ઝાલાવાડી જલજીરા: ભારતીય ફિલ્મ સર્જકો એક સમયે કળાને વરેલા હતા. હવે એ કળાની કોઈ કોઈ વખત ઝાંખી થાય છે. હિન્દી સિનેમામાં કળાને લઈ નર્યો દુકાળ છે તો બીજી તરફ સરકાર ઉપર ચાબખા મારતી ફિલ્મો પણ ક્યાં જોવા મળે છે. સરકારને બરાબરની આડેહાથ લીધી હોય તેવી અંતિમ ફિલ્મ અનુરાગ કશ્યપની ચોક્ડ હતી. જેમાં નોટબંધી પર કેટલાક કટાક્ષ હતા. ફિલ્મમાં હેપ્પી એન્ડિંગનું પૂંછડું હતું એટલે ઘણા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, કારણ કે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં આનંદિત અને ઉત્સાહિત કરતા અંત નથી હોતા. અંધારપટ અંત આણવાનો આકંઠ રસિયો અનુરાગ છે.
હોલિવુડમાં સરકાર પર કટાક્ષ કરતી અગણિત ફિલ્મો બની છે. એમાં વધુ એક ઉમેરાય છે. ડોન્ટ લુક અપ. ગુજરાતીમાં અર્થ થાય ઉપર નહીં જોવાનું. જ્યારે જગત આખું મોતના કૂવામાં ધકેલાવાનું હોય ત્યારે રાજકારણીઓ અને રાજકારણીઓના સાઢુભાઈ કહેવાતા વેપારીઓ કેવી રીતે જગત આખાને મામા બનાવી કાખમાં નાખી ઘુમે છે તેનું વાસ્તવિક ચિત્રપટ ડોન્ટ લુક અપ આપણી સમક્ષ રાખે છે. ફિલ્મનો હીરો લિયોનાર્ડો ડી કેપ્રિયો છે. બે વર્ષે એક ફિલ્મ લઈ આવવી અને દર્શકને પોતાના બાહુપાશમાં જકડી લેવાનો કિમીયાગર લિયોનાર્ડો છે. લિયોનાર્ડો છે અને જેનિફર લોરેન્સ છે. લિયોનાર્ડોને બીઅર્ડ છે જેનિફરની અવનવી હેર સ્ટાઈલ છે. એક પીએચડી સ્ટુડન્ટ છે અને એક પ્રોફેસર છે. વિષયવસ્તુ એવું છે કે એક વિશાળકાય શુદ્રગ્રહ પૃથ્વી સાથે અથડાવાનો છે.
આ જગતની તમામ ભૌતિક સંપદા પ્રાપ્ત કરવા માટે માનવમન અધિર રહે છે. પાણી એ પૃથ્વીની નૈસર્ગિક સંપદા હોવા છતાં અને તે કોઈ સરકારે બનાવ્યું ન હોવા છતાં આપણે તેના પૈસા ચૂકવવા પડે છે. પાણીના પાઉચથી શરૂ થયેલી આ રામાયણ હવે મોંઘીદાટ બોટલોના રાવણ સુધી પહોંચી ચૂકી છે. ફિલ્મે એ વાત પણ સરસ રીતે વણી લીધી છે. જ્યારે કોઈ વસ્તુ મફતમાં મળતી હોય છે ત્યારે પણ પોતાનો રૂઆબ દર્શાવવા માટે સત્તાધીશો અને અમીરો સામાન્ય લોકો પાસેથી પૈસા આંચકવાની એક તક જતી નથી કરતા. કોરોના મહામારીની થપાટમાં ભાવ ઘટવાની જગ્યાએ વધ્યા. દરેક વસ્તુના વધ્યા.
જો કોઈ પણ દેશને કોઈ આફતમાંથી સોનેરી અવસર દેખાય તો એ આફતને પોતાના હીત માટે વાપરશે, પછી ભલે જનતાની કમર વાંકી વળી જતી હોય અને તેનું ઘોર નિકંદન નીકળી જતું હોય. આકાશમાંથી આવી રહેલ શુદ્રગ્રહમાં એવી વસ્તુ છે જેનાથી ધનાઢ્ય બની શકાય એ વાતની અમેરિકાની શ્રીમતી પ્રેસિડેન્ટને ખબર પડતા એ જીવ રક્ષણનું આયોજન સ્થગિત કરી પૈસા બનાવવાની કરતબમાં લાગી જાય છે.
