Homeવિશેષઝાઈકા ઈન્ડિયા કા: આપણને કર્ણસ્વાદ આપતા વિનોદ દુઆ

ઝાઈકા ઈન્ડિયા કા: આપણને કર્ણસ્વાદ આપતા વિનોદ દુઆ

Editors View: 1992માં આવેલી ઈન્ડો-જાપાન ટ્રેડિશન એનીમેશન રામાયણ ધ લેજન્ડ ઓફ રામ ફિલ્મમાં પ્રથમ દિવસના ઘનઘોર યુદ્ધના અંતે જ્યારે શત્રુ સૈનિકો મૃત્યુ પામી યુદ્ધભૂમિમાં પડ્યા હોય છે ત્યારે રામ તેમનો પણ અગ્નિસંસ્કાર કરે છે. આ પાછળનું કારણ પૂછતા રામ જણાવે છે, ‘મૃત્યુ પછી કોઈ કોઈનો દુશ્મન નથી હોતો.’

થોડા નજીક આવીએ. આપણા ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટીયામાં જોગીદાસ ખુમાણ વિશે લખ્યું છે. ભણવામાં પાઠ પણ આવતો હતો. તે પાઠના બે ફકરાં અહીં મૂકીએ જેથી તમને મેઘાણીની કલમ અને જોગીદાસના વ્યક્તિત્વનો પરિચય થાય.

‘બહારવટીયો ! બહારવટીયો ! બહારવટીયો ! એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઉંચો થયો. એણે સાદ દીધો કે “રાજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.”

મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળીયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તલવારો મ્યાન કરતાં કરતા અગાઉ કદિ ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા “જોગીદાસ, બ્હીશો મા હો !”

આ બે ફકરાં શા માટે મૂક્યાં છે? કોઈના નિધન પર પણ કેટલાકને રાજનીતિ દેખાય છે. ગઈકાલે વિનોદ દુઆના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર તેમને કેટલાક લોકો કટાક્ષભરી શ્રદ્ધાંજલિ આપતા હતા. ઠેકડી ઉડાવી રહ્યા હતા. પત્રકારત્વમાં વિનોદ દુઆ ખૂબ મોટું નામ. એનડીટીવીના ઝાઈકા ઈન્ડિયા કા કાર્યક્રમમાં તેમણે જે જીભનો રસ વૈભવ લાવ્યો તે તો અપ્રતિમ છે. ભારતના તેઓ પ્રથમ ફૂડ વ્લોગર રહ્યા. તેમના કાર્યક્રમમાં માત્ર ભોજનની વિશેષતા જ નહોતી આવતી. શબ્દોનું વૈવિધ્ય, જગ્યાનું મહત્વ, વાનગીની સાથે વિચારોની વિવિધતા પણ પીરસાતી હતી.

ટીવી પરના એન્કરો બોડી બનાવેલા, ચહેરા પર એક અકળ સ્મિત અકબંધ રાખેલા, સુંદર કપડાં પહેરેલા અને ટીપી વાંચતા નજરે ચડે છે. ટીવી એન્કરો પોતાની સમાચાર સ્ક્રિપ્ટ પોતે નથી લખતા, પણ કોપી એડિટર્સ લખે છે. એન્કરો જો કોઈ બુલેટિન સંભાળતા હોય તો અને તો જ લખે છે. વિનોદ દુઆ એ સૌથી અલગ પ્રકારના એન્કર. તેમનું લેખન પણ એવું જ ગજબનું રહ્યું. યૂટ્યુબ પર ઝાઈકા ઈન્ડિયા કા પ્રોગ્રામના કેટલાક કટકાઓ ઉપલબ્ધ છે. તેમાં તમને વિનોદ દુઆની પોતિકી શૈલી, માધ્યમને અનુરૂપ શબ્દોની લાઘવતા અને સાહિત્યનો મસાલો પણ મળી જશે.

એ મસૂરીમાં ગયા હોય તો પોતાના લેખનમાં રસ્કિન બોન્ડને લઈ આવતા હતા. એ કાશ્મીરમાં ગયા હોય તો ત્યાં નહેરુ ક્યાં ગયા હતા કે કઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ અહીંથી પસાર થઈ હતી તે પણ કહી સંભળાવે. ઝાઈકા ઈન્ડિયા કા કાર્યક્રમને માત્ર ભોજન સાથે સાંકળી આપણે તેની ખોટી પ્રશસ્તિ કરીએ છીએ. એ કાર્યક્રમમાં પ્રવાસનો આનંદ પણ હતો.

ભીના રસ્તાઓ પર ચાલતા વિનોદ દુઆ, ભીડમાંથી રસ્તો કરી ચાલતા વિનોદ દુઆ, સ્વાદની પરખ કરી આપણને કર્ણસ્વાદ આપતા વિનોદ દુઆ, ઈતિહાસની ઝાંખી કરાવતા વિનોદ દુઆ… અને ફક્ત વેજ માટે નહીં નોન વેજ માટેનો પણ કાર્યક્રમ. હિંમત છે કોઈ ગુજરાતી ફુડ શૉની? કાશ્મીરના લગ્નમાં મટન કરીથી લઈ, ક્યાં ક્યાં સુધી તેમણે કેટલાય વ્યંજનો માણ્યા અને સંભળાવ્યા. ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદની તેમણે મુલાકાત લીધી હતી. વેજીટેરિયન ઝાઈકાના સ્વાદ પણ કહ્યા અને નોન વેજીટેરિયન ઝાઈકાના પણ. અમદાવાદમાં તેઓ આ માટે ભઠીયાર ગલીમાં ગયા હતા. હવે વધારે તો શું કહીએ? અલવિદા તમામ પ્રકારના સ્વાદપારખું પત્રકાર વિનોદજી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments