારે તેની પૂંછડી સરરર કરતી ફટાફટ સરકી જાય છે. ક્યાં ગયો? ક્યાં ગયો? કરતા રહી જઈએ છીએ. મની હાઈસ્ટની (Money Heist) સિઝનના અંતના પાંચ એપિસોડ જેને વોલ્યુમ-2 કહેવામાં આવી રહ્યા છે, તેની સાથે પણ આવું જ થયું છે. સિઝનની લોકપ્રિયતા એવી ગગનચૂંબી રહી કે આ વર્ષે દર્શકોને માત્ર પહેલા પાંચ એપિસોડ દર્શાવી, ગમતાં પાત્રને મોતને ઘાટ ઉતારાવી, સિરીઝના વાયરને જીવતો રાખ્યો.  

એન્ડ એવો નથી જેવો પ્રથમ સિઝનનો હતો, જેવો બીજી સિઝનનો હતો. જેમાં સુખોપચાર પણ હતો અને દુખોપચાર પણ હતો. સિઝન ત્રણ-ચાર અને પાંચ એક નવી વાર્તાથી શરૂ થયા હતા. એ વાર્તાનો આરંભ અનેરો હતો, મધ્ય રોચક ને થ્રીલ જમાવતો અને અંત તો સપાટ કરી દીધો છે. મની હાઈસ્ટ ઉપર અપરંપાર સ્નેહ વરસાવનારાઓને અંત ગમશે. બાકી જે લોકો ઘણી મોટી અપેક્ષા રાખી ડિસેમ્બર મહિનાની કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા, તેમના હાથમાં કંઈ ખાસ ક્રિસમસ ભેટ આવવાની નથી. ઉતાવળમાં અંત જોવા માટે ફાસ્ટ ફોરવર્ડ પણ થવાનું છે, એ અત્યારથી જ કહી દઉં છું.

રેતીને જેટલી દબાવો તેટલી એ હાથમાંથી સરકવા લાગે. મની હાઈસ્ટની સિઝન સાથે પણ આવું જ થયું છે. તેને એટલી દબાવી કે બધાની આતુરતા અને અપેક્ષા અનહદ વધી ગઈ. દર એપિસોડના અંતમાં જીવ તાળવે ચોંટાડી દે તેવો રોમાંચક અંત ઘડી કાઢનારા મેકર્સ, ખરાં અંતમાં ક્યાં અને કેવી રીતે લપસી પડ્યા કોઈને ખબર ન પડી. મેકર્સે ભવિષ્યનો કંઈ વિચાર કર્યો હોઈ શકે એમ પણ બને! આ વર્ષની સિઝન પાંચ જોવા માટે કોઈએ ઉત્તેજીત કર્યાં હોય તો તે ગાન્દિયા બનતો સિક્યોરિટી ગાર્ડ અને અલ્તુરો છે. જેમના ચોરથી બચીને નીકળવાના અવનવા પેંતરાઓએ આપણી અંદર રોષની દિવાસળી પેટાવી.

સિરીઝે અંતમાં ઘણું શીખવ્યું. ખાસ તો દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે અને લોકો કેવી રીતે મૂર્ખ બનતા રહે છે. સરકાર લોકોને પહેલા પણ ખિસ્સા ખાલી હોવાનું રડીને કહેતી હતી, આજે પણ કહે છે, આવતીકાલે પણ કહેશે. દેશની અર્થવ્યવસ્થા દાયકામાં એક વખત કેમ નબળી પડી જાય છે? મહામારીથી ફાયદો આપની કંપનીના માલિકોને થવાનો છે, જેઓ અઢળક કમાણી કરતા હોવા છતાં દાયકા સુધી તમને એમ જ કહેશે, કે કોરોનાના કારણે કંપની ખસ્તા ચાલી રહી છે આટલા રૂપિયામાં નોકરીએ લાગો. અને આપણી પાસે કોઈ ઓપ્શન નહીં હોય.