યુરોપના કેટલાય વિદ્વાનો કહી ચૂક્યા છે કે મહામારીનો ઉપયોગ લોકોની વિરૂદ્ધ કરવામાં આવશે. મહામારી ચાલ્યા ગયા પછી પણ આંશિક તો રહી જ શકે છે! પછી ડરાવવાના કોને? પછી મુખ્ય મુદ્દાથી ધ્યાન કેવી રીતે ભટકાવવું? જો મહામારી ચાલી જાય છે તો વિશ્વભરમાં જેનો આર્થિક રથ પૂરપાટ વેગે દોડી રહ્યો છે એ ફાર્મસી અને મેડિકલ શાખા સાવ પાણીમાં બેસી જાય. નીતનવા માસ્ક બનાવવાનો જે ઉદ્યોગ ફૂટ્યો છે એ ભંગારની જેમ પડી રહે. આ તમામ વસ્તુનો વિચાર તમને ડોન્ટ લુક અપ ફિલ્મ જોતા જોતા આવશે.
સરકાર અને વેપારીગણ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે તેની જનતાને ખબર નથી. અમેરિકાની કેટલાક ટકા જનતા સરકારનો અંધ બની વિશ્વાસ કરી રહી છે. સરકારનો વિરોધ કરી રહેલાઓને ગાળો ભાંડવામાં આવે છે. જ્યારે વિજ્ઞાનીઓ કહે છે ઉપર જુઓ ત્યારે રાજકારણીઓ કહે છે, નીચે જુઓ. રાજકારણીઓની મીઠી વાણીમાં જનતા ફસાઈ જાય છે. હમણાં સરકાર સાચી ઠરશે, હમણાં સાચી ઠરશે ના ખોટા બળાપાની વચ્ચે સમય એવો આવે છે કે જનતાને એની આંખ આગળ શુદ્રગ્રહ પડતો દેખાય છે. હવે સરકારને ગમે એટલી ગાળો આપો, એ પડવાનો જ છે. ધરતીનું કાસળ નીકળવાનું જ છે.
આમાં સોને પે સુહાગા થઈ આનંદ મેળવવાનું દુર્લભ કાર્ય મીડિયા કરે છે. ફિલ્મ મીડિયાને લઈ કંઈ કટાક્ષ નથી કરી રહી પણ વાસ્તવિક દૃશ્ય આપણી આંખો સામે રાખે છે. ચેનલની ટીઆરપીમાં આવતા ધરખમ ઉછાળા માટે બે એન્કર શો ચલાવે છે. એ શું ચલાવે છે? સિંગરનું બ્રેક અપ કેવી રીતે થયું? અને લાઈવમાં બ્રેકઅપનું પેચ અપ પણ કરાવી દે છે. જે વસ્તુ લોકોને ગમતી હોય તેને વારંવાર દર્શાવવામાં કંઈ ખોટું નથી. આફ્ટરઓલ તમને બહુમતિને ગમે છે એટલે ચલાવે છે. તમારો સ્વાદ બદલશે તો એ લોકોને પણ ફરજિયાત બીજું કંઈ દર્શાવવું પડશે.
લિયોનાર્ડોની દરેક ફિલ્મની માફક આ ફિલ્મ પણ લાંબી છે. જોકે તેમાં હાસ્ય છે. નિંદા છે. કૂથલી છે. સેક્સ છે. સરકસ જેવું મીડિયા છે. રાજકારણનો ભાદરવો બંને કાંઠે છલકાયો છે. પ્રિયજનો પાસેથી મળતી બેવફાઈ છે. વિજ્ઞાન છે પણ રાજકારણીઓને સમજાય નહીં એવું. હિન્દીમાં ઉપલબ્ધ છે. જોઈ નાખો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત