Team Chabuk-Special Desk: ગુજરાતમાં દિનપ્રિતદિન ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળતા થયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ બેફામ ઉપયોગમાંથી બહાર આવી પ્રાકૃતિક ઢબે ખેતી અપનાવી મબલખ ઉત્પાદન અને આવક મેળતી થઈ છે. આવા જ એક ઝાલાવાડના ગૌત્તમગઢના પ્રગતિશીલ ખેડુત હમીરસિંહ પરમાર છે. ઝાલાવાડના લીંબડી અને ચૂડા તાલુકાના વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રયત્નો કરતા બિહારના અભિત્તાપસિંહ સાથે હમીરસિંહની ૧૨ વર્ષ પહેલા મુલાકાત થઈ અને તે મુલાકાત બાદ તેમને પ્રાકૃતિક ઢબે ખેતી કરવાની પ્રેરણા મળી.
વર્ષ 2008થી અપનાવી પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતીના તેમના ૧૨ વર્ષના અનુભવોની ગાથા વર્ણવતાં હમીરસિંહ કહે છે કે, મારી પાસે રહેલી ૩ એકર જમીનમાં આજથી ૨૬ વર્ષ પહેલા મે લીંબુનો એક છોડ રૂપિયા ૩ લેખે ખરીદી કુલ ૨૨૦ લીંબુના છોડનું વાવેતર કર્યું હતું. લીંબુના છોડના વાવેતર બાદના હમીરસિંહે વર્ષ ૨૦૦૮ થી પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ અપનાવી છોડની માવજત કરી હતી, જેનું પરિણામ તેમને પ્રથમ વર્ષે જ મળવાનું શરૂ થયું હતું.
લીંબુમાંથી કમાયા 65 લાખ
લીંબુના ઉત્પાદન અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, મને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવ્યાના કુલ ૧૨ વર્ષ થયા છે, પ્રાકૃતિક ખેતી થકી પ્રથમ વર્ષથી જ હું ૬૦૦ થી ૭૦૦ મણ જેટલા મૂલ્યવર્ધક લીંબુંનું ઉત્પાદન કરી વાર્ષિક રૂપિયા ૫.૫૦ લાખ જેટલી નિશ્ચિત આવક મેળવું છું અને અત્યાર સુધીમાં મે લીંબુના ઉત્પાદન થકી કુલ ૬૫ લાખથી વધુની આવક મેળવી છે. આમ, નહિવત ખર્ચે બમણી આવક મેળવવા માટે હું ઈન્દોરી પદ્ધતિ દ્વારા વાર્ષિક ૬૦,૦૦૦ કિલોગ્રામ જેટલું સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન કરું છું, જે પૈકીના ૧૦,૦૦૦ કિલોગ્રામ ખાતરનો હું મારી ખેત પેદાશ માટે ઉપયોગ કરુ છુ, જ્યારે બાકીના ૫૦,૦૦૦ કિલોગ્રામ ખાતરને મારા ભાવે વેચાણ કરી આવક મેળવું છું.
ફેમિલી ફાર્મનું નિર્માણ
ગૌમૂત્ર, લીમડાના પાન, છાસ અને આકડાના મિશ્રણના સેન્દ્રીય ખાતરના મીની પ્લાન્ટ થકી તૈયાર થતાં જંતુનાશક દ્રાવણનો છંટકાવ કરી પાકને રોગનો ભોગ બનતો અટકાવીએ છીએ. જેના પરિણામે મહેનત અને ખેડૂતને ખર્ચ ઓછો થાય છે, જ્યારે દવાનો ખર્ચ પણ થતો નથી. કુષિના આ મોડેલમાં અમે બજારમાંથી કંઈ પણ ખરીદતા નથી અને પાડોશી જે ઉત્પાદન કરે છે તેના કરતા ઓછું ઉત્પાદન પણ લેતા નથી. આ તમામ ઉત્પાદન અને તેમાંથી બનાવેલ અથાણાનો અમે ફેમિલી ફાર્મ દ્વારા પ્રતિ કિલો દીઠ રૂપિયા ૩૫૦ની કિંમતે નિશ્ચિત ગ્રાહકોમાં હોમ ડીલેવરી કરી વેચાણ કરીએ છીએ.
હમીરસિંહ બન્યા પ્રેરણાસ્ત્રોત
પ્રાકૃતિક પધ્ધતિ થકી નફામાં પરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે હમીરસિંહભાઈએ પ્રાકૃતિક ખેતીના જ્ઞાન માટે ભારતના ૬ રાજ્યોનો પ્રવાસ પણ કર્યો છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને લોકો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધે તે માટે તેમને પોતાના ફાર્મ પર અત્યાર સુધીમાં સ્વખર્ચે કુલ ૨૬ જેટલી શિબિરનું આયોજન પણ કરેલું છે, અને અત્યાર સુધીમાં ૬,૦૦૦થી વધુ લોકોએ તેમના ફાર્મની મુલાકાત પણ લીધેલી છે. જેના પરિણામે તેમનામાંથી પ્રેરણા મેળવી ૫ ખેડુતોએ ઓર્ગેનિક ફાર્મ અને ૧૦ ખેડુતો લીંબુના બગીચા કરી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
અનેક એવોર્ડથી સન્માન
હમીરસિંહભાઈને વર્ષ ૨૦૧૩માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ ખેડુત એવોર્ડ, વર્ષ ૨૦૧૪માં જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ ખેડુત, વર્ષ ૨૦૧૫-૧૬માં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, રાજ્યના શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા ધરતી પુત્ર પુરસ્કાર, કિસાન સન્માન પુરસ્કાર તથા વર્ષ ૨૦૨૧માં સરદાર સ્મૃતિ રજતજયંતિ પુરસ્કાર તથા સેન્ટ્રલ ફોરેસ્ટી એન્ડ ફુડ સેફ્ટી – નવી દિલ્લી દ્વારા નેશનલ ફૂડ હિરો ઓફ ઈન્ડીયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