આ અર્થવ્યવસ્થા અને તેમાં ચાલતા લૂપહોલ્સને ઉઘાડા પાડવાનું કામ મની હાઈસ્ટે ખૂબ સરસ રીતે કર્યું છે. બહુ સરસ રીતે કર્યું છે. આ ફાટેલી નોટ બધે ચાલી જાય છે એવી વાતનું આશ્વાસન આપણને હસતા કરી દે, તો ભાઈ આ તો દેશની સરકાર છે! કેટલાય રાષ્ટ્રો તેમની જનતાને વર્ષો સુધી મૂર્ખ બનાવતા રહ્યા છે. યુરોપ અને અમેરિકાની વેબ સિરીઝ જોવાનો આનંદ એકંદરે એટલે પણ આવે છે કે તેઓ સત્ય સામે રાખી દે છે. સર્જક જે દર્શક જાણતો હોય એ જ દર્શાવે તો કૃતિની કિંમત વધી જવાની છે.

આ સિરીઝ અગાઉ રહી ગયેલા તમામ સવાલોના જવાબ આપી દેશે. કોઈ પાત્ર અધૂરું નહીં રહી જાય. ભૂતકાળમાં જવાનું કારણ પણ વર્તમાન છે. મની હાઈસ્ટમાં કોઈએ ખાસ આકર્ષિત કર્યાં હોય તો તે પ્રોફેસરના રોલે છે, પણ જીવન જીવવું હોય તો બર્લિનની જેમ જીવવું. આપણું અપમાન કરવાનો કોઈને હક નથી, જ્યારે પણ બોલો અભિયોગ્યતા દર્શાવો, કોઈ મારે છે તો હાથ ઉપર હાથ રાખીને દયામણા ચહેરે પ્રતીક્ષા ન કરો, નિષ્ફળ જાઓ છો તો ફરી એક પ્રયત્ન કરો. બાકીના પાત્રો શું છે? કોઈ જ્ઞાની છે, કોઈ હિંસક છે, કોઈ પ્રિતઘેલું છે…. પણ બર્લિન એક એવો વ્યક્તિ છે જેને ખબર છે કે તે વહેલા મોડો મૃત્યુ પામવાનો છે અને તોપણ શાનથી જીવે છે. ફક્ત ચોર નથી. ગીતો ગાય છે, ચિત્રો દોરે છે, સ્ત્રી-પુરુષના જ નહીં પણ પુરુષ-પુરુષના સંબંધને પણ મહત્વ આપે છે.

સીઝન તો પૂર્ણ થઈ પણ હવે તમામ અભિનેતાઓની માથે એક મોટી મુસીબત છે. તેમણે આ પાત્રમાંથી છૂટકારો મેળવવો પડશે. કોઈ એક બીબામાં ઢળી જવું એ કોઈ કલાકારને પસંદ નથી હોતું. સ્પેનની સિરીઝ વિશ્વભરમાં પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પામી, એ સારી વાત છે પણ શું એ ચક્રવ્યૂહમાંથી કલાકારો છટકી શકશે? આ તમામ અભિનેતાઓ આવનારા સમયમાં કોઈ એવું કેરેક્ટર પ્લે કરી શકે છે, જે મની હાઈસ્ટ પાત્ર કરતા પણ ચડીયાતું હોય? તો લોઢું માનવું રહ્યું. જોકે આ માટે દિગ્દર્શક અને લેખક પર પણ ઘણો દરોમદાર છે. અશ્વિની ભટ્ટ ગુજરાતી સસ્પેન્સ થ્રીલરના શા માટે બાદશાહ છે? એ આયનો પછી આશકા માંડલ આપે, ઓથાર આપે, આખેટ આપે અને અંગાર પણ આપે. કેટલી વિવિધતા આપે.

પ્રોફેસરના એક સંવાદ સાથે આપણે પણ અંત કરીએ: જે વૃક્ષને બરાબર પાણી પીવડાવ્યું હોય તેમાં નકલી ફળ નથી આવતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments